સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૮

યહોવા નિભાવશે સાથ, મુશ્કેલીઓમાં નહિ છોડે હાથ

યહોવા નિભાવશે સાથ, મુશ્કેલીઓમાં નહિ છોડે હાથ

‘“હિંમતવાન થાઓ, કેમ કે હું તમારી સાથે છું,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.’—હાગ્ગા. ૨:૪.

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

ઝલક a

૧-૨. બાબેલોનથી યરૂશાલેમ પાછા આવેલા યહૂદીઓએ આપણી જેમ કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો? (“ હાગ્ગાય, ઝખાર્યા અને એઝરાનો સમય” બૉક્સ જુઓ.)

 શું તમને કોઈક વાર થાય છે કે કાલે શું થશે? કદાચ નોકરી જતી રહી હોય અને કુટુંબના ગુજરાનની ચિંતા થતી હોય. બની શકે કે રાજકીય ઊથલ-પાથલ ચાલતી હોય, તમારી સતાવણી થતી હોય અથવા પ્રચારકામનો વિરોધ થતો હોય. એના લીધે કદાચ તમને કુટુંબના રક્ષણની ચિંતા કોરી ખાતી હોય. તમે કદાચ કહેશો, ‘એ તો જેના પર વીતે તેને જ ખબર પડે.’ સાચી વાત. પ્રાચીન સમયના ઇઝરાયેલીઓએ પણ એવી જ તકલીફોનો સામનો કર્યો હતો. પણ યહોવાએ તેઓને જે રીતે મદદ કરી, એ જાણવાથી તમને ઘણું ઉત્તેજન મળશે.

અમુક યહૂદીઓએ પોતાનું આખું જીવન બાબેલોનમાં વિતાવ્યું હતું. હવે તેઓએ પોતાની ધનસંપત્તિ અને એશઆરામ છોડીને એક અજાણ્યા દેશમાં જવાનું હતું. એ દેશ યરૂશાલેમ હતો. બાબેલોન છોડીને યરૂશાલેમ જવા એ યહૂદીઓને શ્રદ્ધાની જરૂર હતી. જ્યારે તેઓ યરૂશાલેમમાં પહોંચ્યા, ત્યારે તરત જ તેઓને પૈસાની તંગી પડવા લાગી. એ દેશની રાજકીય હાલત ડામાડોળ હતી અને આસપાસની પ્રજાઓ તેઓનો વિરોધ કરતી હતી. યહોવાનું મંદિર પણ ફરી બંધાઈ રહ્યું હતું. પણ એ મુશ્કેલ સંજોગોને લીધે અમુક માટે બાંધકામમાં ધ્યાન પરોવવું અઘરું હતું. પછી આશરે ઈસવીસન પૂર્વે ૫૨૦માં યહોવાએ હાગ્ગાય અને ઝખાર્યા નામના બે પ્રબોધકોને મોકલ્યા, જેથી તેઓ લોકોનો ઉત્સાહ ફરી જગાડે. (હાગ્ગા. ૧:૧; ઝખા. ૧:૧) આ લેખમાં આગળ જોઈશું કે એ પ્રબોધકોની વાતોથી લોકોને કેટલું બધું ઉત્તેજન મળ્યું. જોકે, આશરે ૫૦ વર્ષ પછી એ યહૂદીઓનો ઉત્સાહ ફરી ઠંડો પડી ગયો. પછી એઝરા શાસ્ત્રી બાબેલોનથી યરૂશાલેમ આવ્યા. તે નિયમશાસ્ત્રના લખાણની નકલ ઉતારનાર હતા. તેમણે લોકોને ઉત્તેજન આપ્યું અને યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા મદદ કરી.—એઝ. ૭:૧,, ફૂટનોટ.

