બીજાઓ સાથે મળીને કામ કરીએ
‘હું કુશળ કારીગર તરીકે તેમની સાથે હતો. આખો વખત હું તેમની આગળ આનંદ કરતો.’ (નીતિ. ૮:૩૦) એ કલમમાંથી જોવા મળે છે કે પૃથ્વી પર આવતા પહેલાં ઈસુએ યુગોના યુગો તેમના પિતા સાથે કામ કર્યું. એનાથી તેમને ઘણો “આનંદ” મળતો.
ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે યહોવા સાથે કામ કરીને તે સુંદર ગુણો કેળવી શક્યા. પૃથ્વી પર આવ્યા પછી પણ તે બીજાઓ માટે સારો દાખલો બેસાડી શક્યા. ચાલો આપણે ઈસુના દાખલાને ધ્યાનથી તપાસીએ. એમાંથી આપણને ત્રણ સિદ્ધાંતો પારખવા મદદ મળશે. એ સિદ્ધાંતોથી આપણને બીજાઓ સાથે મળીને કામ કરવા અને એકતા જાળવી રાખવા મદદ મળશે.
સિદ્ધાંત ૧: ‘એકબીજાને માન આપો’
બીજાઓ સાથે મળીને કામ કરવા નમ્રતાનો ગુણ ખૂબ જ જરૂરી છે. જો નમ્ર હોઈશું તો પોતાની વાહ વાહ નહિ કરીએ, બીજાઓનાં કામને પણ મહત્ત્વ આપીશું. ઈસુ નમ્ર હતા. તેમણે એ ગુણ પોતાના પિતા યહોવા પાસેથી શીખ્યો હતો. ખરું કે યહોવાએ જ બધું સર્જન કર્યું છે, પણ તે ચાહતા હતા કે બધા જાણે કે ઈસુએ તેમને એ કામમાં સાથ આપ્યો હતો. એટલે યહોવાએ કહ્યું, “ચાલો આપણે માણસ બનાવીએ, તેને આપણા જેવો બનાવીએ.” (ઉત. ૧:૨૬) એ શબ્દો સાંભળીને ઈસુ જાણી ગયા હશે કે યહોવા કેટલા નમ્ર છે.—ગીત. ૧૮:૩૫.
ઈસુએ પૃથ્વી પર એવી જ નમ્રતા બતાવી. લોકોએ તેમનાં કામના વખાણ કર્યા ત્યારે તેમણે બધો મહિમા યહોવાને આપ્યો. (માર્ક ૧૦:૧૭, ૧૮; યોહા. ૭:૧૫, ૧૬) ઈસુએ પોતાના શિષ્યો સાથે શાંતિ જાળવી રાખી. તેમણે તેઓને દાસ નહિ પણ મિત્રો ગણ્યા. (યોહા. ૧૫:૧૫) શિષ્યોને નમ્રતાનો ગુણ શીખવવા તેમણે તેઓના પગ પણ ધોયા. (યોહા. ૧૩:૫, ૧૨-૧૪) આપણે પણ તેમની જેમ બીજાઓની કદર કરીએ અને તેઓને આપણા કરતાં ચઢિયાતા ગણીએ. કામ કરીએ ત્યારે કોને જશ મળશે એ વિચારવાને બદલે ‘બીજાઓને માન આપીએ.’ એમ કરીશું તો ઘણું હાંસલ કરી શકીશું.—રોમ. ૧૨:૧૦.
નમ્ર વ્યક્તિ એ પણ જાણે છે કે “ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.” (નીતિ. ૧૫:૨૨) ભલે આપણી પાસે વર્ષોનો અનુભવ હોય કે ઘણી આવડત હોય, પણ યાદ રાખીએ કે આપણી પાસે બધું જ જ્ઞાન નથી. ઈસુએ પણ સ્વીકાર્યું કે અમુક બાબતો વિશે તે બધું જાણતા ન હતા. (માથ. ૨૪:૩૬) તેમના શિષ્યો ઘણી ભૂલો કરતા હતા, તોપણ ઈસુએ જાણવાની કોશિશ કરી કે અમુક વિષયો પર તેઓ શું વિચારે છે અને શું જાણે છે. (માથ. ૧૬:૧૩-૧૬) એટલે શિષ્યોને તેમની સાથે કામ કરવું ગમતું. આપણે પણ ઈસુની જેમ નમ્ર રહીએ. આપણે એકલા હાથે બધું નથી કરી શકતા, એટલે બીજાઓની મદદ લઈએ. એવું કરીશું તો બીજાઓ સાથે હળી-મળીને કામ કરી શકીશું અને આપણું ‘કામ પાર પડશે.’
વડીલોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ એકબીજા સાથે કામ કરે ત્યારે ઈસુની જેમ નમ્ર રહે. વડીલોની સભા વખતે પવિત્ર શક્તિ કોઈ પણ વડીલને એવું કંઈક કહેવા મદદ કરી શકે, જેથી વડીલોનું જૂથ સારા નિર્ણય લઈ શકે. વડીલોએ સભામાં એવો માહોલ રાખવો જોઈએ, જેથી બધા અચકાયા વગર પોતાના વિચારો જણાવી શકે. એવું થશે તો તેઓ સારા નિર્ણય લઈ શકશે અને આખા મંડળને લાભ થશે.
સિદ્ધાંત ૨: “તમે વાજબી છો, એની બધાને જાણ થવા દો”
બીજાઓ સાથે સારી રીતે કામ કરવા વાજબી બનવું જરૂરી છે. એક વાજબી વ્યક્તિ પોતાનો જ કક્કો ખરો કરતી નથી. તે બીજાનું સાંભળે છે અને ફેરફાર કરવા તૈયાર રહે છે. ઈસુએ ઘણી વાર જોયું કે તેમના પિતા યહોવા વાજબી રીતે વર્ત્યા. દાખલા તરીકે, પાપી માણસોને મરણના પંજામાંથી છોડાવવા તેમણે ઈસુને પૃથ્વી પર મોકલ્યા. આમ દેખાઈ આવ્યું કે યહોવા કેટલા વાજબી છે.—યોહા. ૩:૧૬.
ઈસુએ પણ જરૂર હોય ત્યારે ફેરફાર કર્યા. ઇઝરાયેલના લોકોને મદદ કરવા તેમને મોકલવામાં આવ્યા હતા. તેમ છતાં, તેમણે ફિનીકિયાની એક સ્ત્રીને મદદ કરી. (માથ. ૧૫:૨૨-૨૮) ઈસુ પોતાના શિષ્યો સાથે પણ વાજબી રીતે વર્ત્યા. તેમણે એમ ન વિચાર્યું કે શિષ્યો ક્યારેય ભૂલ નહિ કરે. તેમના પાકા મિત્ર પિતરે બધાની સામે તેમને ઓળખવાની ના પાડી. એ પછી પણ ઈસુ પિતરને માફ કરવા તૈયાર હતા. આગળ જતાં ઈસુએ પિતરને મોટી મોટી જવાબદારીઓ સોંપી. (લૂક ૨૨:૩૨; યોહા. ૨૧:૧૭; પ્રે.કા. ૨:૧૪; ૮:૧૪-૧૭; ૧૦:૪૪, ૪૫) ઈસુનો દાખલો આપણને શીખવે છે કે આપણે પોતાની વાત પર અડ્યા ન રહીએ અને બીજાઓ પાસે વધારે પડતી અપેક્ષા ન રાખીએ. એમ કરીશું તો ‘આપણે વાજબી છીએ, એની બધાને જાણ થશે.’—ફિલિ. ૪:૫.
વાજબી હોઈશું તો પોતાનામાં ફેરફાર કરવા તૈયાર રહીશું. એનાથી આપણે બધા પ્રકારના લોકો સાથે હળી-મળીને કામ કરી શકીશું. ઈસુ બધાની સાથે સારી રીતે વર્તતા હતા, એટલે લોકો પણ તેમનો સંદેશો સાંભળતા. એ જોઈને તેમના દુશ્મનો તેમની અદેખાઈ કરતા. તેઓ તેમને “કર ઉઘરાવનારાઓ અને પાપીઓનો મિત્ર” કહેતા. (માથ. ૧૧:૧૯) શું આપણે ઈસુની જેમ બધા પ્રકારના લોકો સાથે મળીને કામ કરી શકીએ છીએ? ચાલો લૂઈભાઈનો દાખલો જોઈએ. તે સરકીટ નિરીક્ષક હતા ત્યારે અને બેથેલમાં પણ તેમણે અલગ અલગ લોકો સાથે કામ કર્યું. તે કહે છે, “અલગ અલગ લોકો સાથે કામ કરવું, એ તો જાણે અલગ અલગ આકારના પથ્થરોથી દીવાલ બાંધવા જેવું છે. એવા પથ્થરોને યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે ગોઠવવા ઘણી મહેનત અને સમય લાગી શકે. પણ સીધી દીવાલ તો બની જ શકે છે. મેં પણ પોતાનામાં ફેરફાર કર્યા જેથી બીજાઓ સાથે હળી-મળીને કામ કરી શકું અને અમારું કામ પાર પડે.” ભાઈએ કેટલું સરસ વલણ બતાવ્યું!
