અભ્યાસ લેખ ૬
ગીત ૧૪૯ અમને બચાવવા તારો આભાર
યહોવાની માફી માટે કેમ કદર બતાવવી જોઈએ?
“ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો.”—યોહા. ૩:૧૬.
આપણે શું શીખીશું?
યહોવાએ આપણાં પાપ માફ કરવા જે કર્યું છે, એ સમજવાથી તેમની માફી માટે કદર વધારી શકીશું.
૧-૨. આપણા સંજોગો કઈ રીતે ફકરા ૧માં જણાવેલા યુવાન માણસ જેવા છે?
એક યુવાન માણસનો વિચાર કરો, જેનો ઉછેર ધનવાન કુટુંબમાં થયો છે. એક દિવસે તેના માથે આભ તૂટી પડે છે. એક અકસ્માતમાં તેનાં મમ્મી-પપ્પાનું મરણ થાય છે. એ સમાચાર સાંભળીને તેને ઘણો આઘાત લાગે છે. હજી તો તે એ આઘાતમાંથી બહાર આવે એ પહેલાં તેને બીજા ચોંકાવનારા સમાચાર મળે છે. તેને જાણવા મળે છે કે તેનાં મમ્મી-પપ્પાએ બધા જ પૈસા ઉડાવી દીધા છે અને મોટું દેવું કરી નાખ્યું છે. લેણદારો હાથ ધોઈને તેની પાછળ પડ્યા છે. જરા એ યુવાનની હાલતનો વિચાર કરો. તેને વારસામાં ધનદોલત મળવાની હતી, પણ હવે ભારે દેવું મળ્યું છે, જે ચૂકવવું તેના ગજા બહાર છે.
૨ અમુક રીતે આપણા સંજોગો પણ એ યુવાન માણસ જેવા છે. આપણાં પ્રથમ માબાપ આદમ-હવામાં પાપ ન હતું. તેઓ એક સુંદર પૃથ્વી પર જીવતાં હતાં. (ઉત. ૧:૨૭; ૨:૭-૯) તેઓ પાસે હંમેશ માટે ખુશી ખુશી જીવવાનો મોકો હતો. પણ એક દિવસે બધું બદલાઈ ગયું. તેઓએ પાપ કર્યું, એટલે યહોવાએ તેઓને એદન બાગમાંથી કાઢી મૂક્યાં અને હવે તેઓ હંમેશ માટે જીવી શકતાં ન હતાં. આદમ-હવાએ પોતાનાં બાળકોને વારસામાં શું આપ્યું? બાઇબલમાં લખ્યું છે: “એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું. આમ બધા માણસોએ પાપ કર્યું, એટલે બધામાં મરણ ફેલાયું.” (રોમ. ૫:૧૨) આદમે આપણને વારસામાં પાપ આપ્યું છે અને પાપથી મરણ આવ્યું. એ પાપ મોટા દેવા જેવું છે, જેને ભરપાઈ કરવું અશક્ય છે.—ગીત. ૪૯:૮.
૩. ઈસુએ પાપને શાની સાથે સરખાવ્યું અને શા માટે?
૩ ઈસુએ પાપને ‘દેવા’ સાથે સરખાવ્યું. (માથ. ૬:૧૨, ફૂટનોટ; લૂક ૧૧:૪, ફૂટનોટ) પાપ કરીએ છીએ ત્યારે, આપણે જાણે યહોવાના દેવાદાર બનીએ છીએ. આપણે પોતાની રીતે એ દેવામાંથી છૂટી નથી શકતા. મરણ થાય ત્યારે જ એ દેવાથી છુટકારો મળે છે.—રોમ. ૬:૭, ૨૩.
૪. (ક) કોઈની મદદ વગર મનુષ્યોનું શું થાત? (ગીતશાસ્ત્ર ૪૯:૭-૯) (ખ) બાઇબલમાં “પાપ” શબ્દ શાને રજૂ કરે છે? (“ પાપ” બૉક્સ જુઓ.)
