અભ્યાસ લેખ ૩૧
પ્રાર્થના—એ લહાવાને કીમતી ગણીએ
“મારી પ્રાર્થના તમારી આગળ તૈયાર કરેલા ધૂપ જેવી થાઓ.”—ગીત. ૧૪૧:૨.
ગીત ૫૧ યહોવા અમારો આધાર
ઝલક *
૧. યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ, એ લહાવાને કેવો ગણવો જોઈએ?
આપણે આખા વિશ્વના માલિક યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ. એ કેટલો કીમતી લહાવો કહેવાય! જરા વિચારો, આપણે તેમને કોઈ પણ સમયે, કોઈ પણ ભાષામાં પ્રાર્થના કરી શકીએ છીએ. તેમની આગળ દિલ ઠાલવી શકીએ છીએ. તેમની સાથે વાત કરવા આપણે રાહ જોવી પડતી નથી, ઍપોઇન્ટમૅન્ટ લેવી પડતી નથી. આપણે હૉસ્પિટલના ખાટલા પર હોઈએ કે પછી જેલના સળિયા પાછળ, દરેક જગ્યાએથી તેમને પ્રાર્થના કરી શકીએ છીએ. આપણને ખાતરી છે કે પ્રેમાળ પિતા આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. પ્રાર્થના કરવાનો આપણી પાસે અનોખો આશીર્વાદ છે. એને ક્યારેય નાનોસૂનો ન ગણીએ.
૨. દાઉદ રાજાએ કઈ રીતે પ્રાર્થનાને કીમતી લહાવો ગણ્યો?
૨ દાઉદ રાજા પ્રાર્થનાને એક કીમતી લહાવો ગણતા હતા. એટલે તેમણે યહોવાને કહ્યું: “મારી પ્રાર્થના તમારી આગળ તૈયાર કરેલા ધૂપ જેવી થાઓ.” (ગીત. ૧૪૧:૧, ૨) દાઉદના સમયમાં યાજકો યહોવાની શુદ્ધ ભક્તિ માટે ધૂપ ચઢાવતા. એ ધૂપને ખૂબ ધ્યાનથી તૈયાર કરવામાં આવતો. (નિર્ગ. ૩૦:૩૪, ૩૫) દાઉદે પ્રાર્થનાને ધ્યાનથી તૈયાર કરેલા ધૂપ સાથે સરખાવી. એનાથી ખબર પડે છે કે તે પહેલેથી વિચાર કરતા કે પ્રાર્થનામાં શું કહેશે. દાઉદની જેમ આપણે પણ ચાહીએ છીએ કે યહોવા આપણી પ્રાર્થનાથી ખુશ થાય. એટલે પ્રાર્થનામાં શું કહીશું એનો પહેલેથી વિચાર કરવો જોઈએ.
૩. આપણે યહોવાને કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ અને કેમ?
૩ આપણે મહાન ઈશ્વર યહોવાને પ્રાર્થના કરીએ છીએ. એ માટે પૂરા આદરથી પ્રાર્થના કરીએ. આપણે સમજી-વિચારીને પ્રાર્થના કરીએ. યહોવાનું ગૌરવ કેટલું બધું છે, એ સમજવા આપણને યશાયા, હઝકિયેલ, દાનિયેલ અને યોહાનનાં દર્શનો મદદ કરશે. એ દર્શનોમાં યહોવાને એક મહાન રાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે. યશાયાએ દર્શનમાં “યહોવાને ભવ્ય અને ઊંચા રાજ્યાસન પર બિરાજેલા જોયા.” (યશા. ૬:૧-૩) હઝકિયેલે યહોવાને તેમના રથ પર બેઠેલા જોયા. ‘તેમની ચારે બાજુ પ્રકાશ ફેલાયેલો હતો, જે મેઘધનુષ્ય જેવો હતો.’ (હઝકિ. ૧:૨૬-૨૮) દાનિયેલે દર્શનમાં ‘એક વયોવૃદ્ધને’ જોયા. તેમનાં કપડાં ઊજળાં હતાં. તેમની રાજગાદીમાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી. (દાનિ. ૭:૯, ૧૦) યોહાને દર્શનમાં યહોવાને રાજ્યાસન પર બેઠેલા જોયા. રાજ્યાસનની ચારે બાજુ મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ રત્ન જેવો હતો. (પ્રકટી. ૪:૨-૪) એ દર્શનોથી સમજી શકીએ છીએ કે યહોવા કેટલા મહાન છે. છતાં તેમણે આપણને પ્રાર્થના કરવાનો લહાવો આપ્યો છે. એટલે પ્રાર્થનામાં પૂરા આદરથી તેમની સાથે વાત કરીએ. પણ આપણે કઈ બાબતો માટે પ્રાર્થના કરી શકીએ?
