અભ્યાસ લેખ ૩૪
બાઇબલની ભવિષ્યવાણીઓમાંથી શીખીએ
‘જેઓમાં ઊંડી સમજણ છે તેઓ સમજશે.’—દાનિ. ૧૨:૧૦.
ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે
ઝલક a
૧. બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવાનું મન થાય એ માટે તમને શાનાથી મદદ મળી શકે?
“બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવો મને ખૂબ ગમે છે.” એ વાત બૅન નામના યુવાને કહી. શું તમને પણ એ યુવાન ભાઈ જેવું જ લાગે છે? કે પછી તમને ભવિષ્યવાણીઓ સમજવી અઘરી લાગે છે? તમને કદાચ ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવામાં કંટાળો આવતો હોય. પણ જ્યારે તમે જાણશો કે યહોવાએ એ ભવિષ્યવાણીઓ કેમ બાઇબલમાં લખાવી છે, ત્યારે કદાચ તમને એનો અભ્યાસ કરવાનું મન થશે.
૨. આ લેખમાં આપણે શું જોઈશું?
૨ આ લેખમાં આપણે જોઈશું કે બાઇબલની ભવિષ્યવાણીઓનો કેમ અને કઈ રીતે અભ્યાસ કરવો જોઈએ. પછી દાનિયેલના પુસ્તકમાં લખેલી બે ભવિષ્યવાણીઓ પર ધ્યાન આપીશું અને જોઈશું કે એને સમજવાથી આજે આપણને કઈ રીતે ફાયદો થઈ શકે છે.
બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કેમ કરવો જોઈએ?
૩. બાઇબલની ભવિષ્યવાણીઓ સમજવા આપણે શું કરવું જોઈએ?
૩ બાઇબલની ભવિષ્યવાણીઓ સમજવા આપણે બીજાઓની મદદ લેવી જોઈએ. એ સમજવા આ ઉદાહરણ પર ધ્યાન આપો: તમે એક નવી જગ્યાએ ફરવા ગયા છો. એ જગ્યા વિશે તમે વધારે કંઈ જાણતા નથી. પણ એક દોસ્ત તમારી સાથે આવ્યો છે, જે એ જગ્યાનો ખૂણેખૂણો જાણે છે. તે જાણે છે કે તમે કઈ જગ્યા પર છો અને કયો રસ્તો ક્યાં લઈ જાય છે. એ દોસ્ત તમારી સાથે આવ્યો, એ માટે તમે કેટલા ખુશ હશો! યહોવા પણ એ દોસ્ત જેવા જ છે. તે સારી રીતે જાણે છે કે આપણે કયા સમયમાં જીવી રહ્યા છીએ અને આપણી સામે કેવું ભાવિ રહેલું છે. એટલે બાઇબલની ભવિષ્યવાણીઓ સમજવા આપણે નમ્ર બનીને યહોવા પાસે મદદ માંગવી જોઈએ.—દાનિ. ૨:૨૮; ૨ પિત. ૧:૧૯, ૨૦.
૪. યહોવાએ બાઇબલમાં ભવિષ્યવાણીઓ કેમ લખાવી છે? (યર્મિયા ૨૯:૧૧) (ચિત્ર પણ જુઓ.)
૪ દરેક મમ્મી-પપ્પા પોતાના બાળક માટે ખુશીઓથી ભરેલું ભાવિ ચાહતા હોય છે. યહોવા પણ તેમનાં બધાં બાળકો માટે એવું જ ચાહે છે. (યર્મિયા ૨૯:૧૧ વાંચો.) જોકે, મમ્મી-પપ્પા એ જાણતાં નથી કે આગળ જતાં તેઓનાં બાળકોનું શું થશે, પણ યહોવા એ જરૂર જાણે છે. તે આપણને જણાવી શકે છે કે ભાવિમાં શું થવાનું છે અને તેમણે કહેલી દરેક વાત સાચી પડે છે. તેમણે બાઇબલમાં ભવિષ્યવાણીઓ લખાવી છે, જેથી આપણે પહેલેથી જાણી શકીએ છીએ કે કયા મહત્ત્વના બનાવો બનવાના છે. (યશા. ૪૬:૧૦) ભવિષ્યવાણીઓ સ્વર્ગમાંના આપણા પિતા તરફથી પ્રેમાળ ભેટ જેવી છે. પણ આપણે કઈ રીતે ભરોસો રાખી શકીએ કે બાઇબલમાં ભાવિ વિશે જે જણાવ્યું છે, એ ચોક્કસ પૂરું થશે?
