અભ્યાસ લેખ ૧૩
સાચી ભક્તિ લાવે અનેરી ખુશી
“હે યહોવા અમારા ભગવાન! મહિમા, માન અને શક્તિ મેળવવા તમે જ યોગ્ય છો.”—પ્રકટી. ૪:૧૧.
ગીત ૨૬ યહોવા સાથે ચાલ
ઝલક *
૧-૨. યહોવા આપણી ભક્તિથી ખુશ થાય માટે શું કરી શકીએ?
“ભક્તિ” શબ્દ સાંભળીને તમારા મનમાં શું આવે છે? કદાચ તમારા મનમાં પ્રાર્થનાઘરનો વિચાર આવે જ્યાં ભાઈ-બહેનો સભા માટે ભેગાં મળ્યાં છે. અથવા તમારા મનમાં એક કુટુંબ આવે જે ખુશી ખુશી કુટુંબ તરીકેની ભક્તિ કરવામાં મશગૂલ છે.
૨ એ ભાઈ-બહેનો અને એ કુટુંબ યહોવાની ભક્તિ કરી રહ્યાં છે. પણ શું યહોવા તેઓની ભક્તિથી ખુશ થશે? જો તેઓ યહોવાની ઇચ્છા પ્રમાણે જીવન જીવતા હશે, તેમને પ્રેમ કરતા હશે અને તેમનો આદર કરતા હશે તો તે જરૂર ખુશ થશે. આપણે યહોવાને અનહદ પ્રેમ કરીએ છીએ. તે સાચે જ આપણી ભક્તિના હકદાર છે. આપણે ચાહીએ છીએ કે તેમની ભક્તિ સારી રીતે કરવા બનતું બધું કરીએ.
૩. આ લેખમાંથી આપણને શું શીખવા મળશે?
૩ આ લેખમાં આપણે જોઈશું કે બાઇબલ સમયમાં યહોવા કેવી ભક્તિથી ખુશ થતા હતા. આપણે ભક્તિને લગતી આઠ બાબતો વિશે પણ જોઈશું જેનાથી યહોવા આજે ખુશ થાય છે. આ લેખની ચર્ચા કરતી વખતે વિચારી શકીએ કે કઈ રીતે આપણે યહોવાની ભક્તિમાં વધારે સારું કરી શકીએ. એ પણ શીખીશું કે આપણને સાચી ભક્તિ કરવાથી કઈ રીતે અનેરી ખુશી મળે છે.
બાઇબલ સમયમાં યહોવાની સાચી ભક્તિ
૪. પહેલાંના સમયના ઈશ્વરભક્તોએ કઈ રીતે યહોવાને આદર અને પ્રેમ બતાવ્યાં?
૪ પહેલાંના સમયના વફાદાર ઈશ્વરભક્તો જેમ કે હાબેલ, નૂહ, ઇબ્રાહિમ અને અયૂબે કઈ રીતે યહોવાને આદર અને પ્રેમ બતાવ્યાં? તેઓએ ઈશ્વરની આજ્ઞા પાળી, તેમના પર શ્રદ્ધા મૂકી અને તેમને બલિદાનો ચઢાવ્યાં. તેઓએ ભક્તિમાં કઈ કઈ બાબતો કરવાની હતી એ વિશે બાઇબલમાં એકેએક માહિતી આપી નથી. પણ તેઓએ યહોવાને માન-મહિમા આપવા બનતું બધું જ કર્યું અને યહોવા તેઓની ભક્તિથી ખુશ થયા. સમય જતાં યહોવાએ ઇઝરાયેલીઓને નિયમશાસ્ત્ર આપ્યું. એમાં સાચી ભક્તિને લગતા ઘણા નિયમો હતા. એ નિયમોથી ઇઝરાયેલીઓને ખબર પડી કે યહોવા કેવી ભક્તિ ચાહે છે.
૫. ભક્તિ કરવાની રીતમાં કયો ફેરફાર થયો?
