અભ્યાસ લેખ ૩૧
“આપણે હિંમત હારતા નથી”
“આપણે હિંમત હારતા નથી.”—૨ કોરીં. ૪:૧૬.
ગીત ૨૪ પ્રેમ છે ઈશ્વરની રીત
ઝલક *
૧. જીવનની દોડ પૂરી કરવા ઈશ્વરભક્તોએ શું કરવું જોઈએ?
બધા ઈશ્વરભક્તો જીવનની દોડમાં છે. ભલે આપણે વર્ષોથી એ દોડમાં હોઈએ કે પછી હમણાં જ શરૂ કરી હોય, પણ આપણે એ દોડ પૂરી કરવાની છે. એ માટે આપણને ક્યાંથી મદદ મળશે? પ્રેરિત પાઊલે ફિલિપીનાં ભાઈ-બહેનોને આપેલી સલાહમાંથી. તેઓને પાઊલનો પત્ર મળ્યો ત્યારે એવાં ઘણાં ભાઈ-બહેનો હતાં, જેઓ વર્ષોથી ભક્તિ કરી રહ્યાં હતાં. તેઓ દોડી રહ્યાં હતાં, છતાં પાઊલે તેઓને યાદ દેવડાવ્યું કે ધીરજથી દોડતા રહે. તે ચાહતા હતા કે ભાઈ-બહેનો તેમની જેમ ‘ધ્યેય પૂરો કરવા મંડ્યા રહે.’—ફિલિ. ૩:૧૪.
૨. શા પરથી કહી શકાય કે પાઊલે આપેલી સલાહ ખરા સમયની હતી?
૨ ફિલિપીનાં ભાઈ-બહેનોને પાઊલની સલાહ ખરા સમયે મળી હતી. એ મંડળ શરૂ થયું ત્યારથી ભાઈ-બહેનોએ સતાવણીનો સામનો કર્યો હતો. પાઊલ અને સિલાસને ઈશ્વરે આમંત્રણ આપ્યું, “આ પાર મકદોનિયા આવ.” સાલ ૫૦માં એ આમંત્રણ સ્વીકારીને તેઓ ફિલિપી શહેરમાં ખુશખબર ફેલાવવા ગયા. (પ્રે.કા. ૧૬:૯) ત્યાં તેઓને લૂદિયા નામની એક સ્ત્રી મળી. તે ખુશખબર ‘સાંભળી રહી હતી. યહોવાએ તેનું દિલ પૂરેપૂરું ખોલ્યું હતું.’ (પ્રે.કા. ૧૬:૧૪) થોડા જ સમયમાં તેણે અને તેના ઘરના લોકોએ બાપ્તિસ્મા લીધું. પણ શેતાન હાથ પર હાથ રાખીને બેસી રહ્યો નહિ. શહેરના લોકો પાઊલ અને સિલાસને અધિકારીઓ પાસે ઘસડી ગયા. તેઓએ ખોટો આરોપ મૂક્યો કે, પાઊલ અને સિલાસ શહેરમાં ઘણી ધાંધલ મચાવે છે. એટલે તેઓને મારવામાં આવ્યા, કેદ કરવામાં આવ્યા. તેઓને કહેવામાં આવ્યું કે શહેર છોડીને જતા રહે. (પ્રે.કા. ૧૬:૧૬-૪૦) શું તેઓ હિંમત હારી ગયા? જરાય નહિ! એ સમયે નવા મંડળનાં ભાઈ-બહેનોએ શું કર્યું? ખુશીની વાત કહેવાય કે, તેઓએ પણ ધીરજથી સહન કર્યું. પાઊલ અને સિલાસના દાખલાથી તેઓને ચોક્કસ ઉત્તેજન મળ્યું હશે.
