આનો રચનાર કોણ?
દરિયાઈ જળબિલાડીની રુંવાટી
ઠંડા પાણીમાં રહેતા સસ્તન વર્ગના ઘણા પ્રાણીઓને ત્વચાની નીચે ચરબીનું જાડું થર હોય છે. એના લીધે તેઓના શરીરની ગરમી જળવાઈ રહે છે. દરિયાઈ જળબિલાડી પાસે ઠંડીથી બચવા બીજું એક સાધન છે, ભરાવદાર રુંવાટીવાળી ચામડી.
જાણવા જેવું: બીજા કોઈ પણ સસ્તન પ્રાણી કરતાં જળબિલાડીની રુંવાટી વધારે ભરાવદાર હોય છે. દર ચોરસ ઇંચે લગભગ દસ લાખ વાળ (દર ચોરસ સેન્ટિમીટરે ૧,૫૫,૦૦૦ વાળ). જળબિલાડી તરે છે ત્યારે એની રુંવાટી તેના શરીરની નજીક હવાનું એક પડ બનાવે છે. એ હવા અવરોધક તરીકેનું કામ કરે છે. એનાથી ઠંડું પાણી શરીરને અડતું નથી અને શરીરની ગરમી જળવાઈ રહે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, દરિયાઈ જળબિલાડીની રુંવાટીમાંથી ઘણું શીખી શકાય છે. તેઓએ કૃત્રિમ રુંવાટીથી અમુક પ્રયોગો કર્યા. એમાં તેઓએ વાળની લંબાઈ અલગ અલગ રાખી અને બે વાળ વચ્ચેની જગ્યા પણ અલગ અલગ રાખી. સંશોધકો એ તારણ પર આવ્યા કે, ‘વાળ જેટલા ભરાવદાર અને લાંબા હશે, એટલી વધારે ચામડી સૂકી રહેશે અને પાણી ત્યાં સહેલાઈથી જઈ શકશે નહિ.’ બીજા શબ્દોમાં કહીએ તો, દરિયાઈ જળબિલાડી પોતાની રુંવાટી પર અભિમાન કરી શકે છે.
સંશોધકો આશા રાખે છે કે, ભીના ન થાય એવાં કપડાંની ડિઝાઇન કરવામાં અને બનાવવામાં તેઓના અભ્યાસથી મદદ મળશે. કદાચ આવનાર સમયમાં ઠંડા પાણીમાં ડૂબકી લગાવનારાઓ પણ જળબિલાડીની રુંવાટી જેવા કપડાં પહેરીને ડૂબકી લગાવશે.
વિચારવા જેવું: જળબિલાડીની રુંવાટી શું પોતાની મેળે આવી ગઈ કે પછી એનો કોઈ રચનાર છે?