રણશિંગડાંનો અવાજ સાંભળીએ
આપણે જાણીએ છીએ કે ‘છેલ્લા દિવસોમાં’ યહોવા પોતાના લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. (૨ તિમો. ૩:૧) એટલું જ નહિ, તેમની સાથે સંબંધ મજબૂત કરવા જે જરૂરી છે એ બધું જ તે આપી રહ્યા છે. પણ યહોવાની આજ્ઞા પાળવી કે નહિ એ આપણા હાથમાં છે. ચાલો એ સમજવા વેરાન પ્રદેશના ઇઝરાયેલીઓના સંજોગો સાથે આપણા સંજોગો સરખાવીએ. ઇઝરાયેલીઓએ રણશિંગડાંનો અવાજ સાંભળીને એ પ્રમાણે કરવાનું હતું.
યહોવાએ મુસા પાસે રૂપાંનાં બે રણશિંગડાં બનાવડાવ્યાં. ‘લોકોને ભેગા થવાનું કહેવા તથા પડાવને આગળ વધવાનું કહેવા એનો ઉપયોગ થતો.’ (ગણ. ૧૦:૨, ઈઝી-ટુ-રીડ વર્ઝન) યાજકો અલગ અલગ રીતે રણશિંગડાં વગાડતાં, જેથી લોકોને ખબર પડે કે તેઓએ શું કરવાનું છે. (ગણ. ૧૦:૩-૮) આજે ઈશ્વરભક્તોને અલગ અલગ રીતે માર્ગદર્શન મળે છે. આ લેખમાં આપણે માર્ગદર્શન મેળવવા માટેની ત્રણ રીતોની ચર્ચા કરીશું. એ રીતોને ઇઝરાયેલમાં રણશિંગડાં દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન સાથે સરખાવીશું. આજે આપણને ત્રણ રીતો દ્વારા માર્ગદર્શન મળે છે. પહેલી સંમેલનો, બીજી વડીલોને મળતી તાલીમ અને ત્રીજી મંડળની ગોઠવણો કે માહિતીમાં થતા ફેરફારો.
સંમેલનો
જ્યારે યહોવા ચાહતા કે ‘બધા લોકો’ મુલાકાતમંડપના પૂર્વ દિશાના દ્વાર પાસે ભેગા થાય, ત્યારે યાજકો બે રણશિંગડાં વગાડતાં હતાં. (ગણ. ૧૦:૩) મુલાકાતમંડપની આજુબાજુ ચાર ભાગમાં વહેંચાયેલાં બધાં કુળ એ અવાજને સાંભળતાં. જેઓની છાવણી મુલાકાતમંડપની નજીક હતી તેઓ તરત પહોંચી જતાં, બીજાઓને થોડી વાર લાગતી. ગમે એ હોય પણ યહોવા ચાહતા કે બધા લોકો ભેગા થાય અને તેમનું માર્ગદર્શન સાંભળે.
આજે આપણે મુલાકાતમંડપ પાસે ભેગા મળતા નથી. પણ એક મોટા સમૂહમાં ભેગા થવાનું આપણને આમંત્રણ છે. એમાં મહાસંમેલનો અને બીજા ખાસ પ્રસંગો આવી જાય છે, જ્યાં આપણને મહત્ત્વની માહિતી અને માર્ગદર્શન મળે છે. દુનિયા ફરતે બધા દેશોમાં ઈશ્વરભક્તો એક સરખા કાર્યક્રમનો લાભ લે છે. જેઓ ત્યાં આવે છે, તેઓ સાથે મળીને એનો આનંદ લે છે. અમુક નજીકથી આવે છે તો અમુક દૂરથી. ત્યાં આવનાર દરેકને ખબર છે કે તેઓની મહેનત પાણીમાં જતી નથી, પણ તેઓને ફાયદો થાય છે.