૫. મેક્સના દાખલામાંથી યુવાન ભાઈ-બહેનો શું શીખી શકે?
૫ સ્કૂલમાં આપણાં બાળકો એવા લોકોથી ઘેરાયેલાં હોય છે, જેઓ બાઇબલમાં બિલકુલ માનતા નથી અથવા તેઓને એના પર થોડી-ઘણી શ્રદ્ધા છે. અમુક વાર તેઓ એવું કંઈક કહે છે અથવા કરે છે, જેનાથી આપણાં બાળકોનાં મનમાં શંકા પેદા થઈ શકે છે. મેક્સના દાખલા પર ધ્યાન આપો. તે કહે છે: “હું નાનો હતો ત્યારે, મને શંકા થવા લાગી કે શું મમ્મી-પપ્પા ખરેખર મને સાચા ધર્મ વિશે શીખવે છે અને શું બાઇબલ ખરેખર ઈશ્વર તરફથી છે.” તેમનાં મમ્મી-પપ્પાએ શું કર્યું? મેક્સ કહે છે: “હું જાણું છું કે એ વાત સાંભળીને મમ્મી-પપ્પાને ચિંતા થઈ હતી, તોપણ તેઓ ગુસ્સે ન થયાં.” મેક્સનાં મમ્મી-પપ્પાએ તેમના સવાલોના જવાબ બાઇબલમાંથી આપ્યા. મેક્સે પોતે પણ કંઈક કર્યું. તે કહે છે: “મેં બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કર્યો. હું જે શીખ્યો એ મેં મંડળના બીજા યુવાનોને પણ જણાવ્યું.” એનું શું પરિણામ આવ્યું? મેક્સ જણાવે છે: “ત્યાર પછી મને પૂરી ખાતરી થઈ ગઈ કે બાઇબલ ખરેખર ઈશ્વર તરફથી છે.”
૬. જો મનમાં શંકા થાય તો તમારે શું કરવું જોઈએ અને કેમ?
૬ મેક્સની જેમ જો તમને શંકા થવા લાગે કે બાઇબલમાં લખેલી વાતો સાચી છે કે નહિ, તો એમાં શરમાવા જેવું કંઈ નથી. પણ તરત પગલાં ભરવાની જરૂર છે. શંકા કાટ જેવી છે. જો કાટ તરફ ધ્યાન નહિ આપીએ, તો ધીરે ધીરે એ કોઈ કીમતી વસ્તુને ખરાબ કરી શકે છે. એવી જ રીતે, જો તમે મનમાંથી “કાટ,” એટલે કે શંકા દૂર નહિ કરો, તો એ તમારી શ્રદ્ધાને કોરી ખાશે. એટલે પોતાને પૂછો: ‘બાઇબલમાં ભાવિ વિશે જે લખવામાં આવ્યું છે, શું મને એના પર ભરોસો છે?’ જો મનમાં થોડી પણ શંકા હોય, તો બાઇબલની એવી ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરો, જે પૂરી થઈ ગઈ છે. તમે કઈ રીતે અભ્યાસ કરી શકો?
બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કઈ રીતે કરવો જોઈએ?
૭. ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવા વિશે દાનિયેલે કેવો દાખલો બેસાડ્યો છે? (દાનિયેલ ૧૨:૧૦) (ચિત્ર પણ જુઓ.)
