શું તમે જાણો છો?
પુરાતત્ત્વશાસ્ત્રીઓને કઈ રીતે ખાતરી થઈ કે બાબેલોનમાં બેલ્શાસ્સાર નામનો રાજા થઈ ગયો?
દાનીયેલના પુસ્તકમાં બેલ્શાસ્સાર રાજા વિશે જણાવવામાં આવ્યું છે. (દાની. ૫:૧) બાઇબલ વિશે ટીકા કરનારાઓ ઘણાં વર્ષોથી દાવો કરતા હતા કે એ નામનો કોઈ માણસ હતો જ નહિ. શા માટે? કારણ કે પુરાતત્ત્વશાસ્ત્રીઓ પાસે બેલ્શાસ્સાર રાજાના જીવન વિશે કોઈ પુરાવો ન હતો. પણ ૧૮૫૪માં તેઓની એ માન્યતા બદલાઈ. ચાલો એનું કારણ જોઈએ.
૧૮૫૪માં જે. જી. ટેલર નામના બ્રિટિશ અધિકારીને પ્રાચીન ઉર શહેરના અમુક ખંડેરો મળી આવ્યાં હતાં, જે હમણાં દક્ષિણ ઇરાકમાં છે. એ અધિકારીને ત્યાં એક મોટા બુરજમાંથી માટીની તકતીઓ મળી. દરેક તકતી આશરે ૧૦ સે.મી. લાંબી હતી. એના પર ક્યૂનિફોર્મ લિપિમાં કોતરણી કરેલી હતી. એમાંની એક તકતી પર પ્રાર્થના લખેલી હતી. એ પ્રાર્થના બાબેલોનના રાજા નાબોનિદસ અને તેમના મોટા દીકરા બેલ્શાસ્સારની લાંબી ઉંમર માટે કરવામાં આવી હતી. એ પુરાવાથી ટીકા કરનારાઓએ માનવું પડ્યું કે એક જમાનામાં બેલ્શાસ્સાર નામનો માણસ હતો.
બાઇબલમાં ફક્ત એટલું જ જણાવ્યું નથી કે બેલ્શાસ્સાર નામનો કોઈ માણસ હતો. એમાં એમ પણ જણાવ્યું છે કે તે એક રાજા હતો. ટીકા કરનારાઓના મનમાં ફરી એકવાર શંકા ઊભી થઈ. દાખલા તરીકે, ૧૯મી સદીના અંગ્રેજી વૈજ્ઞાનિક વિલિયમ તાલબેતે લખ્યું: અમુક લોકોનું કહેવું છે કે ‘બેલ્શાસ્સાર અને તેમના પિતા નાબોનિદસે એક જ સમયગાળામાં રાજ કર્યું હતું. પણ એનો કોઈ પુરાવો નથી.’
માટીની બીજી તકતીઓ મળી આવી ત્યારે એ વિવાદ થાળે પડ્યો. એ તકતીઓના લખાણથી જાણવા મળ્યું કે બેલ્શાસ્સારના પિતા રાજા નાબોનિદસ ઘણાં વર્ષો સુધી બાબેલોન શહેરમાં ન હતા. એ વિશે એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા જણાવે છે કે ‘નાબોનિદસ બાબેલોનમાં ન હતા ત્યારે, તેમણે બેલ્શાસ્સારને રાજગાદી આપી હતી અને મોટા ભાગનું સૈન્ય આપ્યું હતું.’ એટલે એ સમયે બાબેલોનમાં નાબોનિદસની જગ્યાએ બેલ્શાસ્સારે રાજ કર્યું હતું. પુરાતત્ત્વશાસ્ત્રી અને ભાષાના વિદ્વાન એલન મિલર્ડ જણાવે છે કે “દાનીયેલના પુસ્તકમાં ‘રાજા’ તરીકે બેલ્શાસ્સારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે” એ યોગ્ય છે.
ઈશ્વરભક્તો પાસે સૌથી મોટો પુરાવો એ છે કે બાઇબલમાં આપેલું દાનીયેલનું પુસ્તક ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે અને એના પર ભરોસો મૂકી શકાય છે.—૨ તિમો. ૩:૧૬.