અભ્યાસ લેખ ૩૮
“મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ”
“ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજથી દબાયેલાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ.” —માથ. ૧૧:૨૮.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત
ઝલક *
૧. માથ્થી ૧૧:૨૮-૩૦માં ઈસુએ કયું વચન આપ્યું હતું?
ઈસુને સાંભળવા મોટું ટોળું આવ્યું હતું. ઈસુએ તેઓને સરસ વચન આપ્યું: “મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ.” (માથ્થી ૧૧:૨૮-૩૦ વાંચો.) તેમણે એ વચન ખાલી આપવા ખાતર આપ્યું ન હતું. શા પરથી એ કહી શકાય? એ સમજવા ચાલો જોઈએ કે, ગંભીર બીમારીથી પીડાતી એક સ્ત્રી સાથે ઈસુ કઈ રીતે વર્ત્યા.
૨. ઈસુ બીમાર સ્ત્રી સાથે કઈ રીતે વર્ત્યા?
૨ એ સ્ત્રીને મદદની ખૂબ જરૂર હતી. સાજા થવાની આશા સાથે તે કેટલાય વૈદો પાસે ગઈ પણ તેની આશા ઠગારી નીવડી. બાર વર્ષ થઈ ગયા તોપણ તેને એ બીમારીથી છુટકારો ન મળ્યો. નિયમ પ્રમાણે તે અશુદ્ધ હતી. (લેવી. ૧૫:૨૫) પછી તેના સાંભળવામાં આવ્યું કે ઈસુ બીમારોને સાજા કરે છે. એટલે તે તેમને શોધવા નીકળી પડી. ઈસુ નજરે પડ્યા ત્યારે તે તેમની નજીક ગઈ. તે તેમના ઝભ્ભાની કોરને અડકી કે તરત સાજી થઈ ગઈ. ઈસુએ તેને સાજી કરી, ફક્ત એટલું જ નહિ, તેમણે એનાથી વધારે કંઈક કર્યું. ઈસુ તેની સાથે પ્રેમ અને આદરથી વર્ત્યા. જેમ કે, ઈસુએ તેને પ્રેમથી “દીકરી” કહીને બોલાવી. એ શબ્દ સાંભળીને સ્ત્રીને કેટલી રાહત અને તાજગીનો અનુભવ થયો હશે!—લુક ૮:૪૩-૪૮.
૩. આ લેખમાં કયા સવાલોના જવાબ જોઈશું?
૩ તમે ધ્યાન આપ્યું, ઈસુ પાસે જવા એ સ્ત્રીએ પહેલ કરી હતી. તે ઈસુને મળવા ગઈ હતી. એવી જ રીતે, આપણે પણ ઈસુ ‘પાસે આવવા’ પહેલ કરવી જોઈએ. જેઓ ઈસુ ‘પાસે આવે’ છે, તેઓને આજે ઈસુ ચમત્કાર કરીને બીમારીમાંથી સાજા કરતા નથી. પણ ઈસુ આજે બધાને આમંત્રણ આપે છે:
“મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ.” લેખમાં આપણે આ પાંચ સવાલોના જવાબ જોઈશું: આપણે કઈ રીતે ઈસુ ‘પાસે આવી’ શકીએ? ઈસુએ કહ્યું, “મારી ઝૂંસરી તમારા પર લો” ત્યારે તેમના કહેવાનો શું અર્થ હતો? આપણે ઈસુ પાસેથી શું શીખી શકીએ? તેમણે સોંપેલા કામથી કઈ રીતે તાજગી મળે છે? ઈસુની ઝૂંસરી નીચે રહીને આપણે કઈ રીતે તાજગી મેળવતા રહી શકીએ?“મારી પાસે આવો”
૪-૫. ઈસુ ‘પાસે આવવાની’ અમુક રીતો કઈ છે?
૪ ઈસુ ‘પાસે આવવાની’ એક રીત છે કે, તેમનાં કામો અને વાતો વિશે બને એટલું વધારે શીખવાનો પ્રયત્ન કરીએ. (લુક ૧:૧-૪) બીજું કોઈ આપણા વતી એવું કરી શકશે નહિ, એ અહેવાલોનો આપણે પોતે અભ્યાસ કરીએ. બાપ્તિસ્મા લઈને ખ્રિસ્તના શિષ્ય બનવાનો નિર્ણય કરીને પણ આપણે ઈસુની ‘પાસે આવી’ શકીએ છીએ.
