યુવાનો, ઈશ્વર ચાહે છે કે તમે સુખી થાઓ
‘તે ઉત્તમ વસ્તુથી તને સંતોષ આપે છે.’—ગીત. ૧૦૩:૫.
ગીતો: ૧૧, ૪
૧, ૨. જીવનના મહત્ત્વના નિર્ણયો લેતી વખતે શા માટે ઈશ્વરની વાત સાંભળવી સારું કહેવાય? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
યુવાનો, ભાવિ વિશે તમને ઘણી સલાહ સાંભળવા મળતી હશે. શિક્ષકો, કૅરિયર વિશે સલાહ આપનારાઓ કે બીજાઓ તમને ઉચ્ચ શિક્ષણ લેવાનું જણાવતા હશે. અથવા તેઓ એવું કૅરિયર પસંદ કરવાનું કહેતા હશે, જેનાથી ઢગલાબંધ પૈસા કમાઈ શકાય. પણ યહોવા જુદી જ સલાહ આપે છે. તે ચાહે છે કે તમે સ્કૂલમાં મહેનત કરો જેથી સમય જતાં, તમારું ગુજરાન સારી રીતે ચાલી શકે, પૈસે-ટકે બીજા પર આધાર રાખવો ન પડે. (કોલો. ૩:૨૩) તે એ પણ જાણે છે કે યુવાનીમાં તમારે એવા મહત્ત્વના નિર્ણયો લેવા પડશે, જેની અસર તમારા ભાવિને થશે. તેમના સિદ્ધાંતોથી તમને જીવન જીવવા માર્ગદર્શન અને મદદ મળે છે. આમ, આ અંતના સમયમાં તમે એવું જીવન જીવી શકશો, જેનાથી તેમના દિલને ખુશી મળશે.—માથ. ૨૪:૧૪.
૨ યાદ રાખો કે યહોવા બધું જાણે છે. તે જાણે છે કે ભાવિમાં શું થશે અને દુષ્ટ દુનિયાનો અંત ક્યારે આવશે. (યશા. ૪૬:૧૦; માથ. ૨૪:૩, ૩૬) યહોવા તમને પણ સારી રીતે ઓળખે છે. તે જાણે છે કે તમે શાનાથી ખુશ થાઓ છો અને શાનાથી દુઃખી. માણસોની સલાહ સાંભળવામાં ભલે સારી લાગે, પણ બાઇબલની સલાહ પાળવામાં જ સમજદારી છે, કેમ કે એમાં ડહાપણ હોય છે.—નીતિ. ૧૯:૨૧.
યહોવા સમજદારી આપે છે
૩, ૪. ખોટી સલાહ પાળવાને લીધે આદમ-હવા અને તેઓનાં બાળકોએ કેવાં પરિણામ ભોગવવાં પડ્યાં?
૩ લાંબા સમયથી માણસજાતને ખોટી સલાહ આપવામાં આવે છે. એની શરૂઆત શેતાને કરી હતી. તેણે હવાને કહ્યું કે જો તે અને આદમ પોતાની મરજી મુજબ જીવશે તો વધારે સુખી થશે. (ઉત. ૩:૧-૬) પણ શેતાન તો સ્વાર્થી હતો. તે ચાહતો હતો કે આદમ-હવા અને તેઓનાં ભાવિમાં થનાર બાળકો યહોવાને બદલે તેની ભક્તિ કરે. માણસજાત પાસે જે કંઈ હતું એ યહોવા તરફથી હતું, શેતાન તરફથી નહિ. યહોવાએ તેઓના લગ્ન કરાવ્યા, રહેવા માટે સુંદર બાગ આપ્યો અને એવું શરીર આપ્યું જે કાયમ ટકવાનું હતું.
