ઈશ્વરની કૃપા તે મેળવી શક્યો હોત
આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ અને તેમનાં આશીર્વાદ અને કૃપા મેળવવા ચાહીએ છીએ, ખરું ને? પણ આપણે કઈ રીતે ઈશ્વરની કૃપા મેળવી શકીએ? પ્રાચીન સમયમાં અમુક લોકોએ ગંભીર પાપ કર્યાં હતા. તોપણ, તેઓ ફરીથી ઈશ્વરની કૃપા મેળવી શક્યા હતા. બીજા અમુકમાં સારા ગુણો હોવા છતાં, તેઓ ઈશ્વરની કૃપા મેળવવામાં નિષ્ફળ ગયા હતા. તો આપણને કદાચ સવાલ થાય કે, “યહોવા આપણા દરેકમાં કઈ બાબત જુએ છે?” યહુદાના રાજા રહાબામના દાખલા પરથી આપણે એનો જવાબ મેળવી શકીશું.
ખરાબ શરૂઆત
રહાબામના પિતા સુલેમાને ઈસ્રાએલ પર ૪૦ વર્ષ રાજ કર્યું હતું. (૧ રાજા. ૧૧:૪૨) સુલેમાન મરણ પામ્યા પછી, રહાબામનો રાજા તરીકે અભિષેક થાય માટે તે યરૂશાલેમથી શખેમ ગયા. (૨ કાળ. ૧૦:૧) રહાબામના પિતા સુલેમાન ઘણા બુદ્ધિશાળી હતા. શું રહાબામ રાજા બનતા અચકાયા હશે? રહાબામ મુશ્કેલીઓને થાળે પાડી શકે છે કે નહિ એની જલદી જ પરખ થવાની હતી.
એ સમયે ઇઝરાયેલીઓને લાગ્યું હતું કે તેઓ ઘણા તણાવમાં છે. એટલે, તેઓએ આગેવાનોને રહાબામ પાસે આ વાત કહેવા મોકલ્યા: “તારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી; માટે હવે તારા પિતાની સખત વેઠ તથા તેણે મૂકેલી ભારે ઝૂંસરી તું કંઈક હલકી કર, એટલે અમે તારે તાબે રહીશું.”—૨ કાળ. ૧૦:૩, ૪.
રહાબામે અઘરી પસંદગી કરવાની હતી. જો તે લોકોની વાત માને, તો તેમણે, તેમના કુટુંબે અને તેમના દરબારીઓએ અમુક સુખ-સગવડો જતી કરવી પડે. બીજી બાજુ, જો તે તેઓની વાત ન માને, તો કદાચ લોકો તેમની સામે બંડ પોકારે. રહાબામે શું કર્યું? એ નવા રાજાએ સૌથી પહેલા વડીલોની સલાહ પૂછી, જેઓ સુલેમાનના સલાહકારો હતા. તેઓએ લોકોની વાત માનવાની સલાહ આપી. પછી, તેમણે પોતાની સાથે મોટા થયેલા યુવાનોની સલાહ લીધી. તેમણે યુવાનોની સલાહ પ્રમાણે લોકોની સાથે ક્રૂર રીતે વર્તવાનું નક્કી કર્યું. એટલે તેમણે જવાબ આપ્યો: ‘મારા પિતાએ તમારી ઝૂંસરી ભારે કરી હતી, પણ હું તો તમારી ઝૂંસરી એથી પણ વધારે ભારે કરીશ; મારો પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતો, પણ હું તો લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી તમને શિક્ષા કરીશ.’—૨ કાળ. ૧૦:૬-૧૪.
એનાથી આપણે શું શીખી શકીએ? એ જ કે, આજે આપણી પાસે એવાં વૃદ્ધ ભાઈ-બહેનો છે, જેઓ પાસે યહોવાની સેવામાં અનેક વર્ષોનો અનુભવ છે. તેઓ આપણને સારા નિર્ણયો લેવા મદદ કરી શકે છે. તેથી, ચાલો આપણે ડહાપણભરી રીતે વર્તીએ અને તેઓનું સાંભળીએ.—અયૂ. ૧૨:૧૨.