૫ ઈસુ ‘પાસે આવવાની’ બીજી રીત છે કે, જરૂર હોય ત્યારે મંડળના વડીલોની મદદ લઈએ. પોતાનાં ઘેટાંની સંભાળ લેવા ઈસુએ એ “માણસો ભેટ તરીકે આપ્યા” છે. (એફે. ૪:૭, ૮, ૧૧; યોહા. ૨૧:૧૬; ૧ પીત. ૫:૧-૩) તેઓની મદદ લેવા આપણે પહેલ કરવી જોઈએ. એવું ન વિચારીએ કે વડીલો આપણા દિલની વાત અને આપણી જરૂરિયાતો આપોઆપ જાણી લેશે. એ વિશે જુલિયનભાઈ કહે છે: “તબિયત બગડી ત્યારે મારે બેથેલની સોંપણી છોડવી પડી. મારા એક મિત્રએ કહ્યું કે ‘વડીલોને વિનંતી કર કે તને ઉત્તેજન આપવા તારી મુલાકાત લે.’ પહેલા તો મને લાગ્યું, એની શું જરૂર છે. પણ પછીથી મેં વડીલો સાથે વાત કરી અને તેઓએ મારી મુલાકાત લીધી. એ મુલાકાતથી મને એટલો ફાયદો થયો કે, એને હું મારા જીવનની સૌથી મોટી ભેટ ગણું છું.” જુલિયનને બે વડીલોએ મદદ કરી હતી. એવા વફાદાર વડીલો આપણને પણ “ખ્રિસ્ત ઈસુનું મન” જાણવા મદદ કરશે. એટલે કે, આપણને તેમનાં વિચારો અને કાર્યો સમજવા અને એ પ્રમાણે કરવા મદદ કરશે. (૧ કોરીં. ૨:૧૬; ૧ પીત. ૨:૨૧) એ આપણા માટે સૌથી ઉત્તમ ભેટ ગણાશે!
“મારી ઝૂંસરી તમારા પર લો”
૬. ઈસુએ કહ્યું, “મારી ઝૂંસરી તમારા પર લો” ત્યારે તેમના કહેવાનો શું અર્થ હતો?
૬ ઈસુએ કહ્યું: “મારી ઝૂંસરી તમારા પર લો” ત્યારે તે કદાચ કહેવા માંગતા હશે, “મારું કહેવું માનો.” તે કદાચ આવું પણ કહેવા માંગતા હોય, “મારી ઝૂંસરી નીચે આવો અને આપણે સાથે મળીને યહોવા માટે કામ કરીએ.” ભલે તેમના કહેવાનો અર્થ આ બેમાંથી કોઈ પણ હોય, પરંતુ એ શબ્દોથી જોવા મળે છે કે આપણે કોઈ કામ કરવાનું છે.
૭. માથ્થી ૨૮:૧૮-૨૦ પ્રમાણે આપણને કયું કામ મળ્યું છે? આપણને કઈ ખાતરી છે?
૭ યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે, આપણે ઈસુનું આમંત્રણ સ્વીકારીએ છીએ. એ આમંત્રણ બધા માટે છે. જેઓ દિલથી ઈશ્વરની ભક્તિ કરવા માંગે છે, તેઓને ઈસુ આવકારે છે. (યોહા. ૬:૩૭, ૩૮) યહોવાએ ઈસુને એક કામ સોંપ્યું હતું. જોકે, એ કામ કરવાનો ખ્રિસ્તના બધા શિષ્યોને લહાવો મળ્યો છે. આપણને ખાતરી છે કે એ કામમાં જરૂરી મદદ આપવા ઈસુ હંમેશાં તૈયાર રહેશે.—માથ્થી ૨૮:૧૮-૨૦ વાંચો.
“મારી પાસેથી શીખો”
૮-૯. નમ્ર લોકો શા માટે ઈસુની નજીક આવતા હતા? આપણે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?
