વિશ્વના માલિક બીજાઓની લાગણીઓનો વિચાર કરે છે
“[યહોવા] આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.”—ગીત. ૧૦૩:૧૪.
ગીતો: ૫૧, ૯
૧, ૨. (ક) મનુષ્યો સાથેના યહોવાના વર્તનમાં અને શક્તિશાળી લોકોના વર્તનમાં કઈ રીતે આભ-જમીનનો ફરક જોવા મળે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે, શક્તિશાળી લોકો બીજાઓ પર “હુકમ ચલાવે છે” અથવા જુલમ ગુજારે છે. (માથ. ૨૦:૨૫; સભા. ૮:૯) યહોવા ક્યારેય એવું કરતા નથી! આખા વિશ્વમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ હોવા છતાં, તે અપૂર્ણ મનુષ્યોની લાગણીઓ પર ધ્યાન આપે છે. તે દયાળુ છે અને આપણી લાગણીઓ અને જરૂરિયાતોનો વિચાર કરે છે. તે યાદ રાખે છે કે આપણે અપૂર્ણ છીએ અને તે આપણી ક્ષમતા જાણે છે. એટલે તે ક્યારેય આપણને એવું કામ સોંપતા નથી, જે આપણા ગજા બહારનું હોય.—ગીત. ૧૦૩:૧૩, ૧૪.
૨ આપણને બાઇબલમાંથી શીખવા મળે છે કે, યહોવા પોતાના લોકોની લાગણીઓને કેટલી હદે સમજે છે. એ વિશે આપણે ત્રણ દાખલાની ચર્ચા કરીશું. પહેલો, જ્યારે યુવાન શમૂએલે પ્રમુખ યાજકને ન્યાયચુકાદો જણાવવાનો હતો, ત્યારે યહોવા તેમની સાથે પ્રેમથી વર્ત્યા હતા. બીજો, જ્યારે મુસાને લાગ્યું કે પોતે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી છોડાવી શકશે નહિ, ત્યારે યહોવા તેમની સાથે ધીરજથી વર્ત્યા હતા. ત્રીજો, ઇઝરાયેલીઓએ ઇજિપ્ત છોડ્યું એ પછી યહોવાએ
તેઓની લાગણીઓનો વિચાર કર્યો હતો. યહોવા તેઓ સાથે જે રીતે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ?એક છોકરાની લાગણીઓનો વિચાર કર્યો
૩. એક રાતે શમૂએલ સાથે કઈ અજુગતી ઘટના થઈ, આપણને એ વિશે કેવો સવાલ થઈ શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૩ શમૂએલ નાના હતા ત્યારથી જ તે મંડપમાં કામ કરતા હતા. (૧ શમૂ. ૩:૧) એક રાતે તે સૂઈ ગયા ત્યારે કંઈક અજુગતું બન્યું. * (૧ શમૂએલ ૩:૨-૧૦ વાંચો.) તેમને લાગ્યું કે કોઈ તેમને નામથી બોલાવી રહ્યું છે. શમૂએલને થયું કે પ્રમુખ યાજક એલી તેમને બોલાવી રહ્યા છે. એટલે તે દોડીને તેમની પાસે ગયા અને કહ્યું: ‘હું આ રહ્યો; કેમ કે તમે મને બોલાવ્યો.’ પરંતુ, એલીએ જણાવ્યું કે ‘મેં તને બોલાવ્યો નથી.’ એવું બીજી બે વખત થયું, પછી એલીને સમજાયું કે શમૂએલને બોલાવનાર તો ઈશ્વર છે. એટલે ફરી એવું થાય ત્યારે શું બોલવું એ વિશે એલીએ શમૂએલને જણાવ્યું. શમૂએલે એવું જ કર્યું. યહોવાએ શરૂઆતમાં શમૂએલને જણાવ્યું નહિ કે પોતે બોલાવી રહ્યા છે. શા માટે યહોવાએ એવું કર્યું? બાઇબલ એ વિશે કંઈ જણાવતું નથી. પણ બની શકે કે યહોવા શમૂએલની લાગણીઓનો વિચાર કરીને એ રીતે વર્ત્યા હોઈ શકે.