૫ ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા પછી ભક્તિ કરવાની રીતમાં ફેરફાર થયો. ઈશ્વરભક્તોએ હવે નિયમશાસ્ત્ર પાળવાની જરૂર ન હતી. (રોમ. ૧૦:૪) તેઓને નવો નિયમ એટલે કે ‘ખ્રિસ્તનો નિયમ’ આપવામાં આવ્યો. (ગલા. ૬:૨) શું કરવું અને શું ન કરવું એના વિશે એ ‘નિયમમાં’ લાંબું લિસ્ટ આપ્યું નથી, જે યાદ રાખીને પાળવું પડે. ઈશ્વરભક્તોએ ફક્ત ઈસુના પગલે ચાલવાનું હતું અને તેમના શિક્ષણને જીવનમાં લાગુ પાડવાનું હતું. આજે ઈશ્વરભક્તો ખ્રિસ્તને અનુસરવાની પૂરી કોશિશ કરે છે, જેથી યહોવાને ખુશ કરી શકે અને જીવનમાં “તાજગી” મેળવી શકે.—માથ. ૧૧:૨૯.
૬. આ લેખમાંથી ફાયદો મેળવવા શું કરી શકીએ?
૬ ભક્તિને લગતી બાબતોની એક પછી એક ચર્ચા કરીએ ત્યારે આ સવાલોનો વિચાર કરો: ‘હું ભક્તિમાં કેવું કરું છું? એમાં વધારે સારું કરવા હું શું કરી શકું?’ તમે જે કરી રહ્યા છો એનાથી ખુશ થાઓ. પણ ભક્તિમાં વધારે સારું કરવા તમે યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગી શકો.
ભક્તિને લગતી આઠ બાબતો
૭. આપણે દિલથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે યહોવાને કેવું લાગે છે?
૭ પ્રાર્થના કરવી એ યહોવાની ભક્તિનો ભાગ છે. બાઇબલમાં પ્રાર્થનાને ધૂપ સાથે સરખાવવામાં આવી છે. (ગીત. ૧૪૧:૨) ધૂપ મંડપમાં ચઢાવવામાં આવતો, પછીથી એ મંદિરમાં પણ ચઢાવવામાં આવતો. ધૂપ તૈયાર કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવામાં આવતું. ધૂપની સુવાસથી યહોવા ખૂબ ખુશ થતા. એવી જ રીતે આપણે દિલથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે યહોવા “ખુશ થાય છે,” પછી ભલેને એ સાદા શબ્દોમાં હોય. (નીતિ. ૧૫:૮; પુન. ૩૩:૧૦) આપણે યહોવાને જણાવીએ છીએ કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ ત્યારે તેમનું દિલ ખુશ થાય છે. તેમણે આપણા માટે જે કર્યું છે એનો આભાર માનીએ છીએ ત્યારે પણ તેમને બહુ સારું લાગે છે. તે ચાહે છે કે આપણી ચિંતાઓ, ધ્યેયો અને ઇચ્છાઓ વિશે તેમને બધું જ જણાવીએ. એટલે આપણે પ્રાર્થના માટે તૈયારી કરીએ, યહોવાને શું કહીશું એનો પહેલેથી વિચાર કરીએ. એમ કરીશું તો આપણી પ્રાર્થના ખુશબોદાર “ધૂપ” જેવી બનશે.
૮. યહોવાની સ્તુતિ કરવાની આપણી પાસે કઈ કઈ તક છે?
૮ સ્તુતિ કરવી એ યહોવાની ભક્તિનો ભાગ છે. (ગીત. ૩૪:૧) યહોવાના સુંદર ગુણો અને તેમનાં કામ વિશે બીજાઓને જણાવીએ છીએ ત્યારે આપણે તેમની સ્તુતિ કરીએ છીએ. જો આપણાં દિલમાં તેમના માટે કદર હશે તો તેમની સ્તુતિ કરવાનો એકપણ મોકો નહિ છોડીએ. યહોવાએ આપણા માટે જે કર્યું છે એનો વિચાર કરીશું તો તેમનો જયજયકાર કરવાના આપણને અનેક કારણો મળશે. ખુશખબર ફેલાવીને આપણને “ઈશ્વરની સ્તુતિ” કરવાની સૌથી સારી તક મળે છે, “એ ઈશ્વરને ચઢાવેલું આપણું અર્પણ છે.” (હિબ્રૂ. ૧૩:૧૫) આપણે જોયું કે પ્રાર્થનામાં યહોવાને શું કહીશું એનો પહેલેથી વિચાર કરવો જોઈએ. એવી જ રીતે પ્રચારમાં લોકો સાથે શું વાત કરીશું એ વિશે પણ અગાઉથી વિચાર કરવો જોઈએ. આપણે યહોવાને સૌથી સારું “અર્પણ” ચઢાવવા માંગીએ છીએ. એટલે આપણે પૂરા ઉત્સાહથી બીજાઓને બાઇબલમાંથી શીખવીએ છીએ.
