મહેમાનગતિ બતાવવાથી મળતો આનંદ
“કચકચ કર્યા વગર એકબીજાને મહેમાનગતિ બતાવો.”—૧ પીત. ૪:૯.
ગીતો: ૫૦, ૨૦
૧. પ્રથમ સદીના ખ્રિસ્તીઓને કેવી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો?
ઈસવીસન ૬૨થી ૬૪ દરમિયાન પ્રેરિત પીતરે ‘પોન્તસ, ગલાતી, કપ્પદોકિયા, આસિયા અને બિથુનિયામાં પરદેશી તરીકે રહેતા’ ભાઈ-બહેનોને પત્ર લખ્યો હતો. (૧ પીત. ૧:૧) આ ભાઈ-બહેનો અલગ અલગ જગ્યાએથી આવ્યાં હતાં. તેઓ ‘અગ્નિ જેવી કસોટીઓ’ એટલે કે, સતાવણીઓનો સામનો કરી રહ્યાં હતાં. તેઓને માર્ગદર્શન અને ઉત્તેજનની જરૂર હતી. ઉપરાંત, તેઓ જોખમી સમયમાં જીવી રહ્યાં હતાં. પીતરે લખ્યું: “બધાનો અંત પાસે આવ્યો છે.” થોડાંક વર્ષોમાં યરૂશાલેમનો નાશ થવાનો હતો. એવા કપરા સમયમાં પ્રથમ સદીના ખ્રિસ્તીઓને શાનાથી મદદ મળી?—૧ પીત. ૪:૪, ૭, ૧૨.
૨, ૩. પીતરે શા માટે ભાઈ-બહેનોને મહેમાનગતિ બતાવવાની વિનંતી કરી હતી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૨ પીતરે ભાઈ-બહેનોને વિનંતી કરી કે, “એકબીજાને મહેમાનગતિ બતાવો.” (૧ પીત. ૪:૯) “મહેમાનગતિ” માટેના ગ્રીક શબ્દનો અર્થ થાય, “અજાણ્યા માટે પ્રેમ કે દયા બતાવવી.” ભલે ભાઈ-બહેનો એકબીજાને જાણતાં હતાં અને સાથે મળીને કામ કરતાં હતાં, તોપણ પીતરે ‘એકબીજાને’ મહેમાનગતિ બતાવવાની તેઓને વિનંતી કરી હતી. મહેમાનગતિ બતાવવાથી તેઓને કેવી મદદ મળી?
૩ એનાથી તેઓ એકબીજાની નજીક આવ્યાં. તમારા વિશે શું? શું તમને એવો પ્રસંગ યાદ છે, જ્યારે કોઈએ તમને પોતાના ઘરે બોલાવ્યા હોય અને તમને ઘણી મજા આવી હોય? કોઈને ઘરે આવવાનું આમંત્રણ આપો છો ત્યારે, તમે એકબીજાની નજીક આવો છો. ભાઈ-બહેનોને ઓળખવાની સારી રીત છે કે, તેઓને મહેમાનગતિ બતાવીએ. પીતરના સમયમાં મુશ્કેલીઓ વધતી જતી હતી એટલે, ખ્રિસ્તીઓએ એકબીજાની નજીક આવવાનું હતું. આ “છેલ્લા દિવસોમાં” આપણે પણ એવું જ કરવાની જરૂર છે.—૪. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૪ કઈ રીતોએ “એકબીજાને” મહેમાનગતિ બતાવી શકાય? મહેમાનગતિ બતાવતા આપણને કઈ બાબતો રોકી શકે અને આપણે કેવી રીતે સુધારો કરી શકીએ? સારા મહેમાન બનવા આપણને શું મદદ કરી શકે?
મહેમાનગતિ બતાવવાની રીતો
૫. સભાઓમાં કેવી રીતે મહેમાનગતિ બતાવી શકાય?
૫ સભાઓમાં: યહોવા અને તેમનું સંગઠન આપણને સભાઓમાં આવવા આમંત્રણ આપે છે. આપણે ચાહીએ છીએ કે સભામાં આવનાર બધાનો મહેમાનો તરીકે આવકાર થાય, ખાસ કરીને નવાઓનો. (રોમ. ૧૫:૭) તેઓ યહોવાના પણ મહેમાનો છે, એટલે આપણે તેઓને આવકારવા જોઈએ, ભલે પછી તેઓનો દેખાવ કે કપડાં ગમે તેવા હોય. (યાકૂ. ૨:૧-૪) જો તમે જુઓ કે તે એકલા છે, તો શું તમે પોતાની સાથે તેમને બેસાડી શકો? સભા વિશે માહિતી આપશો કે કલમો શોધવા મદદ કરશો, તો તેમને ગમશે. “પરોણાગત બતાવતા” રહેવાની આ ઉત્તમ રીત છે.—રોમ. ૧૨:૧૩.