“તમે આ પ્રમાણે પ્રાર્થના કરો”
૪. પ્રાર્થના કરવા વિશે માથ્થી ૬:૯, ૧૦માંથી શું શીખી શકીએ?
૪ માથ્થી ૬:૯, ૧૦ વાંચો. પહાડ પરના ઉપદેશમાં ઈસુએ શિષ્યોને જણાવ્યું કે તેઓ કઈ રીતે પ્રાર્થના કરી શકે, જેથી યહોવા ખુશ થાય. તેમણે કહ્યું: “તમે આ પ્રમાણે પ્રાર્થના કરો.” પછી તેમણે પહેલા એ બાબતો વિશે જણાવ્યું, જે સૌથી મહત્ત્વની છે. જેમ કે, ઈશ્વરનું નામ પવિત્ર મનાય. ઈશ્વરનું રાજ્ય આવે, જે તેમના બધા દુશ્મનોનો નાશ કરી નાખશે. તેમ જ, પૃથ્વી અને માણસો વિશે ઈશ્વરની ઇચ્છા પૂરી થાય. એ બધી બાબતો યહોવાના હેતુ સાથે જોડાયેલી છે. એના વિશે પ્રાર્થના કરીને બતાવીએ છીએ કે આપણા માટે એ ખૂબ મહત્ત્વની છે.
૫. શું આપણે પોતાના માટે પ્રાર્થના કરી શકીએ?
૫ એ જણાવ્યા પછી ઈસુએ શીખવ્યું કે આપણે પોતાના માટે પણ પ્રાર્થના કરી શકીએ છીએ. આપણે યહોવાને જણાવી શકીએ કે તે આપણને એ દિવસનો ખોરાક પૂરો પાડે. આપણાં પાપ માફ કરે. આપણને કસોટીઓમાં વફાદાર રહેવા મદદ કરે. શેતાનથી આપણને બચાવે. (માથ. ૬:૧૧-૧૩) એ માટે પ્રાર્થના કરીને બતાવીએ છીએ કે આપણે યહોવા પર આધાર રાખીએ છીએ અને તેમને ખુશ કરવા માંગીએ છીએ.
૬. ઈસુએ જે બાબતો માટે પ્રાર્થના કરવાનું શીખવ્યું, શું એ માટે જ પ્રાર્થના કરવી જોઈએ? સમજાવો.
૬ ઈસુએ શીખવ્યું હતું કે કઈ બાબતો માટે પ્રાર્થના કરી શકીએ. પણ તે એવું ચાહતા ન હતા કે તેમના શિષ્યો ફક્ત એ માટે જ પ્રાર્થના કરે. ઘણી વાર ઈસુએ એવા વિષયો માટે પ્રાર્થના કરી, જે એ સમયે તેમના મનમાં ચાલી રહ્યા હતા. (માથ. ૨૬:૩૯, ૪૨; યોહા. ૧૭:૧-૨૬) ઈસુની જેમ આપણે પણ યહોવા આગળ પોતાની ચિંતાઓ ઠાલવી શકીએ. યોગ્ય નિર્ણય લેવા યહોવા પાસે બુદ્ધિ અને સમજણ માંગી શકીએ. (ગીત. ૧૧૯:૩૩, ૩૪) કોઈ કામ કે સોંપણી અઘરી લાગે તો યહોવાને પ્રાર્થના કરી શકીએ. એ સારી રીતે હાથ ધરવા તેમની મદદ લઈ શકીએ. (નીતિ. ૨:૬) માતા-પિતા બાળકો માટે અને બાળકો માતા-પિતા માટે પ્રાર્થના કરી શકે. આપણે બાઇબલ વિદ્યાર્થીઓ માટે અને પ્રચારમાં મળતા લોકો માટે પ્રાર્થના કરીએ. પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે પ્રાર્થનામાં ફક્ત માંગ માંગ જ ન કરીએ.
