સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દરરોજ યહોવા સાથે કામ કરીએ

દરરોજ યહોવા સાથે કામ કરીએ

“અમે ઈશ્વરના સાથી કામદારો છીએ.”—૧ કોરીં. ૩:૯.

ગીતો: ૪૪, ૨૮

૧. આપણે કઈ રીતોએ યહોવા સાથે કામ કરી શકીએ?

યહોવાએ મનુષ્યોનું સર્જન કર્યું, ત્યારથી તે ચાહતા હતા કે મનુષ્યો તેમના સાથી કામદારો બને. ભલે માણસજાત અપૂર્ણ છે, તોપણ વફાદાર લોકો યહોવા સાથે દરરોજ કામ કરી શકે છે. દાખલા તરીકે, જ્યારે આપણે ખુશખબર ફેલાવીએ છીએ અને શિષ્યો બનાવીએ છીએ, ત્યારે “ઈશ્વરના સાથી કામદારો” બનીએ છીએ. (૧ કોરીં. ૩:૫-૯) સર્વશક્તિમાન સર્જનહારે આપણને મહત્ત્વના કામ માટે પસંદ કર્યા છે, એ કેટલા સન્માનની વાત કહેવાય! ખુશખબર ફેલાવવા ઉપરાંત બીજી ઘણી રીતોથી આપણે યહોવા સાથે કામ કરી શકીએ છીએ. આપણે શીખીશું કે યહોવા સાથે આ રીતો દ્વારા કામ કરી શકીએ છીએ: કુટુંબીજનો અને મંડળનાં ભાઈ-બહેનોને મદદ કરીને, મહેમાનગતિ બતાવીને, દુનિયા ફરતે થઈ રહેલા સંગઠનના કામમાં મદદ કરીને અને યહોવાની સેવામાં વધારે મહેનત કરીને.—કોલો. ૩:૨૩.

૨. આપણે યહોવાની સેવામાં જે કંઈ કરીએ એની સરખામણી બીજાઓ સાથે કેમ ન કરવી જોઈએ?

આ લેખની ચર્ચા કરીએ તેમ, યાદ રાખીએ કે આપણે બધા એકબીજાથી અલગ છીએ. દરેક વ્યક્તિનાં સંજોગો, ઉંમર, તંદુરસ્તી અને આવડતો એકસરખાં હોતાં નથી. એટલે, આપણે યહોવાની સેવામાં જે કંઈ કરીએ, એની સરખામણી બીજાઓ સાથે ન કરીએ. પ્રેરિત પાઊલે કહ્યું, “દરેક પોતાનાં કાર્યોની તપાસ કરે અને આમ તેને પોતાના માટે આનંદ કરવાનું કારણ મળશે. તેણે પોતાનાં કાર્યોની સરખામણી બીજાઓ સાથે ન કરવી.”—ગલા. ૬:૪.

કુટુંબીજનો અને મંડળનાં ભાઈ-બહેનોને મદદ કરીએ

૩. આપણે શાના પરથી કહી શકીએ કે જેઓ કુટુંબની કાળજી રાખે છે, તેઓ યહોવાને સાથ આપે છે?

યહોવા ચાહે છે કે આપણે કુટુંબની સંભાળ રાખીએ. દાખલા તરીકે, કુટુંબનું ભરણપોષણ કરવા તમારે પૈસા કમાવવા પડે છે. અમુક માતાઓએ બાળકોની સંભાળ રાખવા ઘરે રહેવું પડે છે. જ્યારે વૃદ્ધ માતા-પિતા પોતાની સંભાળ ન રાખી શકે, ત્યારે તેઓને મદદની જરૂર પડે છે. એ બધી બાબતો જરૂરી છે. બાઇબલ જણાવે છે: “જો કોઈ માણસ પોતાના લોકોની, ખાસ કરીને પોતાના ઘરના સભ્યોની જરૂરિયાતો પૂરી ન કરે, તો તેણે પોતાની શ્રદ્ધા ત્યજી દીધી છે અને તે શ્રદ્ધા ન રાખનારા કરતાં પણ વધારે ખરાબ છે.” (૧ તિમો. ૫:૮) કુટુંબની જવાબદારીઓ હોવાથી કદાચ તમને લાગે કે યહોવાની સેવામાં તમે જેટલું ચાહો છો, એટલું કરી શકતા નથી. પણ હિંમત હારશો નહિ! તમે કુટુંબનું ભરણપોષણ કરો છો, ત્યારે યહોવા ખુશ થાય છે.—૧ કોરીં. ૧૦:૩૧.

