અભ્યાસ લેખ ૩૩
‘તારું સાંભળનારા બચી જશે’
“તારા પોતાના પર અને તારા શિક્ષણ પર સતત ધ્યાન રાખજે. આ વાતોને વળગી રહે, કેમ કે એમ કરવાથી તું પોતાને અને તારા સાંભળનારાને બચાવી લઈશ.”—૧ તિમો. ૪:૧૬.
ગીત ૪૭ ખુશખબર જણાવીએ
ઝલક *
૧. આપણે પોતાનાં સગાઓ વિશે શું ઇચ્છીએ છીએ?
પૉલીનબહેન * કહે છે, “સત્ય જાણ્યું ત્યારથી મારી ઇચ્છા હતી કે મારાં સગાઓ પણ મારી સાથે નવી દુનિયામાં હોય. મારા પતિ વેઇન અને નાનો દીકરો વોન પણ મારી સાથે યહોવાની ભક્તિમાં જોડાય એવી મારી દિલથી ઇચ્છા છે.” શું તમારાં એવાં સગાં-વહાલાં છે, જેઓ હજી યહોવાના ભક્તો બન્યાં નથી? તમને પણ પૉલીન જેવું લાગતું હશે.
૨. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૨ આપણે સગાઓને દબાણ કરી શકતા નથી કે, તેઓ ખુશખબર સ્વીકારે અને હંમેશ માટેનું જીવન મેળવે. પણ બાઇબલના સંદેશા માટે પોતાનાં મન અને દિલ ખોલે એવું ઉત્તેજન તેઓને જરૂર આપી શકીએ છીએ. (૨ તિમો. ૩:૧૪, ૧૫) આપણે શા માટે સગાઓને ખુશખબર જણાવવી જોઈએ? આપણે શા માટે તેઓને સમજવાની કોશિશ કરવી જોઈએ? તેઓ આપણી જેમ યહોવા માટે પ્રેમ કેળવે, એ માટે શું કરવું જોઈએ? એ માટે તમારા મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે મદદ કરી શકે?
શા માટે સગાઓને ખુશખબર જણાવવી જોઈએ?
૩. બીજો પીતર ૩:૯ પ્રમાણે આપણે શા માટે સગાઓને ખુશખબર જણાવવી જોઈએ?
૩ જલદી જ યહોવા આ દુષ્ટ દુનિયાનો નાશ કરવાના છે. “હંમેશ માટેનું જીવન આપતું સત્ય સ્વીકારવા તરફ જેઓનું હૃદય ઢળેલું” હશે, એવા લોકો જ બચશે. (પ્રે.કા. ૧૩:૪૮) આપણે જેઓને ઓળખતા પણ નથી, તેઓને ખુશખબર જણાવવા સમય-શક્તિ આપીએ છીએ. તો પછી સગાઓને ખુશખબર જણાવવા આપણે ચોક્કસ મહેનત કરીશું, ખરું ને! આપણા પ્રેમાળ પિતા યહોવા ‘ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.’—૨ પીતર ૩:૯ વાંચો.
૪. સગાઓને ખુશખબર જણાવતી વખતે કદાચ આપણે કઈ ભૂલ કરી બેસીએ?
૪ યાદ રાખીએ, જો ખુશખબર જણાવવાની રીત બરાબર ન હોય, તો વ્યક્તિ કદાચ નહિ સાંભળે. ખુશખબર જણાવતી વખતે અજાણી વ્યક્તિ સાથે આપણે સમજી-વિચારીને વાત કરતા હોઈએ, પણ સગાઓ સાથે એ રીતે વાત કરતા ન હોઈએ. કદાચ આપણે સીધેસીધું જણાવી દેતા હોઈએ.
૫. સગાઓને ખુશખબર જણાવતી વખતે આપણે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ?
૫ અમુક ભાઈ-બહેનોને અફસોસ થતો હશે કે, ‘સગાને ખુશખબર જણાવવા મેં પહેલી વાર પ્રયત્ન કર્યો ત્યારે, મારી રીત બરાબર ન હતી. મારે બીજી રીતે વાત કરવી જોઈતી હતી.’ પ્રેરિત પાઊલે ખ્રિસ્તીઓને સલાહ આપી: “જેમ મીઠું ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો, જેથી દરેકને કઈ રીતે જવાબ આપવો એ તમે જાણી શકો.” (કોલો. ૪:૫, ૬) સગાઓ સાથે વાત કરવાના હોઈએ ત્યારે, એ સલાહ યાદ રાખીએ. જો એવું નહિ કરીએ, તો સત્યની નજીક લાવવાને બદલે, આપણે જ તેઓને સત્યથી દૂર કરી દઈશું.