૩. પાઊલ શું જાણતા હતા અને આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ પાઊલે હિંમત ન હારવાનો પાકો નિર્ણય લીધો હતો. (૨ કોરીં. ૪:૧૬) તે જાણતા હતા કે દોડ પૂરી કરવા પૂરું મન લગાડવું પડશે. પાઊલના દાખલા પરથી આપણને શું શીખવા મળે છે? નડતરો પાર કરીને દોડતા રહેવા આજના સમયના કયા દાખલાઓથી આપણને મદદ મળે છે? હિંમત ન હારવા ભાવિની આશા કઈ રીતે મદદ કરે છે?
પાઊલના દાખલાથી કેવો ફાયદો થાય છે?
૪. મુશ્કેલ સંજોગોમાં પણ પાઊલ કઈ રીતે ભક્તિમાં મંડ્યા રહ્યા?
૪ ફિલિપીઓને પત્ર લખ્યો ત્યારે પાઊલના સંજોગો કેવા હતા? પાઊલ રોમમાં નજરકેદ હતા. તે છૂટથી ખુશખબર ફેલાવી શકતા ન હતા. છતાં તે મળવા આવનારાઓને સાક્ષી આપતા અને દૂરનાં મંડળોને પત્ર લખતા. આમ, તે યહોવાની ભક્તિમાં મંડ્યા રહ્યા. આજે પણ ઘણા ઈશ્વરભક્તો છૂટથી હરીફરી શકતા નથી. કદાચ બીમારી કે મોટી ઉંમરના લીધે તેઓએ ઘરે રહેવું પડે છે. મળવા આવતા લોકોને સાક્ષી આપવાની દરેક તક તેઓ ઝડપી લે છે. તેઓ એવા લોકોને પત્ર લખે છે, જેઓને સહેલાઈથી મળી શકાતું નથી.
૫. ધ્યાન ફંટાઈ ન જાય માટે પાઊલને ક્યાંથી મદદ મળી?
૫ અગાઉ કરેલી ભૂલો કે સારી બાબતોને લીધે પાઊલે પોતાનું ધ્યાન ફંટાવા દીધું નહિ. તેમણે કહ્યું, “પાછળ છોડી દીધેલી વાતોને ભૂલીને આગળની વાતો તરફ હું દોડી રહ્યો છું.” એટલે કે દોડ પૂરી કરવા આગળ વધી રહ્યો છું. (ફિલિપીઓ ૩:૧૨-૧૪ વાંચો.) કઈ બાબતોને લીધે પાઊલનું મન ભટકી ગયું હોત? પહેલી બાબત, ખ્રિસ્તી બન્યા પહેલાં પાઊલ યહુદીઓમાં ઘણા પ્રખ્યાત હતા. પછીથી, તેમણે એવી બાબતોને ‘કચરા’ જેવી ગણી. (ફિલિ. ૩:૩-૮) બીજી બાબત, અગાઉ પાઊલે ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. એ માટે તે પોતાને દોષ આપતા હતા. પણ એ લાગણીને તેમણે યહોવાની ભક્તિને આડે આવવા દીધી નહિ. ત્રીજી બાબત, તેમણે એવું વિચાર્યું નહિ કે યહોવાની સેવામાં જે કર્યું છે, એ પૂરતું છે. પાઊલે આવી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો: કેદ, માર, પથ્થરનો માર, વહાણ ભાંગી જવું, પૂરતો ખોરાક કે કપડાં ન હોવાં. એ મુશ્કેલીઓ સહીને પણ તેમણે સેવાકાર્યમાં ઘણું કર્યું. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) અગાઉ મેળવેલી નામના અને સહન કરેલી મુશ્કેલીઓ છતાં, તેમણે યાદ રાખ્યું કે યહોવાની ભક્તિમાં મંડ્યા રહેવાનું છે. આપણે પણ એવું જ કરવાનું છે.
૬. ‘પાછળ છોડી દીધેલી’ કઈ વાતો આપણે ભૂલી જવી જોઈએ?