૭. પ્રાર્થનામાં યહોવાનો જયજયકાર કેમ કરવો જોઈએ?
૭ આપણે પ્રાર્થના કરતી વખતે યહોવાનો જયજયકાર કરવાનું ન ભૂલીએ. તેમના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે! કેમ કે યહોવા ‘ભલા છે અને માફ કરવા તૈયાર છે.’ યહોવા ‘દયા અને કરુણા બતાવનાર છે. તે જલદી ગુસ્સે ન થનાર, અતૂટ પ્રેમના સાગર અને વફાદારી બતાવનાર છે.’ (ગીત. ૮૬:૫, ૧૫) તેમનાં અદ્ભુત ગુણો અને મહાન કામો પર વિચાર કરીએ છીએ ત્યારે આપોઆપ તેમનો જયજયકાર કરવાનું મન થાય છે.
૮. આપણે શાના માટે યહોવાનો આભાર માની શકીએ? (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૨-૧૫, ૨૪)
૮ યહોવાનો જયજયકાર કરવાની સાથે સાથે આપણે તેમનો આભાર પણ માનવો જોઈએ. જરા વિચારો, યહોવાએ આપણા માટે કેટકેટલું કર્યું છે! તેમણે રંગબેરંગી ફૂલો બનાવ્યાં છે. જાતજાતનું સ્વાદિષ્ટ ખાવાનું આપ્યું છે. સારા દોસ્તો આપ્યા છે, જેઓ સાથે સમય વિતાવીને મજા આવે છે. પ્રેમાળ પિતા યહોવાએ આપણા માટે બીજું ઘણું કર્યું છે. તે તો બસ આપણને ખુશ જોવા ચાહે છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૨-૧૫, ૨૪ વાંચો.) ખાસ તો, તેમણે આપણને બાઇબલ અને ઘણાં સાહિત્ય પૂરાં પાડ્યાં છે. તેમણે આપણને ભાવિની સુંદર આશા આપી છે. એ બધા માટે આપણે યહોવાનો ખૂબ ખૂબ આભાર માની શકીએ છીએ.
૯. યહોવાનો આભાર માનવાનું ચૂકી જતા હોઈએ તો શું કરી શકીએ? (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૭, ૧૮)
૯ યહોવા આપણા માટે ઘણું બધું કરે છે. પણ અમુક વાર આપણે તેમનો આભાર માનવાનું ચૂકી જઈએ છીએ. જો તમારી સાથે પણ એવું થતું હોય, તો તમે શું કરી શકો? તમે યહોવાને પ્રાર્થનામાં જે અરજ કરો છો, એનું એક લિસ્ટ બનાવી શકો. થોડા થોડા સમયે એ લિસ્ટ જોતા રહો. જુઓ કે યહોવા કઈ રીતે તમારી પ્રાર્થનાનો જવાબ આપે છે. પછી એ માટે યહોવાનો આભાર માનો. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૭, ૧૮ વાંચો.) આપણે કોઈની માટે કંઈક કરીએ અને તે આભાર માને, થૅન્ક યુ કહે તો આપણને ખુશી થાય છે. એવી જ રીતે, યહોવા આપણી પ્રાર્થનાનો જવાબ આપે અને આપણે તેમનો આભાર માનીએ તો તેમને ઘણી ખુશી થાય છે. (કોલો. ૩:૧૫) યહોવાનો આભાર માનવા આપણી પાસે બીજું એક ખાસ કારણ છે. એ કયું છે?
યહોવાએ પોતાનો વહાલો દીકરો મોકલ્યો માટે આભાર માનીએ
૧૦. યહોવાએ ઈસુને મોકલ્યા એ માટે કેમ આભાર માનવો જોઈએ? (૧ પિતર ૨:૨૧)
૧૦ પહેલો પિતર ૨:૨૧ વાંચો. આપણને શીખવવા યહોવાએ પોતાના વહાલા દીકરાને આ પૃથ્વી પર મોકલ્યા. એ માટે યહોવાનો આભાર માનીએ. બાઇબલમાં ઈસુ વિશે ઘણું લખ્યું છે. એ વાંચીને યહોવાને સારી રીતે ઓળખી શકીએ છીએ. તેમ જ, તેમને કઈ રીતે ખુશ કરવા એ પણ સમજી શકીએ છીએ. ઈસુના બલિદાન પર ભરોસો કરવાથી આપણે યહોવા સાથે દોસ્તી કરી શકીએ છીએ અને તેમની સાથે શાંતિનો આનંદ માણી શકીએ છીએ.—રોમ. ૫:૧.