૯. ઇઝરાયેલીઓની જેમ આપણને સભામાં જવાથી કેવા ફાયદા થાય છે? પોતાનો અનુભવ જણાવો.
૯ સભામાં જવું એ યહોવાની ભક્તિનો ભાગ છે. ઇઝરાયેલીઓને કહેવામાં આવ્યું હતું કે “યહોવા તમારા ઈશ્વરે પસંદ કરેલી જગ્યાએ વર્ષમાં ત્રણ વાર બધા પુરુષો તેમની આગળ હાજર થાય.” (પુન. ૧૬:૧૬) એ તહેવારમાં તેઓ ભાગ લેવા જતા ત્યારે તેઓનાં ઘર અને ખેતરનું રક્ષણ કરનાર કોઈ ન હતું. પણ યહોવાએ વચન આપ્યું હતું: “તમે યહોવાની સામે હાજર થશો ત્યારે, કોઈ પણ વ્યક્તિ તમારો દેશ પડાવી લેવાની કોશિશ નહિ કરે.” (નિર્ગ. ૩૪:૨૪) ઇઝરાયેલીઓ યહોવા પર પૂરો ભરોસો રાખીને વાર્ષિક તહેવાર ઉજવવા જતા હતા. એનાથી તેઓને ઘણા આશીર્વાદો મળ્યા. તેઓ નિયમશાસ્ત્ર સારી રીતે સમજી શકતા, યહોવાએ તેઓ માટે જે કર્યું હતું એના પર મનન કરી શકતા અને બીજા ભક્તો સાથે હળી-મળી શકતા. (પુન. ૧૬:૧૫) આપણે પણ સભાઓમાં જવા પૂરો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ફાયદો થાય છે. આપણે સભાની સારી તૈયારી કરીએ છીએ અને સભામાં ટૂંકા અને સારા જવાબો આપીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે.
૧૦. ગીતો ગાવા એ કેમ યહોવાની ભક્તિનો એક મહત્ત્વનો ભાગ છે?
૧૦ ગીતો ગાવા એ યહોવાની ભક્તિનો ભાગ છે. (ગીત. ૨૮:૭) ઇઝરાયેલીઓ માટે ગીતો ગાવા એ યહોવાની ભક્તિનો એક મહત્ત્વનો ભાગ હતો. દાઉદ રાજાએ પણ ૨૮૮ લેવીઓને મંદિરમાં ગીતો ગાવા માટે રાખ્યા હતા. (૧ કાળ. ૨૫:૧, ૬-૮) આજે પણ આપણે યહોવાની સ્તુતિ કરવા ગીતો ગાઈને બતાવી આપીએ છીએ કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ. ગીત ગાતી વખતે એવી ચિંતા ન કરવી જોઈએ કે આપણો અવાજ સારો નથી. આનો વિચાર કરો: બોલીએ છીએ ત્યારે “આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.” (યાકૂ. ૩:૨) પણ શું એના લીધે સભામાં જવાબ આપવાનું, ટૉક આપવાનું કે પછી ખુશખબર ફેલાવવાનું બંધ કરી દઈએ છીએ? ના, આપણે એવું કરતા નથી. એવી જ રીતે ભલે આપણે સારું ગાતા ન હોઈએ, તોપણ પૂરા જોશથી ભાઈ-બહેનો સાથે ગીતો ગાવામાં ભાગ લેવો જોઈએ. એમ કરીશું તો આપણે યહોવાને મહિમા આપી શકીશું.
૧૧. પુનર્નિયમ ૬:૬, ૭ પ્રમાણે આપણે કેમ કુટુંબ તરીકેની ભક્તિ માટે સમય નક્કી કરવો જોઈએ?
