સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

પહેલો કોરીંથીઓ ૧૫:૨૯માં પ્રેરિત પાઊલના શબ્દોનો શું એવો અર્થ હતો કે અમુક ખ્રિસ્તીઓએ મરી ગયેલા લોકો વતી બાપ્તિસ્મા લીધું હતું?

ના, બાઇબલમાં અથવા ઇતિહાસના કોઈ પણ પુસ્તકમાં ક્યાંય એવું વાંચવા મળ્યું નથી કે ખ્રિસ્તીઓએ મરણ પામેલા લોકો માટે બાપ્તિસ્મા લીધું હોય.

ઘણા બાઇબલમાં એ કલમનું ભાષાંતર એવી રીતે કરવામાં આવ્યું છે, જેથી અમુકને લાગે છે કે પ્રથમ સદીમાં મરી ગયેલા લોકો માટે બાપ્તિસ્મા લેવામાં આવતું. દાખલા તરીકે: “જો મૂએલાં સજીવન થવાનાં ન હોય, તો તેઓને માટે લોકો બાપ્તિસ્મા લે છે તેનું શું?”—IBSI.

ચાલો જોઈએ કે બાઇબલના બે વિદ્વાનોનું શું માનવું છે. ડૉ. ગ્રેગરી લોકવુડે કહ્યું કે બાઇબલમાં અથવા ઇતિહાસના કોઈ પણ પુસ્તકમાં ક્યાંય એવો પુરાવો નથી કે કોઈએ મરણ પામેલી વ્યક્તિ માટે બાપ્તિસ્મા લીધું હોય. એવું જ કંઈક પ્રોફેસર ગોર્ડન ડી. ફીએ લખ્યું કે એવા પ્રકારના બાપ્તિસ્મા વિશે બાઇબલમાં કે ઇતિહાસના કોઈ પણ પુસ્તકમાં એવો કોઈ દાખલો નથી. તેમણે એમ પણ જણાવ્યું કે ‘નવા કરારમાં એના વિશે ક્યાંય જણાવ્યું નથી. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ અથવા પ્રેરિતોના મરણ પછી શરૂ થયેલા ચર્ચોમાં કોઈએ એમ કર્યું હોય એવો કોઈ પુરાવો નથી.’

બાઇબલ જણાવે છે કે શિષ્યોએ ઈસુની આ આજ્ઞા પ્રમાણે કરવાનું હતું: “સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો; તેઓને બાપ્તિસ્મા આપો . . . , એ સર્વ પાળવાનું તેઓને શીખવો.” (માથ. ૨૮:૧૯, ૨૦) એક વ્યક્તિએ પહેલા યહોવા અને ઈસુ વિશે શીખવાનું હતું, તેઓમાં શ્રદ્ધા રાખવાની હતી અને તેઓની આજ્ઞા પાળવાની હતી. એ પછી જ તે બાપ્તિસ્મા લઈને શિષ્ય બની શકે. જે વ્યક્તિ મરણની ઊંઘમાં હોય અને કબરમાં હોય તે એ બધું કરી શકતી નથી. તેમ જ કોઈ જીવતી વ્યક્તિ પણ તેની ખાતર એ બધું કરી શકતી નથી.—સભા. ૯:૫, ૧૦; યોહા. ૪:૧; ૧ કોરીં. ૧:૧૪-૧૬.

તો પછી પાઊલના કહેવાનો શો અર્થ હતો?

મરી ગયેલા લોકો પાછા ઊઠશે એ વાત કોરીંથના અમુક લોકો માનવા તૈયાર ન હતા. (૧ કોરીં. ૧૫:૧૨) પાઊલે સાબિત કર્યું કે તેઓના વિચારો ખોટા છે. કઈ રીતે? તેમણે કહ્યું કે “હું રોજ મોતની છાયામાં જીવું છું,” એટલે કે તે મોતનો સામનો કરે છે. જોકે, તે તો હજુ જીવતા હતા. તેમણે સમજાવ્યું કે તેમના માથે દરરોજ મોતનું જોખમ રહે છે. પણ તેમને ખાતરી હતી કે મરી ગયા પછી તેમને ઈસુની જેમ ઉઠાડવામાં આવશે અને સ્વર્ગમાં જીવન આપવામાં આવશે.—૧ કોરીં. ૧૫:૩૦-૩૨, ૪૨-૪૪.

કોરિંથનાં ભાઈ-બહેનોએ સમજવાનું હતું કે અભિષિક્ત ખ્રિસ્તીઓ તરીકે તેઓએ દરરોજ કસોટીઓ સહેવી પડશે અને છેવટે મોતને ભેટવું પડશે. પછી જ તેઓને પાછા ઉઠાડવામાં આવશે. ‘ઈસુ ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામવાનો’ અર્થ થાય કે ‘તેમના મરણમાં પણ બાપ્તિસ્મા પામવું.’ (રોમ. ૬:૩) એટલે કે તેઓએ પણ ઈસુની જેમ કસોટીઓનો સામનો કરવો પડશે અને મરવું પડશે. એ પછી જ તેઓને પાછા ઉઠાડવામાં આવશે અને સ્વર્ગમાં જીવન આપવામાં આવશે.

ઈસુએ બાપ્તિસ્મા લીધું એના બેએક વર્ષ પછી તેમણે બે શિષ્યોને કહ્યું કે “જે બાપ્તિસ્મા હું લેવાનો છું, એ બાપ્તિસ્મા તમે લેશો.” (માર્ક ૧૦:૩૮, ૩૯) ઈસુ અહીં પાણીના બાપ્તિસ્મા વિશે વાત કરતા ન હતા. પણ તે કહેવા માંગતા હતા કે ઈશ્વરને તે વફાદાર રહેશે એટલે તેમણે મરણ સહેવું પડશે. પાઊલે કહ્યું કે અભિષિક્તો પણ ‘તેમની જેમ સહન કરશે તો તેઓ પણ તેમની સાથે મહિમા પામી શકશે.’ (રોમ. ૮:૧૬, ૧૭; ૨ કોરીં. ૪:૧૭) એટલે તેઓએ પણ સ્વર્ગનું જીવન મેળવતા પહેલાં મરવું પડશે.

એ પ્રમાણે પાઊલના શબ્દોને આ રીતે સમજી શકાય: “જો મરણ પામેલાને જીવતા કરવામાં નહિ આવે, તો જેઓ મરણ પામવાના હેતુથી બાપ્તિસ્મા લે છે, તેઓનું શું થશે? તેઓ એ હેતુથી શા માટે બાપ્તિસ્મા લે છે?”