જીવન સફર
યહોવાએ ક્યારેય મને નિષ્ફળ થવા દીધી નથી!
એડોલ્ફ હિટલર ભાષણ આપી રહે, પછી તેને ફૂલ આપવા માટે ચાર નાની છોકરીઓ પસંદ કરવામાં આવી હતી. હું પણ એમાંની એક હતી. શા માટે મને પસંદ કરવામાં આવી? મારા પપ્પા નાઝી પક્ષના સ્થાનિક નેતાના ડ્રાઇવર હતા અને એ પક્ષની પ્રવૃત્તિઓમાં ઘણો ભાગ લેતા હતા. મારી મમ્મી એક ચુસ્ત કેથલિક હતી અને તેની ઇચ્છા હતી કે હું નન (સાધ્વી) બનું. તેમ છતાં, હું નાઝી પણ ન બની કે નન પણ ન બની. ચાલો, હું તમને એનું કારણ જણાવું.
મારો ઉછેર ઑસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં થયો હતો. સાત વર્ષની થઈ ત્યારે, મને ધર્મની તાલીમ લેવા શાળામાં મોકલવામાં આવી. પણ, મેં જોયું તો ત્યાં પાદરીઓ અને અમુક નન વચ્ચે અનૈતિક સંબંધ હતા. તેથી, એક જ વર્ષમાં મેં એ શાળા છોડી દીધી ત્યારે મારી મમ્મીએ વાંધો ન ઉઠાવ્યો.
પછીથી, મને બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવી. એક રાતે, મારા પપ્પા મને લેવા આવ્યા કારણ કે ગ્રાઝમાં ઘણા બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. અમે બચવા માટે સ્લેડમીન શહેર જતા રહ્યા. અમે એક પુલ પરથી પસાર થયા ને થોડી જ વારમાં બૉમ્બથી એ પુલ ઉડાવી દેવામાં આવ્યો. એક વાર, હું અને નાની બગીચામાં ઊભા હતા, ત્યારે પ્લેનમાંથી અમારા પર ગોળીઓ વરસાવવામાં આવી. પણ, અમે બચી ગયા. યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં તો સાફ દેખાઈ આવ્યું કે, સલામતી પૂરી પાડવામાં સરકાર અને ચર્ચ બંને નિષ્ફળ ગયા છે.
કદી પણ નિષ્ફળ ન જાય એવા ટેકા વિશે શીખવા મળ્યું
૧૯૫૦માં યહોવાના એક સાક્ષીએ મારી મમ્મીને બાઇબલનો સંદેશો શીખવવાનું શરૂ કર્યું. હું તેઓની વાતચીત સાંભળતી અને મમ્મી સાથે કેટલીક સભાઓમાં પણ જતી. મારી મમ્મીને પૂરી ખાતરી થઈ કે, યહોવાના સાક્ષીઓ પાસે સત્ય છે એટલે તેણે ૧૯૫૨માં બાપ્તિસ્મા લીધું.
એ સમયે, મંડળ તો મને વૃદ્ધ સ્ત્રીઓના મહિલા મંડળ જેવું લાગતું. પછીથી, અમે એવા મંડળની મુલાકાત લીધી, જ્યાં ઘણાં યુવક-યુવતી હતાં. એ તો જરાય મહિલા મંડળ જેવું ન હતું! ગ્રાઝ પાછી આવી ત્યારે હું નિયમિત સભાઓમાં જવા લાગી. થોડા જ સમયમાં, મને પણ ખાતરી થઈ કે હું જે શીખું છું, એ જ સત્ય છે. હું ઈશ્વર યહોવાને પણ ઓળખવા લાગી, જે પોતાના ભક્તોને એવો ટેકો આપે છે, જે કદી નિષ્ફળ જતો નથી. આપણે જ્યારે કપરા સંજોગો એકલા સહી રહ્યા હોઈએ, ત્યારે પણ તે આપણને ટેકો આપે છે.—ગીત. ૩:૫, ૬.