૭ બાઇબલની ભવિષ્યવાણીઓનો કઈ રીતે અભ્યાસ કરવો, એ વિશે દાનિયેલે સરસ દાખલો બેસાડ્યો છે. તેમણે સારા ઇરાદાથી અભ્યાસ કર્યો. તે સત્ય જાણવા માંગતા હતા. તે નમ્ર પણ હતા. તે જાણતા હતા કે જો તે યહોવાની નજીક રહેશે અને તેમનું કહ્યું કરશે, તો યહોવા તેમને ભવિષ્યવાણીઓ સમજવા મદદ કરશે. (દાનિ. ૨:૨૭, ૨૮; દાનિયેલ ૧૨:૧૦ વાંચો.) સમજણ માટે યહોવા પર આધાર રાખીને દાનિયેલે બતાવી આપ્યું કે તે નમ્ર હતા. (દાનિ. ૨:૧૮) વધુમાં, દાનિયેલે ખૂબ ધ્યાનથી અભ્યાસ કર્યો. એ સમયે શાસ્ત્રવચનોનો જે ભાગ પ્રાપ્ય હતો, એમાંથી તેમણે સંશોધન કર્યું. (યર્મિ. ૨૫:૧૧, ૧૨; દાનિ. ૯:૨) તમે દાનિયેલ પાસેથી શું શીખી શકો?
૮. અમુક લોકો કયા ઇરાદાથી બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરે છે? પણ આપણે શું કરવું જોઈએ?
૮ અભ્યાસ કરવા પાછળનો તમારો ઇરાદો પારખો. શું તમે ખરેખર બાઇબલનું સત્ય શીખવા માંગો છો? જો એમ હોય, તો યહોવા ચોક્કસ તમારી મદદ કરશે. (યોહા. ૪:૨૩, ૨૪; ૧૪:૧૬, ૧૭) જોકે, અમુક લોકો બીજા જ ઇરાદાથી બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરે છે. તેઓ એવું સાબિત કરવા માંગે છે કે બાઇબલ ઈશ્વર તરફથી નથી. તેઓનું માનવું છે કે જો બાઇબલ ઈશ્વર તરફથી ન હોય, તો તેઓ મન ફાવે એમ જીવી શકે છે તેમજ ખરું શું અને ખોટું શું એ પોતે નક્કી કરી શકે છે. પણ આપણે તેઓ જેવા ન બનવું જોઈએ. આપણે યોગ્ય ઇરાદાથી બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવો જોઈએ. વધુમાં, બાઇબલની ભવિષ્યવાણીઓ સમજવા માટે એક ગુણ હોવો ખૂબ જરૂરી છે.
૯. બાઇબલની ભવિષ્યવાણીઓ સમજવા કયો ગુણ હોવો જરૂરી છે? સમજાવો.
૯ નમ્ર બનો. યહોવાએ વચન આપ્યું છે કે તે નમ્ર લોકોને મદદ કરશે. (યાકૂ. ૪:૬) એટલે, બાઇબલની ભવિષ્યવાણીઓ સમજવા પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગીએ. એટલું જ નહિ, જો આપણે નમ્ર હોઈશું, તો આપણે વિશ્વાસુ ચાકરની પણ મદદ લઈશું, જેના દ્વારા યહોવા આપણને સમયસર ભક્તિને લગતો ખોરાક આપે છે. (લૂક ૧૨:૪૨) યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે, એટલે એ માનવું વાજબી છે કે તે ફક્ત એક જ ચાકર દ્વારા આપણને બાઇબલનું સત્ય સમજવા મદદ કરશે.—૧ કોરીં. ૧૪:૩૩; એફે. ૪:૪-૬.
૧૦. તમે એસ્ટરબહેન પાસેથી શું શીખ્યા?