૪, ૫. (ક) શમૂએલને એલી માટેનો સંદેશો મળ્યો ત્યારે શમૂએલે શું કર્યું? (ખ) આ અહેવાલ પરથી યહોવા વિશે શું શીખવા મળે છે?
૪ ૧ શમૂએલ ૩:૧૧-૧૮ વાંચો. યહોવાના નિયમશાસ્ત્રમાં બાળકો માટે આજ્ઞા હતી કે તેઓએ વૃદ્ધ લોકોનો આદર કરવો જોઈએ, ખાસ કરીને જેઓ પાસે અધિકાર હોય. (નિર્ગ. ૨૨:૨૮; લેવી. ૧૯:૩૨) એટલે સમજી શકાય કે, સવારે એલી પાસે જઈને ડર્યા વગર ઈશ્વરનો કડક ન્યાયચુકાદો જણાવવો યુવાન શમૂએલ માટે કેટલું અઘરું હતું. બાઇબલ જણાવે છે કે ‘એલીને સંદર્શન જણાવતાં શમૂએલ ગભરાયો.’ પરંતુ, ઈશ્વરે એ રીતે બાબતો હાથ ધરી, જેથી એલીને ખબર પડે કે ઈશ્વર શમૂએલને બોલાવી રહ્યા છે. એટલે, એલીએ શમૂએલને આજ્ઞા કરી કે ઈશ્વરે કહેલી કોઈ પણ વાત છુપાવે નહિ. શમૂએલે એલીની વાત માની અને ‘એ સર્વ વાત તેમને કહી.’
૫ એલી માટે એ સંદેશો અણધાર્યો ન હતો, કારણ કે અગાઉ “ઈશ્વરના એક ભક્તે” એલીને એના જેવો જ સંદેશો આપ્યો હતો. (૧ શમૂ. ૨:૨૭-૩૬) આ અહેવાલ પરથી શીખવા મળે છે કે યહોવા બીજાઓનો વિચાર કરે છે અને તે ઘણા સમજુ છે.
૬. ઈશ્વરે યુવાન શમૂએલને જે રીતે મદદ કરી એમાંથી આપણે શું શીખી શકીએ?
૬ યુવાનો, તમે શમૂએલના દાખલામાંથી શું શીખી શકો? તમે શીખી શકો કે યહોવા તમારી તકલીફો અને લાગણીઓ સમજે છે. શરમાળ હોવાથી મોટી ઉંમરના લોકોને ખુશખબર જણાવવી અથવા તમારી ઉંમરના લોકોથી અલગ તરી આવવું, કદાચ તમારા માટે અઘરું હોય. તમે ખાતરી રાખી શકો કે યહોવા તમને મદદ કરવા ચાહે છે. એટલે તેમને પ્રાર્થના કરો અને તમારી લાગણીઓ તેમની આગળ ઠાલવો. (ગીત. ૬૨:૮) બાઇબલમાંથી શમૂએલ જેવા બીજા યુવાનોના દાખલાઓ પર ઊંડો વિચાર કરો. તમારા જેવી તકલીફોનો સામનો કર્યો હોય એવાં ભાઈ-બહેનો સાથે વાત કરો, ભલે તેઓની ઉંમર તમારા જેટલી હોય કે તમારાથી મોટી હોય. કદાચ તેઓ તમને એવા સંજોગો વિશે જણાવશે, જેમાં યહોવાએ તેઓને મદદ કરી હતી. અરે, તેઓએ ધાર્યું પણ ન હતું એ રીતે મદદ કરી હતી.
મુસાની લાગણીઓનો વિચાર કર્યો
૭, ૮. યહોવાએ કઈ રીતે બતાવ્યું કે તે મુસાની લાગણીઓનો વિચાર કરે છે?