૪ આદમ-હવાએ જે ગુમાવ્યું એ આપણે પોતાની જાતે પાછું મેળવી શકતા નથી. (ગીતશાસ્ત્ર ૪૯:૭-૯ વાંચો.) મદદ વગર આપણી પાસે હંમેશ માટે જીવવાની કે મરણમાંથી જીવતા થવાની કોઈ જ આશા ન હોત. આપણું જીવન પ્રાણીઓ જેવું હોત, જેઓ પાસે ફરી જીવન મેળવવાની કોઈ આશા નથી.—સભા. ૩:૧૯; ૨ પિત. ૨:૧૨.
૫. વારસામાં મળેલા પાપનું દેવું ચૂકવવા આપણા પ્રેમાળ પિતાએ કઈ રીતે મદદ કરી છે? (ચિત્ર જુઓ.)
૫ શરૂઆતમાં જે યુવાન માણસની વાત કરી, એનો ફરી વિચાર કરો. ધારો કે, એક અમીર માણસ તેની મદદે આવે છે. તે એ યુવાનનું બધું જ દેવું ચૂકવવા તૈયાર છે. એ યુવાનને કેવું લાગશે? એ માણસ માટે તેનું દિલ કદરથી ઊભરાઈ આવશે અને તે એ મદદ સ્વીકારશે. એવી જ રીતે, આદમથી મળેલા પાપનું દેવું ચૂકવવા આપણા પ્રેમાળ પિતા યહોવા આપણી મદદે આવ્યા છે. એ સમજાવતા ઈસુએ કહ્યું હતું: “ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.” (યોહા. ૩:૧૬) વધુમાં, યહોવાએ પોતાના દીકરાની જે ભેટ આપી, એનાથી આપણે તેમની સાથે ગાઢ સંબંધ બાંધી શકીએ છીએ.
૬. આ લેખમાં આપણે કયા શબ્દોનો અર્થ સમજીશું અને શા માટે?
૬ યહોવાએ જે જોરદાર ભેટ આપી છે, એના લીધે આપણને પાપની માફી મળી શકે છે. એ ભેટમાંથી ફાયદો મેળવવા શું કરી શકીએ? એનો જવાબ જાણવા બાઇબલના અમુક શબ્દો પર વિચાર કરવો પડશે. જેમ કે, સુલેહ, પ્રાયશ્ચિત્ત, સમાધાન, છુટકારાની કિંમત, છોડાવવું અને નેક ગણવામાં આવ્યા. આ લેખમાં આપણે એ શબ્દોનો અર્થ સમજીશું. યહોવાએ આપણને માફ કરવા જે કર્યું છે, એના પર મનન કરીશું તો તેમના માટેની કદર વધશે.
હેતુ: સુલેહ
૭. (ક) આદમ અને હવાએ બીજું શું ગુમાવ્યું? (ખ) આદમ અને હવાનાં બાળકો હોવાને લીધે આપણે શું કરવાની જરૂર છે? (રોમનો ૫:૧૦, ૧૧ અને ફૂટનોટ)
૭ આદમ અને હવાએ હંમેશ માટેના જીવનનો મોકો જ નહિ, પિતા યહોવા સાથેનો ખાસ સંબંધ પણ ગુમાવ્યો. પાપ કર્યું એ પહેલાં તેઓ ઈશ્વરના કુટુંબનો ભાગ હતાં. (લૂક ૩:૩૮) પણ તેઓએ યહોવાની આજ્ઞા પાળી નહિ, એટલે યહોવાએ તેઓને પોતાના કુટુંબમાંથી બહાર કાઢી મૂક્યાં. તેઓને બાળકો થયાં એ પહેલાં એ બન્યું હતું. (ઉત. ૩:૨૩, ૨૪; ૪:૧) આદમ-હવાનાં બાળકો હોવાને લીધે આપણે પણ યહોવાના કુટુંબનો ભાગ બની શકતા નથી. એટલે આપણે યહોવા સાથે સુલેહ કરવાની જરૂર છે. (રોમનો ૫:૧૦, ૧૧ અને ફૂટનોટ વાંચો.) બીજા શબ્દોમાં, આપણે યહોવા સાથે ગાઢ સંબંધ બાંધવાની જરૂર છે. એક પુસ્તક પ્રમાણે “સુલેહ” માટે અહીં જે ગ્રીક શબ્દ વપરાયો છે, એનો અર્થ થઈ શકે: “દુશ્મનને દોસ્ત બનાવવો.” એ કેટલું જોરદાર કહેવાય કે યહોવાએ આપણી સાથે દોસ્તી બાંધવા પહેલ કરી છે! કઈ રીતે?