૬. આપણે સૌથી વધારે મહેમાનગતિ કોને બતાવવી જોઈએ?
૬ ચા-નાસ્તા કે ભોજન દ્વારા: બાઇબલ સમયમાં, લોકો મહેમાનને જમવા માટે આમંત્રણ આપીને ઘણી વાર મહેમાનગતિ બતાવતા હતા. આમ, તેઓ બતાવતા કે તેઓ મિત્રો બનવા માંગે છે અને હળીમળીને રહેવા માંગે છે. (ઉત. ૧૮:૧-૮; ન્યા. ૧૩:૧૫; લુક ૨૪:૨૮-૩૦) આપણે સૌથી વધારે મહેમાનગતિ કોને બતાવવી જોઈએ? મંડળનાં ભાઈ-બહેનોને. આ દુનિયા દરરોજ બગડતી જાય છે, એવા સંજોગોમાં આપણાં ભાઈ-બહેનો પર આધાર રાખવાની અને તેઓના પાકા મિત્રો બનવાની જરૂર છે. ૨૦૧૧માં, નિયામક જૂથે યુનાઈટેડ સ્ટેટ્સ બેથેલ કુટુંબ માટે એક ફેરફાર કર્યો. તેઓએ ચોકીબુરજ અભ્યાસનો સમય ૬:૪૫ના બદલે ૬:૧૫નો કરી દીધો. શા માટે? એ સમયે કરવામાં આવેલી જાહેરાત મુજબ, સભા વહેલી પૂરી થશે તો, બેથેલના સભ્યોને મહેમાનગતિ સ્વીકારવી અને બીજાઓની મહેમાનગતિ કરવી સહેલું થશે. બીજી શાખાઓએ પણ એમ કર્યું. આમ, બેથેલ કુટુંબના સભ્યોને એકબીજાને વધારે સારી રીતે ઓળખવાની તક મળી.
૭, ૮. જાહેર પ્રવચનના વક્તાને આપણે કઈ રીતે મહેમાનગતિ બતાવી શકીએ?
૭ જાહેર પ્રવચનના વક્તા આવે ત્યારે કે પછી, સરકીટ નિરીક્ષક કે શાખામાંથી કોઈ ભાઈ મુલાકાત માટે આવે ત્યારે, આપણને મહેમાનગતિ બતાવવાની તક મળે છે. (૩ યોહાન ૫-૮ વાંચો.) એ માટેની એક રીત છે કે, આપણે તેમને ચા-નાસ્તા કે ભોજન માટે ઘરે બોલાવી શકીએ.
૮ અમેરિકાનાં એક બહેન યાદ કરે છે: ‘ઘણાં વર્ષોથી મને અને મારા પતિને જાહેર પ્રવચન આપનાર ભાઈ અને તેમના પત્નીને અમારા ઘરે બોલાવવાની અનેક વાર તક મળી છે.’ તેમનું માનવું છે કે દરેક વખતે તેઓની શ્રદ્ધા મજબૂત થઈ છે અને તેઓને ઘણો આનંદ પણ મળ્યો છે. બહેન આગળ કહે છે: ‘એ માટે અમને ક્યારેય અફસોસ થયો નથી.’
૯, ૧૦. (ક) લાંબા સમય માટે આપણી સાથે રહેવાની કોને જરૂર પડી શકે? (ખ) જેઓના ઘર નાના હોય, શું તેઓ મદદ કરી શકે? સમજાવો.
૯ લાંબો સમય રોકાતા મહેમાનો: બાઇબલ સમયમાં, એ ઘણું સામાન્ય હતું કે, મુલાકાતીઓને રહેવા માટે જગ્યા આપવામાં આવતી. (અયૂ. ૩૧:૩૨; ફિલે. ૨૨) આજે આપણે પણ એવું કરવું જોઈએ. મંડળની મુલાકાત વખતે સરકીટ નિરીક્ષકને રહેવા માટે જગ્યાની જરૂર પડે છે. સંગઠનની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ અને બાંધકામ સ્વયંસેવકો માટે પણ એવી જરૂર પડે છે. કુદરતી આફતો પછી, બેઘર થયેલાઓને પણ એવી જરૂર પડે છે. તેઓનું ઘર ફરીથી બંધાય ત્યાં સુધી તેઓને આશરાની જરૂર હોય છે. આપણે એમ ધારી લેવું ન જોઈએ કે, જેઓના ઘર મોટા હોય ફક્ત તેઓ જ મદદ કરી શકે. કદાચ તેઓએ પહેલાં અનેક વાર મહેમાનગતિ બતાવી હશે. ભલે તમારું ઘર નાનું હોય, તોપણ શું તમે બીજાઓને રહેવાની જગ્યા આપી શકો?