૩. આપણે કયા સવાલોના જવાબ મેળવીશું? (નીતિવચનો ૨૨:૧૯)

હાગ્ગાય અને ઝખાર્યાની ભવિષ્યવાણીઓથી એ સમયના ઈશ્વરભક્તોને ઘણી મદદ મળી. તેઓ વિરોધ છતાં યહોવા પર ભરોસો રાખી શક્યા. એ ભવિષ્યવાણીઓથી આજે આપણને પણ ખાતરી મળે છે કે જીવનમાં ભલે ગમે એટલી મુશ્કેલીઓ આવે, યહોવા મદદ કરશે. (નીતિવચનો ૨૨:૧૯ વાંચો.) આ લેખમાં જોઈશું કે હાગ્ગાય અને ઝખાર્યાએ લોકોને ઈશ્વરનો કયો સંદેશો જણાવ્યો. આપણે એઝરાનો દાખલો પણ જોઈશું. એનાથી આ સવાલોના જવાબ મળશે: બાબેલોનથી પાછા આવેલા યહૂદીઓ સામે કઈ મુશ્કેલીઓ આવી? મુશ્કેલ સંજોગોમાં કેમ યહોવાની ઇચ્છા પૂરી કરવા પર ધ્યાન આપવું જોઈએ? કપરા સંજોગોમાં કઈ રીતે યહોવા પર વધારે આધાર રાખી શકીએ?

મુશ્કેલીઓને લીધે યહૂદીઓનો ઉત્સાહ ઠંડો પડી ગયો

૪-૫. કયાં કારણોને લીધે યહૂદીઓનો ઉત્સાહ ઠંડો પડી ગયો હશે?

બાબેલોનથી પાછા આવેલા યહૂદીઓ યરૂશાલેમ પહોંચ્યા ત્યારે તેઓએ ઘણું કામ કરવાનું હતું. તેઓએ તરત જ યહોવાની વેદી ફરી બાંધી અને મંદિરનો પાયો નાખ્યો. (એઝ. ૩:૧-૩, ૧૦) શરૂઆતમાં તેઓએ ઘણો ઉત્સાહ બતાવ્યો, પણ એ તરત ઠંડો પડી ગયો. કેમ કે મંદિર બાંધવાની સાથે સાથે તેઓએ પોતાનાં ઘરો બાંધવાનાં હતાં, ખેતરો ખેડવાનાં હતાં અને કુટુંબની જરૂરિયાતો પૂરી કરવાની હતી. (એઝ. ૨:૬૮, ૭૦) તેઓએ દુશ્મનોના વિરોધનો પણ સામનો કરવો પડ્યો, જેઓ મંદિરનું બાંધકામ રોકવા કાવતરાં ઘડતા હતા.—એઝ. ૪:૧-૫.

એ સિવાય પણ બીજી અમુક મુશ્કેલીઓ હતી. તેઓ માટે પોતાની જરૂરિયાતો પૂરી કરવી અઘરું હતું. રાજકીય ઊથલ-પાથલ પણ હતી. એ સમયે ઈરાનના રાજાઓ રાજ કરતા હતા. ઈ.સ. પૂર્વે ૫૩૦માં ઈરાનના રાજા કોરેશનું મરણ થયું. એ પછી તેની જગ્યાએ કેમ્બાયસીસ રાજ કરવા લાગ્યો. તે પોતાની સેના લઈને ઇજિપ્ત જીતવા નીકળી પડ્યો. ઇજિપ્ત જતી વખતે તેના સૈનિકો કદાચ ઇઝરાયેલના વિસ્તારમાંથી પસાર થયા હશે. એવું લાગે છે કે તેઓએ ઇઝરાયેલીઓ પાસેથી ખોરાક, પાણી અને આશરો માંગ્યાં હતાં. એનાથી ઇઝરાયેલીઓની હાલત એક સાંધતા તેર તૂટવા જેવી થઈ હશે. કેમ્બાયસીસ પછી રાજા દાર્યાવેશ પહેલો રાજ કરવા લાગ્યો. તેના રાજની શરૂઆતમાં ઘણી બધી તકલીફો હતી. લોકો તેની સામે બળવો કરતા હતા અને રાજકીય સ્થિતિ ડામાડોળ હતી. એના લીધે ઘણા યહૂદીઓને કુટુંબના ભરણપોષણની ચિંતા થઈ હશે. એ બધી મુશ્કેલીઓને લીધે અમુક યહૂદીઓને લાગ્યું કે મંદિર ફરી બાંધવાનો આ યોગ્ય સમય નથી.—હાગ્ગા. ૧:૨.