૪ દુઃખની વાત છે કે આદમ-હવાએ ઈશ્વરની આજ્ઞા પાળી નહિ. આમ, જીવન આપનાર ઈશ્વરથી તેઓ દૂર થઈ ગયા. તેઓએ પોતાના જ પગ પર કુહાડો માર્યો. જેમ છોડથી દૂર થયા પછી ફૂલ કરમાય જાય છે, એમ યહોવાથી દૂર થયા પછી આદમ-હવા વૃદ્ધ થઈને મરણ પામ્યા. તેઓનાં બાળકોએ એટલે કે આપણે બધાએ સહેવું પડ્યું. (રોમ. ૫:૧૨) આદમ-હવાની જેમ, આજે પણ મોટા ભાગના લોકો ઈશ્વરની વાત વિશે આંખ આડા કાન કરે છે અને પોતાનું ધાર્યું કરે છે. (એફે. ૨:૧-૩) પણ બાઇબલ ચેતવણી આપે છે કે યહોવાની વિરુદ્ધ જવામાં ‘સમજદારી નથી.’—નીતિ. ૨૧:૩૦.
૫. યહોવાને મનુષ્યોમાં કેવો ભરોસો હતો અને શું એ ભરોસો સાચો સાબિત થયો?
૫ યહોવાને ભરોસો હતો કે અમુક લોકો તેમની શોધ કરશે અને તેમની ભક્તિ કરશે. એમાં યુવાનોનો પણ સમાવેશ થાય છે. એ ભરોસો સાચો સાબિત થયો છે. (ગીત. ૧૦૩:૧૭, ૧૮; ૧૧૦:૩) એવા યુવાનો તો યહોવાની આંખોના તારા છે! શું તમે પણ એમાંના એક છો? જો એમ હોય તો તમે ઈશ્વર તરફથી મળતી ‘ઉત્તમ વસ્તુઓની’ મજા માણતા હશો. એનાથી તમારું જીવન ખુશખુશાલ હશે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૫ વાંચો; નીતિ. ૧૦:૨૨) એ ઉત્તમ વસ્તુઓમાંથી આજે આપણે આ ચાર બાબતોની ચર્ચા કરીશું: યહોવાનું માર્ગદર્શન, સાચા મિત્રો, સારા ધ્યેયો અને ખરી આઝાદી.
યહોવા માર્ગદર્શન આપે છે
૬. ઈશ્વરનું માર્ગદર્શન મેળવવા આપણે કેમ બનતો બધો પ્રયત્ન કરવો જોઈએ? એ માટે તેમણે કઈ મદદ પૂરી પાડી છે?
૬ આપણને ઈશ્વર વિશે જાણવાની ઇચ્છા થાય છે, પણ પ્રાણીઓને એવી ઇચ્છા થતી નથી. (માથ. ૪:૪) જ્યારે ઈશ્વરની વાત સાંભળીએ છીએ ત્યારે આપણને સમજણ, બુદ્ધિ અને ખુશી મળે છે. ઈસુએ કહ્યું હતું: “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે.” (માથ. ૫:૩) એટલે, આપણે એવું માર્ગદર્શન મેળવવા બનતો બધો પ્રયત્ન કરવો જોઈએ. યહોવાએ આપણને બાઇબલ આપ્યું છે તથા “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા સાહિત્ય પૂરાં પાડ્યાં છે. એનાથી આપણી શ્રદ્ધા દૃઢ થાય છે. (માથ. ૨૪:૪૫) એ સાહિત્યથી યહોવા સાથેનો આપણો સંબંધ વધુ મજબૂત થાય છે. આપણે કેટલા ખુશ છીએ કે આપણી પાસે એવાં અઢળક સાહિત્ય છે!—યશા. ૬૫:૧૩, ૧૪.
૭. ઈશ્વરનું શિક્ષણ લેવાથી કેવી મદદ મળે છે?
૭ ઈશ્વરના શિક્ષણથી આપણને બુદ્ધિ અને સમજણ મળે છે. વધુમાં, આપણે બાબતોને સારી રીતે જોઈ શકીએ છીએ, એ વિશે વિચારી શકીએ છીએ. એનાથી અમુક સંજોગોમાં આપણું રક્ષણ થાય છે. (નીતિવચનો ૨:૧૦-૧૪ વાંચો.) એનાથી આપણને જૂઠાણાં પારખવા મદદ મળે છે. જેમ કે, આ વિશ્વનું કોઈ સર્જનહાર નથી અથવા ધનદોલતથી ખુશી મળે છે. એનાથી આપણને ખોટી ઇચ્છાઓ અને ખરાબ આદતોથી રક્ષણ પણ મળે છે. તેથી ચાલો આપણે સમજદાર બનવા અને બાબતોને સારી રીતે જોવા મહેનત કરીએ. એનાથી તમે અનુભવી શકશો કે યહોવા તમને પ્રેમ કરે છે અને તમારું ભલું ઇચ્છે છે.—ગીત. ૩૪:૮; યશા. ૪૮:૧૭, ૧૮.