૬ પાઊલની જેમ આપણે કઈ રીતે “પાછળ છોડી દીધેલી વાતોને ભૂલી” જવી જોઈએ? અગાઉ કરેલા પાપને લીધે આપણામાંથી અમુકને દોષની લાગણી થતી હશે. એ લાગણીનો સામનો કરવા ઈસુના બલિદાન વિશે અભ્યાસ કરીએ. એના પર મનન કરીએ અને એના વિશે પ્રાર્થના કરીએ. એમ કરીશું તો આપણા મનમાંથી દોષની લાગણી ઓછી થતી જશે. જે પાપ માટે યહોવાએ આપણને માફ કરી દીધા છે, એ પાપ માટે પોતાને દોષ આપીશું નહિ. પાઊલ પાસેથી આપણે બીજું પણ કંઈક શીખી શકીએ છીએ. અમુક ભાઈ-બહેનોએ મોટા પગારવાળી નોકરી છોડી દીધી હશે, જેથી યહોવાની ભક્તિ વધારે સારી રીતે કરી શકે. ઘણી વાર વિચાર આવે કે જો એ તક જવા દીધી ન હોત, તો આજે ઘણા ધનવાન હોત. આપણે એવા વિચારો કાઢી નાખીશું તો, પાછળ છોડી દીધેલી બાબતોથી દૂર રહી શકાશે. (ગણ. ૧૧:૪-૬; સભા. ૭:૧૦) ‘પાછળ છોડી દીધેલી વાતોમાં’ બીજી બાબતોનો પણ સમાવેશ થાય છે. જેમ કે, યહોવાની સેવામાં પૂરી કરેલી મોટી સોંપણી અથવા અગાઉ સહન કરેલી સતાવણી. વર્ષો દરમિયાન યહોવાએ આપેલા આશીર્વાદો અને કરેલી મદદનો વિચાર કરીશું તો, યહોવાની વધુ નજીક જઈ શકીશું. પણ આપણે ક્યારેય એવું વિચારવા માંગતા નથી કે યહોવાની સેવામાં આપણે જે કર્યું એ પૂરતું છે.—૧ કોરીં. ૧૫:૫૮.
૭. પહેલો કોરીંથીઓ ૯:૨૪-૨૭માં જણાવ્યા પ્રમાણે જીવનની દોડ જીતવા શાની જરૂર છે? દાખલો આપો.
૭ ઈસુના આ શબ્દો પાઊલ સારી રીતે સમજતા હતા: “તમે સખત મહેનત કરો.” (લુક ૧૩:૨૩, ૨૪) પાઊલ જાણતા હતા કે તેમણે પણ ઈસુની જેમ જીવનભર ઘણી મહેનત કરવાની છે. એટલે જ પાઊલે કહ્યું કે ઈશ્વરભક્તોનું જીવન તો દોડની હરીફાઈ જેવું છે. (૧ કોરીંથીઓ ૯:૨૪-૨૭ વાંચો.) એક દોડવીરનું પૂરેપૂરું ધ્યાન અંતિમ રેખા પર હોય છે. એટલે તે પોતાનું ધ્યાન ફંટાવા દેતો નથી. દાખલા તરીકે, એક દોડ ચાલી રહી છે. દોડવીરો શહેરના રસ્તા પર દોડી રહ્યા છે. ત્યાં ઘણી દુકાનો છે અને ધ્યાન ફંટાય એવી બીજી બાબતો પણ છે. શું તમને લાગે છે કે દોડવીર ઊભો રહીને જોશે કે દુકાનમાં શું છે? ના, તે પોતાનું ધ્યાન ફંટાવા નહિ દે, ખરું ને! જીવનની દોડમાં આપણે પણ ધ્યાન ફંટાવા દેવું ન જોઈએ. આપણું બધું ધ્યાન દોડ પૂરી કરવા પર હોવું જોઈએ. પાઊલની જેમ આપણે સખત મહેનત કરવી જોઈએ. જો એમ કરીશું તો આપણે ઇનામ મેળવીશું!
મુશ્કેલીઓમાં પણ યહોવાની ભક્તિ કરતા રહીએ
૮. આપણે કઈ ત્રણ મુશ્કેલીઓ વિશે ચર્ચા કરીશું?
