અભ્યાસ લેખ ૩૫
મંડળમાં દરેકને માન આપીએ
“આંખ હાથને કહી શકતી નથી, ‘મને તારી જરૂર નથી,’ અથવા માથું પગને કહી શકતું નથી, ‘મને તારી જરૂર નથી.’”—૧ કોરીં. ૧૨:૨૧.
ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ
ઝલક *
૧. યહોવા દરેક ભક્તને કેવા ગણે છે?
યહોવાએ દરેક ભક્તને મંડળમાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. ભલે આપણે મંડળમાં અલગ અલગ કામ કરતા હોઈએ, પણ આપણે બધા કીમતી છીએ. આપણને બધાને એકબીજાની જરૂર છે. પ્રેરિત પાઊલે પણ એ વાત સમજાવી હતી. ચાલો જોઈએ કે તેમણે શું કહ્યું હતું.
૨. એફેસીઓ ૪:૧૬ પ્રમાણે આપણે કેમ એકબીજાને કીમતી ગણવા જોઈએ અને હળીમળીને કામ કરવું જોઈએ?
૨ આ લેખની મુખ્ય કલમમાં પાઊલે કહ્યું હતું, આપણે કોઈ ભાઈ કે બહેનને એવું કહી શકતા નથી કે “મને તારી જરૂર નથી.” (૧ કોરીં. ૧૨:૨૧) જો આપણે ચાહતા હોઈએ કે મંડળમાં શાંતિ જળવાય, તો એકબીજાને કીમતી ગણીએ અને એકબીજા સાથે હળીમળીને કામ કરીએ. (એફેસીઓ ૪:૧૬ વાંચો.) એમ કરવાથી મંડળમાં પ્રેમ વધશે અને મંડળ મજબૂત થશે.
૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૩ કઈ રીતે બતાવી શકીએ કે આપણે મંડળનાં બધાં ભાઈ-બહેનોને માન આપીએ છીએ? આ લેખમાં જોઈશું કે વડીલો કઈ રીતે એકબીજાને માન આપી શકે. પછી જોઈશું કે આપણે કઈ રીતે કુંવારાં ભાઈ-બહેનોને માન આપી શકીએ. છેલ્લે એ પણ જોઈશું કે આપણી ભાષા સારી રીતે બોલી શકતાં ન હોય, એવાં ભાઈ-બહેનોને કઈ રીતે માન આપી શકીએ.
વડીલો, એકબીજાને માન આપો
૪. રોમનો ૧૨:૧૦માં આપેલી કઈ સલાહ વડીલોએ પાળવી જોઈએ?
૪ બધા વડીલોને પવિત્ર શક્તિથી પસંદ કરવામાં આવે છે. પણ દરેક પાસે અલગ અલગ આવડત છે. (૧ કોરીં. ૧૨:૧૭, ૧૮) અમુક હાલમાં વડીલ બન્યા છે. એટલે તેઓ પાસે બીજાઓ જેટલો અનુભવ નથી. બીજા અમુક વધતી જતી ઉંમર કે બીમારીને લીધે એટલું કરી શકતા નથી. એક વડીલે બીજા વડીલ માટે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે તે કોઈ કામના નથી. એને બદલે, દરેક વડીલે રોમનો ૧૨:૧૦માં (વાંચો.) આપેલી સલાહ પાળવી જોઈએ.
૫. (ક) વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓ એકબીજાને માન આપે છે? (ખ) એમ કરવું શા માટે જરૂરી છે?
૫ વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓ એકબીજાને માન આપે છે? તેઓ બીજાઓની વાત ધ્યાનથી સાંભળશે. મહત્ત્વની બાબતો માટે વડીલો ભેગા મળે ત્યારે તેઓએ એમ કરવું ખૂબ જરૂરી છે. ધ્યાન આપો કે ઑક્ટોબર ૧, ૧૯૮૮ ચોકીબુરજમાં (અંગ્રેજી) જણાવ્યું હતું, ‘વડીલો જાણે છે કે કોઈ સંજોગોને હાથ ધરવા અથવા કોઈ મહત્ત્વનો નિર્ણય લેવા ઈસુ ખ્રિસ્ત પવિત્ર શક્તિ દ્વારા, વડીલોના જૂથમાંના કોઈ એક વડીલને જરૂરી બાઇબલ સિદ્ધાંત પૂરા પાડવા માર્ગદર્શન આપી શકે છે. (પ્રે.કા. ૧૫:૬-૧૫) પવિત્ર શક્તિ કોઈ એક વડીલ પર નહિ પણ બધા વડીલો પર હોય છે.’
