સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શ્રદ્ધા—કરે તમને મજબૂત

શ્રદ્ધા—કરે તમને મજબૂત

શ્રદ્ધાની તાકાત ઓછી ન આંકશો. શેતાન ચાહે છે કે યહોવા સાથેનો આપણો સંબંધ તૂટી જાય, પણ શ્રદ્ધા ‘દુષ્ટનાં સળગતાં બધાં તીરને’ હોલવી શકે છે. (એફે. ૬:૧૬) દિલમાં શ્રદ્ધા હોય તો હિમાલય જેવી મુશ્કેલીઓ પણ નાની લાગે! ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પહાડને કહેશો કે ‘અહીંથી ત્યાં ખસી જા,’ તો એ ખસી જશે.” (માથ. ૧૭:૨૦) શ્રદ્ધાને લીધે યહોવા સાથેનો સંબંધ મજબૂત થાય છે. આપણે આ સવાલો પર વિચાર કરવો જોઈએ: શ્રદ્ધા એટલે શું? સત્યને કીમતી ગણતા હોઈશું તો આપણી શ્રદ્ધા પર કેવી અસર પડશે? કઈ રીતે શ્રદ્ધા મજબૂત કરી શકીએ? આપણે કોના પર શ્રદ્ધા રાખવી જોઈએ?—રોમ. ૪:૩.

શ્રદ્ધા એટલે શું?

બાઇબલમાં જે જણાવવામાં આવ્યું છે, એ આપણે માનીએ છીએ. શ્રદ્ધા બતાવવામાં એનાથી વધારે કંઈક સમાયેલું છે. કારણ કે “દુષ્ટ દૂતો પણ [ઈશ્વર છે] એવું માને છે અને ડરથી કાંપે છે.” (યાકૂ. ૨:૧૯) તો પછી શ્રદ્ધા એટલે શું?

આપણને ખાતરી હોય છે કે દિવસ અને રાત ચોક્કસ થશે, એવી જ રીતે, આપણને પૂરી ખાતરી છે કે યહોવાનાં વચનો ચોક્કસ પૂરાં થશે

બાઇબલ પ્રમાણે શ્રદ્ધામાં બે બાબતોનો સમાવેશ થાય છે. પહેલી બાબત, “શ્રદ્ધા એટલે કે આપણે જેની આશા રાખીએ છીએ એ ચોક્કસ પૂરું થશે એવી ખાતરી.” (હિબ્રૂ. ૧૧:૧ક) જો તમારા દિલમાં શ્રદ્ધા હશે, તો તમને પૂરી ખાતરી હશે કે યહોવાની વાતો સાચી છે અને એ ચોક્કસ પૂરી થશે. દાખલા તરીકે, યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું: ‘જો તમે દિવસ તથા રાત સાથેનો મારો કરાર તોડી શકો, એટલે રાત તથા દિવસ પોતપોતાના સમયે નિયમિત ન થાય, તો જ મારા સેવક દાઊદની સાથેનો મારો કરાર ભંગ થાય.’ (યિર્મે. ૩૩:૨૦, ૨૧) શું તમને ક્યારેય આવી શંકા થઈ છે, આજે સૂર્ય ઊગશે કે નહિ, આથમશે કે નહિ, દિવસ થશે કે નહિ, રાત પડશે કે નહિ? કુદરતી નિયમોને લીધે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ ગોળ ફરે છે. એ કુદરતી નિયમો વિશે આપણને શંકા થતી નથી. તો પછી શું એ નિયમો બનાવનાર યહોવા વચનો પૂરાં કરશે કે નહિ, એવી શંકા થવી જોઈએ? જરાય નહિ!—યશા. ૫૫:૧૦, ૧૧; માથ. ૫:૧૮.

બીજી બાબત, શ્રદ્ધા એટલે કે “જે હકીકત નજરે જોઈ નથી એનો પુરાવો.” શ્રદ્ધા એવી વસ્તુઓનો “પુરાવો” છે, જે આપણે આંખોથી જોઈ શકતા નથી. પણ હકીકતમાં એ વસ્તુઓ છે. (હિબ્રૂ. ૧૧:૧ખ) એ સમજવા ચાલો એક દાખલો લઈએ. એક બાળક તમને પૂછે કે, ‘તમને કેવી રીતે ખબર કે હકીકતમાં હવા છે?’ તમે હવાને ક્યારેય જોઈ નથી, પણ તમે બાળકને એના પુરાવા આપી શકો છો. જેમ કે, શ્વાસ લેવો, જોરથી પવન ફૂંકાય અને બીજી બાબતો. બાળક એ પુરાવાઓ પર ભરોસો મૂકશે તો તે માનશે કે સાચે જ હવા છે. એવી જ રીતે, શ્રદ્ધાનો આધાર તો નક્કર પુરાવો હોય છે.—રોમ. ૧:૨૦.