૮ ચાલો એવી ત્રણ મુશ્કેલીઓની ચર્ચા કરીએ, જેનાથી આપણે નિરાશ થઈ જઈ શકીએ. એ મુશ્કેલીઓ છે: ધાર્યું હોય એવું ન થાય, શરીર કમજોર થતું જાય અને કસોટીઓ લાંબો સમય ચાલે. બીજાઓએ પણ એ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આપણે તેઓ પાસેથી શીખી શકીએ છીએ.—ફિલિ. ૩:૧૭.
૯. ધાર્યું હોય એવું ન થાય ત્યારે આપણને કેવું લાગી શકે?
૯ ધાર્યું હોય એવું ન થાય ત્યારે. યહોવાએ જે સારી બાબતોનું વચન આપ્યું છે, એની આપણે આશા રાખીએ છીએ. પ્રબોધક હબાક્કૂક પણ એવી આશા રાખતા હતા. તે ઇચ્છતા હતા કે યહોવા જલદી જ દુષ્ટતાનો અંત લાવે. યહોવાએ તેમને કહ્યું ‘એની રાહ જો.’ (હબા. ૨:૩) કેટલીક વખત આપણે ધાર્યું હોય કે અમુક બાબતો થશે. પણ એમાં મોડું થાય ત્યારે આપણો ઉત્સાહ નબળો પડી શકે. આપણે સાવ ભાંગી પડીએ. (નીતિ. ૧૩:૧૨) ૧૯૧૪ની આસપાસનાં વર્ષોમાં પણ એવું જ બન્યું હતું. ઘણા અભિષિક્તોને આશા હતી કે, ૧૯૧૪માં તેઓને સ્વર્ગનું ઇનામ મળશે. ધાર્યું હતું એ પ્રમાણે ન થયું ત્યારે ઈશ્વરભક્તોએ શું કર્યું?
૧૦. ધાર્યું હતું એ પ્રમાણે ન થયું ત્યારે એક યુગલે શું કર્યું?
૧૦ ચાલો બે વફાદાર ઈશ્વરભક્તોનો દાખલો જોઈએ. તેઓએ નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. ભાઈ રોયલ સ્પાટ્ઝે ૧૯૦૮માં બાપ્તિસ્મા લીધું ત્યારે તે વીસ વર્ષના હતા. તેમને પૂરી ખાતરી હતી કે જલદી જ સ્વર્ગનું ઇનામ મળશે. તેમણે ૧૯૧૧માં પર્લને લગ્ન માટે પૂછ્યું ત્યારે ભાઈએ કહ્યું, ‘તને તો ખબર છે, ૧૯૧૪માં શું થવાનું છે! જો આપણે લગ્ન કરવાના હોઈએ તો જલદી કરી લઈએ.’ ૧૯૧૪માં એ યુગલને સ્વર્ગનું ઇનામ ન મળ્યું ત્યારે, શું તેઓએ જીવનની દોડમાં હાર માની લીધી? તેઓએ એવું ન કર્યું. કારણ કે તેઓનો મુખ્ય ધ્યેય સ્વર્ગનું ઇનામ મેળવવાનો નહિ, પણ ઈશ્વરની ઇચ્છા વફાદારીથી પૂરી કરવાનો હતો. તેઓએ ધીરજથી દોડતા રહેવાનું નક્કી કર્યું. પૃથ્વી પરનું જીવન પૂરું થયું ત્યાં સુધી, તેઓ વફાદારીથી યહોવાની સેવા કરતાં રહ્યાં. આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા પોતાના નામ પર લાગેલો બટ્ટો દૂર કરશે. તે સાબિત કરશે કે ફક્ત તેમને જ રાજ કરવાનો હક છે. તે પોતાનાં બધાં વચનો પૂરાં કરશે. ખાતરી રાખો કે યહોવા પોતાના સમયે આ બધી બાબતો પૂરી કરશે. ત્યાં સુધી યહોવાની સેવામાં મંડ્યા રહીએ. ધાર્યું હોય એવું ન થાય ત્યારે નિરાશ ન થઈએ. જીવનની દોડમાં ધીમા ન પડીએ.