૧૧ બાઇબલનો અભ્યાસ કરવો અને બાળકોને યહોવા વિશે શીખવવું એ તેમની ભક્તિનો ભાગ છે. સાબ્બાથના દિવસે ઇઝરાયેલીઓ યહોવાની ભક્તિમાં પોતાનું મન પરોવતા અને બીજું કોઈ કામ ન કરતા. એ દિવસે તેઓ યહોવા સાથે પોતાનો સંબંધ મજબૂત કરતા. (નિર્ગ. ૩૧:૧૬, ૧૭) વફાદાર ઇઝરાયેલીઓ પોતાનાં બાળકોને યહોવા અને તેમનાં ભલાઈનાં કામો વિશે શીખવતા. આજે પણ આપણે બાઇબલ વાંચવા અને એનો અભ્યાસ કરવા સમય નક્કી કરવો જોઈએ. એ પણ યહોવાની ભક્તિનો એક ભાગ છે. એનાથી આપણે યહોવાની નજીક જઈ શકીશું. (ગીત. ૭૩:૨૮) આપણે કુટુંબ તરીકેની ભક્તિ કરીએ છીએ ત્યારે, આવનાર પેઢીઓ એટલે કે બાળકોને પ્રેમાળ પિતા યહોવા સાથે પાકી દોસ્તી કરવા મદદ કરીએ છીએ.—પુનર્નિયમ ૬:૬, ૭ વાંચો.
૧૨. (ક) મંડપ બનાવવાના કામને યહોવાએ કેવું ગણ્યું? (ખ) એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૨ ભક્તિ-સ્થળનું બાંધકામ અને એની સારસંભાળ રાખવી એ યહોવાની ભક્તિનો ભાગ છે. બાઇબલમાં લખ્યું છે કે મંડપ અને એમાંની બધી વસ્તુઓ બનાવવાનું કામ “પવિત્ર કામ” હતું. (નિર્ગ. ૩૬:૧, ૪) આજે આપણે પ્રાર્થનાઘરનું બાંધકામ અને એનાં જેવાં બીજાં બાંધકામો કરીએ છીએ, એને યહોવા પવિત્ર સેવા ગણે છે. અમુક ભાઈ-બહેનો એ બાંધકામમાં ભાગ લેવા કલાકોના કલાકો આપે છે. યહોવાની ભક્તિને આગળ વધારવા તેઓ જે કરે છે એની આપણે દિલથી કદર કરીએ છીએ. તેઓ બાંધકામની સાથે સાથે ખુશખબર ફેલાવવાનું કામ પણ કરે છે. તેઓમાંથી અમુક તો પાયોનિયર બનવા માંગે છે. જો તેઓ પાયોનિયર સેવાને યોગ્ય હોય તો મંડળના વડીલોએ તેઓની અરજી મંજૂર કરતા અચકાવું ન જોઈએ. આમ વડીલો બાંધકામને ટેકો આપી શકશે. ભલે આપણી પાસે બાંધકામ કરવાની કોઈ આવડત હોય કે ન હોય, પણ ભક્તિ માટે વપરાતી જગ્યાઓની સાફસફાઈ કરવામાં અને એની સારસંભાળ રાખવામાં ટેકો આપી શકીએ છીએ.
૧૩. જે દાન આપીએ છીએ એ વિશે આપણને કેવું લાગવું જોઈએ?
૧૩ દાન આપવું એ યહોવાની ભક્તિનો ભાગ છે. ઇઝરાયેલીઓએ તહેવારો વખતે યહોવાની આગળ ખાલી હાથે જવાનું ન હતું. (પુન. ૧૬:૧૬) તેઓએ પોતાનાથી જે થઈ શકે એ પ્રમાણે કંઈકને કંઈક ભેટ લઈ જવાની હતી. આમ યહોવા તેઓ માટે જે કરી રહ્યા હતા એની તેઓ કદર બતાવી શકતા. આપણે પણ યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમણે આપણા માટે જે કર્યું છે એની કદર કરવા માંગીએ છીએ. એમ કરવાની એક રીત છે કે આપણે પોતાના સંજોગો પ્રમાણે મંડળ માટે અને દુનિયા ફરતે ચાલી રહેલા કામ માટે દાન આપીએ. પ્રેરિત પાઉલે કહ્યું: “જો દાન આપવાની ઇચ્છા હોય, તો વ્યક્તિ પાસે જે હોય એ પ્રમાણે ઈશ્વર દાન સ્વીકારે છે. તેની પાસે એવી અપેક્ષા રાખવામાં નથી આવતી કે તે એવું કંઈક આપે જે તેની પાસે નથી.” (૨ કોરીં. ૮:૪, ૧૨) યહોવાની ભક્તિનું કામ આગળ વધે એ માટે, આપણે ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપીએ. ભલે આપણું દાન નાનું હોય કે મોટું, દિલથી આપેલાં દાનને યહોવા કીમતી ગણે છે.—માર્ક ૧૨:૪૨-૪૪; ૨ કોરીં. ૯:૭.