સગાઓને મદદ કરવા આપણે શું કરવું જોઈએ?
૬-૭. યહોવાના ભક્ત નથી, એવા જીવનસાથીના સંજોગો સમજવા મહત્ત્વનું છે, એ વિશે દાખલો આપો.
૬ તેઓને સમજવાની કોશિશ કરો. શરૂઆતમાં આપણે પૉલીન વિશે જોઈ ગયા. તે કહે છે: “શરૂ શરૂમાં તો હું મારા પતિ સાથે ફક્ત ઈશ્વર અને બાઇબલની વાતો કરવા બેસી જતી. અમે બીજી કોઈ વાતો કરતા ન હતા.” પૉલીનના પતિ વેઇનને બાઇબલ વિશે બહુ ઓછી ખબર
હતી. એટલે પૉલીનની વાતો તેમને જરાય સમજાતી નહિ. તેમને લાગતું કે પૉલીન પોતાના ધર્મ સિવાય બીજા કશાયની વાત કરતી નથી. તેમને ચિંતા થતી કે ‘મારી પત્ની કોઈ ખતરનાક ધાર્મિક પંથમાં તો નથી જોડાઈ ગઈ ને!’૭ પૉલીન સ્વીકારે છે કે તે સાંજે કે શનિ-રવિ સભા, પ્રચાર કે ભાઈ-બહેનો સાથે હળવા-મળવામાં ઘણો સમય વિતાવતી. પૉલીન કહે છે, “અમુક વાર વેઇન ઘરે આવે ત્યારે ઘર ખાવા દોડતું હોય. તેમને સાવ એકલું એકલું લાગતું.” વેઇનને લાગતું કે પત્ની અને દીકરો તેમની સાથે સમય પસાર કરે તો સારું. એ તો ભાઈ-બહેનોને ઓળખતા ન હતા. તેમને થતું કે ‘પૉલીન માટે તેના નવા મિત્રો મારાથી પણ વધારે મહત્ત્વના બની ગયા છે.’ વેઇને પૉલીનને છૂટાછેડા આપવાની ધમકી આપી. જો પૉલીને પહેલેથી ધ્યાન રાખ્યું હોત તો વાત આટલી વણસી ગઈ ન હોત.
૮. પહેલો પીતર ૩:૧, ૨ પ્રમાણે આપણાં સગાઓ પર સૌથી વધારે શાની અસર પડે છે?
૮ સારા વર્તનથી દિલ જીતી લો. આપણે જે કહીએ એના કરતાં આપણે જે કરીએ, એના પર આપણાં સગાઓ વધારે ધ્યાન આપે છે. (૧ પીતર ૩:૧, ૨ વાંચો.) પૉલીનને પણ એ વાત સમજાઈ ગઈ. તે કહે છે: “મને ખબર હતી કે વેઇન અમને ખૂબ પ્રેમ કરે છે. તે હકીકતમાં છૂટાછેડા લેવા માંગતા નથી. પણ તેમની ધમકીથી મને ખ્યાલ આવ્યો કે યહોવા ચાહે છે એ રીતે મારે વર્તવું જોઈએ. બહુ બોલ બોલ કરવાને બદલે વર્તનથી સારો દાખલો બેસાડવો જોઈએ.” પૉલીને પોતાના પતિને બાઇબલ વિશે દબાણ કરવાનું બંધ કર્યું. તે રોજબરોજની બાબતો વિશે તેમની જોડે વાતો કરવા લાગી. વેઇનના ધ્યાનમાં આવ્યું કે તેમની પત્ની વધારે હળીમળીને રહે છે અને તેમના દીકરાનું વર્તન સુધર્યું છે. (નીતિ. ૩૧:૧૮, ૨૭, ૨૮) વેઇને જોયું કે બાઇબલ સંદેશાને લીધે તેમના કુટુંબમાં સારા ફેરફાર થયા છે. એ જોઈને તે બાઇબલનો સંદેશો સ્વીકારવા તૈયાર થયા.—૧ કોરીં. ૭:૧૨-૧૪, ૧૬.
૯. આપણે કેમ સગાઓને મદદ કરતા રહેવું જોઈએ?