૧૦ દક્ષિણ કોરિયાના એક ભાઈના ઘરે સંગઠનની શાળાઓના વિદ્યાર્થીઓ રોકાતા હતા. એ સમયને યાદ કરતા તે જણાવે છે: ‘અમારા લગ્નને થોડો જ સમય થયો હતો અને ઘર નાનું હતું, એટલે શરૂઆતમાં હું અચકાતો હતો. પણ, એ વિદ્યાર્થીઓ અમારી સાથે રહેવા આવ્યા, એનાથી ઘણી મજા આવી. અમે જોઈ શક્યા કે યુગલ તરીકે સાથે મળીને યહોવાની સેવા કરવાથી અને ભક્તિના ધ્યેયો રાખવાથી કેટલી ખુશી મળે છે.’
૧૧. તમારા મંડળમાં નવા છે, તેઓને શા માટે મહેમાનગતિની જરૂર પડી શકે?
૧૧ મંડળનાં નવાં ભાઈ-બહેનો: બની શકે કે અમુક ભાઈ-બહેનો કે કુટુંબો બીજા મંડળમાંથી તમારા મંડળમાં આવ્યાં હોય. કદાચ તમારા મંડળને મદદની જરૂર હોય, એટલે તેઓ આવ્યાં હોય. અથવા તેઓ પાયોનિયર હોય, જેઓને તમારા મંડળમાં સોંપણી મળી હોય. તેઓ માટે એ મોટો ફેરફાર છે. તેઓએ નવા વિસ્તાર, નવા મંડળ પ્રમાણે ફેરફારો કરવાના હોય છે. કદાચ ભાષા કે સમાજ પણ અલગ હોય શકે. શું તમે તેઓને ચા-નાસ્તા કે જમવા માટે બોલાવી શકો? અથવા તેઓ સાથે ક્યાંક ફરવા જઈ શકો? એનાથી તેઓને નવા મિત્રો બનાવવા અને નવા સંજોગોમાં પોતાને ઢાળવા મદદ મળશે.
૧૨. મહેમાનગતિ કરવા ઘણી બધી બાબતોની જરૂર નથી, દાખલો આપી સમજાવો?
૧૨ મહેમાનગતિ બતાવવા તમારે ઘણી બધી બાબતોની તૈયારી કરવાની જરૂર નથી. (લુક ૧૦:૪૧, ૪૨ વાંચો.) એક યુગલે મિશનરી સેવા શરૂ કરી, એ સમયને યાદ કરતા ભાઈ કહે છે: ‘અમે યુવાન હતાં, અમને અનુભવ ન હતો અને ઘરની બહુ યાદ આવતી હતી. એક સાંજે તો મારી પત્નીને ઘરની બહુ યાદ સતાવી રહી હતી અને તેને સારું લાગે એ માટે મેં ઘણા પ્રયત્નો કર્યા પણ કંઈ ફાયદો થયો નહિ. પછી, આશરે સાડા સાત વાગ્યે કોઈએ દરવાજો ખખડાવ્યો. એક બાઇબલ વિદ્યાર્થી ત્રણ નારંગી લઈને આવી હતી. તે નવા મિશનરીનું સ્વાગત કરવા આવી હતી. અમે તેને અંદર બોલાવી અને પાણી આપ્યું. પછી, અમે ચા અને હોટ ચોકલેટ બનાવી. એ સમયે અમને સ્વાહિલી આવડતી ન હતી અને તેને અંગ્રેજી આવડતું ન હતું.’ ભાઈ જણાવે છે કે એ અનુભવથી તેઓને સ્થાનિક ભાઈ-બહેનો સાથે મિત્રતા કેળવવા અને ખુશ રહેવા મદદ મળી.
મહેમાનગતિ બતાવવામાં કોઈ પણ બાબતને આડે આવવા દેશો નહિ
૧૩. મહેમાનગતિ બતાવવાથી તમને કેવી મદદ મળી છે?