૧૪. આપણે ભાઈ-બહેનોને મદદ કરીએ છીએ ત્યારે નીતિવચનો ૧૯:૧૭ પ્રમાણે યહોવાને કેવું લાગે છે?
૧૪ ભાઈ-બહેનોને મદદ કરવી એ યહોવાની ભક્તિનો ભાગ છે. યહોવાએ વચન આપ્યું હતું કે ઇઝરાયેલીઓ ગરીબોને ઉદાર હાથે મદદ કરશે તો તે તેઓને જરૂર આશીર્વાદ આપશે. (પુન. ૧૫:૭, ૧૦) જેઓને જરૂર છે તેઓને આપણે મદદ કરીએ છીએ ત્યારે યહોવાને કેવું લાગે છે? યહોવાની નજરે એ તેમને ભેટ આપવા જેવું છે. (નીતિવચનો ૧૯:૧૭ વાંચો.) દાખલા તરીકે, કેદમાં પાઉલને ફિલિપીનાં ભાઈ-બહેનોએ ભેટ મોકલાવી હતી. એ વિશે પાઉલે કહ્યું કે એ “એવા બલિદાન જેવી છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે.” (ફિલિ. ૪:૧૮) આપણે પોતાને આ સવાલ પૂછવો જોઈએ: ‘મંડળના કયા ભાઈ કે બહેનને હું મદદ કરી શકું?’ આપણે સમય-શક્તિ, આવડત અને ધનસંપત્તિ બીજાઓ માટે વાપરીએ છીએ ત્યારે યહોવાનું દિલ ખુશીથી ઊભરાઈ જાય છે. યહોવાની નજરે એ પણ ભક્તિનો એક ભાગ છે.—યાકૂ. ૧:૨૭.
સાચી ભક્તિ લાવે અનેરી ખુશી
૧૫. સાચી ભક્તિ કરવી કેમ અઘરું નથી?
૧૫ સાચી ભક્તિ માટે સમય-શક્તિ લાગે છે, પણ એમ કરવું અઘરું નથી. (૧ યોહા. ૫:૩) આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ એટલે તેમની ભક્તિ કરીએ છીએ. એક બાળકનો વિચાર કરો. તે તેના પપ્પાને કંઈક આપવા માંગે છે. તે પપ્પા માટે ચિત્ર દોરવા કલાકો વિતાવે છે. પણ બાળકને એવું લાગતું નથી કે તે ચિત્ર દોરવામાં સમય બગાડે છે. તે પપ્પાને પ્રેમ કરે છે અને તેમને ભેટ આપીને તેને પણ ખુશી મળે છે. એવી જ રીતે આપણે પણ યહોવાને પ્રેમ કરીએ છીએ. એટલે સાચી ભક્તિ કરવા ખુશી ખુશી સમય-શક્તિ આપીએ છીએ.
૧૬. હિબ્રૂઓ ૬:૧૦ પ્રમાણે યહોવાને આપણી મહેનત જોઈને કેવું લાગે છે?
૧૬ મમ્મી-પપ્પા બધાં બાળકો પાસેથી એકસરખી ભેટની આશા રાખતાં નથી. તેઓ જાણે છે કે દરેક બાળક અનોખું છે. એટલે એક બાળક જે આપી શકે એ બીજું ન પણ આપી શકે. એવી જ રીતે આપણા પ્રેમાળ પિતા યહોવા આપણા દરેકના સંજોગો સમજે છે. બની શકે કે તમે તમારાં સગાં કે મિત્રો કરતાં ભક્તિમાં વધારે કરો છો. અથવા તમે વધતી ઉંમર, ખરાબ તબિયત કે કુટુંબની જવાબદારીઓને લીધે કદાચ વધારે કરી શકતા નથી. પણ તમે નિરાશ થશો નહિ. (ગલા. ૬:૪) તમે દિલથી અને સારા ઇરાદાથી જે મહેનત કરો છો એનાથી યહોવા ખુશ થશે. તે ક્યારેય તમારાં કામોને નહિ ભૂલે. (હિબ્રૂઓ ૬:૧૦ વાંચો.) યહોવા આપણાં દિલની ઇચ્છાઓ જાણે છે. તે જાણે છે કે આપણે તેમના માટે શું કરવા માંગીએ છીએ. તે ચાહે છે કે આપણે તેમની ભક્તિમાં જેટલું કરી શકીએ છીએ એનાથી ખુશી મેળવીએ.