૧૧-૧૨. શરીર કમજોર થાય તોપણ વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહેવું શા માટે જરૂરી છે? દાખલો આપો.
૧૧ શરીર કમજોર થતું જાય ત્યારે. એક દોડવીરમાં તાકાત હોય એ ખૂબ જરૂરી છે. પણ ભક્તિ માટે આપણું શરીર મજબૂત હોય એ જરૂરી નથી. ઘણાં ભાઈ-બહેનોની તબિયત હવે પહેલાં જેવી રહેતી નથી, તોપણ તેઓ યહોવાની સેવામાં બનતું બધું કરવા માંગે છે. (૨ કોરીં. ૪:૧૬) ચાલો આર્થરભાઈનો * દાખલો લઈએ. તેમણે બેથેલ સેવાનાં ૫૫ વર્ષ પૂરાં કર્યા પછી તેમની તબિયત બગડી. એ સમયે તે ૮૮ વર્ષના હતા. એક દિવસ નર્સે તેમને કહ્યું, ‘આર્થરભાઈ, તમે વર્ષોથી યહોવાની સેવામાં ઘણી મહેનત કરી છે.’ આર્થરભાઈ ભૂતકાળની યાદોમાં સરી ન પડ્યા. તે બહેન સામે જોઈને હસ્યા, પછી કહ્યું, ‘સાચી વાત, પણ આપણે જે કર્યું, ફક્ત એ જ મહત્ત્વનું નથી. પરંતુ અત્યારે જે કરીએ છીએ એ વધારે મહત્ત્વનું છે.’
૧૨ તમે વર્ષોથી યહોવાની સેવામાં ઘણું કર્યું હશે. પણ હવે તમારી તબિયત સારી રહેતી નથી. એટલે પહેલાં જેટલું કરી શકતા ન હો તો નિરાશ થશો નહિ. ખાતરી રાખો કે અગાઉ તમે યહોવાની સેવામાં જે કર્યું છે, એ બધું યહોવા યાદ રાખે છે. એ માટે તે તમારી કદર કરે છે. (હિબ્રૂ. ૬:૧૦) યાદ રાખો, યહોવાની સેવામાં કરેલાં કામોથી માપી શકાતું નથી કે આપણા દિલમાં યહોવા માટે કેટલો પ્રેમ છે. આપણે સારું વલણ રાખીએ અને બનતું બધું કરીએ. એનાથી દેખાઈ આવશે કે યહોવા માટે આપણને કેટલો પ્રેમ છે. (કોલો. ૩:૨૩) આપણે કેટલું કરી શકીએ છીએ એ યહોવા જાણે છે. તે આપણી પાસે વધારે પડતી અપેક્ષા રાખતા નથી.—માર્ક ૧૨:૪૩, ૪૪.
૧૩. એનાટોલી અને લિડિયાના દાખલામાંથી કઈ રીતે યહોવાની ભક્તિ કરતા રહેવાનું ઉત્તેજન મળે છે?