૯ સગાઓને મદદ કરતા રહો. એ વિશે યહોવાએ દાખલો બેસાડ્યો છે. તે લોકોને ‘વારંવાર’ તક આપે છે, જેથી તેઓ ખુશખબર સ્વીકારે અને જીવન મેળવે. (યિર્મે. ૪૪:૪, કોમન લેંગ્વેજ) પ્રેરિત પાઊલે તિમોથીને ઉત્તેજન આપ્યું હતું કે બીજાઓને મદદ કરતા રહે. શા માટે? એમ કરીને તિમોથી પોતાને અને પોતાના સાંભળનારાને બચાવી શકે. (૧ તિમો. ૪:૧૬) આપણને પોતાનાં સગાઓ માટે પ્રેમ છે. એટલે આપણે ચાહીએ છીએ કે તેઓ પણ બાઇબલમાંથી સત્ય જાણે. પૉલીનનાં વાણી-વર્તનની તેના કુટુંબ પર સારી અસર પડી. આજે તે પોતાના પતિ સાથે યહોવાની ભક્તિ કરે છે. બંને પાયોનિયર છે અને વેઇન વડીલ તરીકે સેવા આપે છે.
૧૦. આપણે શા માટે ધીરજ રાખવી જોઈએ?
૧૦ ધીરજ રાખો. ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવાનો નિર્ણય લીધા પછી, આપણે જીવનમાં ફેરફારો કર્યા અને નવી માન્યતાઓ અપનાવી. આપણાં સગાઓ માટે એ ફેરફારો સ્વીકારવા સહેલું હોતું નથી. મોટા ભાગે તેઓના ધ્યાનમાં પહેલી વાત એ આવે છે કે, આપણે તેઓ સાથે ધાર્મિક તહેવાર ઊજવતા નથી અને રાજકીય બાબતોમાં ભાગ લેતા નથી. શરૂઆતમાં અમુક સગાં કદાચ આપણા પર ગુસ્સે ભરાય. (માથ. ૧૦:૩૫, ૩૬) પણ આપણે હાર ન માનીએ. જો આપણી માન્યતાઓ વિશે તેમને સમજાવવાનું બંધ કરી દઈશું, તો એ જાણે એવું ગણાશે કે હંમેશ માટેના જીવન માટે આપણે તેમને લાયક ગણતા નથી. એ નક્કી કરવાનો હક યહોવાએ આપણને નહિ, પણ ઈસુને આપ્યો છે. (યોહા. ૫:૨૨) જો ધીરજ રાખીશું, તો સમય જતાં ખુશખબર સાંભળવાં સગાઓ તૈયાર થશે.—“ વેબસાઇટનો ઉપયોગ કરીને શીખવો” બૉક્સ જુઓ.
૧૧-૧૩. એલીસના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?
૧૧ પ્રેમથી વર્તો પણ બાંધછોડ ન કરો. (નીતિ. ૧૫:૨) ચાલો એલીસબેનનો દાખલો જોઈએ. તે યહોવા વિશે શીખવાં લાગ્યાં. એ સમયે તે પોતાનાં માબાપથી ઘણા દૂર રહેતાં હતાં. તેમનાં માબાપ ભગવાનમાં માનતાં ન હતાં અને રાજકારણમાં ઘણો ભાગ લેતાં હતાં. બેનને લાગ્યું કે, બને એટલું જલદી પોતે શીખેલી સારી વાતો માબાપને જણાવવી જોઈએ. એલીસે કહ્યું, ‘તમારી માન્યતા અને રીત-રિવાજ બદલાઈ ગયાં છે, એ વિશે જણાવવા જેટલું મોડું કરશો, કુટુંબને એટલો વધારે આંચકો લાગશે.’ બેને પોતાનાં માબાપને પત્રો લખ્યા. પત્રોમાં તેમણે પ્રેમ જેવા વિષયો પર લખ્યું, જેના વિશે બેનને લાગતું હતું કે માબાપને રસ પડશે. એમાં તેમણે બાઇબલમાંથી શીખેલી વાતો ઉમેરી. એ વિશે તેઓના વિચારો પણ પૂછ્યા. (૧ કોરીં. ૧૩:૧-૧૩) પોતાનો સારો ઉછેર કરવા માટે અને સારી સંભાળ રાખવા માટે એલીસે પત્રોમાં માબાપનો આભાર માન્યો. એલીસ માબાપ માટે ભેટ પણ મોકલતાં. માબાપને મળવા જતાં ત્યારે, મમ્મીને કામમાં બનતી બધી મદદ કરતા. એલીસનાં માબાપને ખબર પડી કે, એલીસ યહોવા વિશે શીખે છે ત્યારે તેઓને શરૂઆતમાં ગમ્યું નહિ.