૮ નમ્ર લોકો ઈસુની નજીક આવતા હતા. (માથ. ૧૯:૧૩, ૧૪; લુક ૭:૩૭, ૩૮) ઈસુ અને ફરોશીઓ વચ્ચે આભ-જમીનનો ફરક હતો. એ ધર્મગુરુઓ ક્રૂર અને ઘમંડી હતા. (માથ. ૧૨:૯-૧૪) જ્યારે કે ઈસુ પ્રેમાળ અને નમ્ર હતા. ફરોશીઓને પ્રખ્યાત થવું ગમતું હતું. સમાજમાં તેઓ પાસે મોટી પદવી હતી, જેનું તેઓને ઘમંડ હતું. પણ ઈસુ એવા ન હતા. તે તો પોતાના શિષ્યોને નમ્ર બનવાનું અને બીજાઓની સેવા કરવાનું શીખવતા. (માથ. ૨૩:૨, ૬-૧૧) લોકોને ડર હતો કે, તેઓ ફરોશીઓનું કહેવું નહિ માને તો એનું ખરાબ પરિણામ આવશે. લોકો ડરતા હતા એટલે ફરોશીઓ તેઓ પર હુકમ ચલાવતા. (યોહા. ૯:૧૩, ૨૨) જ્યારે કે ઈસુનાં પ્રેમાળ વાણી-વર્તનથી લોકોને તાજગી મળતી.
૯ ઈસુ પાસેથી કેટલો સરસ બોધપાઠ શીખવા મળે છે. આ સવાલોનો વિચાર કરો: “શું બીજાઓ મને પ્રેમાળ અને નમ્ર ગણે છે? બીજાઓને મદદ કરવા શું હું ખુશીથી નાનાં નાનાં કામ કરું છું? શું હું બીજાઓ સાથે પ્રેમથી વર્તું છું?”
૧૦. સાથે કામ કરનારાઓ માટે ઈસુ કેવો માહોલ રાખતા?
૧૦ સાથે કામ કરનારાઓ માટે ઈસુ શાંત અને હળવો માહોલ રાખતા. તેઓને તાલીમ આપવાનું ઈસુને ગમતું. (લુક ૧૦:૧, ૧૯-૨૧) ઈસુના શિષ્યો ડર્યા વગર તેમને સવાલો પૂછી શકતા અને ઈસુ તેઓની વાત સાંભળવા હંમેશાં તૈયાર રહેતા. (માથ. ૧૬:૧૩-૧૬) જો ખરાબ હવામાનથી છોડનું રક્ષણ કરવામાં આવે, તો એ ફૂલેફાલે છે. એવી જ રીતે, ઈસુની પ્રેમાળ દેખરેખને લીધે શિષ્યો પણ ખીલી ઊઠ્યા હતા. ઈસુએ શીખવેલા બોધપાઠ પર તેઓએ ધ્યાન આપ્યું અને તેઓએ ફળ આપ્યાં, એટલે કે સારાં કાર્યો કર્યાં.
૧૧. આપણે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?
૧૧ શું તમારી પાસે અધિકાર છે? તો આ સવાલોનો વિચાર કરો: “કામની જગ્યાએ અને ઘરે હું કેવો માહોલ રાખું છું? શું હું શાંત માહોલ રાખું છું? શું હું બીજાઓને સવાલો પૂછવાનું કહું છું? તેઓની વાત સાંભળવા શું હું તૈયાર હોઉં છું?” ફરોશીઓને સવાલો પૂછવામાં આવે તો તેઓને રીસ ચઢતી. તેઓની હામાં હા ન મિલાવનારને તેઓ હેરાન કરતા. આપણે ક્યારેય તેઓના જેવા બનવા માંગતા નથી, ખરું ને!—માર્ક ૩:૧-૬; યોહા. ૯:૨૯-૩૪.
“તમને વિસામો મળશે”
૧૨-૧૪. ઈસુએ સોંપેલું કામ કરવાથી શા માટે તાજગી મળે છે?
૧૨ ઈસુએ સોંપેલું કામ કરવાથી શા માટે વિસામો એટલે કે તાજગી મળે છે? એનાં ઘણાં કારણો છે. ચાલો એમાંનાં થોડાં કારણોની ચર્ચા કરીએ.
૧૩ આપણી પાસે સૌથી સારી રીતે દેખરેખ રાખનારા ભાઈઓ છે. પણ દેખરેખ રાખવામાં યહોવા સૌથી ઉત્તમ છે. એક ક્રૂર માલિક પોતાના સેવકોની કદર કરતો નથી. પણ યહોવા એવા નથી, તે તો આપણા કામની કદર કરે છે. (હિબ્રૂ. ૬:૧૦) જવાબદારી પૂરી કરવા તે આપણને શક્તિ આપે છે. (૨ કોરીં. ૪:૭; ગલા. ૬:૫) બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ, એ વિશે આપણા રાજા ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. (યોહા. ૧૩:૧૫) વડીલો આપણી કાળજી રાખે છે. તેઓ “મહાન ઘેટાંપાળક” ઈસુના પગલે ચાલવાનો પ્રયત્ન કરે છે. (હિબ્રૂ. ૧૩:૨૦; ૧ પીત. ૫:૨) તેઓ આપણને શીખવે છે અને આપણું રક્ષણ કરે છે. પ્રેમાળ બનવા અને બીજાઓને ઉત્તેજન તથા હિંમત આપવા તેઓ મહેનત કરે છે.