૭ મુસા ૮૦ વર્ષના હતા ત્યારે, યહોવાએ તેમને ઘણું અઘરું કામ સોંપ્યું હતું. એ કામ હતું, ઇઝરાયેલ રાષ્ટ્રને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવવાનું. (નિર્ગ. ૩:૧૦) એ વાત મુસાના માનવામાં નહિ આવી હોય, કારણ કે તે તો ૪૦ વર્ષથી મિદ્યાનમાં ઘેટાં ચરાવતા હતા. એટલે મુસાએ કહ્યું, “હું કોણ કે ફારૂનની પાસે જઈને ઈસ્રાએલ પુત્રોને મિસરમાંથી કાઢી લાવું?” યહોવાએ મુસાને ખાતરી અપાવી કે, “હું નિશ્ચે તારી સાથે હોઈશ.” (નિર્ગ. ૩:૧૧, ૧૨) યહોવાએ તેમને વચન આપ્યું કે ઇઝરાયેલના વડીલો તેમની વાત ચોક્કસ “સાંભળશે.” તોપણ મુસાએ કહ્યું કે, કદાચ “તેઓ મારું કહેવું ખરું નહિ માને, ને મારી વાણી નહિ સાંભળે.” (નિર્ગ. ૩:૧૮; ૪:૧) મુસા જાણે કહી રહ્યા હતા કે યહોવા ખોટા પડી શકે છે! તોપણ, યહોવા મુસા સાથે ધીરજથી વર્ત્યા. અરે, તેમણે મુસાને ચમત્કાર કરવાની શક્તિ પણ આપી. હકીકતમાં તો, બાઇબલમાં જણાવ્યા પ્રમાણે એવી શક્તિ મેળવનાર પ્રથમ માણસ મુસા હતા.—નિર્ગ. ૪:૨-૯, ૨૧.
૮ તેમ છતાં, મુસાએ બીજું એક બહાનું કાઢ્યું. તેમણે કહ્યું કે પોતે બરાબર બોલી શકતા નથી. એટલે ઈશ્વરે તેમને કહ્યું: “હું તારા મુખ સાથે હોઈશ, ને તારે શું કહેવું તે હું તને શીખવીશ.” છેવટે, શું મુસા તૈયાર થયા? ના, તેમણે ઈશ્વરને કહ્યું કે એ કામ માટે બીજા કોઈને મોકલે. એટલે યહોવાને ગુસ્સો તો આવ્યો, પણ તેમણે મુસાની લાગણીઓનો વિચાર કર્યો. તેમણે હારુનને મુસા વતી બોલવા મોકલ્યા.—નિર્ગ. ૪:૧૦-૧૬.
૯. યહોવાએ ધીરજ અને દયા બતાવી એનાથી મુસાને કઈ રીતે એક સારા આગેવાન બનવા મદદ મળી?
૯ આ અહેવાલમાંથી આપણને યહોવા વિશે શું શીખવા મળે છે? વિશ્વના માલિક, યહોવા પોતાની શક્તિ વાપરીને મુસાને ડરાવી ધમકાવી શક્યા હોત. પોતાની આજ્ઞા પાળવાની ફરજ પાડી શક્યા હોત. એને બદલે, યહોવાએ ધીરજ અને દયા બતાવી. તેમણે પોતાના નમ્ર સેવકને ખાતરી કરાવી કે પોતે તેમની પડખે રહેશે. શું એ રીતથી કંઈ ફાયદો થયો? હા, ચોક્કસ. ઈશ્વરના લોકો માટે મુસા એક સારા આગેવાન બન્યા. યહોવા તેમની સાથે જે રીતે વર્ત્યા, એ જ રીતે તે પણ બીજાઓ સાથે નરમાશથી વર્ત્યા અને તેમણે તેઓની લાગણીઓનો વિચાર કર્યો.—ગણ. ૧૨:૩.