૬. (ક) યહૂદીઓએ બીજી કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો? (ખ) ઝખાર્યા ૪:૬, ૭ પ્રમાણે ઝખાર્યાએ યહૂદીઓને કઈ ખાતરી અપાવી?

ઝખાર્યા ૪:૬, ૭ વાંચો. પૈસેટકે તંગી અને રાજકીય ઊથલ-પાથલ ઉપરાંત યહૂદીઓએ સતાવણીનો પણ સામનો કર્યો. ઈ.સ. પૂર્વે ૫૨૨માં યહૂદીઓના દુશ્મનોનું કાવતરું સફળ થયું અને મંદિર બાંધવાના કામને અટકાવી દેવામાં આવ્યું. પણ ઝખાર્યાએ યહૂદીઓને ખાતરી અપાવી કે યહોવા પોતાની શક્તિ દ્વારા એકેએક અડચણ હટાવી દેશે. ઈ.સ. પૂર્વે ૫૨૦માં રાજા દાર્યાવેશે હુકમ આપ્યો કે મંદિરનું બાંધકામ ફરી શરૂ કરવામાં આવે. એ માટે તેણે પૈસા આપ્યા અને રાજ્યપાલોને હુકમ કર્યો કે તેઓ યહૂદીઓને મદદ કરે.—એઝ. ૬:૧, ૬-૧૦.

૭. જ્યારે યહૂદીઓએ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાને જીવનમાં પહેલી રાખી, ત્યારે તેઓને કયા આશીર્વાદો મળ્યા?

  હાગ્ગાય અને ઝખાર્યા પ્રબોધકો દ્વારા યહોવાએ પોતાના લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ મંદિર ફરી બાંધવાના કામને જીવનમાં પહેલું રાખશે, તો તે તેઓને સાથ આપશે. (હાગ્ગા. ૧:૮, ૧૩, ૧૪; ઝખા. ૧:૩, ૧૬) એ પ્રબોધકોથી યહૂદીઓને ઘણું ઉત્તેજન મળ્યું અને ઈ.સ. પૂર્વે ૫૨૦માં તેઓએ મંદિર બાંધવાનું કામ ફરીથી શરૂ કર્યું. પાંચ વર્ષની અંદર મંદિર ફરી બંધાઈ ગયું. મુશ્કેલીઓ છતાં યહૂદીઓએ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાને જીવનમાં પહેલી રાખી, એટલે યહોવાએ તેઓને આશીર્વાદો આપ્યા. યહોવાની મદદથી તેઓ કુટુંબની જરૂરિયાતો પૂરી કરી શક્યા અને યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખી શક્યા. પરિણામે યહોવાની ભક્તિમાં તેઓને ખુશી મળી.—એઝ. ૬:૧૪-૧૬, ૨૨.

ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા પર ધ્યાન આપો

૮. ઈશ્વરની ઇચ્છાને જીવનમાં પહેલી રાખવા હાગ્ગાય ૨:૪ના શબ્દોથી કઈ રીતે મદદ મળે છે? (ફૂટનોટ પણ જુઓ.)

મોટી વિપત્તિ બહુ નજીક છે. એટલે યાદ રાખવું જોઈએ કે ખુશખબર ફેલાવવાનું કામ ખૂબ જ જરૂરી છે. (માર્ક ૧૩:૧૦) પણ કદાચ અમુક કારણોને લીધે પ્રચારકામ પર ધ્યાન આપવું અઘરું લાગી શકે. જેમ કે, પૈસાની ખેંચ હોય અથવા પ્રચારમાં વિરોધ થતો હોય. તોપણ ઈશ્વરની ઇચ્છાને જીવનમાં પહેલી રાખવા શાનાથી મદદ મળી શકે? “સૈન્યોના ઈશ્વર યહોવા” b આપણા પક્ષે છે એવો ભરોસો રાખવાથી. જો પોતાની ઇચ્છાઓને બદલે રાજ્યના કામને જીવનમાં પહેલું રાખીશું, તો યહોવા આપણને સાથ આપશે. એટલે આપણે ડરવાની કોઈ જરૂર નથી.—હાગ્ગાય ૨:૪ વાંચો.