ગોઠવણ: પ્રાયશ્ચિત્ત
૮. યહોવા સાથે ફરીથી સારો સંબંધ બાંધી શકીએ એ માટે તેમણે શું કર્યું?
૮ યહોવાએ એક ગોઠવણ કરી, જેથી પાપી માણસો ઈશ્વર સાથે સારો સંબંધ બાંધી શકે. એ છે, પ્રાયશ્ચિત્તની ગોઠવણ. એ દ્વારા આદમે જે ગુમાવ્યું હતું, એ પાછું મેળવી શકાતું હતું. કઈ રીતે? યહોવાએ એવું કંઈક આપ્યું જે સરખી કિંમતનું હોય. રોમનો ૩:૨૫માં જણાવ્યું છે: ‘ઈશ્વરે અર્પણ રજૂ કર્યું, જેથી મનુષ્યો ઈશ્વર સાથે સુલેહ [અથવા, સમાધાન] કરે.’ એના લીધે આપણે ઈશ્વર સાથે ફરીથી શાંતિ સ્થાપી શકીએ છીએ અને સારો સંબંધ બાંધી શકીએ છીએ.
૯. ઇઝરાયેલીઓનાં પાપ માફ કરવા યહોવાએ થોડા સમય માટે કઈ ગોઠવણ કરી?
૯ ઇઝરાયેલીઓને પોતાનાં પાપોની માફી મળે અને તેઓ યહોવા સાથે સારો સંબંધ બાંધી શકે, એ માટે યહોવાએ એક ગોઠવણ કરી. એ ગોઠવણ થોડા સમય માટે જ હતી. ઇઝરાયેલીઓએ એ ખાસ દિવસ વર્ષમાં એક વાર ઊજવવાનો હતો. એને પ્રાયશ્ચિત્તનો દિવસ કહેવામાં આવતો. એ દિવસે પ્રમુખ યાજક લોકો વતી પ્રાણીઓનું બલિદાન ચઢાવતા. ખરું કે, પ્રાણીઓનાં બલિદાનથી પાપોની પૂરેપૂરી માફી મળતી ન હતી. કેમ કે પ્રાણીઓ મનુષ્યો કરતાં ઊતરતાં છે. પણ જ્યારે એક ઇઝરાયેલી સાચો પસ્તાવો કરતો અને નિયમ પ્રમાણે બલિદાનો ચઢાવતો, ત્યારે યહોવા તેને રાજીખુશીથી માફ કરતા. (હિબ્રૂ. ૧૦:૧-૪) વધુમાં, પ્રાયશ્ચિત્તના દિવસે અને બીજા સમયે તેઓ જે બલિદાનો ચઢાવતા, એનાથી તેઓને ખ્યાલ આવતો કે તેઓ પાપી છે અને તેઓનાં પાપ પૂરી રીતે માફ થાય એ માટે તેઓને વધારે ચઢિયાતા બલિદાનની જરૂર છે.
૧૦. આપણાં પાપોને પૂરી રીતે માફ કરવા યહોવાએ કઈ ગોઠવણ કરી?
૧૦ યહોવાએ એક કાયમી ગોઠવણ કરી, જેથી મનુષ્યોનાં પાપ માફ કરી શકાય. તેમણે પોતાનો વહાલસોયો દીકરો પૃથ્વી પર મોકલ્યો, જેથી તે “ઘણા લોકોનાં પાપ માથે લેવા એક જ વાર અને હંમેશ માટે અર્પણ” આપે. (હિબ્રૂ. ૯:૨૮) ઈસુએ “ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન” આપ્યું. (માથ. ૨૦:૨૮) છુટકારાની કિંમત એટલે શું? એ આપવાની જરૂર કેમ પડી?