૧૩ કસોટીઓ લાંબો સમય ચાલે ત્યારે. અમુક ઈશ્વરભક્તોએ વર્ષો સુધી કસોટીઓ અને સતાવણીઓ સહન કરી છે. ચાલો એક ભાઈનો દાખલો જોઈએ. એનાટોલીભાઈ * ૧૨ વર્ષના હતા ત્યારે, પોલીસે તેમના પિતાને જેલમાં નાખી દીધા. તેમના પિતાને સાઇબિરિયા મોકલી દેવામાં આવ્યા. ત્યાંથી સાતેક હજાર કિલોમીટર દૂર મૉલ્ડોવામાં તેમનું કુટુંબ હતું. એક વર્ષ પછી એનાટોલી, તેમનાં મમ્મી અને નાના-નાનીને પણ બળજબરીથી સાઇબિરિયા મોકલી દેવામાં આવ્યાં. થોડા સમય પછી, તેઓ સભા માટે બીજા ગામમાં જવાં લાગ્યાં. સભામાં જવા તેઓએ કાતિલ ઠંડી અને બરફમાં ૩૦ કિલોમીટર ચાલીને જવું પડતું. વર્ષો પછી એનાટોલી પર બીજી મુશ્કેલી આવી. તેમને ત્રણ વર્ષની જેલ થઈ. તેમની પત્ની લિડિયા અને એક વર્ષની દીકરીથી તેમણે દૂર રહેવું પડ્યું. આટલી બધી કસોટીઓ છતાં, એનાટોલી અને તેમનું કુટુંબ વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહ્યા. હમણાં એનાટોલી ૮૨ વર્ષના છે. તે મધ્ય એશિયામાં શાખા સમિતિના સભ્ય છે. આપણે પણ વર્ષોથી તકલીફો સહન કરતા હોઈએ તોપણ, એનાટોલી અને લિડિયાની જેમ યહોવાની સેવામાં બનતું બધું કરતા રહીએ.—ગલા. ૬:૯.
ભાવિની આશા પર નજર રાખો
૧૪. ધ્યેય પૂરો કરવા પાઊલે શું કરવાનું હતું?
૧૪ પાઊલને પૂરો ભરોસો હતો કે તે દોડ પૂરી કરીને પોતાના ધ્યેયને પહોંચી વળશે. અભિષિક્ત ખ્રિસ્તી તરીકે તેમને ‘ઈશ્વર તરફથી સ્વર્ગના આમંત્રણનું ઇનામ’ મળવાનું હતું. તે જાણતા હતા કે એ ધ્યેય પૂરો કરવા ‘મંડ્યા’ રહેવું પડશે. (ફિલિ. ૩:૧૪) ફિલિપીનાં ભાઈ-બહેનો ધ્યેય પર પૂરું મન લગાવી શકે માટે પાઊલે સરસ ઉદાહરણ જણાવ્યું હતું.
૧૫. ફિલિપીનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા પાઊલે કયું ઉદાહરણ વાપર્યું?
૧૫ પાઊલે ફિલિપીનાં ભાઈ-બહેનોને યાદ અપાવ્યું કે તેઓ સ્વર્ગના નાગરિક બનવાનાં છે. (ફિલિ. ૩:૨૦) તેઓએ શા માટે એ યાદ રાખવાનું હતું? એ જમાનામાં રોમન નાગરિકોને ઘણા ફાયદા મળતા હતા. એટલે ઘણા લોકો રોમન નાગરિક બનવાનું સપનું જોતા હતા. * અભિષિક્ત ખ્રિસ્તીઓને તો એનાથી પણ વધારે સારી નાગરિકતા મળવાની હતી. એનાથી તેઓને વધારે ફાયદા મળવાના હતા. સ્વર્ગની નાગરિકતાની સામે રોમન નાગરિકતા કંઈ વિસાતમાં ન હતી! એટલે જ પાઊલે ફિલિપીનાં ભાઈ-બહેનોને આ ઉત્તેજન આપ્યું હતું: ‘ખ્રિસ્ત ઈસુ વિશેની ખુશખબરને યોગ્ય હોય એવા નાગરિકોની જેમ જીવો.’ (ફિલિ. ૧:૨૭, ફૂટનોટ) સ્વર્ગમાં હંમેશાંનું જીવન મેળવવાનો અભિષિક્ત ખ્રિસ્તીઓનો ધ્યેય છે. એ ધ્યેય પૂરો કરવા તેઓ મંડ્યા રહે છે. તેઓનો દાખલો જોરદાર છે!
૧૬. ફિલિપીઓ ૪:૬, ૭ પ્રમાણે આપણે શું કરતા રહેવું જોઈએ?