૧૩ શું તમે ક્યારેય મહેમાનગતિ બતાવતા અચકાયા છો? જો એવું થયું હોય, તો તમે કદાચ મજાનો સમય અને હંમેશ માટેના મિત્રો બનાવવાનો મોકો ગુમાવ્યો છે. એકલતા દૂર કરવાની એક સારી રીત છે, મહેમાનગતિ બતાવવી. તો પછી, શા માટે અમુક લોકો મહેમાનગતિ બતાવતા અચકાય છે? ચાલો, એનાં કેટલાંક કારણો જોઈએ.
૧૪. મહેમાનગતિ બતાવવા કે સ્વીકારવા સમય-શક્તિ ન હોય, તો આપણે શું કરી શકીએ?
૧૪ સમય-શક્તિ: યહોવાના લોકો ઘણા વ્યસ્ત છે અને તેઓ પાસે ઘણી જવાબદારી છે. કેટલાકને લાગે છે કે મહેમાનગતિ બતાવવા તેઓ પાસે સમય-શક્તિ નથી. જો તમને પણ એમ લાગતું હોય, તો તમારે સમયપત્રકમાં અમુક ફેરફાર કરવા જોઈએ, જેથી તમે મહેમાનગતિ બતાવી શકો અને સ્વીકારી શકો. એ મહત્ત્વનું છે, કેમ કે બાઇબલ આપણને મહેમાનગતિ બતાવવાનું જણાવે છે. (હિબ્રૂ. ૧૩:૨) એટલે, મહેમાનગતિ બતાવવી એક સારી બાબત છે. પણ, એમ કરવા આપણને શું મદદ કરી શકે? મહત્ત્વની ન હોય એવી બાબતો પાછળ ઓછો સમય કાઢવો જોઈએ.
૧૫. શા માટે કેટલાકને લાગે છે કે તેઓ મહેમાનગતિ બતાવી શકતા નથી?
૧૫ તમને કેવું લાગે છે: શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે મહેમાનગતિ બતાવવાની ઇચ્છા તો છે, પણ એમ કરી શકતા નથી? કદાચ તમે શરમાળ હો અને તમને ચિંતા હોય કે મહેમાનોને તમારી સાથે કંટાળો આવશે. કદાચ તમારી પાસે પૈસા ઓછા હોય અને તમને લાગે કે બીજાં ભાઈ-બહેનોની જેમ તમે મહેમાનગતિ બતાવી શકશો નહિ. યાદ રાખો, મહેમાનગતિ બતાવવા ઘર એકદમ મોટું કે જોરદાર હોય એવું જરૂરી નથી, પણ દિલ મોટું હોવું જોઈએ. તમારું ઘર સાફ અને સુઘડ હશે તથા તમે મળતાવડા હશો તો, મહેમાનો ખુશ થશે.
૧૬, ૧૭. મહેમાનગતિ બતાવવા વિશે ચિંતા થતી હોય તો, તમે શું કરી શકો?
૧૬ મહેમાનગતિ બતાવવા વિશે તમને ચિંતા થતી હોય તો, યાદ રાખો ઘણા લોકોને પણ એવું લાગે છે. બ્રિટનના એક વડીલે કહ્યું: ‘મહેમાનો માટે તૈયારી કરતી વખતે અમુક હદે ચિંતા થાય છે. પણ, મહેમાનગતિ બતાવવાથી મળતા ફાયદા અને સંતોષ વિશે વિચાર કરવાથી આપણી ચિંતા ક્યાંય ગાયબ થઈ જાય છે. જેમ યહોવાની ભક્તિને લગતાં કાર્યો દિલથી કરી શકીએ છીએ, તેમ મહેમાનગતિ પણ કરી શકીશું. મહેમાનો સાથે કૉફી પીતાં પીતાં વાતો કરવાની પણ મેં મજા માણી છે.’ મહેમાનોમાં રસ લેવો સારું કહેવાય. (ફિલિ. ૨:૪) મોટાભાગના લોકોને પોતાના અનુભવો જણાવવા ગમે છે. આપણે ભેગા થઈએ ત્યારે, એવા અનુભવો સાંભળવાનો લહાવો મળે છે. બીજા એક વડીલ લખે છે: ‘મંડળના મિત્રો ઘરે આવે ત્યારે તેઓ વિશે જાણવું સહેલું થઈ પડે છે. તેઓને ઓળખવા, ખાસ કરીને કેવી રીતે સત્યમાં આવ્યા એ બધું જાણવા હું સમય કાઢી શકું છું.’ જો તમે મહેમાનોમાં રસ લેશો, તો એનાથી ચોક્કસ બધાને આનંદ થશે.