૯-૧૦. એક પતિ-પત્નીએ કઈ રીતે અનુભવ કર્યો કે માથ્થી ૬:૩૩માં ઈસુએ કહેલા શબ્દો સાચા છે?

ઓલેગભાઈ અને ઈરીનાબહેનનો c દાખલો લો. તેઓ બંને પાયોનિયર છે. તેઓ દેશના બીજા વિસ્તારમાં રહેવા ગયાં, જેથી ત્યાંના મંડળને મદદ કરી શકે. ત્યાં ગયા પછી બંનેએ પોતાની નોકરી ગુમાવી. કેમ કે દેશની આર્થિક હાલત કથળતી જતી હતી. એકાદ વર્ષ સુધી તેઓ પાસે સરખી નોકરી ન હતી, કોઈક વાર કામ મળતું, તો કોઈક વાર ન મળતું. છતાં તેઓએ હંમેશાં અનુભવ્યું કે યહોવા તેઓને પ્રેમ કરે છે અને મદદ કરે છે. અમુક વાર ભાઈ-બહેનોએ પણ તેઓને મદદ કરી. તેઓ એ મુશ્કેલ સંજોગોનો સામનો કઈ રીતે કરી શક્યાં? ખરું કે, શરૂઆતમાં ઓલેગભાઈ નિરાશ થઈ ગયા હતા. પણ હવે તે કહે છે: “અમે બને એટલો વધારે સમય પ્રચારકામમાં વિતાવતાં. એનાથી જે વધારે મહત્ત્વનું છે એના પર ધ્યાન રાખવા મદદ મળી.” એ સમય દરમિયાન ઓલેગભાઈ અને તેમનાં પત્ની નોકરી શોધતાં રહ્યાં અને પ્રચારકામમાં પણ લાગુ રહ્યાં.

૧૦ એકવાર તેઓ પ્રચારમાંથી ઘરે પાછાં આવ્યાં ત્યારે, પડોશીએ તેઓને એક સમાચાર આપ્યા. એ પતિ-પત્નીનો એક મિત્ર આશરે ૧૬૦ કિલોમીટરની મુસાફરી કરીને ત્યાં આવ્યો હતો. તે તેઓ માટે બે થેલા ભરીને ખાવા-પીવાની વસ્તુઓ મૂકીને ગયો હતો. ઓલેગભાઈ કહે છે: “એ દિવસે અમે ફરી એક વાર જોયું કે યહોવા અને મંડળનાં ભાઈ-બહેનો અમારી કેટલી બધી કાળજી રાખે છે. કોઈક વાર આશાનું કિરણ દેખાતું ન હોય. પણ એ અનુભવથી અમને ખાતરી થઈ ગઈ કે યહોવા પોતાના ભક્તોને કદી ભૂલતા નથી.”—માથ. ૬:૩૩.

૧૧. આજે આપણે કઈ વાતની ખાતરી રાખી શકીએ?

૧૧ યહોવા ચાહે છે કે આપણે શિષ્ય બનાવવાના કામ પર પૂરું ધ્યાન આપીએ. કેમ કે એનાથી લોકોનું જીવન બચી શકે છે.  ફકરા ૭માં જોયું તેમ, હાગ્ગાયે લોકોને વિનંતી કરી કે તેઓ મંદિરનું બાંધકામ નવેસરથી શરૂ કરે. તેઓએ જાણે કે મંદિરનો પાયો ફરીથી નાખવાનો હતો. યહોવાએ વચન આપ્યું હતું કે તે તેઓ પર ‘આશીર્વાદ મોકલશે.’ (હાગ્ગા. ૨:૧૮, ૧૯) પણ એ આશીર્વાદ મેળવવા તેઓએ મંદિરના બાંધકામમાં ધ્યાન આપવાનું હતું. આજે આપણે ખાતરી રાખી શકીએ કે જો યહોવાએ સોંપેલા કામ પર પૂરું ધ્યાન આપીશું, તો તે આપણને પણ આશીર્વાદ આપશે.

યહોવા પરનો ભરોસો કઈ રીતે વધારી શકીએ?

૧૨. એઝરા અને બીજા યહૂદીઓએ કેમ યહોવા પર અડગ શ્રદ્ધા રાખવાની હતી?