૪. માતા-પિતા કઈ રીતે યહોવા સાથે કામ કરી શકે અને એનું કેવું પરિણામ આવશે?

ઈશ્વરભક્ત માતા-પિતા કઈ રીતે યહોવા સાથે કામ કરી શકે? એ માટે તેઓએ બાળકોને યહોવાની સેવામાં ધ્યેયો રાખવા મદદ કરવી જોઈએ. ઘણાં માતા-પિતાએ એ બાબત લાગુ પાડી છે. એના પરિણામે, તેઓનાં દીકરા-દીકરીઓએ પૂરા સમયની સેવા કરવાનું નક્કી કર્યું છે, અરે ઘરથી દૂર જઈને પણ. અમુક મિશનરીઓ બન્યા છે, બીજા અમુક જ્યાં પ્રકાશકોની વધુ જરૂર છે ત્યાં જઈને પાયોનિયર સેવા કરે છે અને કેટલાંક બેથેલમાં સેવા આપે છે. ખરું કે, બાળકો દૂર હોય ત્યારે, માતા-પિતા ચાહે એટલો સમય તેઓ સાથે વિતાવી શકતાં નથી. તોપણ માતા-પિતા પોતાનાં બાળકોને ઉત્તેજન આપે છે કે, તેઓ જ્યાં પણ હોય ત્યાં યહોવાની સેવામાં મંડ્યા રહે. શા માટે? કારણ કે બાળકો પોતાના જીવનમાં યહોવાને પ્રથમ સ્થાન આપે છે, એ જોઈને માતા-પિતાનું દિલ ખુશીથી છલકાઈ જાય છે. (૩ યોહા. ૪) એમાંનાં ઘણાં માતા-પિતા હાન્ના જેવું અનુભવે છે. હાન્નાએ કહ્યું હતું કે તેમણે પોતાનો દીકરો શમૂએલ યહોવાને “અર્પણ” કર્યો છે. સાચે જ, યહોવા સાથે આ રીતે કામ કરવું માતા-પિતા માટે ગર્વની વાત કહેવાય!—૧ શમૂ. ૧:૨૮.

૫. તમે મંડળનાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ કરી શકો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

જો તમારી પાસે હમણાં કુટુંબની કોઈ જવાબદારી ન હોય, તો શું તમે બીમાર, વૃદ્ધ કે મદદની જરૂર હોય એવા ભાઈ કે બહેનને સહાય કરી શકો? કે પછી તેઓની સંભાળ રાખનાર લોકોને ટેકો આપી શકો? તમારા મંડળમાં નજર કરો કે એવા લોકો કોણ છે, તેઓને સહાય કરવાની તક જતી કરશો નહિ. ધારો કે, એક બહેન પોતાનાં વૃદ્ધ માબાપની સંભાળ રાખે છે. શું તેમનાં માબાપ સાથે તમે સમય વિતાવી શકો, જેથી બહેન બીજાં કામો કરી શકે? અથવા શું તમે એવાં ભાઈ-બહેનને સભા, બજાર કે કોઈની ખબર કાઢવા હૉસ્પિટલ લઈ જઈ શકો? તેઓએ મદદ માટે કદાચ યહોવાને પ્રાર્થના કરી હશે. તેઓને સહાય કરીને તમે યહોવા સાથે કામ કરનારા બનો છો.—૧ કોરીંથીઓ ૧૦:૨૪ વાંચો.

મહેમાનગતિ બતાવીએ

૬. આપણે કઈ રીતે મહેમાનગતિ બતાવી શકીએ?

ઈશ્વરના સાથી કામદારો મહેમાનગતિ બતાવવા માટે જાણીતા છે. બાઇબલમાં “મહેમાનગતિ” માટે વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય, “અજાણ્યાઓને પ્રેમ” બતાવવો. (હિબ્રૂ. ૧૩:૨, ફૂટનોટ) બાઇબલમાં આપેલા દાખલામાંથી આપણે લોકોને મહેમાનગતિ બતાવવાનું શીખી શકીએ છીએ. (ઉત. ૧૮:૧-૫) ભલે તેઓ આપણાં ભાઈ-બહેન હોય કે ન હોય, આપણે મદદ કરી શકીએ છીએ. હા, એમ કરતા રહેવું જોઈએ!—ગલા. ૬:૧૦.