હું બીજાઓને સત્ય જણાવવા ચાહતી હતી. એટલે મેં મારાં ભાઈ-બહેનોથી શરૂઆત કરી. મારી ચાર મોટી
બહેનો શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. તેઓ ઘરથી દૂર ગામડાઓમાં રહેતી હતી. હું તેઓને મળવા ગઈ અને મેં તેઓને બાઇબલ અભ્યાસ કરવાનું ઉત્તેજન આપ્યું. છેવટે, મારાં બધાં ભાઈ-બહેનોએ સત્ય સ્વીકાર્યું અને તેઓ યહોવાના સાક્ષી બન્યા.ઘર ઘરનું પ્રચાર શરૂ કર્યું, એના બીજા અઠવાડિયે હું એક સ્ત્રીને મળી, જેની સાથે મેં બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. તેણે પ્રગતિ કરીને બાપ્તિસ્મા લીધું અને પછીથી તેના પતિ તથા બે છોકરાઓએ પણ બાપ્તિસ્મા લીધું. એ અભ્યાસથી મારી શ્રદ્ધા મજબૂત થઈ. કઈ રીતે? કોઈએ મારો અભ્યાસ ચલાવ્યો ન હતો. એટલે એ બહેનને શીખવવા મારે દરેક પાઠની બરાબર તૈયારી કરવી પડતી. એટલે કે, પહેલાં મારે પોતાને શીખવવું પડતું પછી, હું મારી વિદ્યાર્થીને શીખવતી. એનાથી સત્ય માટે મારી કદર વધી. એપ્રિલ ૧૯૫૪માં, યહોવાને સમર્પણ કરીને મેં બાપ્તિસ્મા લીધું.
‘સતાવાયેલા, પણ ત્યજી દેવાયેલા નહિ’
૧૯૫૫માં, મને જર્મની, ફ્રાંસ અને ઇંગ્લૅન્ડમાં આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં હાજર રહેવાનો મોકો મળ્યો. લંડનમાં હું ભાઈ આલ્બર્ટ શ્રોડરને મળી. તે બાઇબલ સ્કૂલ ઓફ ગિલયડના શિક્ષક હતા અને પછીથી નિયામક જૂથના સભ્ય બન્યા હતા. બ્રિટિશ મ્યુઝિયમની ટૂર દરમિયાન, ભાઈ શ્રોડરે કેટલીક બાઇબલ હસ્તપ્રતો તરફ અમારું ધ્યાન દોર્યું. એ હસ્તપ્રતોમાં હિબ્રૂ મૂળાક્ષરોમાં યહોવાનું નામ હતું. ભાઈએ એનું મહત્ત્વ અમને સમજાવ્યું. એનાથી યહોવા અને સત્ય માટેનો મારો પ્રેમ વધ્યો, એટલે બાઇબલનું સત્ય લોકોને જણાવવાનો મેં દૃઢ નિર્ધાર કર્યો.
જાન્યુઆરી ૧, ૧૯૫૬માં હું પાયોનિયર બની. ચાર મહિના પછી, ઑસ્ટ્રિયામાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપવાનું મને આમંત્રણ મળ્યું. મિસટેલબેક શહેરમાં મને સોંપણી મળી, એ સમયે ત્યાં એકેય સાક્ષી ન હતા. પણ, મારે બીજા પ્રકારની તકલીફનો સામનો કરવો પડ્યો. મારો અને મારી સાથી પાયોનિયરનો સ્વભાવ ઘણો અલગ હતો. હું શહેરથી આવેલી ૧૯ વર્ષની છોકરી હતી, તો તે ગામડામાં ઉછરેલી ૨૫ વર્ષની. મને મોડે સુધી ઊંઘવાનું ગમતું, જ્યારે કે તેને વહેલું ઊઠવું ગમતું. સાંજે હું મોડે સુધી જાગતી તો તે વહેલી ઊંઘી જતી. જોકે, બાઇબલની સલાહ લાગુ પાડીને અમે અમારા મતભેદો હલ કર્યા અને સારા સાથીદાર બન્યા.