૬. (ક) વડીલો ભેગા મળીને કઈ રીતે કામ કરી શકે? (ખ) એનાથી મંડળને કેવો ફાયદો થશે?
૬ એક વડીલ બીજા વડીલોને માન આપતા હશે તો શું કરશે? વડીલોની સભામાં હંમેશાં પોતે જ પહેલા નહિ બોલે પણ બીજાઓને તક આપશે. ચર્ચા કરતી વખતે તે પોતે જ બોલબોલ નહિ કરે અને પોતાનો જ કક્કો ખરો નહિ કરે. એને બદલે, તે પોતાના વિચારો નમ્રતાથી જણાવશે અને બીજાઓની વાત ધ્યાનથી સાંભળશે. સૌથી મહત્ત્વનું તો, તે બાઇબલ સિદ્ધાંતોના આધારે વાત કરશે તેમજ ‘વિશ્વાસુ અને સમજુ ચાકરના’ માર્ગદર્શન પ્રમાણે કરશે. (માથ. ૨૪:૪૫-૪૭) જ્યારે વડીલો એકબીજા માટે પ્રેમ અને આદર બતાવશે, ત્યારે તેઓ પર પવિત્ર શક્તિ કામ કરશે. એનાથી તેઓ એવા નિર્ણયો લઈ શકશે જેથી મંડળ મજબૂત થાય.—યાકૂ. ૩:૧૭, ૧૮.
કુંવારાં ભાઈ-બહેનોને માન આપો
૭. કુંવારા લોકોને ઈસુ કઈ નજરે જોતા હતા?
૭ મંડળમાં યુગલો, કુટુંબો અને કુંવારાં ભાઈ-બહેનો પણ હોય છે. કુંવારાં ભાઈ-બહેનોને આપણે કઈ નજરે જોવા જોઈએ? આપણે ઈસુની નજરે તેઓને જોવા જોઈએ. ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે લગ્ન કર્યું નહિ, પણ પોતાનાં સમય અને ધ્યાન યહોવાની સેવામાં લગાવ્યાં. તેમણે ક્યારેય એવું ન જણાવ્યું કે એક ઈશ્વરભક્તે લગ્ન કરવા જોઈએ. અથવા તેમણે એમ પણ ન કહ્યું કે એક ઈશ્વરભક્તે કુંવારા રહેવું જોઈએ. જોકે તેમણે એવું ચોક્કસ કહ્યું કે અમુક કુંવારા રહેવાનું નક્કી કરશે. (માથ. ૧૯:૧૧, ૧૨) ઈસુ કુંવારા લોકો સાથે માનથી વર્તતા હતા. તેમણે ક્યારેય કુંવારા લોકોને નીચા ગણ્યા નહિ. ઈસુએ એવું ન વિચાર્યું કે તેઓનું જીવન લગ્ન વગર અધૂરું છે.
૮. પહેલો કોરીંથીઓ ૭:૭-૯ પ્રમાણે પાઊલે ઈશ્વરભક્તોને કઈ સલાહ આપી?
૮ ઈસુની જેમ પ્રેરિત પાઊલે પણ કુંવારા રહીને યહોવાની ભક્તિ કરી. પણ તેમણે ક્યારેય એવું શીખવ્યું નહિ કે લગ્ન કરવા ખોટું છે. પાઊલ જાણતા હતા કે વ્યક્તિએ લગ્ન કરવા કે નહિ એ તેની મરજી છે. છતાં પાઊલે ઈશ્વરભક્તોને સલાહ આપી કે જો તેઓ કુંવારા રહીને ઈશ્વરની સેવા કરશે તો સારું રહેશે. (૧ કોરીંથીઓ ૭:૭-૯ વાંચો.) એનાથી ખબર પડે છે કે પાઊલે ક્યારેય કુંવારા લોકોને નીચા ગણ્યા નહિ. તેમણે તિમોથીને મોટી જવાબદારી સોંપી, જે કુંવારા હતા. * (ફિલિ. ૨:૧૯-૨૨) એટલે એવું વિચારવું ખોટું છે કે એક ભાઈ કુંવારા હોય તો મંડળની જવાબદારી સારી રીતે નિભાવી શકશે નહિ.—૧ કોરીં. ૭:૩૨-૩૫, ૩૮.
૯. લગ્ન કરવા કે ન કરવા એ વિશે આપણા વિચારો કેવા હોવા જોઈએ?