૧૪ આપણી પાસે સૌથી સારા મિત્રો છે. આપણી પાસે પ્રેમાળ મિત્રો છે અને ઈશ્વરે આપેલું સારું કામ છે. દુનિયાના લોકો પાસે એ બધું નથી. જરા વિચારો: આપણને એવા લોકો સાથે કામ કરવાનો લહાવો મળ્યો છે, જેઓ સારાં ધોરણો પ્રમાણે જીવે છે. પણ તેઓ એવું નથી વિચારતા કે પોતે બીજાઓ કરતાં વધારે સારા છે. તેઓ પાસે ઘણી આવડતો છે, પણ તેઓ ઘમંડ કરતા નથી. તેઓ બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા ગણે છે. તેઓ આપણને સાથે કામ કરનારા ગણે છે, આપણને મિત્રો માને છે. એ મિત્રતા એટલી ગાઢ છે કે તેઓ આપણા માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર હોય છે.
૧૫. આપણને મળેલા કામને કેવું ગણીએ છીએ?
૧૫ આપણી પાસે સૌથી સારું કામ છે. આપણે લોકોને યહોવા વિશેનું સત્ય જણાવીએ છીએ. શેતાને ફેલાવેલાં જૂઠાણાંને આપણે ખુલ્લું પાડીએ છીએ. (યોહા. ૮:૪૪) શેતાને લોકોને જૂઠાણાંના બોજ નીચે દબાવી દીધા છે. દાખલા તરીકે, તે આપણા મનમાં ઠસાવવા ચાહે છે કે, યહોવા આપણને પ્રેમ કરતા નથી અને તે આપણાં પાપોને માફ કરશે નહિ. કેવું હળહળતું જૂઠાણું! એનાથી તો લોકો સાવ નિરાશ થઈ જાય છે. ખ્રિસ્ત ‘પાસે આવીએ’ છીએ ત્યારે, આપણાં પાપોની માફી મળે છે. યહોવા આપણને બધાને બહુ પ્રેમ કરે છે. (રોમ. ૮:૩૨, ૩૮, ૩૯) લોકો યહોવા પર આધાર રાખવાનું શીખે અને તેઓનું જીવન સુધરે એ માટે આપણે તેઓને મદદ કરીએ છીએ. તેઓને એમ કરતા જોવાનો આપણને કેટલો સુંદર લહાવો મળ્યો છે!
ઈસુની ઝૂંસરી નીચે આવો અને તાજગી મેળવતા રહો
૧૬. ઈસુ જે બોજો ઊંચકવાનો કહે છે, એ કઈ રીતે બીજા બોજા જેવો નથી?
૧૬ ઈસુ આપણને જે બોજો ઊંચકવાનો કહે છે, એ બીજા બોજા જેવો નથી. દાખલા તરીકે, આખો દિવસ નોકરી-ધંધો કર્યા પછી દિવસના અંતે આપણે થાકીને લોથપોથ થઈ જઈએ છીએ. પણ એ કામથી આપણને ખુશી મળતી નથી. યહોવા અને ખ્રિસ્તની સેવામાં સમય વિતાવવાથી આપણને મનની શાંતિ મળે છે. નોકરી-ધંધા પર આખો દિવસ કામ કર્યા પછી આપણે થાકી જઈએ છીએ. એટલે, સાંજે મંડળની સભામાં જવા આપણે વધારે પ્રયત્નો કરવા પડે છે. પણ સભામાંથી ઘરે પાછા આવીએ ત્યારે, મોટા ભાગે આપણા મનમાં ખુશી અને તાજગી હોય છે. ખુશખબર ફેલાવવા અને બાઇબલનો જાતે અભ્યાસ કરવા તનતોડ મહેનત કરીએ છીએ ત્યારે પણ, એવું જ અનુભવીએ છીએ. એનાથી જે ફાયદો થાય છે, એની સામે તો આપણે કરેલી મહેનત કંઈ જ નથી!
૧૭. આપણે કઈ હકીકત સ્વીકારવી જોઈએ? આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ?