૧૭ સંગઠનની શાળાઓના વિદ્યાર્થીઓને રહેવા માટે જગ્યા આપનાર એક પાયોનિયર બહેન જણાવે છે: “શરૂઆતમાં મને ચિંતા થતી, કેમ કે મારું ઘર સાદું છે અને ફર્નિચર પણ બીજાઓએ આપેલું છે. શાળાના એક શિક્ષકનાં પત્નીની વાતથી મને ખરેખર મદદ મળી. તેમણે જણાવ્યું, ‘હું અને મારા પતિ મંડળોની મુલાકાત લઈએ છીએ. આ કામમાં સૌથી યાદગાર દિવસો એ હતા, જ્યારે અમને ભક્તિમાં મજબૂત ભાઈ-બહેનો સાથે રહેવાનો મોકો મળ્યો હતો. એવાં ભાઈ-બહેનો પાસે પૈસે-ટકે બહુ ન હતું પણ તેઓ અમારી જેમ જ જીવન સાદું રાખવાનો અને યહોવાની સેવા કરવાનો ધ્યેય રાખતાં હતાં.’ એનાથી મને બાળપણમાં મારી મમ્મીએ કહેલી વાત યાદ આવી ગઈ: ‘પ્રેમાળ વ્યક્તિને ત્યાં ભાજીનું ભોજન ઉત્તમ છે.’” (નીતિ. ૧૫:૧૭) તેથી, મહેમાનગતિ વિશે બહુ ચિંતા ન કરવી જોઈએ. મહત્ત્વનું તો એ છે કે, આપણે મહેમાનો પ્રત્યે પ્રેમ બતાવીએ.
૧૮, ૧૯. મહેમાનગતિ બતાવવાથી બીજાઓ વિશેની ખરાબ લાગણી દિલમાંથી કાઢવા કઈ રીતે મદદ મળી શકે?
૧૮ બીજાઓ વિશે તમને કેવું લાગે છે: શું તમારા મંડળમાં એવું કોઈ છે, જેનાથી તમને ચીડ ચઢે છે? જ્યાં સુધી તમે એવી લાગણી સામે નહિ લડો, ત્યાં સુધી એ લાગણી બદલાશે નહિ. બની શકે કે, તમને કોઈનો સ્વભાવ ન ગમતો હોય અથવા કોઈએ પહેલાં તમને ખોટું લગાડ્યું હોય, જે ભૂલવું તમારા માટે સહેલું નથી. કદાચ આવાં કારણોને લીધે તેઓને પોતાના ઘરે બોલાવવાનું તમે ટાળો છો.
૧૯ બાઇબલ કહે છે કે મહેમાનગતિ બતાવીને તમે બીજાઓ સાથેનો સંબંધ સુધારી શકો છો, પછી ભલેને તે તમારો દુશ્મન કેમ ન હોય! (નીતિવચનો ૨૫:૨૧, ૨૨ વાંચો.) જો તમે કોઈને ઘરે બોલાવશો, તો એનાથી તેના માટેની ખરાબ લાગણી દિલમાંથી કાઢી નાખવા અને શાંતિ જાળવવા મદદ મળશે. યહોવા એ વ્યક્તિના સારા ગુણો જોઈને તેને સત્ય પાસે દોરી લાવ્યા છે, તમે પણ કદાચ એ સારા ગુણો જોઈ શકો. (યોહા. ૬:૪૪) જે વ્યક્તિએ અપેક્ષા નહિ રાખી હોય, એવી વ્યક્તિને ઘરે બોલાવશો તો એનાથી સારી મિત્રતાનો સેતુ બંધાશે. તમે પ્રેમથી પ્રેરાઈને એવું કરી રહ્યા છો, એની ખાતરી કેવી રીતે કરી શકો? એક રીત છે, ફિલિપીઓ ૨:૩ની આ સલાહ લાગુ પાડીએ: “નમ્રતાથી બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.” આપણે એવી બાબતો વિચારવી જોઈએ, જેમાં ભાઈ-બહેનો આપણાથી ચઢિયાતાં છે. આપણે તેઓની શ્રદ્ધા, ધીરજ અને બીજા ગુણોમાંથી શીખી શકીએ. તેઓના સારા ગુણો વિશે વિચારવાથી તેઓ માટેનો પ્રેમ વધશે અને મહેમાનગતિ બતાવવી સહેલું થઈ પડશે.