૧૨ ઈ.સ. પૂર્વે ૪૬૮માં એઝરા બાબેલોનથી યરૂશાલેમ આવવા નીકળ્યા. યહૂદીઓનો બીજો સમૂહ પણ તેમની સાથે હતો. યરૂશાલેમ સુધીનો લાંબો રસ્તો કાપવા તેઓએ યહોવા પર અડગ શ્રદ્ધા રાખવાની હતી. કેમ કે એ મુસાફરી જોખમથી ભરેલી હતી. મંદિર માટે ઘણું બધું સોનું-ચાંદી દાનમાં મળ્યું હતું. એ તેઓ પોતાની સાથે લઈને આવતા હતા. એટલે ચોર-લુટારાઓ સહેલાઈથી તેઓને લૂંટી શકતા હતા. (એઝ. ૭:૧૨-૧૬; ૮:૩૧) એ સિવાય, તેઓને જાણવા મળ્યું કે યરૂશાલેમમાં રહેવું હવે સલામત ન હતું. કેમ કે ત્યાં ગણ્યા-ગાંઠ્યા લોકો રહેતા હતા. શહેરની દીવાલો અને દરવાજા ભાંગી પડ્યાં હતાં. એનું સમારકામ થયું ન હતું. યહોવામાં આપણો ભરોસો વધારવા એઝરા પાસેથી શું શીખી શકીએ?

૧૩. એઝરાએ યહોવામાં પોતાનો ભરોસો કઈ રીતે વધાર્યો? (ફૂટનોટ પણ જુઓ.)

૧૩ એઝરાએ જોયું હતું કે યહોવા કઈ રીતે અઘરા સંજોગોમાં પોતાના લોકોની પડખે રહ્યા હતા. અમુક વર્ષો પહેલાં ઈ.સ. પૂર્વે ૪૮૪માં રાજા અહાશ્વેરોશે એક હુકમ બહાર પાડ્યો હતો. એ હુકમ પ્રમાણે ઈરાનના સામ્રાજ્યમાં રહેતા બધા યહૂદીઓની કતલ કરી નાખવાની હતી. એ સમયે એઝરા કદાચ બાબેલોનમાં રહેતા હતા. (એસ્તે. ૩:૭, ૧૩-૧૫) એઝરા અને બધા યહૂદીઓના માથે મોત ઝઝૂમતું હતું. રાજાનો હુકમ સાંભળીને “દરેક પ્રાંતમાં” રહેતા બધા યહૂદીઓ એટલા નિરાશ થઈ ગયા કે તેઓએ ઉપવાસ અને ભારે વિલાપ કર્યો. એમ કરીને તેઓએ યહોવાને મદદનો પોકાર કર્યો. (એસ્તે. ૪:૩) પણ અચાનક બાજી પલટાઈ ગઈ. જે લોકો યહૂદીઓને મારી નાખવા માંગતા હતા, તેઓને જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. જરા વિચારો, એ જોઈને એઝરા અને બીજા યહૂદીઓને કેવું લાગ્યું હશે! (એસ્તે. ૯:૧, ૨) એ બનાવથી એઝરા આવનાર મુશ્કેલીઓ માટે પોતાને તૈયાર કરી શક્યા હશે. યહોવા પોતાના લોકોનું રક્ષણ કરી શકે છે, એ વાતમાં પણ તેમનો ભરોસો વધ્યો હશે. d

૧૪. એક બહેન પોતાના અનુભવમાંથી શું શીખ્યાં?

