સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

બાઇબલ જમાનામાં વર્ષો અને મહિનાઓ ક્યારે શરૂ થશે એ કઈ રીતે નક્કી કરવામાં આવતું?

વચનના દેશમાં રહેતા ઇઝરાયેલીઓ ખેડવાનું અને રોપવાનું શરૂ કરતા હતા ત્યારથી તેઓનું વર્ષ શરૂ થતું હતું. આપણા કેલેન્ડર પ્રમાણે એ સપ્ટેમ્બરથી ઑક્ટોબર વચ્ચેનો સમયગાળો છે.

યહૂદીઓ સૂર્યના આધારે નક્કી કરતા હતા કે એક વર્ષ કેટલું લાંબું હશે. પણ તેઓ મહિનાઓ ચંદ્રને આધારે નક્કી કરતા હતા. તેઓ એક ચાંદરાતથી બીજી ચાંદરાતને એક મહિનો ગણતા હતા. આમ એક મહિનામાં ૨૯ કે ૩૦ દિવસો હતા. આ રીતે ગણતરી કરવાથી ૧૨ મહિના પૂરા થઈ જાય તોપણ એક વર્ષમાં અમુક દિવસો ઓછા પડતા હતા. એ પહોંચી વળવા તેઓ બે બાબતો કરી શકતા હતા. તેઓ ૧૨ મહિના પૂરા થઈ જાય પછી બાકીના દિવસો ઉમેરીને વર્ષ પૂરું કરી શકતા હતા. અથવા દર બે-ત્રણ વર્ષે ૧૨ મહિના પૂરા થઈ જાય પછી એક વધારાનો મહિનો ઉમેરી શકતા હતા. આ રીતે વાવણી અથવા કાપણીનો સમય પણ મહિનાઓ પ્રમાણે બરાબર બંધબેસતો હતો.

મૂસાના સમયમાં ઈશ્વરે પોતાના લોકોને કહ્યું હતું કે આબીબ (અથવા નીસાન) મહિનાથી તેઓના પવિત્ર વર્ષની શરૂઆત થશે. એ મહિનો વસંત ૠતુમાં આવતો હતો (આપણા કેલેન્ડર પ્રમાણે માર્ચ-એપ્રિલની વચ્ચે). (નિર્ગ. ૧૨:૨; ૧૩:૪) એ મહિને જવની કાપણી થતી હતી અને લોકો એની ખુશીમાં તહેવાર મનાવતા હતા.—નિર્ગ. ૨૩:૧૫, ૧૬.

ઈમિલ શૂરર નામના એક વિદ્વાને પોતાના પુસ્તકમાં * લખ્યું કે યહૂદીઓ નીસાન મહિનામાં (૧૪મી તારીખે) પાસ્ખાનો તહેવાર ઊજવતા હતા જ્યારે પૂનમ હોય છે. એ સિવાય તેઓ બીજું પણ કંઈક ધ્યાનમાં લેતા હતા. વસંત ૠતુમાં એક દિવસ એવો હોય છે જ્યારે દિવસ અને રાત બંને ૧૨-૧૨ કલાકના હોય છે. ઈમિલ શૂરર જણાવે છે, ‘પાસ્ખાનો તહેવાર એ દિવસ પછી જ ઊજવવામાં આવતો હતો. પણ કોઈ વર્ષમાં એવું ખબર પડે કે આવનાર પાસ્ખાના તહેવારની તારીખ એ દિવસથી પહેલાં આવી રહી છે, તો યહૂદીઓ એ વર્ષના અંતે અને નીસાન મહિનાની પહેલાં ૧૩મો મહિનો ઉમેરી દેતા હતા. એ વાતને ધ્યાનમાં રાખીને યહૂદીઓ નક્કી કરતા કે કયા વર્ષે ૧૩મો મહિનો ઉમેરવો.’

એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યહોવાના સાક્ષીઓ નક્કી કરે છે કે આપણા કેલેન્ડર પ્રમાણે ઈસુના મરણનો સ્મરણપ્રસંગ ક્યારે ઊજવવો. એ પ્રસંગ વસંત ૠતુમાં અને યહૂદી કેલેન્ડર પ્રમાણે નીસાન ૧૪ના હોવો જોઈએ. એ તારીખ ઘણા સમય પહેલાં જ નક્કી કરીને દુનિયા ફરતેનાં બધાં મંડળોને જણાવી દેવામાં આવે છે. *

મહિનો ક્યારે શરૂ થાય છે, એ યહૂદીઓને કઈ રીતે ખબર પડતી હતી? આજે મહિના વિશે આપણને ફોન અથવા કેલેન્ડરમાં જોઈને ખબર પડી જાય છે. પણ એ સમયે એટલું સહેલું ન હતું.