અમારે બીજા પણ મોટા કોયડાઓનો સામનો કરવો પડ્યો. અરે, કેટલીક સતાવણીઓ પણ આવી, પરંતુ અમે ‘ત્યજી દેવાયેલા’ ન હતા. (૨ કોરીં. ૪:૭-૯) એક દિવસ અમે ગામડામાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યાં લોકો પોતાના કૂતરાને છૂટા રાખતા હતા. થોડી વારમાં તો મોટા મોટા કૂતરાઓએ મને અને મારી સાથીદારને ઘેરી લીધા, તેઓ જોરજોરથી ભસતા હતા અને ઘૂરકી રહ્યા હતા. અમે એકબીજાના હાથ પકડ્યા અને હું તો પ્રાર્થના કરવા લાગી, “યહોવા, આ કૂતરાઓ હુમલો કરે તો પ્લીઝ અમે જલદી મરી જઈએ એવું થવા દેજો!” કૂતરા અમારી એકદમ નજીક આવી ગયા, અચાનક તેઓ અટકી ગયા અને પૂંછડી પટપટાવા લાગ્યા. પછી, ત્યાંથી જતા રહ્યા. અમે અનુભવી શક્યા કે, યહોવાએ અમને બચાવ્યા હતા. પછી, અમે આખા ગામમાં પ્રચાર કર્યો અને લોકોને સંદેશો સાંભળતા જોઈને અમારી ખુશીનો પાર ન રહ્યો. લોકોને નવાઈ લાગી કે, કૂતરાઓએ અમને કંઈ ન કર્યું અને એવા ડરામણા અનુભવ પછી પણ અમે ત્યાં હતા. એમાંથી અમુક પછીથી સાક્ષી બન્યા.
બીજો એક ડરામણો કિસ્સો પણ બન્યો હતો. એક વાર અમારો મકાન માલિક દારૂ પીને આવ્યો, તેણે અમને મારી નાખવાની ધમકી આપી. તે કહી રહ્યો હતો કે, અમે આજુબાજુના લોકોને હેરાન કરીએ છીએ. તેની પત્નીએ તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ વળ્યું નહિ. અમે
તો ઉપરના રૂમમાંથી એ બધું સાંભળી રહ્યા હતા. તરત જ, અમે દરવાજા પાસે ખુરશીઓ ગોઠવી દીધી અને અમારો સામાન ભરવા લાગ્યા. પછી અમે દરવાજો ખોલ્યો ત્યારે, ત્યાં તો સામે અમારો ઘરમાલિક ઊભો હતો, તેના હાથમાં મોટો છરો હતો. અમે ફટાફટ પાછલા દરવાજેથી સામાન લઈને ભાગ્યા. નીચે બગીચામાંથી થઈને અમે ભાગી છૂટ્યા, એ દિવસ પછી ફરી ક્યારેય ત્યાં ગયા નહિ.અમે હોટલમાં ગયા અને રૂમ વિશે પૂછપરછ કરી. બન્યું એવું કે એકાદ વર્ષ સુધી અમને ત્યાં જ રહેવું પડ્યું, પણ એનાથી અમારા સેવાકાર્યને ફાયદો થયો. કેવી રીતે? હોટલ શહેરની વચ્ચોવચ હતી, એટલે ઘણા વિદ્યાર્થીઓને ત્યાં અભ્યાસ કરવાનું ફાવતું હતું. એ હોટલના રૂમમાં અમે થોડા સમય પછી, પુસ્તક અભ્યાસ અને ચોકીબુરજ અભ્યાસ શરૂ કર્યો, આશરે પંદર લોકો હાજર રહેતા.
મિસટેલબેક શહેરમાં અમે એક વર્ષથી પણ વધારે રહ્યા. પછી, ગ્રાઝના દક્ષિણપૂર્વમાં આવેલા ફેલ્ટબાકમાં મને સોંપણી મળી. મારા સાથીદાર બદલાયા અને ત્યાં પણ કોઈ મંડળ ન હતું. લાકડાંના ઘરના બીજા માળે એક નાનકડા રૂમમાં અમે રહેતા હતા. ત્યાં તો લાકડાં વચ્ચેની જગ્યામાંથી પવન સુસવાટા મારતો અંદર આવતો, એટલે અમે છાપાથી એ જગ્યા પૂરવાની કોશિશ કરતા. અમે કૂવાથી પાણી ભરી લાવતા. પણ, એ બધી મહેનત રંગ લાવી. થોડા જ મહિનાઓમાં તો એક ગ્રૂપ શરૂ થયું. છેવટે, જે કુટુંબ સાથે અમે અભ્યાસ કરતા હતા, એના ૩૦ સભ્યો સત્યમાં આવ્યા!
આવા અનુભવોથી યહોવા માટેની મારી કદર વધી છે. રાજ્યના કામ માટે મહેનત કરનારને યહોવા ક્યારેય નિરાશ કરતા નથી. બની શકે કે માણસોનો હાથ ટૂંકો પડે, પણ યહોવાનો હાથ ક્યારેય ટૂંકો પડતો નથી.—ગીત. ૧૨૧:૧-૩.
