શું તમે જાણો છો?
સભાસ્થાનની શરૂઆત ક્યારથી થઈ?
“સભાસ્થાન” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય “સંમેલન” અથવા “ભેગા મળવું.” એ નામ એકદમ યોગ્ય છે. કારણ કે, પ્રાચીન સમયથી યહુદી સમાજના લોકો ભક્તિ કરવા અને માર્ગદર્શન મેળવવા સભાસ્થાનમાં ભેગા થતા હતા. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં સભાસ્થાન વિશે કંઈ ખાસ જણાવવામાં આવ્યું નથી. પરંતુ, ગ્રીક શાસ્ત્રવચનોમાં સાફ જણાવ્યું છે કે એવી જગ્યાઓ પહેલી સદીમાં હતી.
મોટા ભાગના વિદ્વાનો માને છે કે યહુદીઓ જ્યારે બાબેલોનની ગુલામીમાં હતા, ત્યારે સભાસ્થાનની શરૂઆત થઈ હતી. એક જ્ઞાનકોશ આમ જણાવે છે: ‘ગુલામીમાં ગયેલા યહુદીઓ પાસે અજાણ્યા દેશમાં મંદિર ન હતું. પોતાની તકલીફોમાં દિલાસો મેળવવા યહુદીઓ અવારનવાર ભેગા મળતા. કદાચ સાબ્બાથના દિવસે ભેગા મળતા અને શાસ્ત્રમાંથી વાંચતા.’ ગુલામીમાંથી છૂટ્યા પછી પણ યહુદીઓએ ભેગા મળીને પ્રાર્થના કરવાનું અને શાસ્ત્રમાંથી વાંચવાનું ચાલુ રાખ્યું. એટલે તેઓ જ્યાં પણ રહેવા ગયા ત્યાં સભાસ્થાનો બનાવતા ગયા.—ઍન્સાઇક્લોપીડિયા જ્યૂદાયકા.
યહુદીઓ ભૂમધ્ય સમુદ્રની આસપાસ, મધ્ય પૂર્વ એશિયા અને ઇઝરાયેલમાં ફેલાયેલા હતા. પહેલી સદી સુધીમાં સભાસ્થાનો તો યહુદી ધર્મ અને સમાજનો મુખ્ય ભાગ બની ગયા હતા. યરૂશાલેમની હિબ્રૂ યુનિવર્સિટીના પ્રોફેસર લી લેવીન જણાવે છે, ‘અભ્યાસ કરવા, પવિત્ર ભોજન લેવા, અદાલતના કામ કરવા, દાન આપવા અને રાજકારણ તથા સમાજને લગતી સભાઓ માટે સભાસ્થાનનો ઉપયોગ થતો હતો. સભાસ્થાનનો સૌથી વધારે ઉપયોગ ધાર્મિક કામો માટે થતો હતો.’ એટલે સમજી શકાય કે ઈસુ પણ અવારનવાર સભાસ્થાનમાં જતા હતા. (માર્ક ૧:૨૧; ૬:૨; લુક ૪:૧૬) ત્યાં આવેલા લોકોને ઈસુ શીખવતા, સલાહ આપતા અને ઉત્તેજન આપતા હતા. ખ્રિસ્તી મંડળની શરૂઆત થયા પછી, પ્રેરિત પાઊલે ઘણી વાર સભાસ્થાનમાં પ્રચાર કર્યો હતો. જેઓને ઈશ્વરની વાતો જાણવામાં રસ હતો તેઓ સભાસ્થાનમાં જતા હતા. એટલે, પાઊલ કોઈ શહેરમાં જાય ત્યારે પહેલા સભાસ્થાનમાં જતા અને લોકોને પ્રચાર કરતા.—પ્રે.કા. ૧૭:૧, ૨; ૧૮:૪.