કેટલા વાગ્યા?
જો તમારે સમય જાણવો હોય તો તમે શું કરશો? તમે કદાચ કાંડા ઘડિયાળ કે દીવાલની ઘડિયાળ તરફ નજર નાખશો. જો તમારા મિત્ર તમને સમય પૂછે તો તમે કઈ રીતે સમય જણાવશો? સમય જણાવવાની અલગ અલગ રીતો છે. ચાલો જોઈએ.
ધારો કે, બપોરના એક કલાક ને ત્રીસ મિનિટ થયા છે. તમે કદાચ કહેશો કે દોઢ વાગ્યા છે. જગ્યા કે રિવાજ પ્રમાણે તમે કદાચ સમય જણાવશો કે એક વાગીને ત્રીસ મિનિટ થઈ છે. સમય જણાવવાની આ રીત ૨૪ કલાકને આધારે હોય છે. અમુક જગ્યાઓ એવી છે, જ્યાં કદાચ એ સમય વિશે જણાવવા “બેમાં ૩૦ મિનિટ બાકી છે” એવું કહેવામાં આવે છે.
બાઇબલ વાંચતી વખતે તમને થતું હશે કે, બાઇબલ જમાનામાં સમય કઈ રીતે કહેવામાં આવતો હશે. એ વખતે, સમય કહેવાની અલગ અલગ રીતો હતી. બાઇબલના હિબ્રૂ ભાગમાં ‘સવાર,’ ‘બપોર,’ ‘ખરે બપોરે,’ ‘સાંજ’ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (ઉત. ૮:૧૧; ૧૯:૨૭; ૪૩:૧૬; પુન. ૨૮:૨૯; ૧ રાજા. ૧૮:૨૬) જોકે, અમુક વાર ચોક્કસ સમય પણ જણાવવામાં આવતો હતો.
એ દિવસોમાં ચોકીદારો રાખવાનો રિવાજ હતો, ખાસ કરીને રાતે. ઈસુનો જન્મ થયો એની સદીઓ પહેલાં, ઇઝરાયેલીઓએ રાતને ત્રણ ભાગમાં વહેંચી દીધી હતી. એ ભાગને પહોર પણ કહેવામાં આવે છે. (ગીત. ૬૩:૬) ન્યાયાધીશો ૭:૧૯માં “વચલા પહોર” શબ્દોનો ઉલ્લેખ થયો છે. પછીથી, ગ્રીક અને રોમનોએ રાતને ચાર પહોરમાં વહેંચી દીધી હતી. ઈસુના સમય સુધીમાં તો યહુદીઓએ એ રીત અપનાવી લીધી હતી.
ખુશખબરના પુસ્તકોમાં ઘણી વાર પહોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે, “રાતના ચોથા પહોરે” ઈસુ પાણીમાં ચાલતાં ચાલતાં હોડીમાં બેઠેલા શિષ્યો તરફ જઈ રહ્યા હતા. (માથ. ૧૪:૨૫) એક ઉદાહરણમાં, ઈસુએ જણાવ્યું હતું: “ચોર કયે પહોરે આવશે એ જો ઘરધણી જાણતો હોત, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત.”—માથ. ૨૪:૪૩, ઓ.વી.
ઈસુએ પોતાના શિષ્યોને આ વાત કહી ત્યારે, ચારેય પહોરનો ઉલ્લેખ કર્યો હતો: “એટલે, જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, મોડી સાંજે કે મધરાતે કે મળસકે કે વહેલી સવારે.” (માર્ક ૧૩:૩૫, ફૂટનોટ) ‘મોડી સાંજ’ સૌથી પહેલી પહોર હતી, જે સૂર્યાસ્તથી લઈને સાંજના નવેક વાગ્યા સુધી ગણાતી. ‘મધરાત’ બીજી પહોર હતી, જે સાંજના નવેક વાગ્યાથી લઈને મધરાત સુધી ગણાતી. “મળસકે” ત્રીજી પહોર હતી, જે મધરાતથી લઈને સવારના ત્રણેક વાગ્યા સુધી ગણાતી. આ પહોર માટે ‘કૂકડો બોલે ત્યારે’ એવા શબ્દો પણ વપરાતા. ઈસુની ધરપકડ થઈ એ રાતે કદાચ આ પહોર દરમિયાન કૂકડો બોલ્યો હશે. (માર્ક ૧૪:૭૨) ‘વહેલી સવાર’ ચોથી પહોર હતી, જે સવારના ત્રણેક વાગ્યાથી લઈને સૂર્ય ઉગે ત્યાં સુધી ગણાતી હતી.
બાઇબલ જમાનામાં, ભલે લોકો પાસે આજના જેવી સચોટ ઘડિયાળો ન હતી. પરંતુ, દિવસ કે રાતનો સમય જણાવવાની લોકો પાસે ચોક્કસ રીત હતી.