૧૦ ખૂબ ધ્યાનથી અભ્યાસ કરો. તમને કઈ ભવિષ્યવાણીમાં રસ છે એનો વિચાર કરો. પછી સૌથી પહેલા એના વિશે સંશોધન કરો. એસ્ટર નામનાં એક બહેને એવું જ કર્યું. તેમને એ ભવિષ્યવાણીઓ જાણવામાં રસ હતો, જેમાં મસીહના આવવા વિશે જણાવ્યું હતું. તે કહે છે: ‘હું ૧૫ વર્ષની હતી ત્યારે, મારે જાણવું હતું કે શું એ ભવિષ્યવાણીઓ સાચે જ ઈસુના સમય પહેલાં લખાઈ હતી. એટલે હું એ વાતના પુરાવા શોધવા લાગી.’ તેમણે મૃત સરોવર પાસેથી મળી આવેલા વીંટાઓ વિશે પણ વાંચ્યું. એનાથી તેમને ખાતરી થઈ ગઈ કે એ ભવિષ્યવાણીઓ મસીહ આવ્યા એ પહેલાં લખવામાં આવી હતી. તે જણાવે છે: “એમાંના અમુક વીંટાઓ ખ્રિસ્તના સમય પહેલાં લખવામાં આવ્યા હતા. એટલે ચોક્કસ એમાં લખેલી ભવિષ્યવાણીઓ ઈશ્વરે જ લખાવી હશે.” બહેન એ પણ જણાવે છે: “એ વાતો સમજવા મારે એને વારંવાર વાંચવી પડતી.” પણ તે ખુશ છે કે તેમણે એટલી બધી મહેનત કરી. બાઇબલની ઘણી ભવિષ્યવાણીઓનો ધ્યાનથી અભ્યાસ કર્યા પછી તે કહે છે: “હું સાફ જોઈ શકી કે બાઇબલમાં લખેલી વાતો એકદમ સાચી છે.”
૧૧. બાઇબલમાં લખેલી વાતો સાચી છે એવી ખાતરી કરવી કેમ જરૂરી છે?
૧૧ જ્યારે આપણે જોઈએ છીએ કે બાઇબલમાં લખેલી અમુક ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ રહી છે, ત્યારે યહોવામાં અને તેમના તરફથી મળતા માર્ગદર્શનમાં આપણો ભરોસો વધે છે. એટલું જ નહિ, બાઇબલની ભવિષ્યવાણીઓ ભાવિ વિશે સરસ આશા આપે છે. એટલે એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે, આપણે મુશ્કેલીઓમાં પણ ખુશ રહી શકીએ છીએ. હવે ચાલો, દાનિયેલ દ્વારા નોંધવામાં આવેલી બે ભવિષ્યવાણીઓ પર નજર કરીએ, જે આપણા સમયમાં પૂરી થઈ રહી છે. એને સારી રીતે સમજવાથી આપણને સારા નિર્ણયો લેવા મદદ મળશે.
લોખંડ અને માટીથી બનેલા પગના પંજા વિશે જાણવું કેમ જરૂરી છે?
૧૨. ‘લોખંડ અને માટીથી બનેલા પગના પંજા’ કોને રજૂ કરે છે? (દાનિયેલ ૨:૪૧-૪૩)
૧૨ દાનિયેલ ૨:૪૧-૪૩ વાંચો. એક વાર દાનિયેલે રાજા નબૂખાદનેસ્સારના સપનાનો અર્થ જણાવ્યો હતો. સપનામાં રાજાએ એક મોટી મૂર્તિ જોઈ હતી. એ મૂર્તિના પગના પંજા ‘લોખંડ અને માટીથી’ બનેલા હતા. એ ભવિષ્યવાણીને દાનિયેલની અને પ્રકટીકરણની બીજી ભવિષ્યવાણીઓ સાથે સરખાવવાથી જાણવા મળે છે કે પગના પંજા બ્રિટન-અમેરિકા મહાસત્તાને રજૂ કરે છે, જે આજે દુનિયાની સૌથી શક્તિશાળી સરકારો છે. એ મહાસત્તા વિશે દાનિયેલે કહ્યું હતું કે એ “રાજ્યનો અમુક ભાગ મજબૂત અને અમુક ભાગ નબળો હશે.” અમુક ભાગ કેમ નબળો હશે? કેમ કે સામાન્ય લોકો જેઓને માટી તરીકે રજૂ કરવામાં આવ્યા છે, તેઓ એ મહાસત્તાની લોખંડ જેવી તાકાતને નબળી પાડી દે છે. એટલે એ મહાસત્તા જે ચાહે છે એ કરી શકતી નથી. b
૧૩. આ ભવિષ્યવાણીથી આપણે કઈ મહત્ત્વની વાતો શીખી શકીએ?