કિંમત: છુટકારાની કિંમત
૧૧. (ક) છુટકારાની કિંમત ચૂકવવાની જરૂર કેમ પડી? (ખ) ફક્ત કેવો માણસ છુટકારાની કિંમત ચૂકવી શકતો હતો?
૧૧ યહોવાએ છુટકારાની કિંમત ચૂકવવાનું નક્કી કર્યું હતું, જેથી આપણાં પાપોની માફી મળી શકે અને આપણે તેમના મિત્રો બની શકીએ. આદમે જે ગુમાવ્યું હતું, એને પાછું મેળવવા કઈ કિંમત ચૂકવવાની હતી? યાદ કરો, આદમ અને હવાનું જીવન કેવું હતું. તેઓના જીવનમાં કોઈ દુઃખ ન હતું. તેઓ ન બીમાર પડતાં કે ઘરડાં થતાં. તેઓ તો હંમેશ માટે જીવી શકતાં હતાં. પણ પાપ કરીને તેઓએ એ બધું ગુમાવ્યું. એટલે તેઓએ જે ગુમાવ્યું હતું એની બરાબર કિંમત ચૂકવવાની જરૂર હતી. (૧ તિમો. ૨:૬) કેવો માણસ છુટકારાની કિંમત ચૂકવી શકતો હતો? (૧) જેનામાં પાપ ન હોય, (૨) જે આ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકતો હોય અને (૩) જે આપણા માટે રાજીખુશીથી પોતાનું જીવન કુરબાન કરવા તૈયાર હોય. એવા માણસના બલિદાનથી જ આપણે એ પાછું મેળવી શકતા હતા, જે આદમે ગુમાવ્યું હતું.
૧૨. શા માટે ઈસુ છુટકારાની કિંમત ચૂકવી શકતા હતા?
૧૨ શા માટે ઈસુ છુટકારાની કિંમત ચૂકવી શકતા હતા? ચાલો એનાં ત્રણ કારણો જોઈએ. (૧) ઈસુમાં પાપ ન હતું અને “તેમણે કોઈ પાપ કર્યું ન હતું.” (૧ પિત. ૨:૨૨) (૨) એના લીધે તે પૃથ્વી પર હંમેશ માટે જીવી શકતા હતા અને (૩) તે રાજીખુશીથી આપણા માટે પોતાનો જીવ આપવા તૈયાર હતા. (હિબ્રૂ. ૧૦:૯, ૧૦) આદમને બનાવ્યો ત્યારે તેનામાં પાપ ન હતું. ઈસુમાં પણ કોઈ પાપ ન હતું. એ રીતે ઈસુ આદમ જેવા જ હતા. (૧ કોરીં. ૧૫:૪૫) એટલે પોતાના મરણથી ઈસુએ આદમના પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું. એનો અર્થ કે આદમે જે ગુમાવ્યું હતું, એને પાછું મેળવવા ઈસુએ બરાબર કિંમત ચૂકવી. (રોમ. ૫:૧૯) આમ ઈસુ “છેલ્લો આદમ” બન્યા. ઈસુએ “એક જ વાર અને હંમેશ માટે પોતાનું અર્પણ” આપ્યું. (હિબ્રૂ. ૭:૨૭; ૧૦:૧૨) એટલે હવે આપણને એવા કોઈ માણસની જરૂર નથી, જે આવે અને આદમે જે ગુમાવ્યું હતું એને પાછું મેળવવા કિંમત ચૂકવે.
૧૩. પ્રાયશ્ચિત્તની ગોઠવણ અને છુટકારાની કિંમત વચ્ચે કયો ફરક છે?
૧૩ તો પછી પ્રાયશ્ચિત્તની ગોઠવણ અને છુટકારાની કિંમત વચ્ચે કયો ફરક છે? પ્રાયશ્ચિત્તની ગોઠવણ ઈશ્વરે લીધેલું એક પગલું છે, જેનાથી માણસજાત યહોવા સાથે ફરી સંબંધ બાંધી શકે છે. છુટકારાની કિંમત ચૂકવવાથી માણસજાત માટે પ્રાયશ્ચિત્ત કરવું શક્ય બન્યું છે. એ કિંમત ઈસુના કીમતી લોહીને રજૂ કરે છે, જે તેમણે આપણા માટે વહેવડાવ્યું છે.—એફે. ૧:૭; હિબ્રૂ. ૯:૧૪.