નૂહના જમાનામાં ૩૦ દિવસનો એક મહિનો હતો એવું માનવામાં આવે છે. (ઉત. ૭:૧૧, ૨૪; ૮:૩, ૪) પણ સમય જતાં, યહૂદીઓના કેલેન્ડરમાં દરેક મહિનો ૩૦ દિવસનો ન હતો. તેઓનો મહિનો ચાંદરાતથી શરૂ થતો હતો. આમ એક મહિનામાં ૨૯ કે ૩૦ દિવસો હતા.

બાઇબલમાં જણાવ્યું છે કે એકવાર દાઉદે યોનાથાન સાથે નવા મહિના વિશે વાત કરતી વખતે કહ્યું: “આવતી કાલે ચાંદરાત છે.” (૧ શમુ. ૨૦:૫, ૧૮) એટલે એવું લાગે છે કે ઈસવીસન પૂર્વે ૧૧મી સદી સુધીમાં તો યહૂદીઓ પહેલેથી ગણતરી કરી લેતા હતા કે નવો મહિનો ક્યારથી શરૂ થશે. તેઓને એ કઈ રીતે ખબર પડતી હતી, એ આપણે ચોક્કસ રીતે જાણતા નથી. પણ મિશ્નાહ નામના યહૂદીઓના પુસ્તકથી આપણને થોડી-ઘણી માહિતી મળે છે. એ પુસ્તકમાં તેઓના ઘણા મૌખિક નિયમો અને પરંપરાઓ વિશે લખ્યું છે. એ પુસ્તકથી એવું સમજાય છે કે યહૂદીઓ બાબેલોનથી પાછા આવ્યા પછી યહૂદી ન્યાયસભા (યહૂદીઓની સૌથી મોટી અદાલત) નક્કી કરતી હતી કે કોઈ મહિનો ક્યારે શરૂ થશે. સાત મહિનાઓમાં ન્યાયસભાના સભ્યો એ મહિનાના ૩૦મા દિવસે ભેગા મળતા હતા અને નક્કી કરતા હતા કે નવો મહિનો ક્યારે શરૂ કરવો સારું રહેશે. તેઓ એ કઈ રીતે નક્કી કરતા હતા?

યરૂશાલેમની આસપાસ અમુક માણસોને પહાડો અને ઊંચી જગ્યાઓ પર ઊભા રાખવામાં આવતા હતા. તેઓને રાતના આકાશમાં અમાસ પછી પહેલી વાર ચંદ્ર દેખાતો ત્યારે તેઓ એ વિશે તરત ન્યાયસભાના સભ્યોને જાણ કરતા. બીજા અમુક માણસોથી પણ ખાતરી મળતી કે એ ચાંદરાત છે. એ પછી ન્યાયસભાના સભ્યો જાહેર કરતા કે નવો મહિનો શરૂ થઈ ગયો છે. પણ જો વાદળો કે ધુમ્મસને લીધે ચંદ્ર ન દેખાય તો ન્યાયસભાના સભ્યો જાહેર કરતા કે જે મહિનો ચાલી રહ્યો છે એમાં ૩૦ દિવસ છે અને પછીના દિવસથી નવો મહિનો શરૂ થશે.

મિશ્નાહમાં જણાવ્યું છે કે જ્યારે ન્યાયસભાના સભ્યો નિર્ણય લેતા કે નવો મહિનો શરૂ થઈ ગયો છે, ત્યારે યરૂશાલેમ નજીક આવેલા જૈતૂન પર્વત પર આગ સળગાવવામાં આવતી. આમ બધા લોકોને નવા મહિના વિશે ખબર પડતી. ઇઝરાયેલમાં બીજી ઊંચી જગ્યાઓએ પણ આગ સળગાવીને લોકોને એ ખબર આપવામાં આવતી હતી. સમય જતાં, સંદેશવાહકો મોકલીને એ જણાવવામાં આવતું હતું. આમ, યરૂશાલેમ અને બીજી જગ્યાએ રહેતા બધા યહૂદીઓને ખબર પડતી હતી કે નવો મહિનો શરૂ થઈ ગયો છે. પછી તેઓ બધા એક જ સમયે તહેવારો ઊજવી શકતા હતા.

અહીં આપેલા ચાર્ટમાં જોવા મળે છે કે યહૂદીઓ કયા મહિનામાં કયો તહેવાર ઊજવતા હતા અને એ સમયે કઈ ૠતુ ચાલતી હતી.

^ ધ હિસ્ટ્રી ઓફ ધ જ્યુઇસ પીપલ ઇન ધ એઇજ ઓફ જીસસ ક્રાઇસ્ટ, (૧૭૫ બી.સી.–એ.ડી. ૧૩૫)

^ ફેબ્રુઆરી ૧, ૧૯૯૧ ચોકીબુરજ પાન ૨૦ જુઓ અને જૂન ૧૫, ૧૯૭૭ ચોકીબુરજમાં (અંગ્રેજી) આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.