સમસ્યા
શાંતિ અને સલામતી પર તોળાતો ખતરો
‘ભલે આ પેઢી પાસે ટેક્નૉલૉજી, વિજ્ઞાન અને પૈસા છે, પણ આ પેઢી કદાચ દુનિયાને નાશની ખાઈમાં ધકેલી દેશે.’—ધી ગ્લોબલ રીસ્ક રિપોર્ટ ૨૦૧૮, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ.
મનુષ્યો અને પૃથ્વીના ભાવિ વિશે કેટલાક નિષ્ણાતો શા માટે ચિંતા કરે છે? ચાલો, કેટલીક સમસ્યાઓ વિશે જોઈએ.
-
ઇન્ટરનેટથી થતા ગુના: ‘ઇન્ટરનેટ સલામત રહ્યું નથી, જોખમ ઘણું વધી ગયું છે. બાળકો સાથે ગંદા કામ કરનારા, બીજાઓને હેરાન કરનારા અને હેકર્સ માટે તો એ સ્વર્ગ સમાન છે. બીજાઓની ઓળખ ચોરી લેવી એ પણ એક ગુનો છે. બીજા બધા ગુનાઓની જેમ આજે એમાં પણ વધારો થઈ રહ્યો છે. ઇન્ટરનેટ ક્રૂરતા અને નફરતને વેગ આપે છે.’—ધ ઑસ્ટ્રેલિયન ન્યૂઝપેપર.
-
અમીરી-ગરીબી: એક રિપોર્ટ પ્રમાણે, દુનિયાના અડધા ગરીબો પાસે જેટલી મિલકત છે, એટલી મિલકત તો દુનિયાના સૌથી અમીર આઠ લોકો પાસે છે. એમાં જણાવ્યું છે, ‘દુનિયાની વેપાર વ્યવસ્થા એટલી ખરાબ થઈ ગઈ છે કે, અમીરો વધારે અમીર થતા જાય છે અને ગરીબો વધારે ગરીબ થતા જાય છે. ગરીબોમાં પણ મહિલાઓની સંખ્યા વધી રહી છે.’ (ઓક્સફામ ઇન્ટરનેશનલ) અમુકને ડર છે કે એ કારણને લીધે લોકો સરકાર સામે બળવો કરશે.
-
લડાઈ-ઝઘડા અને અત્યાચાર: ૨૦૧૮ યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સી રિપોર્ટ પ્રમાણે, ‘આજના સમયમાં ઘણા લોકોએ ઘર છોડવું પડ્યું છે. પહેલાં ક્યારેય આટલી મોટી સંખ્યા જોવા મળી નથી. દર બે સેકન્ડે આશરે ૧ વ્યક્તિને બળજબરીથી કાઢી મૂકવામાં આવે છે.’ સાડા છ કરોડ કરતાં વધુ લોકોએ લડાઈ કે અત્યાચારને લીધે ઘર છોડવા પડ્યા છે.
-
પર્યાવરણ પર જોખમ: ધ ગ્લોબલ રિસ્ક રિપોર્ટ ૨૦૧૮ મુજબ, ‘પ્રાણીઓ અને છોડની સેંકડો પ્રજાતિઓ નાશ પામી રહી છે. હવા અને દરિયાનું પ્રદૂષણ એટલું વધી ગયું છે કે માણસોની તબિયત પર એની અસર પડી રહી છે.’ છોડ-વૃક્ષોમાં વધારો કરવા (પરાગરજ પહોંચાડવા) જીવજંતુઓ મદદ કરે છે. કેટલીક જગ્યાઓએ એવાં જીવજંતુઓની સંખ્યા ઝડપથી ઓછી થઈ રહી છે. એટલે વૈજ્ઞાનિકોને લાગે છે કે એનાથી ‘જીવ સૃષ્ટિ પર મોટું જોખમ’ આવી પડ્યું છે. દરિયાની જીવ સૃષ્ટિ (કોરલ રીફ) પણ જોખમમાં છે. વૈજ્ઞાનિકો માને છે કે દરિયાની અડધી જીવ સૃષ્ટિ છેલ્લા ત્રીસ વર્ષમાં ખતમ થઈ ગઈ છે.
આ દુનિયાને સલામત બનાવવા શું માણસો સુધારો કરી શકે? કેટલાકને લાગે છે કે શિક્ષણથી સુધારો આવશે. હવે પછીના લેખોમાં એના વિશે વધારે જાણકારી મળશે.