૧૬ ભલે આપણી પાસે સ્વર્ગમાં કે પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા હોય, એ ધ્યેયને પૂરો કરવા આપણે મંડ્યા રહેવું જોઈએ. ગમે એવા સંજોગો આવે, આપણે અગાઉની બાબતો પર ધ્યાન આપવું ન જોઈએ. યહોવાની ભક્તિને આડે કોઈ પણ બાબતને આવવા દેવી ન જોઈએ. (ફિલિ. ૩:૧૬) બની શકે કે, યહોવાનાં વચનો પૂરાં થવાની આપણે ઘણા સમયથી રાહ જોતા હોઈએ. કદાચ આપણું શરીર કમજોર થઈ ગયું હોય. આપણે વર્ષો સુધી કસોટી કે સતાવણી સહી હોય. ભલે તમારા સંજોગો ગમે એ હોય, પણ “કંઈ ચિંતા ન કરો.” યહોવાને અરજ અને વિનંતી કરો. યહોવા તમને એવી શાંતિ આપશે, જેની તમે કલ્પના પણ નહિ કરી હોય.—ફિલિપીઓ ૪:૬, ૭ વાંચો.
૧૭. આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?
૧૭ દોડ પૂરી થવાને આરે હોય ત્યારે, દોડવીરનું બધું ધ્યાન દોડ પૂરી કરવા પર હોય છે. એવી જ રીતે, આપણે પણ જીવનની દોડ પૂરી કરવાના ધ્યેય પર મન લગાડવું જોઈએ. ભાવિનાં સુંદર વચનો પર ધ્યાન આપવું જોઈએ. આજે આપણાથી થાય એટલું કરતા રહેવું જોઈએ. જીવનની દોડમાં યોગ્ય દિશા જાળવી રાખવા આપણને બીજા કશાની પણ જરૂર છે. આવતા લેખમાં જોઈશું કે આપણા જીવનમાં પ્રથમ સ્થાને શું હોવું જોઈએ? કઈ રીતે ‘જે વધારે મહત્ત્વનું છે એ આપણે પારખી શકીએ?’—ફિલિ. ૧:૯, ૧૦.
ગીત ૧૩૯ યહોવા તમને સાચવી રાખે
^ ફકરો. 5 ભલે આપણે ગમે એટલાં વર્ષોથી યહોવાની સેવા કરતા હોઈએ, આપણે પરિપક્વ બનવા માંગીએ છીએ. તેમની ભક્તિમાં આગળ વધવા ચાહીએ છીએ. પ્રેરિત પાઊલે બીજાં ભાઈ-બહેનોને હિંમત ન હારવાનું ઉત્તેજન આપ્યું હતું. ફિલિપીઓના પત્રમાંથી આપણને જીવનની દોડમાં હિંમત ન હારવા ઉત્તેજન મળે છે. પાઊલના એ શબ્દો જીવનમાં લાગુ પાડવા આ લેખમાંથી મદદ મળશે.
^ ફકરો. 11 આર્થર સેકર્ડની જીવન સફર વાંચવા જૂન ૧૫, ૧૯૬૫ ધ વૉચટાવરમાં આપેલો આ લેખ જુઓ: “માઈ પાર્ટ ઇન એડવાન્સિંગ રાઇટ વર્શીપ.”
^ ફકરો. 13 એનાટોલી મેલ્નિકની જીવન સફર વાંચવા જાન્યુઆરી ૨૦૦૫ સજાગ બનો!માં આપેલો આ લેખ જુઓ: “નાનપણથી દિલમાં ઈશ્વરનો પ્રેમ રેડ્યો.”
^ ફકરો. 15 ફિલિપી શહેર રોમન સામ્રાજ્યનો ભાગ હતું. એટલે રોમનોના અમુક હક ફિલિપીઓને પણ મળતા હતા. એટલે ફિલિપીનાં ભાઈ-બહેનોને પાઊલનું એ ઉદાહરણ બરાબર સમજાઈ ગયું હશે.