જે ગ્રૂપ છૂટાછવાયાં અને દૂર છે તેઓ વિશે શું? નવી ટૅક્નોલૉજીને લીધે તેઓ એ કાર્યક્રમનો ફાયદો લઈ શકે છે. દુનિયા ફરતેના એ મોટા સમૂહનો ભાગ બનવાનો તેઓને પણ લહાવો મળે છે. દાખલા તરીકે, મુખ્યમથક પ્રતિનિધિની મુલાકાત વખતે બેનિનની શાખા કચેરીએ એ આખો કાર્યક્રમ સહારા રણના આરલેટ નાઇજર નામના એક નગરમાં બતાવ્યો હતો. એ કાર્યક્રમ ૨૧ લોકોએ જોયો, જેમાં અમુક ભાઈ-બહેનો હતાં અને બીજા કેટલાક એવા લોકો હતા જેઓને બાઇબલમાં રસ હતો. ભલે તેઓ દૂર
હતા, પણ ૪૪,૧૩૧ ભાઈ-બહેનોના મોટા સમૂહ સાથે પોતાને જોડાયેલા ગણતા હતા. એક ભાઈએ લખ્યું: ‘એ કાર્યક્રમ માટે હું તમારો દિલથી આભાર માનું છું. એનાથી દેખાઈ આવ્યું કે તમને અમારા માટે કેટલો પ્રેમ છે!’વડીલોને મળતી તાલીમ
યાજકો એક રણશિંગડું વગાડે તો ફક્ત ‘અધિપતિઓ, એટલે ઇઝરાયેલના હજારોના મુખીઓએ’ મુલાકાતમંડપ આગળ ભેગા થવાનું હતું. (ગણ. ૧૦:૪) તેઓને ત્યાં મુસા તરફથી માહિતી અને તાલીમ મળતી હતી. એની મદદથી તેઓ પોતાના કુળની જવાબદારી સારી રીતે નિભાવી શકતા હતા. જો તમે એમાંના એક હોત તો તમે ત્યાં હાજર રહેવા અને એનો ફાયદો લેવા બનતું બધું કર્યું હોત, ખરું ને!
ભલે આજે મંડળના વડીલો ‘મુખીઓ’ નથી. પરંતુ તેઓ ઈશ્વરના ટોળાની દેખરેખ રાખે છે, પણ તેઓ હુકમ ચલાવતા નથી. (૧ પીત. ૫:૧-૩) ટોળાની સંભાળ લેવામાં તેઓ પોતાને ખર્ચી નાખે છે. તેઓને તાલીમ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે ત્યારે તેઓ ખુશીથી સ્વીકારે છે. જેમ કે, રાજ્ય સેવા શાળામાં વડીલોને મંડળની બાબતોને સારી રીતે હાથ ધરવાની તાલીમ આપવામાં આવે છે. એ તાલીમને લીધે વડીલો અને મંડળની દેખરેખ રાખનાર બીજા ભાઈઓ યહોવાની વધુ નજીક જઈ શકે છે. ભલે તમે એ શાળામાં ભાગ ન લીધો હોય, તોપણ તમને એનો ફાયદો મળી શકે છે. જેઓએ એ શાળામાં તાલીમ લીધી છે તેઓ મંડળને મદદ કરવા એનો ઉપયોગ કરે છે.
મંડળની ગોઠવણો કે માહિતીમાં થતા ફેરફારો
અમુક વાર યાજકો ઊંચા-નીચા સૂરમાં રણશિંગડું વગાડતાં. એનાથી ખબર પડતી કે બધાએ પોતાની છાવણી લઈને આગળ વધવાનું હતું. (ગણ. ૧૦:૫, ૬) એ કામ તેઓ વ્યવસ્થામાં કરતા અને એ માટે તેઓને ઘણી મહેનત લાગતી. કેટલીક વાર અમુક ઇઝરાયેલીઓને આગળ વધવાનું ગમતું નહિ. શા માટે?