૧૪ અનુભવ કરીને જુઓ કે યહોવા કઈ રીતે મુશ્કેલ સંજોગોમાં તમારી સંભાળ રાખે છે. એનાથી તમારો ભરોસો વધશે કે તે ભાવિમાં પણ તમારી સંભાળ રાખશે. પૂર્વ યુરોપમાં રહેતાં એનેસ્ટેસિયાબહેનનો વિચાર કરો. સાથે કામ કરનાર લોકો તેમને રાજકારણમાં કોઈનો પક્ષ લેવા દબાણ કરતા હતા. એ કારણે તેમણે નોકરી છોડવી પડી. બહેન કહે છે: “જીવનમાં પહેલી વાર એવું બન્યું કે મારા હાથમાં પૈસા ન હતા.” પછી તે જણાવે છે: “મેં મારી બધી લાગણીઓ યહોવા આગળ ઠાલવી દીધી. મેં અનુભવ્યું કે તેમણે ખૂબ જ પ્રેમથી મારી સંભાળ રાખી. હવે જો કાલે ઊઠીને ફરીથી મારી નોકરી જતી રહે, તો હું ગભરાઈશ નહિ. જો સ્વર્ગમાંના મારા પિતા આજે મારી સંભાળ રાખે છે, તો કાલે પણ રાખશે.”

૧૫. યહોવા પર મક્કમ ભરોસો રાખવા એઝરાને શાનાથી મદદ મળી? (એઝરા ૭:૨૭, ૨૮)

૧૫ એઝરાએ જોયું કે યહોવાનો હાથ તેમના માથે છે. અગાઉ યહોવાએ ઘણા પ્રસંગોએ એઝરાને મદદ કરી હતી. એ દરેક પ્રસંગનો વિચાર કરવાથી એઝરાને યહોવા પર મક્કમ ભરોસો રાખવા મદદ મળી. ધ્યાન આપો કે એઝરાએ કહ્યું: ‘મારા ઈશ્વર યહોવાનો હાથ મારા પર હતો.’ (એઝરા ૭:૨૭, ૨૮ વાંચો.) એઝરાએ પોતાના પુસ્તકમાં બીજી પાંચ વાર એવા જ શબ્દો વાપર્યા.—એઝ. ૭:૬, ૯; ૮:૧૮, ૨૨, ૩૧.

કેવા સંજોગોમાં આપણે કદાચ જોઈ શકીએ કે યહોવાનો હાથ આપણા માથે છે? (ફકરો ૧૬ જુઓ) e

૧૬. આપણે કયા સંજોગોમાં યહોવાનો હાથ જોઈ શકીએ છીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૬ અઘરા સંજોગોમાં યહોવા આપણને મદદ કરી શકે છે. જેમ કે, મહાસંમેલનમાં જવા આપણને નોકરી પરથી રજા જોઈતી હોય. કદાચ નોકરીના કલાકોમાં ફેરફાર કરાવવા માંગતા હોઈએ, જેથી બધી સભાઓમાં જઈ શકીએ. એ વિશે માલિક સાથે વાત કરવા સાચે જ હિંમતની જરૂર પડે છે. પણ એવી નાજુક ઘડીઓમાં જ આપણે યહોવાનો હાથ જોઈ શકીએ છીએ. કદાચ યહોવા એવો રસ્તો કાઢે, જેના વિશે આપણે સપનામાંય વિચાર્યું ન હોય. એ અનુભવથી યહોવામાં આપણો ભરોસો વધશે.

લોકોનાં પાપને લીધે એઝરા બહુ દુઃખી છે. તે મંદિરમાં ભારે વિલાપ અને પ્રાર્થના કરે છે. બધા લોકો પણ વિલાપ કરે છે. શખાન્યા એઝરાને દિલાસો આપે છે અને ખાતરી અપાવતા કહે છે: “ઇઝરાયેલ માટે હજુ આશા છે. . . . અમે તમારી સાથે છીએ.”​—⁠એઝ. ૧૦:​૨, ૪ (ફકરો ૧૭ જુઓ)

૧૭. અઘરા સંજોગોમાં એઝરાએ કઈ રીતે નમ્રતા બતાવી? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૭ એઝરાએ મદદ માટે યહોવાને પ્રાર્થના કરી અને નમ્રતા બતાવી. એઝરા ખૂબ નમ્ર હતા. જ્યારે પણ તેમને ચિંતા થતી કે પોતાની જવાબદારી કઈ રીતે નિભાવશે, ત્યારે તે યહોવાને પ્રાર્થના કરતા. (એઝ. ૮:૨૧-૨૩; ૯:૩-૫) એઝરાએ યહોવા પર આધાર રાખ્યો, એટલે બીજાઓએ રાજીખુશીથી તેમને સાથ-સહકાર આપ્યો. તેમ જ, તેઓ પણ એઝરાની જેમ યહોવામાં ભરોસો કરવા લાગ્યા. (એઝ. ૧૦:૧-૪) જ્યારે કુટુંબના ભરણપોષણની કે રક્ષણની ચિંતા થાય, ત્યારે યહોવાને પ્રાર્થના કરીએ અને તેમના પર ભરોસો રાખીએ.