શ્રદ્ધા રાખવા માટે સત્યને કીમતી ગણવું જરૂરી છે

શ્રદ્ધા માટે એક વ્યક્તિ પાસે શું હોવું જ જોઈએ? “સત્યનું ચોકસાઈભર્યું જ્ઞાન.” (૧ તિમો. ૨:૪) પણ વાત એટલેથી અટકી જતી નથી. પ્રેરિત પાઊલે લખ્યું હતું: વ્યક્તિના “હૃદયમાં શ્રદ્ધા” હોવી જોઈએ. (રોમ. ૧૦:૧૦) વ્યક્તિ સત્ય જાણી લે ફક્ત એટલું જ પૂરતું નથી. પણ તેણે સત્યને કીમતી ગણવું જોઈએ. એમ કરશે તો જ તે શ્રદ્ધા પ્રમાણે જીવશે. એટલે કે, ઈશ્વરને ગમે છે એ રીતે જીવશે. (યાકૂ. ૨:૨૦) જો વ્યક્તિ સત્યની કદર કરતી ન હોય, તો કદાચ તે શ્રદ્ધા વિશેના પુરાવા પર ભરોસો મૂકશે નહિ. કારણ કે એ વ્યક્તિ પોતાની માન્યતાઓ છોડવા માંગતી નથી અથવા મનફાવે એમ કરવા માંગે છે. (૨ પીત. ૩:૩, ૪; યહુ. ૧૮) એટલા માટે પ્રાચીન સમયમાં જે લોકોએ ચમત્કારો જોયા હતા, એમાંના બધાએ શ્રદ્ધા બતાવી નહિ. (ગણ. ૧૪:૧૧; યોહા. ૧૨:૩૭) જે લોકો સાચી બાબતોને વળગી રહે છે, ફક્ત તેઓને યહોવા મદદ આપશે. તેઓ શ્રદ્ધા કેળવી શકે એ માટે પવિત્ર શક્તિની મદદ આપશે.—ગલા. ૫:૨૨; ૨ થેસ્સા. ૨:૧૦, ૧૧.

દાઊદે કઈ રીતે અડગ શ્રદ્ધા કેળવી?

ઘણા ઈશ્વરભક્તોની શ્રદ્ધા એકદમ અડગ હતી. એમાંના એક છે, દાઊદ રાજા. (હિબ્રૂ. ૧૧:૩૨, ૩૩) દાઊદના કુટુંબમાં કંઈ બધાની શ્રદ્ધા એટલી અડગ ન હતી. દાખલા તરીકે, ગોલ્યાથે ઇઝરાયેલીઓને પડકાર આપ્યો. એ જાણીને દાઊદ નારાજ થયા. એ વખતે દાઊદના મોટા ભાઈ અલીઆબે દાઊદને ઠપકો આપ્યો. એનાથી દેખાઈ આવે છે કે અલીઆબમાં શ્રદ્ધાની ખામી હતી. (૧ શમૂ. ૧૭:૨૬-૨૮) કોઈ પણ વ્યક્તિમાં જન્મથી જ શ્રદ્ધા હોતી નથી. માતાપિતા પાસેથી એ વારસામાં પણ મળતી નથી. એટલે દાઊદમાં જે અડગ શ્રદ્ધા હતી, એ તો યહોવા સાથેના ગાઢ સંબંધને લીધે હતી.