૭. પૂરા સમયના સેવકોને મહેમાનગતિ બતાવવાથી આપણને કેવા ફાયદા થાય છે?

પૂરા સમયના સેવકો માટે મહેમાનગતિ બતાવીને શું તમે યહોવા સાથે કામ કરી શકો? (૩ યોહાન ૫, વાંચો.) એમ કરીએ છીએ ત્યારે, તેઓની સાથે સાથે આપણને પણ ફાયદો થાય છે. બાઇબલ જણાવે છે કે એમ કરવાથી આપણને “અરસપરસ ઉત્તેજન” મળે છે. (રોમ. ૧:૧૧, ૧૨) ચાલો, ભાઈ ઑલફનો દાખલો જોઈએ. તે યુવાન હતા ત્યારે, એક સરકીટ નિરીક્ષક તેમના મંડળની મુલાકાતે આવ્યા હતા. મંડળમાંથી કોઈ પણ તેમને પોતાના ઘરે રાખી શકે એમ ન હતું. ઑલફનાં માતા-પિતા સત્યમાં ન હતાં. તેમણે સરકીટ નિરીક્ષકને ઘરે રાખવાની માતા-પિતા પાસે પરવાનગી માંગી. તેઓએ હા પાડી પણ કહ્યું કે ઑલફે સોફા પર ઊંઘવું પડશે. તેમને એનો અફસોસ થયો નહિ. ઑલફ અને સરકીટ નિરીક્ષક રોજ સવારે વહેલા ઊઠતા અને નાસ્તો કરતી વખતે રસપ્રદ વિષયો પર વાત કરતા. સરકીટ નિરીક્ષક સાથેનું એ અઠવાડિયું યાદગાર હતું! સરકીટ નિરીક્ષક તરફથી એટલું ઉત્તેજન મળ્યું કે ઑલફે પૂરા સમયની સેવા કરવાનું નક્કી કર્યું. છેલ્લાં ૪૦ વર્ષોથી ઑલફ અલગ અલગ દેશોમાં મિશનરી તરીકે સેવા આપી રહ્યા છે.

૮. ભલે બીજાઓ કદર ન કરે તોપણ શા માટે આપણે દયા બતાવવી જોઈએ? દાખલો આપો.

આપણે ઘણી રીતોએ અજાણ્યાઓને પ્રેમ બતાવી શકીએ છીએ. ભલે શરૂઆતમાં તેઓ કદર ન બતાવે, તોપણ એમ કરવું જોઈએ. દાખલા તરીકે, સ્પેનમાં યેસિકા નામની સ્ત્રી સાથે આપણાં એક બહેન અભ્યાસ કરતાં હતાં. યેસિકા ઇક્વેડોરની હતી. એક દિવસ બાઇબલ અભ્યાસ દરમિયાન યેસિકાનાં આંસુ બંધ થવાનું નામ લેતાં ન હતાં. એટલે બહેને તેને એનું કારણ પૂછ્યું. યેસિકાએ જણાવ્યું કે પહેલાં તે બહુ ગરીબ હતી. ઇક્વેડોરમાં હતી ત્યારે એક દિવસ પોતાની બાળકીને આપવા તેની પાસે પાણી સિવાય કશું જ ન હતું. બાળકીને સુવડાવતી વખતે તેણે મદદ માટે પ્રાર્થના કરી. થોડા જ સમયમાં, બે સાક્ષીઓ તેના ઘરે આવ્યા અને તેને મૅગેઝિન આપ્યું. પણ તેઓ સાથે તેણે ખરાબ વર્તન કર્યું અને મૅગેઝિન પણ ફાડી નાખ્યું. તેણે કહ્યું, ‘મારી દીકરીને શું હું આ ખવડાવું?’ સાક્ષી બહેનોએ યેસિકાને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો પણ તેણે તેઓનું સાંભળ્યું નહિ. પછીથી, એ બહેનો તેના દરવાજા આગળ ખોરાકની એક ટોપલી મૂકી ગયાં. તે એટલા માટે રડતી હતી કે, તેને અહેસાસ થયો કે એ દિવસે ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો હતો, પણ તેણે ગણકાર્યું ન હતું. પરંતુ, હવે યેસિકાએ મનમાં ગાંઠ વાળી કે તે યહોવાની જ સેવા કરશે. સાચે જ, ઉદારતાનું કેવું સરસ પરિણામ!—સભા. ૧૧:૧,.

