ઈશ્વરનું રાજ્ય શું કરશે?
ઈસુએ પોતાના શિષ્યોને ઈશ્વરનું રાજ આવે એવી પ્રાર્થના કરવાનું શીખવ્યું. તે જાણતા હતા કે દુનિયામાં જે ખરાબ બાબતો બની રહી છે, એ ઈશ્વરની ઇચ્છા ન હતી. તે એ પણ જાણતા હતા કે ફક્ત ઈશ્વરનું રાજ્ય જ બધી દુષ્ટતા કાઢી શકે છે. ઈશ્વરનું રાજ દુનિયાની હાલત સુધારવા શું કરશે?
ઈશ્વરના રાજ્યએ અત્યાર સુધી શું કર્યું છે?
પાછલા લેખમાં આપણે જોયું કે ઈસુએ અમુક બનાવો વિશે વાત કરી હતી. એ બધા બનાવો પુરાવો આપે છે કે સ્વર્ગમાં ઈશ્વરનું રાજ શરૂ થઈ ગયું છે. ઈસુ એના રાજા છે.
બાઇબલ જણાવે છે કે રાજા બન્યા પછી ઈસુએ સૌથી પહેલા શેતાન અને તેના દુષ્ટ દૂતોને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. તેઓને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. હવે તેઓ બીજે ક્યાંય જઈ શકે એમ નથી. આ એક કારણ છે, જેના લીધે ૧૯૧૪થી દુનિયાની હાલત બગડી રહી છે.—પ્રકટીકરણ ૧૨:૭, ૯.
ખરું કે, દુનિયાની હાલત દિવસે દિવસે બગડતી જાય છે. પણ પૃથ્વીના લોકો માટે રાજા ઈસુ ઘણું બધું કરી રહ્યા છે. આખી દુનિયામાં લોકોને બાઇબલ વિશે શીખવવામાં આવે છે, જેના વિશે ઈસુએ પહેલેથી જણાવ્યું હતું. આ શિક્ષણની મદદથી ઘણા લોકો પોતાના જીવનમાં બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાનું શીખી રહ્યા છે. (યશાયા ૨:૨-૪) લાખો લોકો પોતાનું કુટુંબ સુખી બનાવી શક્યા છે. પૈસા અને નોકરી-ધંધા વિશે યોગ્ય વલણ રાખી શક્યા છે. તેઓ સારું જીવન જીવવાનું શીખી રહ્યા છે. એટલું જ નહિ, પણ ઈશ્વરના રાજમાં જીવવા માટે પોતાને તૈયાર કરી રહ્યા છે.
ઈશ્વરનું રાજ્ય જલદી જ શું કરશે?
ઈસુએ સ્વર્ગમાં રાજ કરવાનું શરૂ કરી દીધું છે. પણ પૃથ્વી પર તો હજુ માણસોનું રાજ ચાલી રહ્યું છે. જોકે, યહોવા ઈશ્વરે ઈસુને આજ્ઞા આપી છે: ‘તારા શત્રુઓની વચ્ચે જા અને તારા શત્રુઓ પર રાજ કર.’ (ગીતશાસ્ત્ર ૧૧૦:૨) ઈસુ જલદી જ ઈશ્વરના શત્રુઓનો નાશ કરશે. જેઓ ઈશ્વરનું કહેવું માને છે તેઓને તે બચાવશે.
ઈશ્વરનું રાજ્ય જલદી જ આમ કરશે:
-
જૂઠા ધર્મોનો નાશ કરશે. જે ધર્મો ઈશ્વર વિશે ખોટું શીખવે છે અને લોકોનું જીવવું મુશ્કેલ બનાવે છે, એવા ધર્મોનો નાશ કરવામાં આવશે. બાઇબલ એવા ધર્મોને વેશ્યા સાથે સરખાવે છે. એનો અચાનક નાશ થવાથી ઘણાને આંચકો લાગશે.—પ્રકટીકરણ ૧૭:૧૫, ૧૬.
-
માણસોના રાજનો અંત લાવશે. ઈશ્વરનું રાજ્ય માણસોની સત્તાનો અંત લાવશે.—પ્રકટીકરણ ૧૯:૧૫, ૧૭, ૧૮.
-
ખરાબ લોકોનો નાશ કરશે. એવા લોકોનું શું થશે જેઓ ખોટાં કામ કરતાં રહે છે અને ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલતા નથી? બાઇબલ જણાવે છે: ‘દુષ્ટ લોકોનો પૃથ્વી પરથી નાશ થશે.’—નીતિવચનો ૨:૨૨.
-
શેતાન અને દુષ્ટ દૂતોનો નાશ કરશે. શેતાન અને દુષ્ટ દૂતો ‘પ્રજાઓને ખોટે માર્ગે દોરી નહિ શકે.’—પ્રકટીકરણ ૨૦:૩, ૧૦.
જેઓ ઈશ્વરના રાજ્યને ટેકો આપે છે, તેઓને કેવા આશીર્વાદો મળશે?
ઈશ્વરનું રાજ્ય માણસો માટે શું કરશે?
રાજા ઈસુ સ્વર્ગમાંથી એવાં કામો કરશે જે આજ સુધી દુનિયાનો કોઈ રાજા કરી શક્યો નથી. પૃથ્વી પરથી ૧,૪૪,૦૦૦ લોકોને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ઈસુ સાથે મળીને રાજ કરશે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧, ૩) ઈસુ ચોક્કસ પૃથ્વી માટેની ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે. ચાલો જોઈએ કે ઈશ્વરનું રાજ્ય પૃથ્વીના લોકો માટે શું કરશે?
-
બીમારી અને મરણ કાઢી નાખશે. “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” અને “મરણ હશે જ નહિ.”—યશાયા ૩૩:૨૪; પ્રકટીકરણ ૨૧:૪.
-
ખરી શાંતિ અને સલામતી લાવશે. ‘તમારાં છોકરાંને ઘણી શાંતિ મળશે.’ અને ‘તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે; અને કોઈ તેઓને બીવડાવશે નહિ.’—યશાયા ૫૪:૧૩; મીખાહ ૪:૪.
-
સંતોષ આપનારું કામ આપશે. ‘મારા પસંદ કરાયેલા લોકો પોતાના કામોનાં ફળ લાંબા સમય સુધી મેળવશે. તેઓ નકામી મહેનત કરશે નહિ.’—યશાયા ૬૫:૨૨, ૨૩.
-
પ્રદુષણ દૂર કરશે.‘અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની જેમ ખીલશે.’—યશાયા ૩૫:૧.
-
લોકોને શીખવશે કે હંમેશ માટેનું જીવન મેળવવા શું કરવું જોઈએ. “હંમેશ માટેનું જીવન એ છે કે તેઓ તમને, એકલા ખરા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.
ઈશ્વર ચાહે છે કે તમને પણ એવા આશીર્વાદો મળે. (યશાયા ૪૮:૧૮) હવે પછીના લેખમાં જોવા મળશે કે એવું સુંદર ભાવિ મેળવવા, તમે અત્યારે શું કરી શકો.