૧૩ દાનિયેલે મૂર્તિ વિશે જે જણાવ્યું એમાંથી આપણે ઘણી મહત્ત્વની વાતો શીખી શકીએ છીએ, ખાસ કરીને મૂર્તિના પગના પંજામાંથી. પહેલું, બ્રિટન-અમેરિકા મહાસત્તાએ ઘણી વાર બતાવી આપ્યું કે તે સૌથી શક્તિશાળી છે. દાખલા તરીકે, જે દેશો પહેલું અને બીજું વિશ્વયુદ્ધ જીત્યા, તેઓમાં બ્રિટન અને અમેરિકાનો બહુ મોટો ફાળો હતો. પણ એ મહાસત્તા નબળી પડી રહી છે અને હજી નબળી પડતી જશે. કેમ કે એના નાગરિકો અંદરોઅંદર લડે છે અને સરકારનો વિરોધ કરે છે. બીજું, એ મહાસત્તા છેલ્લી મહાસત્તા હશે. એના પછી ઈશ્વરનું રાજ્ય બધી માનવીય સરકારોનો અંત લાવી દેશે. ભલે બીજાં રાષ્ટ્રો બ્રિટન-અમેરિકા મહાસત્તાનો વિરોધ કરે, પણ તેઓ એની જગ્યા લઈ નહિ શકે. એવું કેમ કહી શકીએ? કેમ કે એક પથ્થર, જે ઈશ્વરના રાજ્યને રજૂ કરે છે, એ મૂર્તિના પગના પંજાના ચૂરેચૂરા કરી નાખશે, જે બ્રિટન-અમેરિકા મહાસત્તાને રજૂ કરે છે.—દાનિ. ૨:૩૪, ૩૫, ૪૪, ૪૫.
૧૪. લોખંડ અને માટીથી બનેલા પગના પંજા વિશેની ભવિષ્યવાણી સમજવાથી આપણને કઈ રીતે સારા નિર્ણયો લેવા મદદ મળે છે?
૧૪ શું તમને ખાતરી છે કે લોખંડ અને માટીથી બનેલા પગના પંજા વિશેની દાનિયેલની ભવિષ્યવાણી સાચી છે? જો એમ હોય, તો એ તમારા જીવનઢબથી દેખાઈ આવશે. તમે આ દુનિયામાં ધનદોલત કે ચીજવસ્તુઓ ભેગી કરવાની કોશિશ નહિ કરો. કેમ કે તમે જાણો છો કે આ દુષ્ટ દુનિયાનો અંત બહુ નજીક છે. (લૂક ૧૨:૧૬-૨૧; ૧ યોહા. ૨:૧૫-૧૭) આ ભવિષ્યવાણી સમજવાથી તમને એ પણ જોવા મદદ મળશે કે ખુશખબર જણાવવાનું અને શીખવવાનું કામ કેટલું જરૂરી છે. (માથ. ૬:૩૩; ૨૮:૧૮-૨૦) આ ભવિષ્યવાણીનો અભ્યાસ કર્યા પછી પોતાને પૂછો: ‘શું મને ખાતરી છે કે ઈશ્વરનું રાજ્ય બધી જ માનવીય સરકારોનો અંત લાવશે? શું એ મારા નિર્ણયોથી દેખાઈ આવે છે?’
‘ઉત્તરના રાજાની’ અને ‘દક્ષિણના રાજાની’ તમારા પર કેવી અસર થઈ રહી છે?