‘તેઓએ યહોવાની વાત સાંભળી’
લોકોએ બંડ પોકાર્યું હોવાથી રહાબામે પોતાનું સૈન્ય ભેગું કર્યું. પરંતુ યહોવાએ શમાયાહ પ્રબોધક દ્વારા કહેવડાવ્યું કે, “તમે ચઢાઈ ન કરશો, તેમ જ તમારા ભાઈ ઈસ્રાએલ પુત્રોની સામે ૧ રાજા. ૧૨:૨૧-૨૪. *
યુદ્ધ ન કરશો; સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાઓ; કેમ કે એ બાબત મારા તરફથી બની છે.”—શું યહોવાની સલાહ પાળવી રહાબામ માટે સહેલી હતી? લોકો નવા રાજા વિશે શું વિચારશે? તેમણે તો લોકોને “લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી” સજા કરવાની ધમકી આપી હતી. પણ, હવે તો તે આટલા મોટા બંડ સામે પણ કંઈ કરી શકવાના ન હતા. (૨ કાળવૃત્તાંત ૧૩:૭ સરખાવો.) લોકો ભલે ગમે એ વિચારે, પણ રાજા અને તેમનું સૈન્ય “યહોવાની વાત સાંભળીને યહોવાના કહેવા પ્રમાણે પાછા ફરીને પોતપોતાને માર્ગે પડ્યા.”
એમાંથી આપણે કયો બોધપાઠ શીખી શકીએ? ઈશ્વરની આજ્ઞાઓ પાળવામાં જ સમજદારી છે, પછી ભલે લોકો આપણી મજાક ઉડાવે. ઈશ્વરની આજ્ઞા પાળવાથી તેમની કૃપા અને આશીર્વાદો મળે છે.—પુન. ૨૮:૨.
રહાબામે આજ્ઞા પાળી એટલે તેમને કેવો આશીર્વાદ મળ્યો? રહાબામે નવા રાજ્ય સામે યુદ્ધ કરવાનું માંડી વાળ્યું. એને બદલે, તેમણે યહુદા અને બિન્યામીનના વિસ્તારોમાં નવાં બાંધકામ કર્યાં. તેમણે એ શહેરોને “બહુ જ મજબૂત કર્યાં.” (૨ કાળ. ૧૧:૫-૧૨) સૌથી મહત્ત્વનું તો, એ સમયે તેમણે યહોવાના નિયમો પાળ્યા. યરોબઆમના રાજમાં ઇઝરાયેલના દસ કુળથી બનેલું રાજ્ય મૂર્તિપૂજા કરવામાં ડૂબી ગયું હતું. પણ, એ દસ કુળોમાંના ઘણા લોકોએ યરૂશાલેમ આવીને રહાબામ અને સાચી ભક્તિને ટેકો આપ્યો. (૨ કાળ. ૧૧:૧૬, ૧૭) આમ, રહાબામની વફાદારીથી તેમનું રાજ્ય બળવાન થયું.
રહાબામે પાપ કર્યું અને પસ્તાવો બતાવ્યો
જ્યારે તેમના રાજ હેઠળ બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે રહાબામે કંઈક અણધાર્યું કર્યું. તેમણે જૂઠી ભક્તિ કરવા યહોવાના નિયમો ત્યજી દીધા. તેમણે એવું શા માટે કર્યું? શું તેમણે પોતાની આમ્મોની માતાની અસર હેઠળ આવીને એમ કર્યું હતું? (૧ રાજા. ૧૪:૨૧) ભલે ગમે એ કારણ હોય, પણ આખું રાજ્ય તેમના ખરાબ દાખલાને અનુસર્યું. એટલે જ, યહોવાએ ઇજિપ્તના રાજા શીશાકને યહુદાના ઘણાં શહેરો પર ચઢાઈ કરવા દીધી. રહાબામે જે શહેરોને મજબૂત કર્યાં હતાં, એ શહેરોનો પણ એમાં સમાવેશ થતો હતો.—૧ રાજા. ૧૪:૨૨-૨૪; ૨ કાળ. ૧૨:૧-૪.
રહાબામ યરૂશાલેમથી રાજ કરતા હતા. શીશાક યરૂશાલેમ પર ચઢી આવ્યો ત્યારે, પરિસ્થિતિ ઘણી વણસી ગઈ હતી. રહાબામ અને તેમના સરદારોને શમાયાહ પ્રબોધકે ઈશ્વરનો આ સંદેશો આપ્યો: “તમે મને તજી દીધો છે, માટે મેં પણ તમને શીશાકના હાથમાં સોંપી દીધા છે.” એ કડક સલાહ સાંભળીને રહાબામે શું કર્યું? એ વિશે બાઇબલ જણાવે છે કે, “ઈસ્રાએલના સરદારોએ તથા રાજાએ દીન બનીને કહ્યું, કે યહોવા ન્યાયી છે.” એ કારણે યહોવાએ રહાબામ અને યરૂશાલેમનો બચાવ કર્યો.—૨ કાળ. ૧૨:૫-૭, ૧૨.
