શું દુનિયાનો અંત આવશે?
તમે કદાચ લોકો પાસેથી સાંભળ્યું હશે કે દુનિયાનો અંત આવશે. ઈશ્વરે પણ શાસ્ત્રમાં એવું જ જણાવ્યું છે. (૧ યોહાન ૨:૧૭) શું એનો અર્થ એવો થાય કે કોઈ નહિ બચે? શું પૃથ્વીનો પણ નાશ થઈ જશે? ના, એવું કદી નહિ થાય.
એ સવાલોના જવાબ ઈશ્વરે શાસ્ત્રમાં આપ્યા છે.
શાનો નાશ નહિ થાય?
માણસોનો
ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે: ‘તેમણે પૃથ્વી કંઈ એમ જ બનાવી નથી, પણ વસ્તીને માટે બનાવી છે.’—યશાયા ૪૫:૧૮.
પૃથ્વીનો
ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે: “એક પેઢી જાય છે અને બીજી પેઢી આવે છે, પણ પૃથ્વી કાયમ ટકી રહે છે.”—સભાશિક્ષક ૧:૪.
એનો શું અર્થ થાય? ઈશ્વરે જણાવ્યું છે કે પૃથ્વીનો કદી નાશ નહિ થાય અને માણસો એના પર કાયમ રહેશે. તો પછી દુનિયાનો અંત એટલે શું?
જાણવા જેવું: ઈશ્વરે તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે હજારો વર્ષ પહેલાં ધરતી પર ચારે બાજુ ‘હિંસા ફેલાયેલી’ હતી. (ઉત્પત્તિ ૬:૧૩) ‘એ જમાનામાં ધરતી પર પૂર લાવીને ઈશ્વરે દુષ્ટ લોકોનો નાશ કર્યો હતો.’ (૨ પિતર ૩:૬) નોંધ કર્યું કે શાનો નાશ કર્યો હતો? પૃથ્વીનો નહિ પણ દુષ્ટ લોકોનો નાશ કર્યો હતો. એ જમાનામાં નૂહ નામના એક ઈશ્વરભક્ત હતા. તે ઈશ્વરની દરેક વાત રાજીખુશીથી માનતા હતા. એટલે ઈશ્વરે નૂહ અને તેમના કુટુંબને પૂરમાંથી બચાવ્યા. ઈશ્વરે તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે તે ભાવિમાં દુષ્ટ દુનિયાનો એટલે કે દુષ્ટ લોકો અને તેઓના કામોનો નાશ કરશે નહિ કે ધરતીનો.
શાનો નાશ થશે?
મુશ્કેલીઓ અને દુષ્ટ લોકોનો
ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે: “થોડા જ સમયમાં દુષ્ટોનો વિનાશ થઈ જશે, તું તેઓને શોધશે પણ તેઓ જડશે નહિ. નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે, તેઓ સુખ-શાંતિથી જીવશે ને અનેરો આનંદ માણશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.
એનો શું અર્થ થાય? ઈશ્વર જડ-મૂળથી દુષ્ટોનો નાશ કરશે. તેમણે હજારો વર્ષ પહેલાં નૂહના સમયમાં દુષ્ટ લોકોનો પૂર લાવીને નાશ કર્યો હતો. આજે પણ લોકો એટલાં જ ખરાબ કામો કરે છે. ઈશ્વર એ બધું કાયમ સહન નહિ કરે. એ વિશે એક ઈશ્વરભક્તે પ્રાર્થનામાં કહ્યું, “દુષ્ટોનો વિનાશ થઈ જશે.” પણ કઈ રીતે? ઈશ્વરે સ્વર્ગમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું છે. એ રાજ્ય જલદી જ સ્વર્ગમાંથી ધરતી પર રાજ કરશે અને બધી દુષ્ટતાનો અંત લાવશે. જેઓ ઈશ્વરનું કહેવું રાજીખુશીથી માનશે, તેઓ કાયમ માટે ધરતી પર રહેશે.
જાણવા જેવું: શું દુનિયાની સરકારો ઈશ્વરના રાજ્યને સાથ આપશે? જરાય નહિ. ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે કે માણસોની સરકારો ઈશ્વરના રાજ્યનો વિરોધ કરશે. (ગીતશાસ્ત્ર ૨:૨) એનું શું પરિણામ આવશે? ઈશ્વર મનુષ્યની બધી જ સરકારનો નાશ કરશે, પણ તેમનું રાજ્ય “હંમેશાં ટકશે.” (દાનિયેલ ૨:૪૪) પણ સવાલ થાય ઈશ્વર કેમ મનુષ્યની સરકારનો નાશ કરશે?
દુનિયાની સરકારોનો અંત જરૂરી
ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે: “હું સારી રીતે જાણું છું કે માણસ પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી. તે પોતાની મેળે એક પગલું પણ ભરી શકતો નથી.”—યર્મિયા ૧૦:૨૩.
એનો શું અર્થ થાય? ઈશ્વરે માણસોને એકબીજા પર રાજ કરવા નથી બનાવ્યા. તેઓ પાસે રાજ કરવાની અને મુશ્કેલીઓનો હલ લાવવાની ક્ષમતા નથી.
જાણવા જેવું: બ્રિટાનિકા એકેડેમિક જ્ઞાનકોશ જણાવે છે કે અત્યાર સુધી ઘણી સરકારો આવીને ગઈ. એમાંની એક પણ સરકાર “ગરીબી, ભૂખમરો, બીમારી, કુદરતી આફતો, યુદ્ધ અને હિંસા જેવી મુશ્કેલીઓને દૂર કરી શકી નથી.” એ પુસ્તકમાં આગળ આમ જણાવ્યું છે, “અમુક લોકોનું કહેવું છે કે જો દુનિયાની બધી સરકારો એક થઈ જાય, તો તેઓ બધી જ મુશ્કેલીઓનો હલ લાવી શકે.” પણ હકીકત એ છે કે બધી સરકારો સાથે મળીને પણ મુશ્કેલીઓનો હલ લાવી શકે એમ નથી. આખરે તેઓ પણ આપણા જેવા માણસ જ છે. તકલીફોનો હલ લાવવો તેઓના ગજા બહારની વાત છે. ફક્ત ઈશ્વરનું રાજ્ય જ બધી મુશ્કેલીઓનો કાયમ માટે અંત લાવી શકે છે.
આપણે જોઈ ગયા કે દુનિયાનો અંત એટલે પૃથ્વીનો નહિ, પણ દુષ્ટ લોકો અને તેઓના કામોનો અંત. આપણે ગભરાવાની જરૂર નથી. પણ ખુશીની વાત છે કે દુનિયા આજે છે એવી નહિ હોય. પણ એ દુનિયા એટલી સુંદર હશે કે એમાં રહેવાનું મન થાય.
ઈશ્વરના રાજ્યમાં ધરતીની રોનક ખીલી ઊઠશે. એવું ક્યારે થશે? હવે પછીનો લેખ એ જણાવશે.