દાઊદે કઈ રીતે આટલી મજબૂત શ્રદ્ધા કેળવી હતી? એ વિશે તેમણે ગીતશાસ્ત્ર ૨૭માં જણાવ્યું હતું. (કલમ ૧) અગાઉની વાતો પર અને તેમના દુશ્મનોના યહોવાએ કેવા હાલ કર્યા હતા, એના પર તેમણે મનન કર્યું હતું. (કલમ ૨, ૩) યહોવાએ ભક્તિ માટે જે ગોઠવણ કરી હતી, એની દાઊદ ખૂબ કદર કરતા હતા. (કલમ ૪) દાઊદ બીજા ઈશ્વરભક્તો સાથે મળીને મુલાકાતમંડપમાં ઈશ્વરની ભક્તિ કરતા હતા. (કલમ ૬) તેમણે પૂરા દિલથી યહોવાને પ્રાર્થના કરી અને મદદ માંગી. (કલમ ૭, ૮) દાઊદ હંમેશાં યહોવાના માર્ગે ચાલવા માંગતા હતા. (કલમ ૧૧) દાઊદને મન શ્રદ્ધા ખૂબ મહત્ત્વની હતી. એટલે જ તેમણે કહ્યું હતું: ‘જો મારામાં શ્રદ્ધા ન હોત તો મારું શું થાત?’—કલમ ૧૩.

કઈ રીતે શ્રદ્ધા મજબૂત કરી શકો?

ગીતશાસ્ત્ર ૨૭ પ્રમાણે તમારાં વિચારો અને આદતોને કેળવો. એમ કરશો તો તમારી પાસે પણ દાઊદ જેવી શ્રદ્ધા હશે. શ્રદ્ધાનો આધાર ખરું જ્ઞાન હોય છે. એટલે તમારે બાઇબલ અને સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ. એમ કરતા જશો તેમ પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતી શ્રદ્ધા કેળવી શકશો. (ગીત. ૧:૨, ૩) અભ્યાસ કરતી વખતે મનન કરવા સમય કાઢો. જો તમે મનન કરશો તો તમારા દિલમાં યહોવા માટે કદર વધશે. કદર વધશે એમ યહોવાની ભક્તિ કરવાની ઇચ્છા પણ વધશે. એટલે તમે સભામાં જશો અને બીજાઓને ભાવિની આશા વિશે જણાવશો. આમ, તમે યહોવામાં બતાવેલી શ્રદ્ધા પ્રમાણે જીવશો. (હિબ્રૂ. ૧૦:૨૩-૨૫) તમે ‘પ્રાર્થના કરો છો અને હિંમત હારતા નથી,’ એનાથી પણ અડગ શ્રદ્ધા દેખાઈ આવે છે. (લુક ૧૮:૧-૮) એટલે યહોવાને “સતત પ્રાર્થના કરતા રહો.” પૂરો ભરોસો રાખો કે “તે તમારી સંભાળ રાખે છે.” (૧ થેસ્સા. ૫:૧૭; ૧ પીત. ૫:૭) શ્રદ્ધા હશે તો તમે સારાં કામો કરશો. એ કામોને લીધે તમારી શ્રદ્ધા વધારે મજબૂત થશે.—યાકૂ. ૨:૨૨.

ઈસુમાં શ્રદ્ધા રાખો

મરણની આગલી સાંજે ઈસુએ શિષ્યોને કહ્યું હતું: “ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; મારામાં પણ શ્રદ્ધા રાખો.” (યોહા. ૧૪:૧) એટલે આપણે યહોવા અને ઈસુ બંનેમાં શ્રદ્ધા રાખવી જોઈએ. આપણે કઈ રીતે ઈસુમાં શ્રદ્ધા રાખી શકીએ? ચાલો ત્રણ રીતો વિશે જોઈએ.

ઈસુમાં શ્રદ્ધા રાખવાનો શો અર્થ થાય?

પહેલી રીત, ઈસુના બલિદાનને ઈશ્વરની ભેટ ગણો. પ્રેરિત પાઊલે કહ્યું: ‘હું ઈશ્વરના દીકરા પરની શ્રદ્ધાને લીધે જીવું છું, જેમણે મને પ્રેમ બતાવ્યો અને મારા માટે જીવ આપી દીધો.’ (ગલા. ૨:૨૦) જો ઈસુમાં શ્રદ્ધા હશે તો તમે પૂરી ખાતરી રાખી શકશો કે તેમણે આપેલું બલિદાન તમારા માટે હતું. એ બલિદાનથી તમને પાપોની માફી મળે છે; હંમેશાંના જીવનની આશા મળે છે; એનાથી સાબિત થાય છે કે ઈશ્વર તમને પ્રેમ કરે છે. (રોમ. ૮:૩૨, ૩૮, ૩૯; એફે. ૧:૭) જો તમે ઈસુના બલિદાન પર પાકી ખાતરી રાખશો, તો મનમાંથી દોષની લાગણી અને ખોટા વિચારો કાઢી શકશો.—૨ થેસ્સા. ૨:૧૬, ૧૭.