૧૦. યહોવાની જેમ આપણે બીજાઓની લાગણીઓનો વિચાર કરીશું તો કેવા ફાયદા થશે?
૧૦ આપણે એમાંથી શું શીખી શકીએ? જો તમે પતિ, માબાપ કે વડીલ હો, તો બીજાઓ પર તમને અમુક અધિકાર હશે. એટલે ઘણું મહત્ત્વનું છે કે તમારે પણ યહોવાની જેમ બીજાઓનો વિચાર કરવો જોઈએ. તમારી પત્ની, બાળકો અને મંડળનાં ભાઈ-બહેનો કોલો. ૩:૧૯-૨૧; ૧ પીત. ૫:૧-૩) જો તમે મુસા કરતાં મહાન ઈસુને અને યહોવાને અનુસરશો, તો બીજાઓ તમારી પાસે આવતા અચકાશે નહિ અને તમે તેઓને ઉત્તેજન આપી શકશો. (માથ. ૧૧:૨૮, ૨૯) આમ, તમે તેઓ માટે એક સારો દાખલો બેસાડી શકશો.—હિબ્રૂ. ૧૩:૭.
સાથે તમે દયા અને ધીરજથી વર્તી શકો. (શક્તિશાળી પણ બીજાઓની લાગણીઓનો વિચાર કરનાર
૧૧, ૧૨. યહોવા ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા ત્યારે તેઓ કઈ રીતે સલામતી અનુભવી શક્યા?
૧૧ ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં ઇઝરાયેલીઓએ ઇજિપ્ત છોડ્યું ત્યારે, તેઓની સંખ્યા ૩૦ લાખ કરતાં વધારે હતી. એ ટોળામાં બાળકો, વૃદ્ધો અને કદાચ અમુક બીમાર કે અપંગ લોકો હતા. આટલા મોટા ટોળાને એક પ્રેમાળ અને કાળજી લેનાર આગેવાનની જરૂર હતી. એટલે યહોવાએ મુસા દ્વારા તેઓની સંભાળ રાખી. પરિણામે, ઇઝરાયેલીઓએ ઇજિપ્તમાંથી પોતાનું ઘર છોડવાનું થયું ત્યારે, તેઓને કોઈ ડર લાગ્યો નહિ.—ગીત. ૭૮:૫૨, ૫૩.
૧૨ યહોવાએ એવું શું કર્યું જેના લીધે તેમના લોકો સલામતી અનુભવી શક્યા? પહેલી બાબત, ઇઝરાયેલીઓએ ઇજિપ્ત છોડ્યું ત્યારે, યહોવાએ એક ગોઠવણ કરી. તેઓને સૈનિકોની ટુકડીઓની જેમ વહેંચી દીધા. (નિર્ગ. ૧૩:૧૮) એ ગોઠવણથી તેઓ જોઈ શક્યા કે સંજોગો ઈશ્વરના હાથમાં છે. બીજી બાબત, યહોવાએ દિવસે “મેઘથી” અને રાત્રે “અગ્નિના પ્રકાશથી” તેઓને દોર્યા. એનાથી તેઓ યાદ રાખી શક્યા કે ઈશ્વર તેઓની પડખે છે અને તેઓની સંભાળ રાખે છે. (ગીત. ૭૮:૧૪) ઇઝરાયેલીઓને એવી ખાતરીની ખરેખર જરૂર હતી. કેમ કે, એક બનાવ તેઓની રાહ જોઈ રહ્યો હતો.
૧૩, ૧૪. (ક) લાલ સમુદ્ર પાસે યહોવાએ ઇઝરાયેલીઓને કઈ રીતે બચાવ્યા? (ખ) કઈ રીતે યહોવાએ સાબિત કર્યું કે ઇજિપ્તના લોકો કરતાં તે ઘણા શક્તિશાળી છે?
