સુખ-શાંતિભરી દુનિયામાં જીવવા શું કરવું જોઈએ?
અગાઉના લેખમાં જોયું તેમ ઈશ્વર જલદી જ દુષ્ટ લોકો અને તેઓનાં કામોનો અંત લાવશે. આપણને પૂરો ભરોસો છે કે ઈશ્વર ચોક્કસ એમ કરશે કેમ કે એ વચન તેમણે આપ્યું છે.
“દુનિયા જતી રહેશે.”—૧ યોહાન ૨:૧૭.
ઈશ્વર દુષ્ટ લોકોનો નાશ કરશે ત્યારે સારા લોકોને જરૂર બચાવશે. તેમણે વચન આપ્યું છે:
“જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે હંમેશાં રહેશે.”
એનો અર્થ થાય કે દુષ્ટ દુનિયાના અંતમાંથી બચવા ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી જોઈએ. પણ ઈશ્વરની ઇચ્છા શું છે? એ જાણવા ચાલો, પહેલાં ઈશ્વરને ઓળખીએ.
ઈશ્વરને “ઓળખીએ” અને દુનિયાના અંતમાંથી બચીએ
મહાન ગુરુ ઈસુએ કહ્યું હતું, “હંમેશ માટેનું જીવન મેળવવા જરૂરી છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને ઓળખે.” (યોહાન ૧૭:૩) દુષ્ટ દુનિયામાંથી બચવા ‘ઈશ્વરને ઓળખવા’ જોઈએ. એમ કરીશું તો જ નવી દુનિયામાં મરણ વગરનું જીવન મળશે. કેટલાક માને છે કે ઈશ્વર છે, પણ એટલું માનવું જ પૂરતું નથી. તેમને ઓળખવાનો શું અર્થ થાય? એ સમજવા એક દાખલો લઈએ. કોઈ વ્યક્તિ સાથે દોસ્તી કરવા શું કરીશું? તેમને ઓળખીશું અને તેમની સાથે સમય પસાર કરીશું. એવી જ રીતે ઈશ્વરને ઓળખવા આપણે સમય કાઢવો જોઈએ. એમ કરવાથી તેમના વિચારો અને ઇચ્છાઓ સારી રીતે સમજી શકીશું. ચાલો, ઈશ્વરને ઓળખવા અને તેમની સાથેની દોસ્તી મજબૂત કરવા અમુક વિગતો તપાસીએ.
દરરોજ ઈશ્વરનું વચન વાંચીએ
જીવતા રહેવા માટે આપણને ખોરાકની જરૂર પડે છે. પણ ધ્યાન આપો મહાન ગુરુ ઈસુએ કહ્યું હતું “માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.”—માથ્થી ૪:૪.
એ શબ્દો ક્યાં લખેલા છે? શાસ્ત્રમાં એટલે કે બાઇબલમાં. ઈશ્વરે માણસને બાઇબલ આપ્યું છે. એમાં જણાવ્યું છે કે તેમણે અગાઉ શું કર્યું હતું, તે આજે શું કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં તે શું કરશે?
પ્રાર્થનામાં ઈશ્વર પાસે મદદ માંગીએ
માની લો કે તમારે ઈશ્વરના માર્ગે ચાલવું છે, પણ ઈશ્વરને તમારા કામ પસંદ નથી. તો તમે શું કરશો? હિંમત હારશો નહિ. યહોવા ઈશ્વરને સારી રીતે ઓળખો. એનાથી તમને મદદ મળશે.
સકુરાબેનનો દાખલો લઈએ. તે વ્યભિચાર જેવાં કામો કરતાં. પછી તેમણે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તે શીખ્યા કે યહોવા ઈશ્વર કહે છે, “વ્યભિચારથી નાસી જાઓ!” (૧ કોરીંથીઓ ૬:૧૮) તેમણે ખોટાં કામો છોડવા પ્રાર્થનામાં યહોવા ઈશ્વર પાસે મદદ માંગી. આખરે એ કામો છોડી દીધાં. આજે પણ તે એવાં કામોથી દૂર રહેવા લડત આપે છે. તે જણાવે છે, ‘મારા મનમાં ખોટા વિચારો આવે ત્યારે હું યહોવાને પ્રાર્થના કરું છું. હું જાણું છું, એકલા હાથે એના પર જીત નહિ મેળવી શકું. પ્રાર્થના કરવાથી યહોવા સાથેનો મારો સંબંધ મજબૂત થયો છે.’ સકુરાબેનની જેમ દુનિયામાં આજે લાખો લોકો યહોવાને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. યહોવા ઈશ્વર એવા લોકોને પોતાના જીવનમાં સુધારો કરવા અને સાચા માર્ગે ચાલવા મદદ કરે છે.—ફિલિપીઓ ૪:૧૩.
તમે ભગવાનને જેટલી સારી રીતે ઓળખશો, એટલી સારી રીતે ભગવાન પણ તમને ઓળખશે. તે તમારા મિત્ર બનશે. (ગલાતીઓ ૪:૯; ગીતશાસ્ત્ર ૨૫:૧૪) તેમના આશીર્વાદથી તમે એવી દુનિયામાં જીવી શકશો જ્યાં દુઃખ તકલીફો જ નહિ હોય. પણ એ દુનિયા કેવી હશે? હવે પછીનો લેખ એ વિશે જણાવશે.
a પવિત્ર બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.