એ પછી પણ, રહાબામ દક્ષિણના રાજ્ય પર રાજ કરતા રહ્યા. રહાબામ મરણ પામ્યા એ પહેલાં, તેમણે પોતાના દીકરાઓને અનેક ભેટ આપી. શા માટે? એનું એક કારણ હતું કે, તેમના પછી તેમનો દીકરો અબીયાહ રાજા બનવાનો હતો. તેથી, રહાબામ ચાહતા હતા કે તેની વિરુદ્ધ તેમના બીજા દીકરાઓ બળવો ન કરે. (૨ કાળ. ૧૧:૨૧-૨૩) આમ, રહાબામ યુવાની કરતાં વૃદ્ધાવસ્થામાં સમજદારીથી વર્ત્યા.
રહાબામ સારા હતા કે ખરાબ?
ભલે રહાબામે અમુક સારાં કામો કરવા પ્રયત્ન કર્યો હોય, તોપણ બાઇબલ કહે છે કે, ‘તેમણે દુષ્ટતા કરી.’ શા માટે? ‘કેમ કે યહોવાની ભક્તિ કરવામાં તેમણે મન લગાડ્યું નહિ.’ એટલે યહોવા રહાબામથી ખુશ ન હતા.—૨ કાળ. ૧૨:૧૪.
રહાબામના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે? તેમણે અમુક વાર ઈશ્વરની આજ્ઞા પાળી હતી. તેમણે યહોવાના લોકો માટે અમુક સારી બાબતો પણ કરી હતી. પરંતુ, યહોવા સાથેનો તેમનો સંબંધ મજબૂત ન હતો અને યહોવાની ઇચ્છા પૂરી કરવા તે દિલથી પ્રયત્ન કરતા ન હતા. એ કારણે, રહાબામ ખરી બાબતો કરવાનું પડતું મૂકીને જૂઠા દેવોની ભક્તિ કરવા લાગ્યા. તમને કદાચ થાય કે, ‘રહાબામે યહોવાની આજ્ઞા પાળી ત્યારે, શું ખરેખર તેમને પોતાની ભૂલો માટે પસ્તાવો હતો અને ઈશ્વરને તે ખુશ કરવા માંગતા હતા? કે પછી બીજાઓની વાતમાં આવીને તે એમ કરી રહ્યા હતા?’ (૨ કાળ. ૧૧:૩, ૪; ૧૨:૬) સમય જતાં, તેમણે ફરીથી જીવનમાં ખોટાં કામો કર્યાં. તે પોતાના દાદા એટલે કે રાજા દાઊદ કરતાં સાવ અલગ હતા! ખરું કે, દાઊદે ભૂલો કરી હતી, પણ પોતે કરેલાં ગંભીર પાપોનો તેમણે દિલથી પસ્તાવો કર્યો હતો. જીવનભર તેમના દિલમાં યહોવા માટે અને સાચી ભક્તિ માટે પ્રેમ હતો.—૧ રાજા. ૧૪:૮; ગીત. ૫૧:૧, ૧૭; ૬૩:૧.
બાઇબલના એ અહેવાલમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. આપણે કુટુંબની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ અને યહોવાની સેવામાં તનતોડ મહેનત કરવી જોઈએ. પણ એટલું જ પૂરતું નથી. યહોવાની કૃપા મેળવવા બીજું શું કરવું જોઈએ? તે ચાહે છે એ રીતે આપણે તેમની ભક્તિ કરવી જોઈએ અને તેમની સાથેનો સંબંધ મજબૂત કરવો જોઈએ.
એ ધ્યેયને પહોંચી વળવા આપણા દિલમાં યહોવા માટે ઊંડો પ્રેમ કેળવવો જોઈએ. જરા વિચારો, તાપણાને સળગતું રાખવા લાકડાં ઉમેરતા રહેવું પડે છે. એવી જ રીતે, આપણા દિલમાં યહોવા માટેનો પ્રેમ ઠંડો ન પડી જાય એનું ધ્યાન રાખવું જોઈએ. એ માટે આપણે શું કરતા રહેવાની જરૂર છે? બાઇબલનો નિયમિત રીતે અભ્યાસ કરીએ, એના પર મનન કરીએ અને પ્રાર્થનામાં સતત લાગુ રહીએ. (ગીત. ૧:૨; રોમ. ૧૨:૧૨) યહોવા માટેનો પ્રેમ દરેક કામોમાં તેમને ખુશ કરવાની આપણને પ્રેરણા આપશે. આપણે ભૂલો કરીએ ત્યારે પસ્તાવો કરવા અને યહોવા પાસે માફી માંગવા એ પ્રેમ આપણને પ્રેરશે. આમ, આપણે રહાબામ જેવા નહિ બનીએ. આપણે હંમેશાં સાચી ભક્તિને વળગી રહીશું.—યહુ. ૨૦, ૨૧.
^ ફકરો. 9 સુલેમાન યહોવાને બેવફા બન્યા હતા. તેથી, યહોવાએ જણાવ્યું હતું કે રાજ્યના ભાગલા પડશે.—૧ રાજા. ૧૧:૩૧.