૧૩ નિર્ગમન ૧૪:૧૯-૨૨ વાંચો. જરા કલ્પના કરો, તમે ઇઝરાયેલીઓની સાથે છો. તમે ફસાઈ ગયા છો. તમારી પાછળ ધૂળ ઉડાડતું ઇજિપ્તનું લશ્કર આવી રહ્યું છે અને તમારી આગળ ઘુઘવાતો લાલ સમુદ્ર છે. એ સમયે ઈશ્વર પગલાં ભરવાનું શરૂ કરે છે. જે મેઘસ્તંભ તમારી આગળ હતો, એ હવે તમારી પાછળ જતો રહ્યો છે. એટલે હવે એ મેઘસ્તંભ ઇઝરાયેલીઓ અને ઇજિપ્તના લોકો વચ્ચે છે. તમારી છાવણી પ્રકાશથી ઝગમગી ઊઠી છે, જ્યારે કે તેઓ પર તો ઘોર અંધકાર છવાઈ ગયો છે. પછી તમે મુસાને સમુદ્ર તરફ હાથ લંબાવતા જુઓ છો. પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવા લાગે છે. ધીરે ધીરે સમુદ્રના બે ભાગ થાય છે અને વચ્ચે કોરી જમીન દેખાવા લાગે છે. એટલે પેલે પાર જવા તમે, તમારું કુટુંબ અને તમારાં ઢોરઢાંક તથા બીજા લોકો તમારી ટુકડીનો વારો આવે ત્યારે સમુદ્રની જમીન તરફ આગળ વધો છો. સમુદ્રની જમીન પોચી કે લપસી પડાય એવી નથી, એ જોઈને તમારી નવાઈનો પાર રહેતો નથી. જમીન સૂકી અને મજબૂત છે, જેથી સહેલાઈથી ચાલી શકાય. પરિણામે, ધીરામાં ધીરી વ્યક્તિ પણ સલામત રીતે સમુદ્રને પાર કરે છે.
૧૪ નિર્ગમન ૧૪:૨૩, ૨૬-૩૦ વાંચો. એ દરમિયાન, ઘમંડી અને મૂર્ખ ફારુન તમારો અને તમારા સાથીઓનો પીછો કરતો કરતો સમુદ્રની જમીન પર આવી પહોંચે છે. પછીથી, મુસા ફરી સમુદ્ર તરફ પોતાનો હાથ લંબાવે છે. સમુદ્રનું પાણી ફારુન અને તેના સૈન્ય પર ફરી વળે છે. બધું જ પાણીમાં ગરક થઈ જાય છે!—નિર્ગ. ૧૫:૮-૧૦.
૧૫. આ અહેવાલ પરથી તમને યહોવા વિશે શું શીખવા મળે છે?
૧૫ આ અહેવાલ પરથી યહોવા વિશે બીજું પણ કંઈક શીખવા મળે છે. તે વ્યવસ્થાના ઈશ્વર છે અને તેમના આ ગુણના લીધે આપણે સલામતી અને રક્ષણ અનુભવીએ છીએ. (૧ કોરીં. ૧૪:૩૩) જેમ એક ઘેટાંપાળક પોતાના ઘેટાંને પ્રેમ કરે છે અને સાચવે છે, તેમ યહોવા પોતાના લોકોની સંભાળ રાખવા વ્યવહારું પગલાં ભરે છે. તે તેઓને રક્ષણ પૂરું પાડે છે અને દુશ્મનોથી બચાવે છે. આપણે આ દુનિયાના અંતની નજીક જઈ રહ્યા છીએ, એટલે આ અહેવાલથી આપણને ઘણો દિલાસો અને આશ્વાસન મળે છે.—નીતિ. ૧:૩૩.
૧૬. યહોવાએ ઇઝરાયેલીઓને જે રીતે બચાવ્યા એ યાદ કરવાથી આપણને કઈ રીતે ફાયદો થઈ શકે?