યહોવા “પોતાના ન્યાયના જમણા હાથથી” ટેકો આપે છે
૧૯૫૮માં ન્યૂ યૉર્ક શહેરમાં, પોલો ગ્રાઉન્ડ્સ અને યાંકી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. એમાં હાજરી આપવા મેં અરજી કરી અને ઑસ્ટ્રિયા શાખાએ મને પૂછ્યું કે શું મને ગિલયડ સ્કૂલના ૩૨મા વર્ગમાં જવાનું ગમશે? હું એ લહાવો હાથમાંથી જવા દેવા માંગતી ન હતી એટલે તરત જ મેં હા પાડી.
ગિલયડના વર્ગમાં હું માર્ટિન પોઝીન્ગરની બાજુમાં બેસતી હતી. તેમણે નાઝી જુલમી છાવણીમાં ત્રાસદાયક સતાવણીઓનો સામનો કર્યો હતો. પછીથી તે નિયામક જૂથના સભ્ય બન્યા હતા. ગિલયડના વર્ગ દરમિયાન તે અમુક વાર મારા કાનમાં કહેતા, ‘એરિકા, જર્મન ભાષામાં આને શું કહેવાય?’
કોર્સની અધવચ્ચે ભાઈ નાથાન નોરે અમારી સોંપણી વિશે જાહેરાત કરી. મને પૅરાગ્વેમાં સોંપણી મળી. મારી ઉંમર ઓછી ન હોવાથી ત્યાં જવા મારે પપ્પાની પરવાનગી લેવી પડી. પરવાનગી લીધા પછી હું માર્ચ ૧૯૫૯માં પૅરાગ્વે આવી. હું ઓશુનશીયોન શહેરના મિશનરી ઘરમાં રહેતી હતી, ત્યાં મને એક નવી સાથીદાર મળી હતી.
થોડા વખત પછી, હું એક મિશનરી ભાઈને મળી જે ગિલયડના ૩૦મા વર્ગમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. તેમનું નામ વોલ્ટર બ્રાઇટ હતું. સમય જતાં, અમે લગ્ન કર્યા અને સાથે મળીને જીવનના પડકારોનો સામનો કરવા લાગ્યા. મુશ્કેલીઓ દરમિયાન અમે યશાયા ૪૧:૧૦માં આપેલું યહોવાનું વચન સાથે વાંચતા હતા. જે કહે છે: “તું બીશ મા, કેમ કે હું તારી સાથે છું; આમતેમ જોઈશ મા, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે.” એનાથી અમને ખાતરી મળતી કે ઈશ્વરને વફાદાર રહેવા અને તેમના રાજ્યને પ્રથમ મૂકવા મહેનત કરીશું તો, યહોવા ક્યારેય અમને નિરાશ કરશે નહિ.
પછીથી, અમને બ્રાઝિલની સરહદ નજીક સોંપણી મળી. ત્યાંનું મિશનરી ઘર સારી હાલતમાં ન હતું. અધૂરામાં પૂરું, સ્થાનિક પાદરીઓ યુવાનોને મિશનરી ઘર પર પથ્થર મારવા ઉશ્કેરતા હતા. પછીથી, વોલ્ટર એક ઉચ્ચ પોલીસ અધિકારીને બાઇબલમાંથી શીખવવા લાગ્યા. એ અધિકારીએ કેટલાક અધિકારીઓને અમારા ઘર પાસે અઠવાડિયા સુધી ઊભા રહેવા જણાવ્યું. એટલે વિરોધીઓએ અમને હેરાન કરવાનું છોડી દીધું. થોડા સમય પછી, અમને સરહદ પાર એક સારું ઘર મળ્યું, એ જગ્યા બ્રાઝિલમાં હતી. એનાથી ફાયદો થયો, કારણ કે હવે અમે બંને દેશોમાં એટલે કે પૅરાગ્વે અને બ્રાઝિલમાં સભાઓ યોજી શકતા હતા. અમને બીજી સોંપણી મળી ત્યાં સુધીમાં તો બે નાનાં મંડળો સ્થપાઈ ગયાં હતાં.