સંગઠન માટે કામ કરવા આગળ આવીએ

૯, ૧૦. (ક) રાજીખુશીથી સેવા આપવાની ઇઝરાયેલીઓ પાસે કઈ તક હતી? (ખ) આજે ભાઈઓ મંડળમાં કઈ રીતે મદદ આપી શકે?

રાજીખુશીથી સેવા આપવાની ઇઝરાયેલીઓ પાસે ઘણી તક હતી. (નિર્ગ. ૩૬:૨; ૧ કાળ. ૨૯:૫; નહે. ૧૧:૨) આજે આપણી પાસે પણ રાજીખુશીથી સેવા આપવાની ઘણી તક છે. આપણાં સમય-શક્તિ અને આવડત ભાઈ-બહેનોની મદદ કરવામાં વાપરી શકીએ છીએ. તમે એમ કરશો ત્યારે ઘણો આનંદ થશે અને અનેક આશીર્વાદો મેળવશો.

૧૦ મંડળના ભાઈઓને બાઇબલ ઉત્તેજન આપે છે કે, તેઓ સહાયક સેવકો અને વડીલો તરીકે સેવા આપીને યહોવા સાથે કામ કરે. (૧ તિમો. ૩:૧, ૮, ૯; ૧ પીત. ૫:૨, ૩) આ રીતે સેવા આપનાર ભાઈઓ બીજાઓને વ્યવહારું મદદ કરે છે અને ભક્તિમાં પણ સહાય કરે છે. (પ્રે.કા. ૬:૧-૪) શું વડીલોએ તમને એટેન્ડન્ટ, સાહિત્ય, પ્રચાર વિસ્તાર, સમારકામ કે બીજા કોઈ વિભાગમાં મદદ આપવા જણાવ્યું છે? આવા કામ કરનારા ભાઈઓને ઘણી ખુશી મળી છે.

સંગઠનના કામમાં રાજીખુશીથી સેવા આપનારાઓને સારા મિત્રો બનાવવાનો મોકો મળ્યો છે (ફકરો ૧૧ જુઓ)

૧૧. બાંધકામ દરમિયાન બનાવેલા મિત્રોથી એક બહેનને કેવો ફાયદો થયો?

૧૧ બાંધકામ વિભાગમાં રાજીખુશીથી સેવા આપનાર ભાઈ-બહેનોને ઘણી વાર સારા મિત્રો બનાવવાનો મોકો મળ્યો છે. મર્જે નામનાં બહેને પ્રાર્થનાઘરના બાંધકામમાં ૧૮ વર્ષ સેવા આપી છે. બાંધકામ દરમિયાન તે યુવાન બહેનોમાં રસ લેતાં અને તેઓને તાલીમ આપતાં. તે જણાવે છે કે બાંધકામ વિભાગમાં રાજીખુશીથી સેવા કરવાથી એકબીજાને ઉત્તેજન આપવાની સારી તક મળે છે. (રોમ. ૧:૧૨) એ સેવા દરમિયાન તેમણે ઘણા મિત્રો બનાવ્યાં હતાં. તેમણે જીવનમાં તકલીફોનો સામનો કર્યો ત્યારે, એ મિત્રોએ તેમને ઉત્તેજન આપ્યું હતું. શું તમે ક્યારેય બાંધકામ વિભાગમાં કામ કર્યું છે? તમારી પાસે કોઈ ખાસ આવડત ન હોય, તોપણ તમે એમાં કામ કરી શકો છો.

૧૨. કુદરતી આફતો વખતે તમે કઈ રીતે મદદ આપી શકો?