પ્રકટી. ૭:૯, ૧૦) એટલે, યહોવાના લોકો યુવાન હોય કે વૃદ્ધ, તંદુરસ્ત હોય કે અપંગ, તેઓ મહાન વિપત્તિ વખતે ગભરાશે નહિ કે ચિંતા કરશે નહિ. * અરે, તેઓ એનો પૂરી હિંમતથી સામનો કરશે! તેઓ ઈસુના આ શબ્દો યાદ રાખશે: “માથાં ઊંચાં કરીને સીધા ઊભા રહો, કારણ કે તમારો ઉદ્ધાર નજીક આવી રહ્યો છે.” (લુક ૨૧:૨૮) ફારુન કરતાં પણ વધારે શક્તિશાળી ગોગ એટલે કે રાષ્ટ્રોનો સમૂહ તેઓ પર હુમલો કરશે. તોપણ યહોવાના લોકોને પૂરો ભરોસો હશે કે યહોવા તેઓનું રક્ષણ કરશે. (હઝકી. ૩૮:૨, ૧૪-૧૬) શા માટે? કારણ કે તેઓ જાણે છે કે યહોવા ક્યારેય બદલાતા નથી. યહોવા ફરીથી એ સાબિત કરશે કે તે પ્રેમાળ છે અને પોતાના લોકોનો હંમેશાં બચાવ કરે છે.—યશા. ૨૬:૩, ૨૦.
૧૬ આજે પણ યહોવા પોતાના લોકોને એક ટોળાં તરીકે સાચવે છે. યહોવા તેઓને મદદ કરે છે, જેથી તેઓ યહોવા સાથે મિત્રતા પાકી કરી શકે. તે તેઓને દુશ્મનોથી બચાવે છે. બહુ જલદી જ આવી પડનાર મહાન વિપત્તિ દરમિયાન પણ તે એમ કરતા રહેશે. (૧૭. (ક) યહોવાએ પોતાના લોકોની જે રીતે કાળજી રાખી એમાંથી આપણે શું શીખી શકીએ? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૧૭ આ લેખમાં આપણે અમુક દાખલાઓની ચર્ચા કરી. એમાંથી શીખવા મળ્યું કે યહોવા પોતાના લોકોની કાળજી રાખે, માર્ગદર્શન આપે અને બચાવે ત્યારે તે કઈ રીતે તેઓનો વિચાર કરે છે. તેમ જ, તેઓ પર દયા બતાવે છે. તમે એ અહેવાલો પર મનન કરો, તેમ યહોવા વિશે નવી નવી બાબતો શીખવાનો પ્રયત્ન કરો, જેના વિશે તમે પહેલાં ક્યારેય વિચાર્યું ન હોય. તમે યહોવાના સુંદર ગુણો વિશે વધારે શીખશો તેમ, તેમના માટેનો તમારો પ્રેમ અને તમારી શ્રદ્ધા વધતી ને વધતી જશે. આવતા લેખમાં આપણે એવી રીતો વિશે શીખીશું, જેની મદદથી આપણે કુટુંબમાં, મંડળમાં અને સેવાકાર્યમાં બીજાઓનો વિચાર કરીને યહોવાને અનુસરી શકીએ છીએ.
^ ફકરો. 3 યહુદી ઇતિહાસકાર જોસેફસના જણાવ્યા પ્રમાણે શમૂએલ એ સમયે ૧૨ વર્ષના હતા.
^ ફકરો. 16 એમ ધારવું વાજબી છે કે આર્માગેદનમાંથી બચી જનારાઓમાં અપંગ લોકો પણ હશે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે “સર્વ પ્રકારની માંદગી” અથવા દરેક પ્રકારની અપંગતા ધરાવતા લોકોને સાજા કર્યા હતા. એનાથી આપણને જાણવા મળે છે કે આર્માગેદનમાંથી બચી જનારાઓને ઈસુ સાજા કરશે. (માથ. ૯:૩૫) જ્યારે કે, જેઓ સજીવન થશે તેઓનું શરીર તંદુરસ્ત હશે.