પરિણામ: છોડાવવું અને નેક ગણવામાં આવ્યા
૧૪. હવે આપણે શાની ચર્ચા કરીશું અને શા માટે?
૧૪ પ્રાયશ્ચિત્તની ગોઠવણનાં કયાં પરિણામ આવ્યાં? એ સવાલનો જવાબ મેળવવા ચાલો બાઇબલના બીજા બે શબ્દો પર વિચાર કરીએ: છોડાવવું અને નેક ગણવામાં આવ્યા. એનાથી સમજી શકીશું કે યહોવા માફ કરે છે ત્યારે આપણને કયા આશીર્વાદો મળે છે.
૧૫-૧૬. (ક) “છોડાવવામાં આવ્યા છે” એનો અર્થ શું થાય? (ખ) આપણને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કરવામાં આવ્યા છે, એ જાણીને તમને કેવું લાગે છે?
૧૫ બાઇબલમાં જણાવ્યું છે કે છુટકારાની કિંમત ચૂકવીને આપણને છોડાવવામાં આવ્યા છે અથવા આઝાદ કરવામાં આવ્યા છે. પ્રેરિત પિતરે જણાવ્યું હતું: “તમારા બાપદાદાઓ પાસેથી મળેલા રીતરિવાજોને લીધે તમારું જીવન સાવ નકામું હતું. પણ તમે જાણો છો કે તમને એમાંથી આઝાદ કરવામાં આવ્યા છે. [મૂળ, “કિંમત ચૂકવીને તમને છોડાવવામાં આવ્યા છે.”] એ આઝાદી સોના કે ચાંદી જેવી નાશવંત વસ્તુઓથી નહિ, પણ કલંક વગરના અને નિર્દોષ ઘેટા જેવા ખ્રિસ્તના મૂલ્યવાન લોહીથી મળી છે.”—૧ પિત. ૧:૧૮, ૧૯, ફૂટનોટ.
૧૬ પાપ અને મરણે આપણા પર રાજ કર્યું છે અને એના લીધે આપણે ઘણું વેઠવું પડ્યું છે. પણ ઈસુના બલિદાનથી આપણને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કરવામાં આવ્યા છે. (રોમ. ૫:૨૧) આપણા જેવા પાપી માણસોને છોડાવવા ઈસુએ પોતાનું કીમતી લોહી વહેવડાવ્યું છે. સાચે જ, યહોવા અને ઈસુનો એ ઉપકાર આપણે કદી નહિ ભૂલીએ.—૧ કોરીં. ૧૫:૨૨.
૧૭-૧૮. (ક) નેક ગણાવાનો અર્થ શું થાય? (ખ) યહોવા આપણને નેક ગણે છે, એનાથી કયા આશીર્વાદો મળે છે?
૧૭ બાઇબલમાં જણાવ્યું છે કે યહોવા પોતાના સેવકોને નેક ગણે છે. એનો અર્થ થાય કે હવે આપણે પોતાનાં પાપો માટે કિંમત ચૂકવવાની જરૂર નથી. યહોવાએ આપણાં પાપો ભૂંસી નાખ્યાં છે. એમ કરીને યહોવા પોતાનાં ન્યાયી ધોરણો સાથે બાંધછોડ કરતા નથી. તો પછી યહોવા શાને આધારે આપણને નેક ગણે છે? શું આપણે સારાં કામ કરીએ છીએ એટલે? કે પછી યહોવા આપણાં પાપને આંખ આડા કાન કરે છે એટલે? ના, એવું જરાય નથી. યહોવા આપણને માફ કરે છે, કેમ કે છુટકારાની કિંમત ચૂકવી દેવામાં આવી છે અને આપણને પ્રાયશ્ચિત્તની ગોઠવણમાં પૂરો ભરોસો છે.—રોમ. ૩:૨૪; ગલા. ૨:૧૬.