૮. તમે હમણાં ઈશ્વરની નજીક જશો તો, ભાવિમાં કેવા ફાયદા થશે?
૮ શેતાનની દુનિયાનું જલદી જ નામોનિશાન મિટાવી દેવામાં આવશે. ફક્ત યહોવા જ આપણને બચાવશે. તે આપણને જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડશે. અરે, આપણે શું ખાઈશું એનું પણ તે ધ્યાન રાખશે. (હબા. ૩:૨, ૧૨-૧૯) ઈશ્વરની નજીક જવાનો અને તેમના પર ભરોસો મજબૂત કરવાનો હમણાં જ સમય છે. (૨ પીત. ૨:૯) ભાવિમાં મોટી મુશ્કેલીઓ આવશે, ત્યારે તમને પણ દાઊદ જેવી લાગણી થશે. તેમણે કહ્યું હતું: ‘મેં મારી સામે યહોવાને કાયમ રાખ્યા છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.’—ગીત. ૧૬:૮.
યહોવા સાચા મિત્રો આપે છે
૯. (ક) યોહાન ૬:૪૪ યહોવા વિશે શું જણાવે છે? (ખ) બીજા ભક્તોને મળીએ ત્યારે કઈ અનોખી વાત જોવા મળે છે?
૯ યહોવામાં શ્રદ્ધા ન રાખતી હોય એવી વ્યક્તિને તમે પહેલી વાર મળો ત્યારે, તમે તેના વિશે કેટલું જાણતા હો છો? કદાચ તમને તેનું નામ અથવા તે કેવી દેખાય છે એ ખબર હોય. જ્યારે કે યહોવામાં શ્રદ્ધા રાખનાર વ્યક્તિને પહેલી વાર મળો ત્યારે, તમે તેના વિશે ઘણું જાણતા હો છો. તમે જાણો છો કે તે યહોવાને પ્રેમ કરે છે. તમને ખબર છે કે યહોવાએ તેનામાં સારા ગુણો જોયા છે અને પોતાના ભક્તોમાં તેનો સમાવેશ કર્યો છે. (યોહાન ૬:૪૪ વાંચો.) ભલે સમાજ, દેશ કે જાતિ ગમે તે હોય, યહોવાના ભક્તો એકબીજા વિશે ઘણું જાણતા હોય છે. એ તો કેટલી અનોખી વાત કહેવાય!
૧૦, ૧૧. યહોવાના ભક્તોમાં કઈ એક વાત સામાન્ય છે અને એનાથી કેવો ફાયદો થાય છે?
૧૦ યહોવાના ભક્તોમાં એક વાત સામાન્ય છે. ભલે તેઓની ભાષા ગમે એ હોય, પણ તેઓ બધા એક ભાષા બોલે છે, સત્યની “શુદ્ધ” ભાષા. (સફા. ૩:૯) તમે અને બીજા ભક્તો ઈશ્વરમાં માનો છો, સારા સંસ્કારો પ્રમાણે જીવો છો અને સુંદર ભાવિની આશા રાખો છો. એનાથી કેવો ફાયદો થાય છે? ઈશ્વરભક્તો એકબીજા પર ભરોસો મૂકી શકે છે અને એવી દોસ્તી બાંધી શકે છે, જે કદી તૂટે નહિ.
૧૧ જ્યારે તમે યહોવાની ભક્તિ કરો છો, ત્યારે તમને સાચા મિત્રો મળી રહે છે. જરા વિચાર કરો,
દુનિયા ફરતે તમારા ઘણા મિત્રો છે, ભલે પછી તમે ક્યારેય તેમને મળ્યા ન હો. બીજે ક્યાં આવી સાચી મિત્રતા જોવા મળે છે!યહોવા સારા ધ્યેયો રાખવા મદદ કરે છે
૧૨. તમે કેવા ધ્યેયો રાખી શકો?