૧૧. આપણે કેમ ઈસુના નામે પ્રાર્થના કરીએ છીએ?
૧૧ આપણે યહોવાને તેમના દીકરા દ્વારા પ્રાર્થના કરી શકીએ છીએ. એટલે યહોવાનો આભાર માનીએ. ઈસુના નામે પ્રાર્થના કરીએ છીએ ત્યારે યહોવા આપણી પ્રાર્થના સાંભળે છે. તે ઈસુ દ્વારા આપણી અરજો પૂરી કરે છે. ઈસુએ કહ્યું હતું: “તમે મારા નામે જે કંઈ વિનંતી કરશો એ હું પૂરી કરીશ, જેથી દીકરાને લીધે પિતાને મહિમા મળે.”—યોહા. ૧૪:૧૩, ૧૪.
૧૨. આપણે બીજા શાના માટે યહોવાનો આભાર માનવો જોઈએ?
૧૨ ઈસુના બલિદાનને આધારે યહોવા આપણાં પાપ માફ કરે છે. બાઇબલમાં જણાવ્યું છે, ઈસુ “એવા પ્રમુખ યાજક છે, જે સ્વર્ગમાં મહાન ઈશ્વરની રાજગાદીની જમણી તરફ બેઠા છે.” (હિબ્રૂ. ૮:૧) બાઇબલમાં એમ પણ લખ્યું છે કે ઈસુ “આપણા માટે પિતા પાસે સહાયક છે.” (૧ યોહા. ૨:૧) ઈસુ આપણી બધી નબળાઈઓ જાણે છે. તે આપણું દુઃખ સમજે છે. તે યહોવાને ‘આપણા માટે અરજ કરે છે.’ (રોમ. ૮:૩૪; હિબ્રૂ. ૪:૧૫) યહોવાએ આપણને કેટલા સારા પ્રમુખ યાજક આપ્યા છે. એ માટે આપણે તેમનો આભાર માનીએ છીએ. જો ઈસુએ પોતાનો જીવ ન આપ્યો હોત, તો પાપી માણસો ક્યારેય યહોવાને પ્રાર્થના ન કરી શક્યા હોત. યહોવાએ આપણા માટે પોતાના દીકરાની કુરબાની આપી. એ કીમતી ભેટ માટે તેમનો જેટલો અહેસાન માનીએ એટલો ઓછો!
ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીએ
૧૩. કઈ રીતે ખબર પડે કે ઈસુ પોતાના શિષ્યોને પ્રેમ કરતા હતા?
૧૩ ઈસુએ પોતાના મરણની આગલી રાતે શિષ્યો માટે લાંબી પ્રાર્થના કરી. તેમણે પિતા યહોવાને વિનંતી કરી કે તે ‘શેતાનથી તેઓનું રક્ષણ કરે.’ (યોહા. ૧૭:૧૫) ઈસુને ખબર હતી કે તેમની સાથે શું થવાનું છે, તેમણે ઘણાં દુઃખ સહન કરવાનાં છે. એવા સંજોગોમાં પણ તેમને પોતાના શિષ્યોની ચિંતા હતી. ખરેખર, ઈસુ પોતાના શિષ્યોને બહુ પ્રેમ કરતા હતા!
૧૪. ભાઈ-બહેનોને પ્રેમ કરતા હોઈશું તો શું કરીશું?
૧૪ આપણે ઈસુના પગલે ચાલવા માંગીએ છીએ. આપણે ફક્ત પોતાના માટે પ્રાર્થના કરવાને બદલે ભાઈ-બહેનો માટે પણ પ્રાર્થના કરીએ. ઈસુએ આજ્ઞા આપી હતી કે આપણે એકબીજાને પ્રેમ કરીએ. ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીને આપણે એ આજ્ઞા પાળીએ છીએ. એનાથી યહોવા પણ જોઈ શકે છે કે આપણને ભાઈ-બહેનોની કેટલી ચિંતા છે. (યોહા. ૧૩:૩૪) એવું ક્યારેય ન વિચારીએ કે ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાનો કોઈ ફાયદો નથી. બાઇબલમાં લખ્યું છે, “નેક માણસે કરગરીને કરેલી પ્રાર્થનાની જોરદાર અસર થાય છે.”—યાકૂ. ૫:૧૬.