૧૨ કુદરતી આફત વખતે ભાઈ-બહેનોને મદદ આપીને પણ આપણે યહોવા સાથે કામ કરી શકીએ છીએ. દાખલા તરીકે, આપણે પૈસા આપી શકીએ. (યોહા. ૧૩:૩૪, ૩૫; પ્રે.કા. ૧૧:૨૭-૩૦) બીજી એક રીત છે, કુદરતી આફતો પછી સાફ-સફાઈ અને સમારકામ કરી શકીએ. પોલૅન્ડનાં બહેન ગેબ્રીએલાનું ઘર પૂરના લીધે નુકસાન પામ્યું હતું. નજીકના મંડળોના ભાઈઓ મદદ કરવા આવ્યા ત્યારે, બહેન ખુશ થઈ ગયાં. એ અનુભવ વિશે તે જણાવે છે કે શું ગુમાવ્યું એની તેમને ચિંતા નથી, પણ જે મળ્યું છે એના પર તે ધ્યાન આપે છે. તે કહે છે: ‘આ અનુભવથી મને પાકી ખાતરી મળી છે કે ખ્રિસ્તી મંડળનો ભાગ હોવું એક અદ્ભુત લહાવો છે. ઉપરાંત, મંડળ તો એવો ઝરો છે જ્યાંથી આનંદ અને ખુશી વહેતાં રહે છે.’ કુદરતી આફતો વખતે મદદ મેળવનારાં ઘણાં ભાઈ-બહેનોએ એવું જ અનુભવ્યું છે. ધ્યાન આપો કે, મદદ કરવા આગળ આવનાર ભાઈ-બહેનો પણ યહોવા સાથે કામ કરે છે. આમ, તેઓને ખુશી અને સંતોષ મળે છે.—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫; ૨ કોરીંથીઓ ૯:૬, ૭ વાંચો.

૧૩. રાજીખુશીથી કામ કરવાથી યહોવા માટેનો પ્રેમ કઈ રીતે વધે છે? દાખલો આપો.

૧૩ એક દેશમાં યુદ્ધ ફાટી નીકળવાને લીધે કેટલાક સાક્ષીઓ યુનાઈટેડ સ્ટેટ્સ નાસી આવ્યા હતા. બહેન સ્ટેફની અને બીજા પ્રકાશકોએ શરણાર્થી ભાઈ-બહેનોને ઘર શોધવા અને ફર્નિચર મેળવવા મદદ કરી હતી. આમ તેઓએ યહોવા સાથે કામ કર્યું હતું. સ્ટેફની બહેન જણાવે છે: ‘દુનિયા ફરતેના ભાઈચારાનો અનુભવ કરવાને લીધે એ ભાઈ-બહેનોએ આનંદ અને આભાર વ્યક્ત કર્યો હતો. એનાથી અમને ઉત્તેજન મળ્યું. એ કુટુંબોને લાગતું કે અમે તેઓને મદદ કરી છે પણ હકીકતમાં તો, તેઓએ અમને ઘણી મદદ પૂરી પાડી હતી. અમે પ્રેમ, એકતા, શ્રદ્ધા અને યહોવા પર આધાર રાખવાનો અનુભવ કર્યો હતો. એનાથી યહોવા માટેનો અમારો પ્રેમ વધ્યો હતો. વધુમાં, સંગઠન આપણને જે પૂરું પાડી રહ્યું છે, એના પ્રત્યે અમે ઊંડી કદર બતાવી શક્યા છીએ.’

યહોવાની સેવામાં વધારે મહેનત કરો

૧૪, ૧૫. (ક) પ્રબોધક યશાયાએ કેવું વલણ બતાવ્યું હતું? (ખ) કઈ રીતે ઈશ્વરભક્તો યશાયા જેવું વલણ રાખી શકે?

૧૪ શું તમે યહોવાની સેવામાં વધારે મહેનત કરવા માંગો છો? શું વધુ પ્રકાશકોની જરૂર હોય એવા વિસ્તારમાં તમે રહેવા જશો? યહોવાની સેવામાં વધારે મહેનત કરવા માટે જરૂરી નથી કે આપણે ઘણે દૂર જઈએ. પરંતુ, અમુક ભાઈ-બહેનોના સંજોગો એવા છે કે તેઓ એમ કરી શકે છે. તેઓ પ્રબોધક યશાયા જેવું વલણ રાખે છે. જ્યારે યહોવાએ પૂછ્યું: ‘હું કોને મોકલું? અમારે માટે કોણ જશે? ત્યારે મેં કહ્યું, હું આ રહ્યો; મને મોકલો.’ (યશા. ૬:૮) જો તમારા માટે શક્ય હોય તો શું તમે યહોવાના સંગઠનમાં વધુ મદદ કરવા તૈયાર છો? તમે કઈ રીતોથી મદદ કરી શકો છો?