૧૨ સભાશિક્ષક ૧૧:૯–૧૨:૧ વાંચો. શું તમે ધ્યેયો પૂરા કરવા મહેનત કરો છો? તમે કદાચ આવા ધ્યેયો રાખ્યા હોય: દરરોજ બાઇબલ વાંચવું, સભાઓમાં સારા જવાબો આપવા, પોતાની સોંપણીને સારી રીતે પૂરી કરવી, સેવાકાર્યમાં બાઇબલનો સારી રીતે ઉપયોગ કરવો. તમને કે બીજા કોઈને લાગે કે તમે સારું કરી રહ્યા છો તો તમને કેવી લાગણી થશે? તમને ઘણી ખુશી થશે. કારણ કે, ઈસુની જેમ તમે પણ યહોવાની ઇચ્છા પૂરી કરી રહ્યા છો.—ગીત. ૪૦:૮; નીતિ. ૨૭:૧૧.
૧૩. દુનિયાના ધ્યેયો કરતાં ઈશ્વરની સેવા પર મન લગાડવું કેમ વધારે સારું કહેવાય?
૧૩ પૂરા મનથી યહોવાની સેવા કરીશું તો, દિલને ખુશી અને સંતોષ મળશે. પાઊલે સલાહ આપી હતી: “દૃઢ રહો, અડગ રહો; પ્રભુની સેવામાં પુષ્કળ કામ હોવાથી, એમાં હંમેશાં મંડ્યા રહો; તમે જાણો છો કે પ્રભુની સેવામાં તમારી મહેનત નકામી નથી.” (૧ કોરીં. ૧૫:૫૮) જ્યારે લોકો નામ અને દામ કમાવાં દુનિયાના ધ્યેયો રાખે છે, ત્યારે તેઓને સાચી ખુશી મળતી નથી. ભલે તેઓ સફળ થાય પણ તેઓના જીવનમાં કંઈક ખૂટતું હોય છે, તેઓને સંતોષ મળતો નથી. (લુક ૯:૨૫) એ આપણને રાજા સુલેમાનના દાખલા પરથી શીખવા મળે છે.—રોમ. ૧૫:૪.
૧૪. તમને સુલેમાન પાસેથી કયો બોધપાઠ શીખવા મળ્યો?
૧૪ સુલેમાન પોતાના જમાનામાં સૌથી ધનવાન અને શક્તિશાળી વ્યક્તિ હતા. તેમને જાણવું હતું કે સુખની ચાવી શું છે. તેમણે મનમાં વિચાર્યું: ‘ચાલો ત્યારે મોજશોખ ભોગવી લઈએ, જેથી સુખ શું છે તે શોધી શકાય.’ (સભા. ૨:૧-૧૦, કોમન લેંગ્વેજ) તેમણે આલીશાન મકાનો અને સુંદર બાગ-બગીચાઓ બનાવ્યાં હતાં. પોતાને ગમતું બધું જ તેમણે કર્યું. શું એનાથી તેમના દિલને ખુશી અને સંતોષ મળ્યાં? સુલેમાને પોતાના જીવનમાં ડોકિયું કર્યું ત્યારે, તેમણે કહ્યું: ‘મેં નજર કરી તો એ સઘળું નકામું દેખાયું. મને કંઈ ફાયદો જણાયો નહિ.’ (સભા. ૨:૧૧) એમાંથી તમને ચોક્કસ સારો બોધપાઠ મળ્યો હશે.
૧૫. ગીતશાસ્ત્ર ૩૨:૮ પ્રમાણે શા માટે શ્રદ્ધા મહત્ત્વની છે અને એનાથી કેવી મદદ મળે છે?