૧૫. આજે “ઉત્તરનો રાજા” અને “દક્ષિણનો રાજા” કોણ છે? (દાનિયેલ ૧૧:૪૦)
૧૫ દાનિયેલ ૧૧:૪૦ વાંચો. દાનિયેલ અધ્યાય ૧૧માં બે રાજાઓ, એટલે કે સરકારો વિશે જણાવ્યું છે, જેઓ આખી દુનિયા પર રાજ કરવા એકબીજા સામે બાથ ભીડે છે. આ ભવિષ્યવાણીઓની સરખામણી બીજી ભવિષ્યવાણીઓ સાથે કરવાથી જાણવા મળે છે કે “ઉત્તરનો રાજા” રશિયા અને એના મિત્ર દેશો છે તેમજ “દક્ષિણનો રાજા” બ્રિટન-અમેરિકા મહાસત્તા છે. c
૧૬. ‘ઉત્તરના રાજાના’ વિસ્તારમાં રહેતા ઈશ્વરના લોકો કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે?
૧૬ “ઉત્તરનો રાજા” તેના વિસ્તારમાં રહેતા ઈશ્વરના લોકો પર સીધેસીધો જુલમ ગુજારે છે. યહોવાને વફાદાર રહેવાને લીધે અમુક સાક્ષીઓને માર મારવામાં આવ્યો છે, તો અમુકને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. જોકે, ‘ઉત્તરના રાજાનાં’ એ કામોને લીધે આપણાં ભાઈ-બહેનો ડરી ગયાં નથી. તેઓની શ્રદ્ધા વધારે મજબૂત થઈ છે. શા માટે? કેમ કે તેઓ જાણે છે કે ઈશ્વરના લોકો પર જે જુલમ થઈ રહ્યો છે, એનાથી દાનિયેલની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. d (દાનિ. ૧૧:૪૧) એ જાણવાથી આપણી શ્રદ્ધા પાકી થઈ શકે છે અને યહોવાને વફાદાર રહેવાનો આપણો નિર્ણય દૃઢ થઈ શકે છે.
૧૭. ‘દક્ષિણના રાજાના’ વિસ્તારમાં રહેતા ઈશ્વરના લોકોએ કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો છે?
૧૭ પાછલા સમયમાં ‘દક્ષિણના રાજાએ’ પણ યહોવાના લોકો પર સીધેસીધો હુમલો કર્યો છે. દાખલા તરીકે, પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધમાં ભાગ ન લેવાને લીધે ઘણા ભાઈઓને જેલમાં નાખી દેવામાં આવ્યા. ઝંડાને સલામી ન આપવાને લીધે ઘણાં સાક્ષી બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યાં. તાજેતરનાં વર્ષોમાં દક્ષિણના રાજાના વિસ્તારમાં રહેતા ઈશ્વરના લોકોની બીજી રીતોએ કસોટી થઈ છે. તેઓ સામે એવા સંજોગો ઊભા થયા, જ્યારે યહોવાને વફાદાર રહેવું તેઓ માટે અઘરું બન્યું. દાખલા તરીકે, ચૂંટણીનો પ્રચાર થતો હોય ત્યારે યહોવાનો કોઈ ભક્ત વિચારી શકે કે કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર બીજા કરતાં ચઢિયાતો છે. ભલે તે મત ન આપે, પણ કદાચ મનમાં ને મનમાં વિચારવા લાગે કે કોઈ પક્ષ અથવા ઉમેદવાર જીતી જાય તો વધારે સારું. એટલે કેટલું જરૂરી છે કે કાર્યોમાં, વિચારોમાં અને લાગણીઓમાં પણ કોઈનો પક્ષ ન લઈએ!—યોહા. ૧૫:૧૮, ૧૯; ૧૮:૩૬.
૧૮. ઉત્તરના રાજા અને દક્ષિણના રાજા વચ્ચેની દુશ્મનાવટ જોઈને આપણને કેવું લાગે છે? (ચિત્ર પણ જુઓ.)