૯ ઈસુ અને પાઊલે ક્યારેય એવું ન જણાવ્યું કે એક ઈશ્વરભક્તે લગ્ન કરવા જોઈએ. તેઓએ એમ પણ ન કહ્યું કે એક ઈશ્વરભક્તે કુંવારા રહેવું જોઈએ. તો પછી લગ્ન કરવા કે ન કરવા એ વિશે આપણા વિચારો કેવા હોવા જોઈએ? એનો જવાબ ઑક્ટોબર ૧, ૨૦૧૨ ચોકીબુરજમાં (અંગ્રેજી) આપ્યો છે: ‘લગ્ન કરવા કે કુંવારા રહેવું એ બંને ઈશ્વર તરફથી મળેલી ભેટ છે. યહોવા એવું માનતા નથી
કે કુંવારા રહેવું એ દુઃખ કે શરમની વાત છે.’ એ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને કુંવારાં ભાઈ-બહેનોને માન આપવું જોઈએ.૧૦. કુંવારાં ભાઈ-બહેનો માટે કઈ રીતે માન બતાવી શકીએ?
૧૦ આપણે કુંવારાં ભાઈ-બહેનોની લાગણીઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ. આપણે તેઓના સંજોગો સમજવા જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે અમુક કુંવારાં રહેવાનો નિર્ણય લે છે. બીજા અમુક લગ્ન કરવા માંગે છે, પણ તેમને યોગ્ય સાથી મળી રહ્યા નથી. કેટલાંક ભાઈ-બહેનોના જીવનસાથી ગુજરી ગયા છે. ભલે ગમે એ કારણથી તેઓ કુંવારાં હોય એ વિશે તેઓને પૂછ્યા ન કરીએ. એવું પણ નહિ કહીએ કે તેઓને સાથી શોધવા મદદ કરીએ. જોકે, અમુક ભાઈ-બહેનો જીવનસાથી શોધવા આપણી મદદ માંગે છે. પણ જો તેઓનાં કહ્યાં વગર મદદ કરવા દોડી જઈશું તો તેઓને કેવું લાગશે? (૧ થેસ્સા. ૪:૧૧; ૧ તિમો. ૫:૧૩) ચાલો જોઈએ કે એ વિશે અમુક કુંવારાં ભાઈ-બહેનો શું કહે છે.
૧૧-૧૨. આપણા લીધે કઈ રીતે કુંવારાં ભાઈ-બહેનો નિરાશ થઈ શકે?
૧૧ ચાલો એક સરકીટ નિરીક્ષકનો દાખલો જોઈએ. તે કુંવારા છે અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે. તેમને લાગે છે કે કુંવારા રહેવાથી ઘણા ફાયદા છે. જ્યારે અમુક ભાઈ-બહેનો તેમને પૂછે છે, “તમે કેમ લગ્ન કર્યા નથી?” ત્યારે તે ઘણા નિરાશ થઈ જાય છે. શાખા કચેરીમાં કામ કરતા એક કુંવારા ભાઈ કહે છે: ‘અમુક ભાઈ-બહેનો કુંવારા લોકોની દયા ખાય છે. એનાથી એવું લાગે કે કુંવારા રહેવું એ આશીર્વાદ નહિ, પણ માથે બોજ છે.’
૧૨ બેથેલમાં કામ કરતી એક કુંવારી બહેન જણાવે છે: ‘અમુક ભાઈ-બહેનોને લાગે છે કે બધા કુંવારા લોકો જીવનસાથીની શોધમાં હોય છે. અથવા તેઓ એવું વિચારે છે કે બધા કુંવારા લોકો ભેગા મળે ત્યારે જીવનસાથી શોધવા જ ભેગા મળે છે. એક વાર બેથેલના કામથી હું બીજી જગ્યાએ ગઈ હતી. હું સભાને દિવસે ત્યાં પહોંચી. હું જે બહેનના ઘરે રોકાઈ હતી, તેમણે મને કહ્યું કે મંડળમાં મારી ઉંમરના બે કુંવારા ભાઈઓ છે. તેમણે જણાવ્યું કે તે તો ખાલી વાત કરી રહ્યાં છે, તે મારા માટે જીવનસાથી શોધતા નથી. પણ પ્રાર્થનાઘરમાં પહોંચતા જ તે મને ખેંચીને એ બે ભાઈઓ પાસે લઈ ગયાં. કહેવાની જરૂર નથી, પણ એ બે ભાઈઓ અને હું શરમમાં મૂકાઈ ગયાં.’
૧૩. બેથેલમાં કામ કરતી બહેન શું જણાવે છે?