૧૫ પોતે કરેલી ભૂલોના ખરાબ પરિણામથી અમુક લોકો બોધપાઠ શીખે છે. યહોવા નથી ચાહતા કે તમારી સાથે પણ એવું થાય. તે ચાહે છે કે તમે તેમનું સાંભળો અને તેમની આજ્ઞા પાળો. પણ શ્રદ્ધા વગર એમ કરવું શક્ય નથી. શ્રદ્ધા ઘણી મહત્ત્વની છે. કોઈ પસંદગી કરવાની હોય ત્યારે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને નિર્ણય લેશો તો, ક્યારેય અફસોસ નહિ થાય. ‘તમે તેમના નામ માટે જે પ્રેમ બતાવ્યો છે,’ એ ઈશ્વર ક્યારેય ભૂલશે નહિ. (હિબ્રૂ. ૬:૧૦) શ્રદ્ધા મજબૂત કરવા મહેનત કરો. એનાથી તમે જીવનમાં સારી પસંદગી કરી શકશો. વધુમાં, તમે પોતે જોઈ શકશો કે યહોવા તમારા માટે સૌથી સારું ઇચ્છે છે.—ગીતશાસ્ત્ર ૩૨:૮ વાંચો.
ઈશ્વર ખરી આઝાદી આપે છે
૧૬. આપણે શા માટે આઝાદીને કીમતી ગણવી જોઈએ અને એનો સમજી-વિચારીને ઉપયોગ કરવો જોઈએ?
૧૬ પાઊલે લખ્યું હતું: “જ્યાં યહોવાની પવિત્ર શક્તિ છે, ત્યાં આઝાદી છે.” (૨ કોરીં. ૩:૧૭) યહોવાને આઝાદી પસંદ છે. તેમણે આપણને એ રીતે બનાવ્યા છે કે આપણને પણ આઝાદી ગમે છે. પણ તે ચાહે છે કે આપણે આઝાદીનો ઉપયોગ સમજી-વિચારીને કરીએ. એમ કરીશું તો આપણું જ રક્ષણ થશે. તમારા અમુક મિત્રો આવાં કામ કરતાં હશે: પોર્નોગ્રાફી જોવી, વ્યભિચાર કરવો, જોખમી રમતો રમવી, ડ્રગ્સ લેવા, દારૂનો ખોટો ઉપયોગ કરવો. પહેલી નજરે એ બધું સારુ લાગે કે મજા આવે, પણ મોટા ભાગે એનાં ખરાબ પરિણામો ભોગવવાં પડે છે. જેમ કે બીમારી થવી, ખોટી લતે ચઢી જવું કે પછી જીવન ગુમાવવું. (ગલા. ૬:૭, ૮) આવી બધી બાબતો કરનાર યુવાનો વિચારે છે કે તેઓ આઝાદ છે. પણ હકીકતમાં તો તેઓ ગુલામ છે.—તિત. ૩:૩.
૧૭, ૧૮. (ક) ઈશ્વરની આજ્ઞા પાળવાથી કઈ રીતે ખરી આઝાદી મળે છે? (ખ) આજના લોકો કરતાં આદમ અને હવા પાસે વધારે આઝાદી હતી, એવું શા પરથી કહી શકાય?
૧૭ યહોવાની આજ્ઞા પાળવામાં જ આપણું ભલું છે. એનાથી આપણી તંદુરસ્તી જળવાય છે અને આપણને ખરી આઝાદી મળે છે. (ગીત. ૧૯:૭-૧૧) યુવાનો, તમે ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતો પાળીને બતાવો છો કે તમે સમજી-વિચારીને આઝાદીનો ઉપયોગ કરો છો. એમ કરવાથી તમે ઈશ્વરને અને તમારા માબાપને બતાવી શકશો કે તમે એક જવાબદાર વ્યક્તિ છો. આમ, તમે માબાપનો ભરોસો જીતી શકશો અને તેઓ પણ તમને વધારે આઝાદી આપશે. યહોવાએ વચન આપ્યું છે કે પોતાના વફાદાર ભક્તોને જલદી જ ખરી આઝાદી આપશે. એના વિશે બાઇબલમાં જણાવ્યું છે, “ઈશ્વરના બાળકોની ભવ્ય આઝાદી.”—રોમ. ૮:૨૧.