સારા મહેમાન બનો
૨૦. આમંત્રણ સ્વીકારીએ ત્યારે કઈ રીતે અને શા માટે આપણે ભરોસાપાત્ર બનવું જોઈએ?
૨૦ રાજા દાઊદે પૂછ્યું હતું: ‘હે યહોવા, તમારા મંડપમાં કોણ નિવાસ કરશે?’ (ગીત. ૧૫:૧) એ કહ્યા પછી, યહોવા પોતાના મહેમાનોમાં કેવા ગુણો ચાહે છે, એ વિશે દાઊદે વાત કરી હતી. એમાંનો એક ગુણ છે, ભરોસાપાત્ર હોવું. એ વિશે બાઇબલ કહે છે: ‘તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.’ (ગીત. ૧૫:૪) જો આપણે આમંત્રણ સ્વીકારી લીધું હોય, તો બિનજરૂરી કારણોને લીધે એને રદ ન કરવું જોઈએ. કદાચ આપણને બોલાવનારે ઘણી તૈયારી કરી હશે અને આપણે ન જઈએ તો, તેમની બધી મહેનત પાણીમાં જશે. (માથ. ૫:૩૭) અમુક લોકો આમંત્રણનો એટલે નકાર કરે છે, કારણ કે તેઓને એનાથી સારું બીજું આમંત્રણ મળ્યું હોય છે. શું એમાં પ્રેમ અને આદરની ખામી જોવા મળતી નથી? યજમાન આપણા માટે જે કંઈ પણ કરે, આપણે એની કદર કરવી જોઈએ. (લુક ૧૦:૭) જો કોઈક કારણસર જવાના ન હોઈએ, તો સારું રહેશે કે આપણે યજમાનને બને એટલું જલદી જણાવી દઈએ.
૨૧. સ્થાનિક રિવાજોનો આદર કરવાથી કઈ રીતે આપણે સારા મહેમાન બની શકીએ?
૨૧ સ્થાનિક રિવાજોને આદર આપવો પણ ખૂબ જરૂરી છે. અમુક સમાજમાં, અચાનક આવેલા મહેમાનોને આવકારવામાં આવે છે. પરંતુ અમુક સમાજમાં એવું હોતું નથી. એટલે, આપણે અગાઉથી મુલાકાતની ગોઠવણ કરીએ એ સારું રહેશે. અમુક જગ્યાએ, યજમાન પોતાના મહેમાનને સૌથી સારો ખોરાક પીરસે છે, પછી પોતાના કુટુંબીજનોને. પરંતુ, બીજી જગ્યાએ બધા સાથે એકસરખો વ્યવહાર કરવામાં આવે છે. અમુક વિસ્તારમાં, મહેમાન ખાલી હાથે આવતા નથી. બીજા અમુક વિસ્તારમાં, યજમાન ચાહે છે કે મહેમાન કંઈ પણ ન લાવે. અમુક સમાજમાં, મહેમાન આમંત્રણનો એક-બે વાર પ્રેમથી નકાર કરી શકે છે. જ્યારે કે, અમુક સમાજમાં પહેલી વાર આપેલું આમંત્રણ નકારવું યોગ્ય ન કહેવાય. આપણે હંમેશાં એવી રીતે વર્તવું જોઈએ, જેથી યજમાનને આમંત્રણ આપવા બદલ અફસોસ ન થાય.
૨૨. શા માટે ‘એકબીજાને મહેમાનગતિ બતાવવી’ ખૂબ મહત્ત્વનું છે?
૨૨ પીતરે જણાવ્યું હતું કે, “બધાનો અંત પાસે આવ્યો છે.” (૧ પીત. ૪:૭) હવે તો અંત વધારે નજીક છે. પહેલાં કદી પણ ન થઈ હોય, એવી મોટી વિપત્તિનો આપણે સામનો કરવાના છીએ. આ પરિસ્થિતિ બગડતી જાય તેમ, આપણે ભાઈ-બહેનો માટેનો પ્રેમ પણ વધારતા રહેવું જોઈએ. પીતરની આ સલાહ આજે વધારે લાગુ પડે છે: “એકબીજાને મહેમાનગતિ બતાવો.” (૧ પીત. ૪:૯) હા, મહેમાનગતિ આજે અને હંમેશાં આપણા જીવનનો મહત્ત્વનો અને ખુશીનો ભાગ છે.