૧૭ આપણી પાસે પુષ્કળ તાકાત નથી, એ હકીકત સ્વીકારવી જોઈએ. એટલે આપણે જે કંઈ કરીએ એ સમજી-વિચારીને કરીએ. જેમ કે, ધનદોલત ભેગી કરવા કદાચ આપણે બધી તાકાત લગાવી દઈએ. એક ધનવાન યુવાને ઈસુને પૂછ્યું હતું, “હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?” એ યુવાન નિયમશાસ્ત્ર પાળતો હતો. તે સારો માણસ હશે. કારણ કે માર્કે લખેલી ખુશખબરમાં ખાસ જણાવ્યું છે કે, ઈસુએ તેને ‘પ્રેમભરી નજરે’ જોયું. ઈસુએ એ યુવાનને આમંત્રણ આપ્યું: ‘તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને આવ, મારો શિષ્ય બન.’ તે ઈસુની પાછળ જવા તો માંગતો હતો, પણ ‘માલમિલકતનો’ મોહ છોડી શક્યો નહિ. (માર્ક ૧૦:૧૭-૨૨) આમ તેણે ઈસુની ઝૂંસરીનો નકાર કર્યો અને “ધનદોલતની” ચાકરી કરવાનું છોડ્યું નહિ. (માથ. ૬:૨૪) તમે એની જગ્યાએ હોત તો શું કર્યું હોત?
૧૮. આપણે શાની તપાસ કરતા રહેવું જોઈએ? શા માટે?
૧૮ થોડા થોડા સમયે તપાસ કરતા રહેવું જોઈએ કે, આપણા જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે. શા માટે? એમ કરીશું તો સમજી-વિચારીને આપણી તાકાતનો ઉપયોગ કરીશું. માર્ક નામનો યુવાન કહે છે: ‘વર્ષો સુધી મને લાગતું કે હું સાદું જીવન જીવી રહ્યો છું. હું પાયોનિયર હતો, પણ હંમેશાં પૈસા કમાવવાનાં સપનાં જોતો. જીવન કઈ રીતે લહેરથી જીવાય એનો વિચાર કર્યા કરતો. એટલે થતું કે પરાણે જીવન જીવતો હોઉં એવું કેમ લાગે છે. મને સમજાયું કે હું મોટા ભાગનો સમય મારી ઇચ્છાઓ પૂરી કરવામાં કાઢતો હતો. પછી બચેલાં-કુચેલાં સમય-શક્તિ યહોવાની સેવામાં વાપરતો.’ માર્કે પોતાનાં વિચારોમાં અને જીવનમાં સુધારો કર્યો. આમ યહોવાની સેવાને તે જીવનમાં પ્રથમ રાખી શક્યો. માર્ક કહે છે: ‘હજુ પણ અમુક વાર પૈસાની ચિંતા થાય છે. પણ યહોવાની મદદ અને ઈસુના સાથથી એનો સામનો કરી શકું છું.’
૧૯. યોગ્ય વિચારો કેળવવા શા માટે મહત્ત્વનું છે?
૧૯ જો આપણે ત્રણ બાબતો કરીશું, તો ઈસુની ઝૂંસરી નીચે તાજગી મેળવતા રહી શકીશું. પહેલી બાબત, યોગ્ય વિચારો કેળવીએ. આપણે યહોવાનું કામ કરીએ છીએ, એટલે યહોવાની રીતે કરવું જોઈએ. યહોવા માલિક છે અને આપણે તેમના ચાકરો છીએ. (લુક ૧૭:૧૦) એક બળદ પર માલિકે ઝૂંસરી મૂકી હોય છે અને તેના હાથમાં એની લગામ હોય છે. જો શક્તિશાળી બળદ ઝૂંસરી વિરુદ્ધ લડવા જાય કે બીજી દિશામાં જાય તો, કદાચ એને ઈજા થશે અથવા એ થાકી જશે. એવી જ રીતે, જો યહોવાનું કામ આપણી રીતે કરવા જઈશું, તો આપણે જાણે એ ઝૂંસરી વિરુદ્ધ જઈએ છીએ. પણ યહોવાના માર્ગદર્શન પ્રમાણે કરીશું તો આપણે ધાર્યા કરતાં વધુ કરી શકીશું. તેમની મદદથી કોઈ પણ નડતર પાર કરી શકીશું. યાદ રાખીએ કે, યહોવાને પોતાની ઇચ્છા પૂરી કરતા કોઈ પણ રોકી શકે એમ નથી!—રોમ. ૮:૩૧; ૧ યોહા. ૪:૪.