૧૮ આદમ અને હવાએ એવી આઝાદી માણી હતી. એદન બાગમાં ઈશ્વરે તેઓને ફક્ત એક બાબતની મના કરી હતી. તેઓએ એક ઝાડ પરથી ફળ ખાવાનું ન હતું. (ઉત. ૨:૯, ૧૭) તમને શું લાગે છે, એ નિયમ આપીને ઈશ્વરે ખોટું કર્યું હતું કે પછી તે વધુ પડતા કડક હતા? ના, જરાય નહિ! માણસોએ કેટલા બધા નિયમો બનાવ્યા છે અને એ પાળવા બીજાઓ પર દબાણ કરવામાં આવે છે! જરા વિચારો, યહોવાએ આદમ-હવાને ફક્ત એક જ નિયમ આપ્યો હતો.
૧૯. આપણે આઝાદ થઈ શકીએ માટે યહોવા અને ઈસુ આપણને શું શીખવે છે?
૧૯ યહોવા આપણી સાથે સમજદારીથી વર્તે છે. ઘણા બધા નિયમો આપવાને બદલે તેમણે આપણને પ્રેમનો નિયમ આપ્યો છે. તે ધીરજથી એ નિયમ પાળવાનું શીખવે છે. તે આપણને તેમનાં ધોરણો પ્રમાણે ચાલવાનું અને જે ખરાબ છે એને ધિક્કારવાનું શીખવે છે. (રોમ. ૧૨:૯) લોકો શા માટે ખરાબ બાબતો કરે છે, એ વિશે ઈસુએ આપણને પહાડ પરના ઉપદેશમાં સમજાવ્યું હતું. (માથ. ૫:૨૭, ૨૮) નવી દુનિયામાં રાજા તરીકે તે આપણને ખરું-ખોટું પારખવાનું શીખવતા રહેશે. (હિબ્રૂ. ૧:૯) ઈસુ આપણને મદદ કરશે. તે આપણા તન-મનની બધી ખામીઓ દૂર કરશે. જરા કલ્પના કરો, એવો સમય આવશે જ્યારે આપણે ખોટું કરવા લલચાઈશું નહિ અને પાપની અસરને લીધે સહેવું પડશે નહિ. આમ, યહોવાએ વચન આપ્યું છે એવી ‘ભવ્ય આઝાદીની’ આપણે મજા માણીશું.
૨૦. (ક) આઝાદીનો ઉપયોગ કરવા વિશે યહોવાએ કેવો દાખલો બેસાડ્યો છે? (ખ) તમે તેમને કઈ રીતે અનુસરી શકો?
૨૦ નવી દુનિયામાં આપણી પાસે આઝાદી હશે, પણ એની અમુક હદ હશે. એ આઝાદી, ઈશ્વર અને પડોશી માટેના પ્રેમને આધારે હશે. યહોવા પાસે પૂરેપૂરી આઝાદી છે, છતાં લોકો સાથે વર્તનમાં તેમનો પ્રેમ દેખાય છે. યહોવા ચાહે છે કે આપણે તેમને અનુસરીએ. (૧ યોહા. ૪:૭, ૮) આમ ઈશ્વરને અનુસરીશું તો જ આપણે ખરી આઝાદી મેળવી શકીશું.
૨૧. (ક) દાઊદ યહોવા વિશે કેવું અનુભવતા હતા? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨૧ યહોવાએ આપેલી બધી ઉત્તમ વસ્તુઓ માટે શું તમે તેમના આભારી છો? તેમણે તમને માર્ગદર્શન, શિક્ષણ, સાચા મિત્રો, સારા ધ્યેયો, ખરી આઝાદીની આશા અને બીજી ઘણી અદ્ભુત ભેટ આપી છે. (ગીત. ૧૦૩:૫) તમે પણ દાઊદ જેવું અનુભવતા હશો. તેમણે પ્રાર્થના કરી હતી: ‘તમે મને જીવનનો માર્ગ જણાવો છો. તમારી આગળ પુષ્કળ આનંદ છે. તમારા જમણા હાથે રહેવાથી મને કાયમનું સુખ મળે છે.’ (ગીત. ૧૬:૧૧, NW) આવતા લેખમાં આપણે ગીતશાસ્ત્ર ૧૬ના બીજાં કીમતી સત્યો વિશે ચર્ચા કરીશું. એનાથી આપણને શીખવા મળશે કે, સૌથી સારું જીવન કઈ રીતે મેળવી શકાય!