૧૫. ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવી કેમ ખૂબ જરૂરી છે?
૧૫ આપણાં ભાઈ-બહેનો ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. એટલે ખૂબ જરૂરી છે કે આપણે તેઓ માટે પ્રાર્થના કરીએ. અમુક ભાઈ-બહેનો બીમારીઓ સામે ઝઝૂમે છે. બીજાં અમુક કુદરતી આફતોનો સામનો કરે છે. જ્યારે કે બીજાં ભાઈ-બહેનો એવા દેશમાં રહે છે, જ્યાં યુદ્ધો ચાલી રહ્યાં છે. કેટલાંક સતાવણીનો સામનો કરે છે. આપણે યહોવાને પ્રાર્થના કરીએ કે તેઓ મુશ્કેલીઓમાં ધીરજ રાખી શકે, હિંમતથી બધું સહન કરી શકે. આપણે એવાં ભાઈ-બહેનો માટે પણ પ્રાર્થના કરી શકીએ, જેઓ આફતના સમયે મદદ કરવા ખડે પગે તૈયાર રહે છે. શું તમે એવા કોઈ ભાઈ કે બહેનને ઓળખો છો જે તકલીફો સહી રહ્યા હોય? શું તમે પોતાની પ્રાર્થનામાં તેમને નામ દઈને યાદ કરી શકો? એમ કરીને બતાવી આપીએ છીએ કે આપણે ભાઈ-બહેનોને સાચો પ્રેમ કરીએ છીએ.
૧૬. આગેવાની લેતા ભાઈઓ માટે કેમ પ્રાર્થના કરવી જોઈએ?
૧૬ આપણે આગેવાની લેતા ભાઈઓ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. આપણી પ્રાર્થનાથી તેઓને ઘણી મદદ મળે છે. તેઓ આપણી પ્રાર્થનાની ખૂબ કદર કરે છે. પ્રેરિત પાઉલ પણ ચાહતા હતા કે ભાઈ-બહેનો તેમના માટે પ્રાર્થના કરે. તેમણે લખ્યું: “મારા માટે પણ પ્રાર્થના કરો કે હું બોલું ત્યારે મને શબ્દો આપવામાં આવે, જેથી હું હિંમતથી ખુશખબરનું પવિત્ર રહસ્ય જાહેર કરી શકું.” (એફે. ૬:૧૯) પાઉલની જેમ આજે આગેવાની લેતા ભાઈઓ આપણા માટે ઘણું બધું કરે છે. આપણે તેઓને દિલથી પ્રેમ કરીએ છીએ. એટલે યહોવા તેઓની મહેનત પર આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરીએ છીએ.
બીજાઓ આગળ પ્રાર્થના કરીએ ત્યારે
૧૭-૧૮. આપણને ક્યારે પ્રાર્થના કરવાનું કહેવામાં આવી શકે અને આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ?
૧૭ આપણે એકલામાં તો પ્રાર્થના કરીએ છીએ, પણ અમુક વાર આપણને બીજાઓ આગળ પ્રાર્થના કરવાનું કહેવામાં આવે. જેમ કે એક બહેન, બીજા બહેનને પોતાના બાઇબલ અભ્યાસમાં લઈ જાય. તે એ બહેનને શરૂઆતની પ્રાર્થના કરવાનું જણાવે. પણ બની શકે કે બીજા બહેન વિદ્યાર્થીને સારી રીતે ઓળખતાં ન હોય. એટલે તે કહે કે તે છેલ્લી પ્રાર્થના કરાવશે. આમ તે વિદ્યાર્થીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરી શકશે.
