સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નિનવેહ શહેરમાં ઊંચી ઊંચી, સુંદર ઇમારતો હતી

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

નિનવેહ શહેરનું શું થયું? 

આશરે ઈસવીસન પૂર્વે ૬૭૦માં આશ્શૂર દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. બ્રિટિશ મ્યુઝિયમની વેબસાઇટ પર લખ્યું છે કે “એ સામ્રાજ્ય પશ્ચિમમાં સૈપ્રસથી લઈને પૂર્વમાં ઈરાન સુધી ફેલાયેલું હતું. અમુક સમય સુધી તો ઇજિપ્ત પણ એનો ભાગ હતું.” આશ્શૂરની રાજધાની નિનવેહ દુનિયાનું સૌથી મોટું શહેર ગણાતું. એ શહેરમાં ઊંચી ઊંચી ઇમારતો, સુંદર બાગ-બગીચા, આલીશાન મહેલો અને મોટી લાઇબ્રેરી હતી. એ પ્રાચીન નિનવેહ શહેરની દીવાલો પર અમુક લખાણો હતા. એનાથી જોવા મળે છે કે એનો રાજા, આશૂરબનીપાલ બીજા આશ્શૂરી રાજાઓની જેમ પોતાને “દુનિયાનો રાજા” માનતો હતો. તેના રાજ દરમિયાન એવું લાગતું કે આશ્શૂર અને નિનવેહને કોઈ હરાવી નહિ શકે.

એ સમયે આશ્શૂર દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય હતું

એ સમયે યહોવાના એક પ્રબોધક સફાન્યાએ કહ્યું, “[યહોવા] . . . આશ્શૂરનો વિનાશ કરશે, તે નિનવેહ નગરીને રણ જેવી સૂકી બનાવશે અને વેરાન કરશે.” યહોવાના બીજા એક પ્રબોધક નાહૂમે કહ્યું, “ચાંદી લૂંટો! સોનું લૂંટો! . . . એ નગરી સૂમસામ, વેરાન અને ખંડેર બની ગઈ છે! . . . તને જોનારા તારાથી દૂર નાસી જશે અને કહેશે, ‘નિનવેહ નગરી બરબાદ થઈ ગઈ છે!’” (સફા. ૨:૧૩; નાહૂ. ૨:૯, ૧૦; ૩:૭) એ ભવિષ્યવાણી સાંભળીને અમુકને થયું હશે: ‘શું એવું બની શકે? શું શક્તિશાળી આશ્શૂરીઓને કોઈ હરાવી શકે?’ કદાચ એ ભવિષ્યવાણીઓ પર તેઓને ભરોસો નહિ થયો હોય.

નિનવેહ શહેર પૂરેપૂરું દટાઈ ગયું હતું

પણ યહોવાએ કહેલી એકેએક વાત પૂરી થઈ! ઈ.સ. પૂર્વે ૬૦૦ના અમુક સમય પહેલાં બાબેલોન અને માદાયના લોકોએ આશ્શૂર પર જીત મેળવી. સમય જતાં, લોકોએ નિનવેહમાં રહેવાનું છોડી દીધું અને એ શહેર સાવ ભૂલાઈ ગયું. ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના એક સાહિત્યમાં લખ્યું છે, “મધ્યયુગ સુધીમાં તો એ શહેર પૂરેપૂરું દટાઈ ગયું. બાઇબલ સિવાય એનો ઉલ્લેખ બીજે ક્યાંય જોવા મળતો ન હતો.” બિબ્લિકલ આર્કિયોલોજી સોસાયટી કહે છે, “કોઈ જાણતું ન હતું કે આશ્શૂરની એ રાજધાની ખરેખર હતી કે નહિ.” પણ ૧૮૪૫માં પુરાતત્ત્વશાસ્ત્રી ઑસ્ટન હેન્રી લૅયાર્ડે એ જગ્યાએ ખોદકામ કર્યું. મળી આવેલા ખંડેરોથી સાબિત થયું કે નિનવેહ એક શહેર હતું અને એક સમયે એની ઘણી જાહોજલાલી હતી.

નિનવેહ વિશેની બધી ભવિષ્યવાણીઓ પૂરી થઈ. બાઇબલમાં એ પણ ભવિષ્યવાણી છે કે આજના સમયની બધી સરકારોનો નાશ થશે. જેમ નિનવેહની ભવિષ્યવાણી પૂરી થઈ, એમ આ ભવિષ્યવાણી પણ પૂરી થશે એવી આપણને પાકી ખાતરી મળે છે.—દાનિ. ૨:૪૪; પ્રકટી. ૧૯:૧૫, ૧૯-૨૧.