૧૨ માબાપના ઘરે હતા ત્યારે પણ, એલીસબેન દરરોજ બાઇબલ વાંચવાનું ચૂકતાં નહિ. એલીસ કહે છે, ‘એનાથી મારી મમ્મીને ખબર પડી કે બાઇબલ મારા માટે કેટલું મહત્ત્વનું છે.’ તેના પપ્પા જાણવા માંગતા હતા કે એલીસના વિચારો કેમ બદલાયા છે. એટલે તેમણે નક્કી કર્યું કે તે પણ બાઇબલમાંથી શોધખોળ કરશે. તે બાઇબલમાંથી ભૂલો શોધવા માંગતા હતા. એલીસ કહે છે, ‘મેં તેમને બાઇબલ આપ્યું. એમાં મારા પપ્પાના દિલને સ્પર્શી જાય એવો એક સંદેશો પણ લખ્યો.’ એનું શું પરિણામ આવ્યું? એલીસના પપ્પાને ભૂલો તો મળી નહિ, પણ બાઇબલની માહિતી તેમના દિલને સ્પર્શી ગઈ.
૧૩ આપણે પણ પ્રેમથી વર્તવું જોઈએ. કોઈ પણ જાતની બાંધછોડ કરવી ન જોઈએ, પછી ભલેને એના લીધે આપણે સહેવું પડે. (૧ કોરીં. ૪:૧૨ખ) એલીસનાં મમ્મી તેમનો વિરોધ કરતા હતાં. એલીસ કહે છે, “બાપ્તિસ્મા લીધું ત્યારે મમ્મીએ કહ્યું કે ‘તું ખરાબ દીકરી છે.’” એલીસે શું કર્યું? તે જણાવે છે: “એ વાત ટાળવાને બદલે, મેં પ્રેમથી મમ્મી સાથે વાત કરી. તેને જણાવ્યું કે મેં યહોવાના સાક્ષી બનવાનો નિર્ણય કર્યો છે અને હું એ નિર્ણય બદલવાની નથી. મેં મમ્મીને જણાવ્યું કે હું તેને દિલથી પ્રેમ કરું છું. અમે બંને રડ્યા, પછી મેં તેના માટે સરસ રસોઈ બનાવી. ત્યારથી મારી મમ્મી કહે છે કે બાઇબલને લીધે હું એક સારી વ્યક્તિ બની છું.”
૧૪. દબાણ કરવામાં આવે ત્યારે કેમ બાંધછોડ ન કરવી જોઈએ?
૧૪ યહોવાની ભક્તિ કરવાનો તમારો નિર્ણય એકદમ પાકો છે, એ વાત સમજતા સગાઓને સમય લાગી શકે. જેમ કે, માબાપે નક્કી કરેલું કૅરિયર એલીસબેને પસંદ ન કર્યું. પણ તેમણે પાયોનિયર બનવાનું નક્કી કર્યું. એ વખતે પણ તેમનાં મમ્મી રડવાં લાગ્યાં. એલીસે પોતાનો નિર્ણય બદલ્યો નહિ. એલીસ કહે છે: “એકાદ વાતમાં નમતું જોખશો તો પછી કુટુંબ તમને બીજી વાતોનું પણ દબાણ કરશે. પણ તમે બાંધછોડ કરવાની પ્રેમથી ના પાડશો તો, તેઓમાંથી અમુક કદાચ તમારી વાત સાંભળશે.” એલીસ સાથે એવું જ થયું. આજે એલીસનાં માબાપ પાયોનિયર છે અને તેમના પપ્પા વડીલ છે.
મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે મદદ કરી શકે?
૧૫. માથ્થી ૫:૧૪-૧૬ અને પહેલો પીતર ૨:૧૨ પ્રમાણે બીજાઓનાં ‘સારાં કાર્યોની’ સગાઓ પર કેવી અસર પડે છે?
૧૫ મંડળનાં ભાઈ-બહેનોનાં ‘સારાં કાર્યોનો’ યહોવા ઉપયોગ કરે છે. એનાથી તે લોકોને પોતાની તરફ ખેંચે છે. (માથ્થી ૫:૧૪-૧૬; ૧ પીતર ૨:૧૨ વાંચો.) બની શકે કે, તમારા જીવનસાથી યહોવાના સાક્ષી ન હોય. શું તે મંડળનાં ભાઈ-બહેનોને મળ્યા છે? અગાઉ જોઈ ગયા એ પૉલીનબેન ભાઈ-બહેનોને પોતાના ઘરે બોલાવતા. એનાથી તેમના પતિ ભાઈ-બહેનોને સારી રીતે ઓળખી શક્યા. યહોવાના સાક્ષીઓ વિશેની ગેરસમજ દૂર કરવા વેઇનને એક ભાઈએ મદદ કરી. વેઇન કહે છે: “મારી જોડે ટીવી પર મેચ જોવા એ ભાઈએ નોકરી પરથી રજા લીધી. ત્યારે મને થયું, ‘તે પણ મારા જેવા જ છે!’”
