વાચકો તરફથી પ્રશ્નો
શું યહોવાના સાક્ષીઓએ જીવનસાથી શોધવા ડેટિંગ ઍપ કે વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ?
યહોવા ચાહે છે કે એક પુરુષ અને સ્ત્રી પોતાનાં લગ્નજીવનથી ખુશ હોય અને તેઓનું લગ્નબંધન હંમેશાં ટકી રહે. (માથ. ૧૯:૪-૬) જો તમે લગ્ન કરવા ચાહતા હો તો સારા જીવનસાથી કઈ રીતે મેળવી શકો? એ વિશે સૌથી સારી સલાહ યહોવા આપી શકે છે. કારણ કે તેમણે આપણને બનાવ્યા છે. એ માટે તેમણે ઘણા સિદ્ધાંત આપ્યા છે, એને પાળવાથી આપણું લગ્નજીવન ખુશીઓથી ભરાઈ જશે. ચાલો એમાંના અમુક સિદ્ધાંતો પર ધ્યાન આપીએ.
પહેલો સિદ્ધાંત છે, “દિલ સૌથી કપટી છે, એ બહુ ઉતાવળું છે.” (યર્મિ. ૧૭:૯) આપણે એ સિદ્ધાંત યાદ રાખવો જોઈએ. જ્યારે એક છોકરો અને છોકરી મળે અને એકબીજાને પસંદ કરવા લાગે, ત્યારે એકબીજાથી આકર્ષાય છે. એટલે તેઓ સમજી-વિચારીને નિર્ણય લઈ શકતા નથી. જો કોઈ લાગણીઓમાં વહીને લગ્ન કરશે તો આગળ જતાં પસ્તાવાનો વારો આવશે. (નીતિ. ૨૮:૨૬) એટલે વ્યક્તિને ઓળખ્યા પારખ્યા વગર મનની વાત ન કરીએ કે કોઈ વચન પણ ન આપીએ.
બીજો સિદ્ધાંત નીતિવચનો ૨૨:૩માં આપ્યો છે, “શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે, પણ ભોળો માણસ આગળ ચાલ્યો જાય છે અને એનાં પરિણામો ભોગવે છે.” ડેટિંગ ઍપ અને વેબસાઇટ વાપરવામાં કેટલાંક જોખમો રહેલાં છે. અમુકે ઓનલાઇન લોકો સાથે ડેટિંગ કર્યું હતું. દુઃખની વાત છે કે તેઓની લાગણીઓ સાથે રમત રમવામાં આવી, તેઓ સાથે દગો કરવામાં આવ્યો. અમુક ભોળા લોકોના તો પૈસા લૂંટાઈ ગયા. જેઓએ દગો દીધો એમાંના અમુક લોકો પોતાને યહોવાના સાક્ષી તરીકે ઓળખાવતા હતા.
એવી ઍપ અને વેબસાઇટનો બીજો પણ એક ખતરો છે. કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી અમુક ઍપ અને વેબસાઈટ એ જાણવાનો પ્રયત્ન કરે છે કે તમારી જોડી કોની સાથે સારી લાગશે. પણ એ વાતની કોઈ ગેરંટી નથી કે એવી જોડી હંમેશાં ખુશ રહેશે. લગ્ન કરવું એ કંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી, એ એક મોટો નિર્ણય છે. શું તમે એ નિર્ણય લેવા માટે માણસોએ બનાવેલા કોમ્પ્યુટર પ્રોગ્રામ પર ભરોસો કરશો? કે પછી બાઇબલ સિદ્ધાંતો પર જે ક્યારેય ખોટા પડતા નથી?—નીતિ. ૧:૭; ૩:૫-૭.
ત્રીજો સિદ્ધાંત નીતિવચનો ૧૪:૧૫માં આપ્યો છે, “ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે, પણ ચતુર માણસ દરેક પગલું સમજી-વિચારીને ભરે છે.” એક વ્યક્તિ સાથે લગ્ન કરતા પહેલાં તેને સારી રીતે ઓળખવી જોઈએ. પણ ડેટિંગ ઍપ અને વેબસાઇટ દ્વારા એમ કરવું ઘણું મુશ્કેલ છે. તમે પ્રોફાઇલમાં તેની જાણકારી જોઈ શકો કે પછી તેની સાથે મૅસેજ દ્વારા લાંબી વાત કરી શકો. પણ શું એ રીતે તમે ખરેખર તેમને ઓળખી શકશો? ઘણાને લાગે છે કે તેઓને સાચો પ્રેમ મળી ગયો છે, પણ તેઓ એ વ્યક્તિને સામસામે મળે છે ત્યારે તેઓને આઘાત લાગે છે. કારણ કે વ્યક્તિ ધાર્યા કરતાં અલગ હોય છે.