૧૮. યહોવા પર વધારે ભરોસો રાખવા શાનાથી મદદ મળી શકે?

૧૮ જો નમ્ર રહીને યહોવા પાસે મદદ માંગીશું અને ભાઈ-બહેનોની મદદ સ્વીકારીશું, તો યહોવામાં આપણો ભરોસો વધશે. એરિકાબહેનનો વિચાર કરીએ. તેમને ત્રણ બાળકો છે. તેમણે હંમેશાં એ ભરોસો રાખ્યો છે કે યહોવા તેમને સંભાળશે. તેમના જીવનમાં તોફાન જેવી મુશ્કેલીઓ આવી ત્યારે પણ તેમનો એ ભરોસો ડગ્યો નહિ. બહુ ઓછા સમયમાં તેમણે પોતાનાં બે સ્નેહીજનો ગુમાવ્યાં. તેમનું બાળક આ દુનિયામાં આવતા પહેલાં જ મરણ પામ્યું અને તેમના વહાલા પતિ ગુજરી ગયા. એ સમયને યાદ કરતા બહેન કહે છે: “આપણને પહેલેથી એ ખબર હોતી નથી કે યહોવા કઈ રીતે મદદ કરશે. અમુક વાર તો વિચાર્યું ન હોય એ રીતે મદદ કરે છે. તેમણે મારી ઘણી પ્રાર્થનાઓનો જવાબ મારા દોસ્તો દ્વારા આપ્યો છે. અમુક વાર તેઓ મારી મદદે દોડી આવ્યા, તો અમુક વાર શબ્દોથી મને દિલાસો આપ્યો. એ સમયે મને એની જ જરૂર હતી! જો હું તેઓને દિલ ખોલીને જણાવું કે મારા જીવનમાં શું બની રહ્યું છે, તો તેઓ મને વધારે સારી રીતે મદદ કરી શકશે.”

અંત સુધી યહોવા પર ભરોસો રાખીએ

૧૯-૨૦. જે યહૂદીઓ યરૂશાલેમ પાછા ન જઈ શક્યા, તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ?

૧૯ જે યહૂદીઓ યરૂશાલેમ પાછા ન જઈ શક્યા, તેઓ પાસેથી પણ આપણે ઘણું શીખી શકીએ છીએ. તેઓ કદાચ મોટી ઉંમર, ગંભીર બીમારી કે કુટુંબની જવાબદારીઓને લીધે પાછા ન જઈ શક્યા. પણ તેઓ રાજીખુશીથી યરૂશાલેમ જતા લોકો સાથે મંદિર માટે ઘણી બધી વસ્તુઓ મોકલતા. (એઝ. ૧:૫, ૬) એવું લાગે છે કે યહૂદીઓનો પહેલો સમૂહ યરૂશાલેમ પાછો આવ્યો, એના ઓગણીસેક વર્ષ પછી પણ બાબેલોનમાં રહેતા યહૂદીઓ રાજીખુશીથી દાન મોકલતા હતા.—ઝખા. ૬:૧૦.

૨૦ કદાચ અમુક કારણોને લીધે તમે પણ યહોવાની ભક્તિમાં પહેલાં જેટલું કરી શકતા નહિ હો. જો એમ હોય તો જીવ ન બાળશો. કેમ કે યહોવા માટે તમે પૂરા દિલથી જે કંઈ કરો છો, એને તે કીમતી ગણે છે. એવું શાના આધારે કહી શકીએ? યહોવાએ ઝખાર્યા પ્રબોધકને એક મુગટ બનાવવાનું કહ્યું. એ મુગટ એ સોના-ચાંદીથી બનાવવાનો હતો, જે બાબેલોનની ગુલામીમાં રહેતા યહૂદીઓએ મોકલ્યાં હતાં. (ઝખા. ૬:૧૧) એ “ભવ્ય મુગટ” લોકોએ રાજીખુશીથી કરેલા દાનની “યાદગીરી તરીકે” રાખવામાં આવ્યો. (ઝખા. ૬:૧૪, ફૂટનોટ) આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે મુશ્કેલીઓ દરમિયાન યહોવાની સેવામાં જે કંઈ કરીએ છીએ, એને તે ક્યારેય નહિ ભૂલે.—હિબ્રૂ. ૬:૧૦.