૧૮ કેટલાક લોકો માનતા નથી કે બાઇબલમાં આપેલી ભવિષ્યવાણીઓ ઈશ્વર તરફથી છે. એટલે જ્યારે તેઓ જુએ છે કે “દક્ષિણનો રાજા” ‘ઉત્તરના રાજા’ સામે ‘શિંગડાં ભીડી’ રહ્યો છે, ત્યારે તેઓને કદાચ ચિંતા થવા લાગે. (દાનિ. , ફૂટનોટ) બંને રાજાઓ પાસે એટલાં પરમાણુ શસ્ત્રો છે કે જો તેઓ એનો ઉપયોગ કરે, તો આ પૃથ્વી પર એક ચકલુંય ના બચે. પણ આપણે જાણીએ છીએ કે યહોવા એમ નહિ થવા દે. ( ૧૧:૪૦યશા. ૪૫:૧૮) એટલે ‘ઉત્તરના રાજા’ અને ‘દક્ષિણના રાજા’ વચ્ચેની દુશ્મનાવટ જોઈને આપણે ગભરાઈ જતા નથી, પણ આપણી શ્રદ્ધા વધારે મજબૂત થાય છે. એ સાબિત કરે છે કે આ દુષ્ટ દુનિયાનો અંત ખૂબ નજીક છે.
ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરતા રહીએ
૧૯. બાઇબલની ભવિષ્યવાણીઓ વિશે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૧૯ આપણે જાણતા નથી કે બાઇબલની અમુક ભવિષ્યવાણીઓ કેવી રીતે પૂરી થશે. પ્રબોધક દાનિયેલ પણ પોતે લખેલી બધી વાતોનો અર્થ જાણતા ન હતા. (દાનિ. ૧૨:૮, ૯) જો આપણે પૂરી રીતે સમજતા ન હોઈએ કે કોઈ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થશે, તો એનો અર્થ એ નથી કે એ ભવિષ્યવાણી પૂરી નહિ થાય. પૂરો ભરોસો રાખી શકીએ કે આપણે જે જાણવાની જરૂર છે, એ સમજવા યહોવા યોગ્ય સમયે મદદ કરશે, જેમ તેમણે અગાઉના સમયમાં કર્યું હતું.—આમો. ૩:૭.
૨૦. (ક) બહુ જ જલદી આપણે બાઇબલની કઈ જોરદાર ભવિષ્યવાણીઓને પૂરી થતા જોઈશું? (ખ) આપણે શું કરતા રહેવાની જરૂર છે?
૨૦ ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરવામાં આવશે. (૧ થેસ્સા. ૫:૩) ત્યાર બાદ સરકારો જૂઠા ધર્મો પર હુમલો કરશે અને તેઓનું નામનિશાન મિટાવી દેશે. (પ્રકટી. ૧૭:૧૬, ૧૭) પછી સરકારો ઈશ્વરના લોકો પર હુમલો કરશે. (હઝકિ. ૩૮:૧૮, ૧૯) એ બનાવોથી આર્માગેદનનું યુદ્ધ શરૂ થઈ જશે. (પ્રકટી. ૧૬:૧૪, ૧૬) આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે એ બનાવો ખૂબ જલદી બનશે. પણ એમ થાય ત્યાં સુધી ચાલો બાઇબલની ભવિષ્યવાણી પર ધ્યાન આપીએ અને બીજાઓને પણ એમ કરવા મદદ કરીએ. આ રીતે આપણા સ્વર્ગમાંના પિતા યહોવાનો આભાર માનતા રહીએ.
ગીત ૪૩ જાગતા રહીએ
a ભલે દુનિયાની હાલત ગમે એટલી ખરાબ થઈ જાય, પણ ભરોસો રાખી શકીએ કે આપણું ભાવિ સારું હશે. બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવાથી એ ભરોસો વધારે મજબૂત થાય છે. આ લેખમાં જોઈશું કે આપણે કેમ બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવો જોઈએ. પછી દાનિયેલે નોંધેલી બે ભવિષ્યવાણીઓ પર નજર કરીશું અને જોઈશું કે એનો અર્થ સમજવાથી આપણને કઈ રીતે ફાયદો થઈ શકે છે.