કદાચ તેઓને એવું લાગતું કે આ તો વારેવારે અને અચાનક આગળ વધવાનું કહેવામાં આવે છે. ‘કોઈ કોઈ વખત વાદળ સાંજથી તે સવાર સુધી રહેતું.’ તો કોઈ વખત ‘બે દિવસ કે એક મહિનો કે એક વર્ષ સુધી રહેતું.’ (ગણ. ૯:૨૧, ૨૨) છાવણીની જગ્યા કેટલી વાર બદલાઈ હતી? ગણના ૩૩મા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે આશરે ૪૦ વખત તેઓએ છાવણીની જગ્યા બદલી હતી.
કેટલીક વાર અમુકને એવી જગ્યા મળતી જ્યાં છાવણી નાખવા છાંયડો હોય. ‘વિશાળ તથા ભયંકર વેરાન પ્રદેશમાં’ એવી જગ્યા મળે તો કોને ન ગમે! (પુન. ૧:૧૯) એટલે છાવણી ઉઠાવવાનું કહેવામાં આવે ત્યારે આવી સારી જગ્યા છોડીને જવું અમુકને ન ગમે.
છાવણી ઉઠાવવાનું બધાને કહેવામાં આવે ત્યારે, વારો આવે ત્યાં સુધી રાહ જોવાનું અમુકને અઘરું લાગતું. રણશિંગડાંનો અવાજ બધાને સંભળાય, પણ બધા એક સાથે નીકળી શકતા ન હતા. પહેલી વાર ઊંચા-નીચા સૂરમાં રણશિંગડું વગાડવામાં આવે ત્યારે, જેઓની છાવણી પૂર્વમાં હતી તેઓએ નીકળવાનું હતું. પૂર્વમાં યહુદા, યિસ્સાખાર અને ઝબુલોનના કુળોની છાવણી હતી. (ગણ. ૨:૩-૭; ૧૦:૫, ૬) બીજી વાર યાજક ઊંચા-નીચા સૂરમાં રણશિંગડું વગાડે ત્યારે દક્ષિણમાં આવેલા ત્રણ કુળોએ નીકળવાનું હતું. યાજકો બધા કુળમાં એ રીતે રણશિંગડું વગાડતા હતા.
સંગઠને અમુક ફેરફારો કર્યા ત્યારે એ સ્વીકારવું તમને અઘરું લાગ્યું હશે. એક પછી એક ફેરફારો થાય ત્યારે, તમને લાગે કે આટલા બધા ફેરફારો કેમ થાય છે. અમુક વાર કેટલીક ગોઠવણોથી તમે એટલા ટેવાઈ ગયા હો કે એ બદલાય તો તમને ગમે નહિ. ભલે ગમે એ કારણ હોય, એવા સમયે તમારા ધીરજની કસોટી થાય છે. એ નવી ગોઠવણો પ્રમાણે કામ કરવામાં તમને વાર લાગે. પણ પછીથી આપણે જોઈ શકીશું કે નવી ગોઠવણોથી આપણને ફાયદો થાય છે. યહોવા પણ આપણા પર આશીર્વાદો વરસાવે છે.
મુસાના સમયમાં યહોવાએ લાખો સ્ત્રી, પુરુષો અને બાળકોને વેરાન પ્રદેશમાં માર્ગદર્શન આપ્યું હતું. તેમનાં માર્ગદર્શન કે દેખરેખ વગર ઇઝરાયેલીઓ ટકી શક્યા ન હોત. આજે આપણે પણ આ છેલ્લા દિવસોમાં યહોવાના માર્ગદર્શનને લીધે ભક્તિમાં ટકી રહીએ છીએ. તેમની નજીક રહેવા અને આપણી શ્રદ્ધા મજબૂત કરવા યહોવા આપણને મદદ કરે છે. એટલે ચાલો એ ઇઝરાયેલીઓની જેમ રણશિંગડાંથી મળતા માર્ગદર્શન પ્રમાણે ચાલવાનો આપણે પણ પાકો નિર્ણય લઈએ.