૧૩ બેથેલમાં કામ કરતી એક કુંવારી બહેન કહે છે: ‘હું એવા કુંવારા પાયોનિયરોને ઓળખું છું જેઓ મોટી ઉંમરના છે. તેઓ સત્યમાં મજબૂત છે અને તેઓએ જીવનમાં ઘણું જતું કર્યું છે. તેઓ યહોવાની સેવામાં ખુશ રહે છે અને બીજાઓને મદદ કરવા તૈયાર રહે છે. તેઓ કુંવારા હોવાને લીધે પોતાને ચઢિયાતા ગણતા નથી. એવું પણ નથી કે, લગ્નસાથી અથવા બાળકો ન હોવાને લીધે તેઓ ઉદાસ રહે છે.’ મંડળમાં બધા એકબીજાનો આદર કરે અને એકબીજાને કીમતી ગણે તો બધાને ખુશી થાય છે. કોઈ એકબીજાની દયા ખાતા નથી. કોઈ એકબીજાની ઈર્ષા કરતા નથી. કોઈ એકબીજાને ચઢિયાતા ગણતા નથી. મંડળમાં બધા એકબીજાને પ્રેમ કરે છે.
૧૪. કુંવારાં ભાઈ-બહેનોને કઈ રીતે આદર બતાવી શકીએ?
૧૪ કુંવારાં ભાઈ-બહેનોને તેઓના સારા ગુણોને લીધે કીમતી સમજીશું તો તેઓને ગમશે. દયા ખાવાને બદલે તેઓની શ્રદ્ધાની કદર કરીએ. એવું કરીશું તો તેઓને ક્યારેય એવું નહિ લાગે કે આપણે તેઓને આવું કહીએ છીએ: “મને તારી જરૂર નથી.” (૧ કોરીં. ૧૨:૨૧) આપણે તેઓનો આદર કરીશું અને તેઓને મહત્ત્વના સમજીશું તો તેઓ ખુશ થશે.
આપણી ભાષા સારી રીતે બોલી ન શકતા હોય એવાં ભાઈ-બહેનોને માન આપો
૧૫. અમુક ભાઈ-બહેનોએ યહોવાની સેવામાં વધુ કરવાં કેવા ફેરફારો કર્યા છે?
૧૫ છેલ્લા કેટલાંક વર્ષોથી અમુક ભાઈ-બહેનો યહોવાની સેવામાં વધુ કરવાં નવી ભાષા શીખી રહ્યાં છે. એ માટે તેઓએ જીવનમાં ઘણા ફેરફારો કર્યા છે. પહેલાં તેઓ એવા મંડળમાં હતા, જ્યાં તેઓની ભાષા બોલાતી હતી. હવે તેઓ વધુ પ્રકાશકોની જરૂર છે એવા મંડળમાં છે, જ્યાં બીજી ભાષા બોલાય છે. (પ્રે.કા. ૧૬:૯) એ તેઓ પોતાની મરજીથી કરે છે. ખરું કે નવી ભાષા સારી રીતે બોલવામાં તેઓને વર્ષો લાગી જાય, તોપણ તેઓ મંડળને ખૂબ મદદ કરે છે. તેઓના સારા ગુણો અને અનુભવને લીધે મંડળ મજબૂત થાય છે. આપણે તેઓની કદર કરીએ છીએ જેઓએ ઘણું જતું કર્યું છે.
૧૬. એક ભાઈ વડીલ કે સહાયક સેવક બનવા માટે યોગ્ય છે કે નહિ એ કેવી રીતે નક્કી કરી શકાય?
૧૬ એક ભાઈ બીજી ભાષાના મંડળમાં છે. વડીલોનું જૂથ ક્યારેય એવું નહિ વિચારે કે એ ભાઈને ત્યાંની ભાષા બહુ આવડતી ન હોવાથી તે વડીલ કે સહાયક સેવક બનવા માટે યોગ્ય નથી. વડીલો અને સહાયક સેવકોમાં કેવી યોગ્યતા હોવી જોઈએ, એ વિશે બાઇબલમાં જણાવ્યું છે. વડીલો જોશે કે ભાઈમાં એ યોગ્યતા છે કે નહિ. તેઓ એવું નહિ જુએ કે ભાઈને એ મંડળની ભાષા કેટલી સારી આવડે છે.—૧ તિમો. ૩:૧-૧૦, ૧૨, ૧૩; તિત. ૧:૫-૯.
૧૭. વિદેશમાં રહેવા જતા કુટુંબોએ કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?