૧૮ કદાચ એક ભાઈને પ્રચારની સભામાં કે મંડળની સભામાં પ્રાર્થના કરવાનું કહેવામાં આવે. જે ભાઈને એ લહાવો મળે તેમણે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તે યાદ રાખશે કે તે કઈ સભા માટે પ્રાર્થના કરી રહ્યા છે. પ્રાર્થનામાં તે ભાઈ-બહેનોને સલાહ નહિ આપે કે કોઈ જાહેરાત નહિ કરે. મોટા ભાગે મંડળની સભામાં ગીત અને પ્રાર્થના માટે પાંચ મિનિટ હોય છે. એટલે જે ભાઈને પ્રાર્થના કરવાનું કહેવામાં આવે તેમણે “ઘણા શબ્દો” બોલવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો તે શરૂઆતની પ્રાર્થના કરતા હોય તો.—માથ. ૬:૭.
પ્રાર્થનાને જીવનમાં મહત્ત્વની ગણીએ
૧૯. ન્યાયના દિવસ માટે તૈયાર રહેવા શું કરી શકીએ?
૧૯ યહોવાના ન્યાયનો દિવસ ખૂબ નજીક છે. એટલે આજે પહેલાં કરતાં વધારે પ્રાર્થનાને જીવનમાં મહત્ત્વની ગણીએ. ઈસુએ કહ્યું હતું: “એટલે જાગતા રહો! હંમેશાં વિનંતી કરતા રહો! આમ કરશો તો જે બનાવો ચોક્કસ બનવાના છે એમાંથી તમે બચી શકશો.” (લૂક ૨૧:૩૬) આપણે પ્રાર્થના કરતા રહીશું તો યહોવામાં શ્રદ્ધા મજબૂત થશે. આપણે ન્યાયના દિવસ માટે તૈયાર રહી શકીશું.
૨૦. આપણી પ્રાર્થનાઓ સુગંધી ધૂપ જેવી હોય એ માટે શું કરી શકીએ?
૨૦ આ લેખમાં આપણે શું શીખ્યા? આપણે યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ, એ બહુ મોટો લહાવો કહેવાય. એ સૌથી મહત્ત્વનું છે કે યહોવાના હેતુ સાથે જોડાયેલી બાબતો માટે પ્રાર્થના કરીએ. ઈસુ માટે અને તેમના રાજ માટે યહોવાનો આભાર માનીએ. ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીએ. જીવન-જરૂરી વસ્તુઓ માટે અને આપણી શ્રદ્ધા વધે એ માટે પણ પ્રાર્થના કરી શકીએ. પ્રાર્થનામાં શું કહીશું એનો પહેલેથી વિચાર કરીએ. આમ આપણે પ્રાર્થનાના કીમતી લહાવાની કદર કરી શકીશું. આપણી પ્રાર્થનાઓ સુગંધી ધૂપ જેવી થશે અને યહોવાને ‘ખુશ કરી શકીશું.’—નીતિ. ૧૫:૮.
ગીત ૨૨ “યહોવા મારો પાળક”
^ યહોવાએ આપણને પ્રાર્થના કરવાનો કીમતી લહાવો આપ્યો છે. એની આપણે દિલથી કદર કરીએ છીએ. આપણે ચાહીએ છીએ કે આપણી પ્રાર્થના સુગંધી ધૂપ જેવી હોય, યહોવા ખુશ થાય એવી હોય. આ લેખમાં જોઈશું કે આપણે કઈ બાબતો વિશે પ્રાર્થના કરી શકીએ. એ પણ જોઈશું કે બીજાઓ આગળ પ્રાર્થના કરવાનું કહેવામાં આવે ત્યારે શાનું ધ્યાન રાખવું જોઈએ.
^ ચિત્રની સમજ: એક ભાઈ પોતાની પત્ની સાથે પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓની દીકરી સ્કૂલમાં સલામત રહે, તેમના સસરા બીમારી સામે લડી શકે અને બાઇબલ વિદ્યાર્થી સારી પ્રગતિ કરે.
^ ચિત્રની સમજ: એક યુવાન ભાઈ પ્રાર્થનામાં ઈસુના બલિદાન માટે, સુંદર ધરતી માટે અને જાતજાતનાં શાકભાજી ને ફળ માટે યહોવાનો આભાર માને છે.
^ ચિત્રની સમજ: એક બહેન પ્રાર્થના કરે છે કે યહોવા નિયામક જૂથના ભાઈઓને પવિત્ર શક્તિ દ્વારા મદદ કરે અને કુદરતી આફતો ને સતાવણી સહેતાં ભાઈ-બહેનોને સહાય કરે.