યહોવાએ મને હંમેશાં નિભાવી રાખી
ડોક્ટરે મને કહ્યું હતું કે હું ક્યારેય મા નહિ બની શકું, પણ મારા આશ્ચર્ય વચ્ચે ૧૯૬૨માં હું ગર્ભવતી થઈ. સમય જતાં, અમે ફ્લોરિડાના હોલીવુડમાં રહેવા ગયા, વોલ્ટરનું કુટુંબ પણ નજીકમાં જ રહેતું હતું. અમુક વર્ષો હું અને વોલ્ટર પાયોનિયર તરીકે સેવા આપી શક્યા નહિ, કારણ કે અમારે કુટુંબની સંભાળ લેવાની હતી. તેમ છતાં, અમે હંમેશાં રાજ્યને જીવનમાં પ્રથમ સ્થાને રાખ્યું હતું.—માથ. ૬:૩૩.
નવેમ્બર ૧૯૬૨માં ફ્લોરિડા પહોંચ્યા ત્યારે, અમને એ જોઈને ઘણી નવાઈ લાગી કે ત્યાંના ભાઈ-બહેનો માટે એકતાનો અર્થ કઈ જુદો જ હતો. ત્યાં ભાઈ-બહેનો પોતાનાં રંગનાં ભાઈ-બહેનો સાથે જ હળતાં-મળતાં હતાં. ત્યાં કાળા અને ગોરા ભાઈ-બહેનોની સભા અલગ હતી અને પ્રચાર વિસ્તાર પણ અલગ હતો. પણ યહોવા ક્યારેય રંગભેદ કરતા નથી, એટલે થોડા સમય પછી મંડળોમાંથી પણ રંગભેદ દૂર કરવામાં આવ્યો. એનાથી સ્પષ્ટ દેખાઈ આવ્યું કે એની પાછળ યહોવાનો હાથ છે, કારણ કે આજે એ વિસ્તારમાં અનેક મંડળો છે.
દુઃખની વાત છે કે ૨૦૧૫માં વોલ્ટરનું બ્રેઇન કેન્સરના લીધે મરણ થયું. ૫૫ વર્ષ સુધી તેમણે પ્રેમાળ પતિ તરીકે મારો સાથ નિભાવ્યો. તે યહોવાને ખૂબ પ્રેમ કરતા હતા અને ભાઈ-બહેનોને પણ મદદ કરતા હતા. હું એ દિવસની આતુરતાથી રાહ જોઉં છું, જ્યારે તે સજીવન થશે અને એકદમ તંદુરસ્ત હશે.—પ્રે.કા. ૨૪:૧૫.
હું યહોવાની આભારી છું કે ૪૦ વર્ષ સુધી પૂરા સમયની સેવા કરી શકી. એ દરમિયાન મેં અઢળક ખુશી અને આશીર્વાદોનો અનુભવ કર્યો છે. દાખલા તરીકે, અમારા ૧૩૬ બાઇબલ વિદ્યાર્થીઓના બાપ્તિસ્માના પ્રસંગે અમને હાજર રહેવાનો મોકો મળ્યો છે. જોકે, જીવનમાં ઘણી તકલીફો આવી, પણ અમે ક્યારેય તકલીફોને યહોવાની સેવાને આડે આવવા દીધી નહિ. તેમ જ, અમે યહોવાની વધારે નજીક આવ્યા. યહોવા પોતાના સમયે અને પોતાની રીતે બાબતો થાળે પાડશે, એવો ભરોસો રાખવાનું અમે શીખ્યા. સાચે જ, તેમણે એવું કર્યું પણ છે!—૨ તિમો. ૪:૧૬, ૧૭.
હું વોલ્ટરની કમી મહેસુસ કરું છું પણ પાયોનિયરીંગ મને એ સહેવા મદદ કરે છે. એનાથી મને બીજાઓને શીખવવા મદદ મળે છે, ખાસ કરીને સજીવન થવાની આશા વિશે શીખવવા. તેમ જ, હું ગણી પણ ન શકું એટલી બધી વાર યહોવાએ મને મદદ કરી છે. યહોવાએ ક્યારેય મને નિષ્ફળ થવા દીધી નથી! પોતાના વચન પ્રમાણે યહોવાએ મને નિભાવી રાખી, શક્તિ આપી અને ‘ન્યાયના જમણા હાથથી મને પકડી રાખી છે.’—યશા. ૪૧:૧૦.