૧૮ યહોવા આપણને નેક ગણે છે, એના લીધે કયા આશીર્વાદો મળે છે? જેઓને નેક ગણવામાં આવ્યા છે, તેઓમાંથી અમુકને સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરવા પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ઈશ્વરનાં બાળકો બન્યા છે. (તિત. ૩:૭; ૧ યોહા. ૩:૧) તેઓનાં પાપ એ રીતે માફ કરવામાં આવ્યાં છે, જાણે તેઓએ કદી કોઈ પાપ કર્યું જ ન હોય. આમ તેઓ સ્વર્ગમાં રાજ કરી શકે છે. (રોમ. ૮:૧, ૨, ૩૦) યહોવા બીજા લોકોને પણ નેક ગણે છે, જેઓ આ પૃથ્વી પર હંમેશ માટે જીવશે. યહોવાએ તેઓનાં પાપ માફ કર્યાં છે અને તેઓને પોતાના મિત્રો ગણ્યા છે. (યાકૂ. ૨:૨૧-૨૩) આર્માગેદનમાંથી બચી ગયેલા મોટા ટોળાના લોકો કદી મરશે નહિ. તેઓ પાસે હંમેશ માટે જીવવાનો મોકો હશે. (યોહા. ૧૧:૨૬) જે “સારા” અને “ખરાબ” લોકો મરણની ઊંઘમાં છે, તેઓને જીવતા કરવામાં આવશે. (પ્રે.કા. ૨૪:૧૫; યોહા. ૫:૨૮, ૨૯) સમય જતાં, આ પૃથ્વી પરના યહોવાના બધા વફાદાર સેવકો “ઈશ્વરનાં બાળકોની ભવ્ય આઝાદી મેળવશે.” (રોમ. ૮:૨૧) આપણે એ સમયની આતુરતાથી રાહ જોઈએ છીએ, જ્યારે પ્રેમાળ પિતા યહોવા સાથે આપણી પૂરેપૂરી સુલેહ થઈ જશે અને આપણે ફરીથી તેમનાં બાળકો બની જઈશું!
૧૯. યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું છે, એના લીધે આપણું જીવન કઈ રીતે સારું બન્યું? (“ આપણને માફ કરવા યહોવાએ શું કર્યું છે?” બૉક્સ પણ જુઓ.)
૧૯ શરૂઆતમાં આપણે એક યુવાન માણસ વિશે જોઈ ગયા. તે પોતાનું બધું ગુમાવી ચૂક્યો હતો. તેને વારસામાં એવું દેવું મળ્યું હતું, જે તે કદી ચૂકવી શકતો ન હતો. એક સમયે આપણી હાલત પણ એવી જ હતી. પણ યહોવાનો આભાર કે તે આપણી મદદે આવ્યા. આપણા માટે તેમણે પ્રાયશ્ચિત્તની ગોઠવણ કરી અને ઈસુને આ પૃથ્વી પર મોકલ્યા, જેથી તે છુટકારાની કિંમત ચૂકવી શકે. એના લીધે આપણું જીવન સારું બન્યું. ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાને લીધે આપણને પાપ અને મરણમાંથી છોડાવવામાં આવ્યા અથવા આઝાદ કરવામાં આવ્યા. એટલું જ નહિ, યહોવા આપણાં પાપ એ રીતે માફ કરે છે, જાણે આપણે કદી પાપ કર્યું જ ન હોય. સૌથી મહત્ત્વનું, હવે આપણે સ્વર્ગમાંના આપણા પ્રેમાળ પિતા યહોવા સાથે સારો સંબંધ બાંધી શકીએ છીએ.
૨૦. આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?
૨૦ યહોવા અને ઈસુએ આપણા માટે ઘણું કર્યું છે. એનો વિચાર કરીએ છીએ ત્યારે યહોવાનો આભાર માન્યા વગર રહી નથી શકતા. (૨ કોરીં. ૫:૧૫) સાચે, તેઓની મદદ વગર આપણી પાસે કોઈ આશા ન હોત. આવતા લેખમાં બાઇબલના અમુક દાખલા પર ધ્યાન આપીશું. એનાથી સમજી શકીશું કે યહોવાએ આપણને માફ કર્યા છે, એટલે હવે આપણે પોતાને દોષિત ગણવાની જરૂર નથી.
ગીત ૯ યહોવાનો જયજયકાર