૧૭. (ક) ભક્તિને લગતી અમુક બાબતો કરવી અઘરું લાગે તો શું કરી શકીએ? (ખ) “ અનેરી ખુશી” બૉક્સમાં આપેલી કઈ બાબતથી તમારી ખુશીમાં વધારો થયો?
૧૭ ભક્તિને લગતી અમુક બાબતો જેમ કે, બાઇબલનો જાતે અભ્યાસ કરવો અથવા ખુશખબર ફેલાવવી અઘરું લાગે તો શું કરી શકીએ? એ કરવામાં જેટલો વધારે સમય આપીશું એટલી વધારે મજા આવશે અને આપણને ફાયદો થશે. ધારો કે, આપણને કોઈ ખાસ પ્રકારની કસરત કરવી છે અથવા આપણે કોઈ વાજિંત્ર વગાડતા શીખવું છે. પણ એ માટે ક્યારેક ક્યારેક સમય આપીશું તો કસરતથી ફાયદો થશે નહિ કે વાજિંત્ર વગાડતા આવડશે નહિ. જો આપણે દરરોજ સમય આપીશું તો ઘણો ફાયદો થશે. શરૂઆતમાં થોડો સમય આપી શકીએ અને ધીરે ધીરે સમય વધારી શકીએ. એમ કરીશું તો આપણી મહેનત રંગ લાવશે. એ જોઈને આપણને વધારે કરવાનું મન થશે અને મજા આવશે. એવી જ રીતે ભક્તિને લગતી બાબતો માટે મહેનત કરીશું તો એ કરવી સહેલી થઈ જશે અને આપણને અનેરી ખુશી મળશે.
૧૮. (ક) આપણાં જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે? (ખ) એનાથી કેવા આશીર્વાદ મળશે?
૧૮ યહોવાની ભક્તિ કરવી એ જ આપણાં જીવનમાં સૌથી મહત્ત્વનું છે. એમ કરીશું તો આપણને ખુશી મળશે અને જીવનમાં સંતોષ રાખી શકીશું. એટલું જ નહિ, યહોવાની હંમેશ માટે ભક્તિ કરવાની આશા મળશે. (નીતિ. ૧૦:૨૨) આજે આપણી પાસે મનની શાંતિ છે, કેમ કે આપણે જાણીએ છીએ કે મુશ્કેલીઓમાં યહોવા આપણી પડખે છે. (યશા. ૪૧:૯, ૧૦) સૃષ્ટિ પાસેથી ‘મહિમા અને માન મેળવવાને યોગ્ય’ હોય એવા પ્રેમાળ પિતા યહોવાની આપણે ભક્તિ કરતા રહીએ. (પ્રકટી. ૪:૧૧) એમ કરીશું તો આપણને અનેરી ખુશી મળશે!
ગીત ૧૬ ઈશ્વરના રાજ્યમાં આશરો લો
^ ફકરો. 5 યહોવાએ જ બધું બનાવ્યું છે, એટલે તે આપણી ભક્તિના હકદાર છે. જો આપણે તેમની આજ્ઞાઓ પાળીશું અને તેમના સિદ્ધાંતો પ્રમાણે જીવીશું, તો તે આપણી ભક્તિથી ખુશ થશે. આ લેખમાં આપણે યહોવાની ભક્તિને લગતી આઠ બાબતો વિશે ચર્ચા કરીશું. એ પણ શીખીશું કે કઈ રીતે એ બાબતો વધારે સારી રીતે કરી શકીએ અને કઈ રીતે અનેરી ખુશી મેળવી શકીએ.