૧૫ ખુશખબર ફેલાવવા અને શિષ્યો બનાવવા વિશે ઈસુએ કહ્યું હતું: “ફસલ તો ઘણી છે, પણ મજૂરો થોડા છે. એ માટે ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે તે વધારે મજૂરો મોકલે.” (માથ. ૯:૩૭, ૩૮) વધુ પ્રકાશકોની જરૂર હોય એવી જગ્યાએ જઈને શું તમે પાયોનિયર સેવા કરી શકો? શું તમે બીજા કોઈને એમ કરવા મદદ કરી શકો? પ્રકાશકોની જરૂર હોય એવી જગ્યાએ જઈને પાયોનિયરીંગ કરવું સારું કહેવાશે. ઘણાં ભાઈ-બહેનોને એવું લાગે છે કે ઈશ્વર અને પડોશી પ્રત્યે પ્રેમ બતાવવાની એ સૌથી સારી રીત છે. એવી બીજી પણ કેટલીક રીતો છે, જેનાથી તમે સેવામાં વધુ કરી શકો. જો તમે એમ કરશો તો તમને ઘણી ખુશી મળશે.

૧૬, ૧૭. યહોવાની સેવામાં વધુ કરવાની અમુક રીતો કઈ છે?

૧૬ શું તમે બેથેલમાં કે બાંધકામ વિભાગમાં થોડા સમય માટે સેવા આપી શકો? કે પછી અઠવાડિયામાં એક દિવસ અથવા અમુક દિવસો સેવા આપી શકો? જરૂર હોય ત્યાં સેવા આપવા ખુશીથી તૈયાર હોય એવા લોકોની સંગઠનમાં ખૂબ જરૂર છે. બીજા કોઈ કામનો અનુભવ હોવા છતાં સોંપેલું કોઈ પણ કામ કરવા તૈયાર હોય, એવાં ભાઈ-બહેનોની જરૂર છે. યહોવા એવા લોકોની કદર કરે છે, જેઓ જતું કરવા તૈયાર હોય છે અને જરૂર હોય ત્યાં જવા આગળ આવે છે.—ગીત. ૧૧૦:૩.

૧૭ યહોવાની સેવામાં વધુ કરી શકો માટે શું તમે વધારે તાલીમ લેવા માંગો છો? કદાચ તમે રાજ્ય પ્રચારકોની શાળા માટે અરજી કરી શકો. એ શાળા પૂરા સમયની સેવા કરી રહેલા પરિપક્વ ભાઈ-બહેનો માટે છે. એ શાળામાં તેઓને તાલીમ આપવામાં આવે છે જેથી સંગઠન તેઓનો ઉપયોગ કરી શકે. જેઓ આ શાળામાં જવા ચાહતા હોય તેઓએ સંગઠન મોકલે ત્યાં જવા તૈયાર રહેવું જોઈએ. શું તમે આ રીતે યહોવાની સેવામાં વધુ કરવા માંગો છો?—૧ કોરીં. ૯:૨૩.

૧૮. દરરોજ યહોવા સાથે કામ કરવાથી કેવા ફાયદા થાય છે?

૧૮ આપણે યહોવાના લોકો છીએ એટલે ઉદારતા, ભલાઈ, દયા અને પ્રેમ બતાવીએ છીએ. આપણે દરરોજ બીજાઓની કાળજી રાખીએ છીએ. એમ કરવાથી આપણને આનંદ, શાંતિ અને ખુશી મળે છે. (ગલા. ૫:૨૨, ૨૩) આપણે યહોવા જેવી ઉદારતા બતાવીશું અને તેમના સાથી કામદાર તરીકે કામ કરીશું તો, ભલે ગમે એવા સંજોગો હોય, તોપણ હંમેશાં ખુશ રહી શકીશું.—નીતિ. ૩:૯, ૧૦.