એક ગીતના લેખકે કહ્યું: “હું કપટી માણસોની દોસ્તી રાખતો નથી અને ઢોંગી માણસો સાથે હળતો-મળતો નથી.” (ગીત. ૨૬:૪) આજે ડેટિંગ ઍપ અને વેબસાઇટનો ઉપયોગ કરીને લોકો જૂઠું બોલે છે અને પોતાની અસલિયત છુપાવે છે, જેથી બીજાઓ તેઓને પસંદ કરે. એવી વ્યક્તિઓ સાથે ખાલી વાત કરવાથી તેઓની ખામી પારખી શકાતી નથી. એક યહોવાનો સાક્ષી આવા સવાલોનો વિચાર કરશે: જો કોઈ તમને કહે કે તે યહોવાનો સાક્ષી છે તો શું તમને પાકી ખાતરી છે કે તેણે બાપ્તિસ્મા લીધું છે? શું તેનો યહોવા સાથે સારો સંબંધ છે? શું મંડળમાં તેનું સારું નામ છે? શું બીજાઓ માટે તે સારો દાખલો છે કે “ખરાબ સંગત” છે? (૧ કોરીં. ૧૫:૩૩; ૨ તિમો. ૨:૨૦, ૨૧) શું તેણે અગાઉ લગ્ન કર્યા હતા? શું બાઇબલના સિદ્ધાંતોના આધારે હવે તે લગ્ન કરવા મુક્ત છે? એવા સવાલોના જવાબ જાણવા ખૂબ જરૂરી છે. ડેટિંગ ઍપ અને વેબસાઇટનો ઉપયોગ કરવાથી એવા સવાલોના જવાબ ન મળી શકે. એવી જાણકારી તો ફક્ત ભાઈ-બહેનો આપી શકે જેઓ એ વ્યક્તિને સારી રીતે ઓળખે છે. (નીતિ. ૧૫:૨૨) યહોવાનો એક વફાદાર ભક્ત સપનામાંય એવી વ્યક્તિ સાથે “અસમાન ઝૂંસરીથી” બંધાવાનું નહિ વિચારે જે યહોવાનો ભક્ત નથી.—૨ કોરીં. ૬:૧૪; ૧ કોરીં. ૭:૩૯.
આપણે જોયું તેમ ડેટિંગ ઍપ અને વેબસાઇટનો ઉપયોગ કરવામાં ખતરો છે. પણ જીવનસાથી શોધવાની બીજી ઘણી રીતો છે. એક વ્યક્તિને તમે ક્યાં મળી શકો? જાહેરમાં મળવા પર પ્રતિબંધ ન હોય ત્યારે યહોવાના સાક્ષીઓ એકબીજાને મળી શકે. જેમ કે સભાઓમાં, સંમેલનોમાં, મહાસંમેલનોમાં મળીને તેઓ એકબીજાને સારી રીતે ઓળખી શકે.
કોવિડ-૧૯ મહામારીના સમયે યહોવાના સાક્ષીઓ ભેગા મળીને સભા નથી કરતા. પણ તેઓ ઓનલાઇન સભા ચલાવે છે. આ સભાઓમાં તમે બીજા કુંવારા સાક્ષીઓને ઓળખી શકો, તેઓની ટોક અને જવાબ સાંભળી શકો. (૧ તિમો. ૬:૧૧, ૧૨) તમને કોઈ પસંદ પડવા લાગે તો તેને વધારે સારી રીતે ઓળખવા અલગથી બ્રેક-આઉટ રૂમમાં મળી શકો. તમે ઓનલાઇન અમુક ભાઈ-બહેનો સાથે મળીને તેની સાથે સમય પસાર કરી શકો. આમ તમે જોઈ શકશો કે એ વ્યક્તિ બીજાઓ સાથે કઈ રીતે વાત કરે છે. એટલું જ નહિ તેની ખૂબીઓ અને ખામીઓ પણ તમને જાણવા મળશે. (૧ પિત. ૩:૪) જોતજોતામાં તમે એ વ્યક્તિને સારી રીતે ઓળખવા લાગશો. તમે જાણી શકશો કે તમારા ધ્યેયો એક જેવા છે કે નહિ. એ વ્યક્તિ તમારી જીવનસાથી બની શકે છે કે નહિ.
જે કુંવારાં ભાઈ-બહેનો જીવનસાથી શોધવા બાઇબલ સિદ્ધાંતોની મદદ લે છે, તેઓ એકબીજા સાથે ખુશ રહે છે. તેઓ વિશે આમ કહી શકાય: “જેને સારી પત્ની મળી [અથવા પતિ મળ્યો] છે, તેને અનમોલ ખજાનો મળ્યો છે, તેને યહોવાની કૃપા મળે છે.”—નીતિ. ૧૮:૨૨.