૧૭ અમુક કુટુંબો પોતાના દેશમાં મુશ્કેલી હોવાને લીધે વિદેશ જાય છે. બીજા અમુક રોજી-રોટી કમાવવા વિદેશ જાય છે. તેઓનાં બાળકો એ દેશની ભાષામાં ભણે છે. માબાપે પણ કદાચ રોજી-રોટી કમાવવા એ દેશની ભાષા શીખવી પડે. જો તેઓની ભાષામાં મંડળ કે ગ્રૂપ હોય તો તેઓ શું કરશે? તેઓ કઈ ભાષાના મંડળમાં જશે? શું તેઓ એ દેશની ભાષાના મંડળમાં જશે કે પોતાની ભાષાના મંડળમાં?
૧૮. કુટુંબના શિરે લીધેલા નિર્ણયને આપણે કઈ રીતે માન આપી શકીએ?
૧૮ પોતાનું કુટુંબ કયા મંડળમાં જશે, એ કુટુંબના શિર નક્કી કરશે. તે નક્કી કરશે કે પોતાના કુટુંબ માટે સૌથી સારું શું છે. (ગલાતીઓ ૬:૫ વાંચો.) તેમણે લીધેલા નિર્ણયમાં આપણે માથું નહિ મારીએ. પણ આપણે તેઓના નિર્ણયને માન આપીએ. તેઓ આપણા મંડળમાં આવે તો પ્રેમથી આવકારીએ.—રોમ. ૧૫:૭.
૧૯. કુટુંબના શિરે કયો નિર્ણય સમજી-વિચારીને લેવો જોઈએ?
૧૯ અમુક કુટુંબો પોતાની ભાષાના મંડળમાં જાય છે. પણ તેઓનાં બાળકો એ ભાષા સારી રીતે બોલી શકતાં નથી. કારણ કે જે દેશમાં તેઓ રહે છે ત્યાંની ભાષામાં તેઓ ભણે છે. એટલે બાળકો સભામાંથી ખાસ કંઈ શીખી શકતાં નથી અને સત્યમાં આગળ વધી શકતાં નથી. તેઓ યહોવાની નજીક
જઈ શકે અને ભાઈ-બહેનો સાથે દોસ્તી બાંધી શકે માટે કુટુંબના શિર શું કરશે? તે યહોવાને પ્રાર્થના કરશે અને સમજી-વિચારીને નિર્ણય લેશે. કુટુંબના શિર બાળકોને પોતાની ભાષા શીખવી શકે. કે પછી બાળકોને જે ભાષા સમજાય છે, એ ભાષાના મંડળમાં તેઓ જઈ શકે. કુટુંબના શિર ભલે ગમે એ નિર્ણય લે આપણે એમાં માથું ન મારીએ. પણ તેઓ આપણા મંડળમાં આવે ત્યારે તેઓને માન આપીએ અને કીમતી ગણીએ.૨૦. નવી ભાષા શીખતાં ભાઈ-બહેનોની આપણે કઈ રીતે કદર કરી શકીએ?
૨૦ આપણે જોઈ ગયા તેમ ઘણાં મંડળોમાં એવાં ભાઈ-બહેનો છે, જેઓ નવી ભાષા શીખી રહ્યાં છે. પોતાના વિચારો શબ્દોમાં ઢાળવા તેઓ માટે અઘરું છે. પણ તેઓ યહોવાને ખૂબ પ્રેમ કરે છે અને તેમની સેવા કરવા માગે છે. જો આપણે તેઓના સારા ગુણો પર ધ્યાન આપીશું, તો આપણા દિલમાં તેઓ માટે કદર અને માન વધશે. તેઓને આપણી ભાષા સારી રીતે આવડતી ન હોવાથી આપણે એવું નહિ કહીએ કે, ‘મને તમારી જરૂર નથી.’
યહોવાની નજરે આપણે કીમતી છીએ
૨૧-૨૨. આપણે શા માટે યહોવાના આભારી છીએ?
૨૧ યહોવાએ દરેકને મંડળમાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. એ માટે આપણે કેટલા આભારી છીએ! આપણે પુરુષ હોઈએ કે સ્ત્રી, કુંવારા હોઈએ કે પરણેલા, નાના હોઈએ કે મોટા, ભાષા આવડતી હોય કે ન આવડતી હોય, પણ યહોવાની અને એકબીજાની નજરે આપણે બધા કીમતી છીએ.—રોમ. ૧૨:૪, ૫; કોલો. ૩:૧૦, ૧૧.
૨૨ પાઊલે શરીરનો દાખલો આપ્યો હતો. એમાંથી આપણને ઘણું શીખવા મળ્યું. ચાલો જે શીખ્યા એ જીવનમાં લાગુ પાડીએ. એમ કરીશું તો મંડળમાં એકબીજાને કીમતી ગણવા માટેનાં આપણને વધુ કારણો મળશે.
ગીત ૫૩ સંપીને રહીએ