બીજી રીત, યહોવાની નજીક જવા પ્રાર્થના કરો. એ તો ઈસુના બલિદાનથી શક્ય બન્યું છે. ઈસુના બલિદાનને લીધે આપણે યહોવાને ‘વિના સંકોચે પ્રાર્થના કરી શકીએ છીએ, જેથી ખરા સમયે મદદ મળે માટે આપણે દયા અને અપાર કૃપા મેળવી શકીએ.’ (હિબ્રૂ. ૪:૧૫, ૧૬; ૧૦:૧૯-૨૨) પાપ કરવાની લાલચનો સામનો કરવા પ્રાર્થના આપણને મદદ કરે છે.—લુક ૨૨:૪૦.

ત્રીજી રીત, ઈસુની આજ્ઞા પાળો. પ્રેરિત યોહાને લખ્યું હતું: “દીકરા પર જે શ્રદ્ધા મૂકે છે તે હંમેશ માટેનું જીવન મેળવશે; દીકરાનું કહેવું જે માનતો નથી તેને જીવન મળશે નહિ, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.” (યોહા. ૩:૩૬) ધ્યાન આપો, યોહાને જણાવ્યું કે જે વ્યક્તિ આજ્ઞા પાળતો નથી તેનું શું થશે અને જે શ્રદ્ધા રાખે છે તેનું શું થશે. આપણે ઈસુની આજ્ઞા પાળીએ છીએ ત્યારે તેમનામાં શ્રદ્ધા બતાવીએ છીએ. આપણે ‘ખ્રિસ્તનો નિયમ’ પાળીએ છીએ. એટલે કે, તેમણે શીખવેલી વાતો અને તેમણે આપેલી આજ્ઞાઓ પાળીએ છીએ. (ગલા. ૬:૨) “વિશ્વાસુ અને સમજુ ચાકર” જે માર્ગદર્શન આપે છે, એ પાળીને આપણે ઈસુની આજ્ઞા પાળીએ છીએ. (માથ. ૨૪:૪૫) ઈસુની આજ્ઞા પાળવાથી આપણને હિંમત મળશે. એ હિંમત આપણને તોફાન જેવી મુશ્કેલીઓ સહેવા મદદ કરશે.—લુક ૬:૪૭, ૪૮.

“તમારી પરમ પવિત્ર શ્રદ્ધામાં પોતાને દૃઢ કરતા જાઓ”

એક માણસે ઈસુને અરજ કરી હતી: “મને શ્રદ્ધા છે! મારી શ્રદ્ધા વધારવા મદદ કરો.” (માર્ક ૯:૨૪) તેનામાં શ્રદ્ધા હતી. પણ તેણે નમ્રતાથી સ્વીકાર્યું કે તેને વધારે શ્રદ્ધાની જરૂર છે. એવી જ રીતે, આપણે પણ એવા સંજોગોમાં આવી પડીએ ત્યારે, વધારે શ્રદ્ધાની જરૂર પડશે. આપણે હમણાં જ શ્રદ્ધા મજબૂત કરી શકીએ છીએ. આગળ જોઈ ગયા તેમ, આપણે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ, એના પર મનન કરવું જોઈએ. એનાથી યહોવા માટે આપણા દિલમાં કદર વધશે. આમ, આપણે શ્રદ્ધા મજબૂત કરી શકીશું. બીજા ઈશ્વરભક્તો સાથે મળીને આવી બાબતો કરવાથી પણ આપણી શ્રદ્ધા પાકી થશે: યહોવાની ભક્તિ કરવી, ભાવિની આશા વિશે બીજાઓને જણાવવું અને પ્રાર્થના કરતા રહેવું. શ્રદ્ધા મજબૂત કરીએ છીએ ત્યારે, આપણને સૌથી મોટું ઇનામ મળે છે. બાઇબલ જણાવે છે: “વહાલાઓ, તમે તમારી પરમ પવિત્ર શ્રદ્ધામાં પોતાને દૃઢ કરતા જાઓ, . . . જેથી તમે ઈશ્વરના પ્રેમમાં કાયમ રહો.”—યહુ. ૨૦, ૨૧.