૨૧. ભાવિમાં અઘરા સંજોગો આવે તોપણ યહોવામાં પૂરો ભરોસો રાખવા શાનાથી મદદ મળશે?

૨૧ આ છેલ્લા દિવસોમાં આપણા પર અનેક મુશ્કેલીઓ આવતી રહેશે. ભાવિમાં કદાચ સંજોગો વધારે ખરાબ થશે. (૨ તિમો. ૩:૧, ૧૩) પણ આપણે ચિંતામાં ડૂબી ન જઈએ. યહોવાએ હાગ્ગાયના સમયમાં પોતાના લોકોને જે કહ્યું, એ યાદ રાખીએ: ‘હું તમારી સાથે છું, તમે ડરશો નહિ.’ (હાગ્ગા. ૨:૪, ૫) યહોવાની ઇચ્છા પૂરી કરવામાં આપણો જીવ રેડી દઈશું તો તે હંમેશાં આપણી પડખે રહેશે. હાગ્ગાય અને ઝખાર્યાની ભવિષ્યવાણીઓમાંથી અને એઝરાના દાખલામાંથી આપણે જે શીખ્યા, એને જીવનમાં લાગુ પાડીએ. એમ કરીશું તો, જીવનમાં ભલે ગમે એટલા અઘરા સંજોગો આવે, યહોવામાં પૂરો ભરોસો રાખી શકીશું.

ગીત ૩૨ અડગ રહીએ

a જ્યારે પૈસાની તંગી હોય, રાજકીય ઊથલ-પાથલ ચાલતી હોય અથવા આપણા પ્રચારકામનો વિરોધ થતો હોય, ત્યારે યહોવામાં ભરોસો રાખવો અઘરું બની શકે. આ લેખમાં જોઈશું કે એવા સંજોગોમાં કઈ રીતે યહોવામાં આપણો ભરોસો મક્કમ કરી શકીએ.

b હાગ્ગાયના પુસ્તકમાં “સૈન્યોના ઈશ્વર યહોવા” એ શબ્દો ૧૪ વાર વપરાયા છે. એ શબ્દોથી યહૂદીઓને યાદ આવતું હતું કે યહોવાની શક્તિનો કોઈ પાર નથી અને દૂતોનું મોટું સૈન્ય તેમના હાથ નીચે કામ કરે છે. એ શબ્દોથી આજે આપણને પણ એ જ વાત યાદ આવે છે.—ગીત. ૧૦૩:૨૦, ૨૧.

c અમુક નામ બદલ્યાં છે.

d એઝરા નિયમશાસ્ત્રની નકલ ઉતારવામાં કુશળ હતા. એટલે યરૂશાલેમ આવ્યા એ પહેલેથી જ તેમને યહોવાએ આપેલી ભવિષ્યવાણીઓમાં પૂરો ભરોસો હતો.—૨ કાળ. ૩૬:૨૨, ૨૩; એઝ. ૭:૬, ૯, ૧૦; યર્મિ. ૨૯:૧૪.

e ચિત્રની સમજ: એક ભાઈ મહાસંમેલનમાં જવા માલિક પાસે રજા માંગે છે, પણ માલિક ના પાડી દે છે. તેમની સાથે ફરીથી વાત કરવા ભાઈ તૈયારી કરે છે. એ વખતે તે પ્રાર્થના કરે છે અને માર્ગદર્શન માંગે છે. તે માલિકને મહાસંમેલનની આમંત્રણ પત્રિકા આપે છે અને તેમને સમજાવે છે કે બાઇબલની સલાહ પાળવાથી બધાનું ભલું થાય છે. એ જાણીને માલિકને નવાઈ લાગે છે અને ભાઈને રજા આપે છે.