૨૦. ઈસુની ઝૂંસરી ઉપાડવા પાછળ આપણો ઇરાદો કેવો હોવો જોઈએ?
૨૦ બીજી બાબત, સારા ઇરાદાથી કામ કરીએ. આપણે પ્રેમાળ પિતા યહોવાને મહિમા આપવા માંગીએ છીએ. પહેલી સદીમાં જેઓ સ્વાર્થી અને લોભી હતા, તેઓ જલદી નિરાશ થઈ ગયા. તેઓએ ઈસુની ઝૂંસરી છોડી દીધી. (યોહા. ૬:૨૫-૨૭, ૫૧, ૬૦, ૬૬; ફિલિ. ૩:૧૮, ૧૯) જેઓને ઈશ્વર અને પડોશી માટે પ્રેમ હતો, તેઓ પૃથ્વી પર જીવ્યા ત્યાં સુધી એ ઝૂંસરી ઉપાડતા રહ્યા. તેઓ પાસે ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રહેવાની આશા હતી. તેઓની જેમ, આપણે પણ સારા ઇરાદા સાથે ઈસુની ઝૂંસરી ઉપાડીશું તો ખુશ રહીશું.
૨૧. માથ્થી ૬:૩૧-૩૩ પ્રમાણે આપણે યહોવા પાસે કેવી આશા રાખી શકીએ?
૨૧ ત્રીજી બાબત, યહોવા આપણી પડખે રહેશે એવી આશા રાખીએ. આપણે નક્કી કર્યું છે કે બીજાઓ માટે જતું કરીશું અને મહેનત કરીશું. ઈસુએ ચેતવણી આપી હતી કે આપણી સતાવણી થશે. કોઈ પણ કસોટી સહેવા યહોવા આપણને શક્તિ આપશે એવી આશા રાખી શકીએ. જેટલું વધારે સહન કરીશું, એટલા વધારે મજબૂત બનીશું. (યાકૂ. ૧:૨-૪) આપણે આશા રાખી શકીએ કે યહોવા જરૂરી બધું પૂરું પાડશે, ઈસુ કાળજી રાખશે અને ભાઈ-બહેનો ઉત્તેજન આપશે. (માથ્થી ૬:૩૧-૩૩ વાંચો; યોહા. ૧૦:૧૪; ૧ થેસ્સા. ૫:૧૧) એનાથી વધારે બીજું શું જોઈએ!
૨૨. આપણે શાના લીધે ખુશ છીએ?
૨૨ આગળ જોયું તેમ, ઈસુએ એક સ્ત્રીને સાજી કરી હતી. એ સમયે તેને તાજગી મળી હતી, પણ હંમેશ માટેની તાજગી મેળવવા તો તેણે ખ્રિસ્તના વફાદાર શિષ્ય બનવાનું હતું. તેણે શું કર્યું હશે? જો તેણે ઈસુએ આપેલી ઝૂંસરી ઉપાડવાનું નક્કી કર્યું હશે, તો તેને કેવું ઇનામ મળ્યું હશે? ઈસુ સાથે સ્વર્ગમાં સેવા કરવાનું ઇનામ! જરા વિચારો, ખ્રિસ્તને પગલે ચાલવા તેણે જે પણ જતું કર્યું હશે, એ તો આ ઇનામ સામે કંઈ જ નથી. કદાચ આપણી પાસે સ્વર્ગમાં કે પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા હશે. ઈસુએ આપણને બધાને આમંત્રણ આપ્યું છે, “મારી પાસે આવો.” એ આમંત્રણ સ્વીકારીને આપણે કેટલા ખુશ છીએ!
ગીત ૫ ઈસુને પગલે ચાલું
^ ફકરો. 5 ઈસુ તેમની પાસે આવવાનું આપણને આમંત્રણ આપે છે. એ આમંત્રણ સ્વીકારવા આપણે શું કરવું જોઈએ? એ સવાલનો જવાબ આ લેખમાં જોઈશું. ખ્રિસ્ત સાથે કામ કરવાથી કઈ રીતે વિસામો એટલે કે તાજગી મળે છે, એની પણ ચર્ચા કરીશું.
^ ફકરો. 60 ચિત્રની સમજ: ઈસુએ ઘણી રીતોએ બીજાઓને તાજગી આપી હતી.
^ ફકરો. 66 ચિત્રની સમજ: ઈસુની જેમ, એક ભાઈ બીજાઓને અનેક રીતે તાજગી આપી શકે છે.