૧૬. આપણે શા માટે સગાઓને સભાનું આમંત્રણ આપવું જોઈએ?
૧૬ સગાઓને મદદ કરવાની બીજી એક રીત છે, તેઓને આપણી સાથે સભામાં લઈ જઈએ. (૧ કોરીં. ૧૪:૨૪, ૨૫) વેઇન પહેલી વાર સભામાં ગયા ત્યારે સ્મરણપ્રસંગ હતો. કામ પરથી તે સીધા ત્યાં ગયા હતા અને સભા બહુ લાંબી ન હતી. તે કહે છે: “મને એ પ્રવચનની બધી વાતો સમજાઈ નહિ, પણ ત્યાંના લોકો મને ખૂબ ગમ્યા. તેઓ મને મળવા આવ્યા, મારી જોડે હાથ મિલાવ્યો. મને સમજાયું કે તેઓ સારા લોકો છે.” પૉલીનને એક પતિ-પત્ની ઘણી મદદ કરતા હતાં. તેઓ પૉલીનના દીકરાને સભામાં અને સેવાકાર્યમાં મદદ કરતા હતાં. એટલે, પૉલીનના પતિને વધારે શીખવાની ઇચ્છા થઈ. તેમણે એ ભાઈને કહ્યું કે તે બાઇબલમાંથી શીખવા માંગે છે.
૧૭. આપણે પોતાને શાનો દોષ ન આપવો જોઈએ અને આપણે શા માટે સગાઓને મદદ કરવાનું છોડવું ન જોઈએ?
૧૭ આપણાં બધાં સગાઓ યહોવાની ભક્તિ કરે, એવી આપણે આશા રાખીએ છીએ. આપણે પૂરો પ્રયત્ન કરીએ, તોપણ તેઓ કદાચ સત્ય ન સ્વીકારે. એવું થાય તો આપણે પોતાને દોષ ન દેવો જોઈએ. આપણે પોતાની માન્યતા બીજાઓ પર થોપી બેસાડતા નથી. છતાં ભૂલશો નહિ કે, યહોવાની ભક્તિમાં તમને ખુશ જોઈને તેઓ પર સારી અસર થશે. તેઓ માટે પ્રાર્થના કરો. સમજી-વિચારીને વાત કરો. તેઓને મદદ કરવાનું છોડશો નહિ. (પ્રે.કા. ૨૦:૨૦) ભરોસો રાખો કે તમારી મહેનત પર યહોવા આશીર્વાદ આપશે. જો તમારાં સગાં તમારી વાત સાંભળે, તો તેઓનો પણ બચાવ થશે.
ગીત ૧૪૨ દરેકને જણાવ્યે
^ ફકરો. 5 આપણે ચાહીએ છીએ કે આપણાં સગાં-વહાલાં પણ યહોવાની ભક્તિ કરે. પણ એ નિર્ણય તેઓએ લેવાનો છે. આ લેખમાં જોઈશું કે તેઓ આપણું સાંભળે એ માટે શું કરવું જોઈએ.
^ ફકરો. 1 અમુક નામ બદલ્યાં છે. આ લેખમાં “સગાં” શબ્દ કુટુંબના એવા સભ્યો માટે વપરાયો છે, જેઓ યહોવાના ભક્તો નથી.
^ ફકરો. 53 ચિત્રની સમજ: યુવાન ભાઈના પિતા યહોવાના સાક્ષી નથી. ભાઈ પોતાના પિતાને કાર રિપેર કરવા મદદ કરે છે. યોગ્ય સમયે jw.org® પરથી વીડિયો બતાવે છે.
^ ફકરો. 55 ચિત્રની સમજ: એક બહેનના પતિ યહોવાના ભક્ત નથી. પતિ પોતાનો દિવસ કેવો રહ્યો એ વિશે જણાવે છે ત્યારે, બહેન ધ્યાનથી સાંભળે છે. પછીથી બહેન કુટુંબ સાથે સમય વિતાવે છે.
^ ફકરો. 57 ચિત્રની સમજ: બહેન મંડળનાં ભાઈ-બહેનોને ઘરે બોલાવે છે. બહેનના પતિ સાથે તેઓ મિત્રતા કેળવે છે. સમય જતાં, પતિ એ બહેન સાથે સ્મરણપ્રસંગમાં જાય છે.