રોફ જમાવવા બીજાઓથી કોઈ માહિતી છુપાવવી ન જોઈએ
મંડળનાં ભાઈ-બહેનો સાથે કઈ રીતે વાજબી બની શકીએ? ભાઈ-બહેનો પાસે કુટુંબની અલગ અલગ જવાબદારીઓ હોય છે અને તેઓની ઉંમર પણ આપણાથી અલગ અલગ હોય છે. તેઓ સાથે પ્રચાર કરતી વખતે આપણે તેઓના સંજોગોનું પણ ધ્યાન રાખવું જોઈએ. કદાચ આપણે પ્રચારમાં ધીરે ધીરે ચાલવું પડે કે વચ્ચે ક્યાંક રોકાવું પડે અથવા તેઓને ગમતી પ્રચારની રીત અપનાવવી પડે. એનાથી તેઓને પ્રચારમાં મજા આવશે.
સિદ્ધાંત ૩: ‘બીજાઓ સાથે વહેંચવા તૈયાર રહો’
બીજાઓ સાથે સારી રીતે કામ કરવા આપણાં જ્ઞાન અને અનુભવ તેઓ “સાથે વહેંચવા તૈયાર” રહેવું જોઈએ. (૧ તિમો. ૬:૧૮) યહોવા પિતા સાથે કામ કરતી વખતે ઈસુએ જોયું કે તે કશું છુપાવતા નથી. યહોવાએ “આકાશો બનાવ્યાં ત્યારે” ઈસુ ‘ત્યાં હતા’ અને તેમની પાસેથી ઘણું શીખ્યા હતા. (નીતિ. ૮:૨૭) પછીથી ઈસુએ શિષ્યોને ખુશીથી એ જણાવ્યું જે તેમણે ‘પિતા પાસેથી સાંભળ્યું’ હતું. (યોહા. ૧૫:૧૫) આજે ઘણા લોકો પોતાનાં જ્ઞાન અને અનુભવ પોતાની પાસે જ રાખે છે, બીજાઓને જણાવતા નથી, જેથી તેઓ પર રોફ જમાવી શકે. પણ આપણે એવું નહિ કરીએ. યહોવાની જેમ આપણે પણ જે કંઈ જાણીએ છીએ એ બીજાઓને ખુશી ખુશી જણાવીશું.
આપણી મહેનત જોઈને બીજાઓ કદર કરે ત્યારે આપણું દિલ ખુશ થઈ જાય છે, ખરું ને! આપણે પણ બીજાઓ સાથે કામ કરતી વખતે તેઓને ઉત્તેજનના બે બોલ કહીએ. ઈસુએ શિષ્યોના સારા ગુણોના વખાણ કર્યા હતા. (માથ્થી ૨૫:૧૯-૨૩; લૂક ૧૦:૧૭-૨૦ સરખાવો.) તેમણે એ પણ કહ્યું, શિષ્યો તેમના “કરતાં મોટાં કામો કરશે.” (યોહા. ૧૪:૧૨) મરણની આગલી રાતે ઈસુએ વફાદાર શિષ્યોની કદર કરતા કહ્યું, “મારી કસોટીઓમાં તમે જ મને સાથ આપ્યો છે.” (લૂક ૨૨:૨૮) ખરેખર એ શબ્દો શિષ્યોનાં દિલને સ્પર્શી ગયા હશે અને તેઓને આગળ કામ કરવા ઉત્તેજન મળ્યું હશે! સાથે કામ કરનારાઓના આપણે પણ વખાણ કરવા જોઈએ. એનાથી તેઓનું દિલ ખુશીથી ઊભરાઈ જશે અને તેઓ વધુ ઉત્સાહથી કામ કરશે.
બીજાઓ સાથે મળીને કામ કરી શકીએ છીએ
કાયોડેભાઈ કહે છે, “બીજાઓ સાથે મળીને કામ કરવામાં ભૂલો તો થશે. પણ સૌથી મહત્ત્વનું એ છે કે આપણે એવો માહોલ રાખીએ, જેથી લોકો ખુશ રહે અને કામ સહેલાઈથી થાય.” આપણે વિચારી શકીએ, ‘શું હું એવી વ્યક્તિ છું?’ આપણે ભાઈ-બહેનો પાસેથી જાણી શકીએ કે એ વિશે તેઓ શું વિચારે છે. શિષ્યોને ઈસુ સાથે કામ કરવું ગમતું, તેમ શું ભાઈ-બહેનોને આપણી સાથે કામ કરવું ગમે છે? જો એમ હોય તો આપણે પણ પાઉલની જેમ કહી શકીશું, “અમે તો તમારી ખુશી માટે તમારી સાથે કામ કરનારા છીએ.”—૨ કોરીં. ૧:૨૪.