સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચિંતામાંથી રાહત મેળવો

સ્ટ્રેસ એટલે શું?

સ્ટ્રેસ એટલે શું?

સ્ટ્રેસ કે તણાવ એટલે કટોકટીની ઘડીનો સામનો કરવા તમારા શરીરમાં થનાર પ્રતિક્રિયા. એવા સમયે તમારું મગજ સંકેત આપે છે એટલે અમુક રસાયણોનો (હોર્મોન્સનો) પ્રવાહ શરીરમાં વધે છે. એ રસાયણોને લીધે તમારા હૃદયના ધબકારા વધે છે. જરૂર પ્રમાણે લોહીનું દબાણ (બ્લડપ્રેશર) પણ વધે છે. શ્વાસ લેવા-છોડવાની ક્રિયા ઝડપી બને છે અને સ્નાયુઓ સચેત થાય છે. શું બની રહ્યું છે એની તમને જાણ થાય એ પહેલાં તમારું શરીર પગલું ભરવા તૈયાર હોય છે. કટોકટીની એ ઘડી જતી રહે ત્યારે આપો આપ તમારું શરીર સામાન્ય સ્થિતિમાં આવી જાય છે.

સ્ટ્રેસનું સારું અને ખરાબ પાસું

સ્ટ્રેસ કે તણાવ એ કુદરતી પ્રક્રિયા છે, જે તમને પડકારની અથવા જોખમની ઘડીનો સામનો કરવા મદદ કરે છે. એ પ્રક્રિયાની શરૂઆત તમારા મગજમાં થાય છે. સ્ટ્રેસ જો યોગ્ય પ્રમાણમાં હોય, તો તમારા ભલા માટે છે. એ તમને તરત પગલાં ભરવાં સચેત કરે છે. તમારું શરીર ધ્યેયો હાંસલ કરવા અથવા કામ વધુ સારું કરવા પ્રેરાય છે. દાખલા તરીકે, પરીક્ષા કે ઇન્ટરવ્યૂમાં અથવા ખેલકૂદ સમયે એ કામ લાગે છે.

પણ સ્ટ્રેસ જો વધુ પડતો હોય, વારંવાર થતો હોય અથવા લાંબા સમય સુધી ચાલતો હોય, તો તમને નુકસાન કરી શકે. કઈ રીતે? તમારું શરીર જો સતત અથવા અવારનવાર આ “સચેત” સ્થિતિમાં રહ્યા કરે, તો તબિયતને લગતા કોયડા ઊભા થઈ શકે. તમારા શરીરની, લાગણીઓની અથવા મગજની કામગીરીમાં સમસ્યા ઊભી થઈ શકે. એવા સમયે તમારું વર્તન બદલાઈ શકે, પછી એ પોતાના પ્રત્યે હોય કે બીજાઓ પ્રત્યે. વ્યક્તિ ટેન્શનનો સામનો કરવા કદાચ વધુ પડતી દવાઓ લેવા લાગે, કે પછી શરીરને નુકસાન પહોંચાડે તેવી આદતોમાં સપડાઈ શકે. તણાવને લીધે થાકી કે હારી જવાની લાગણી થાય અથવા ડિપ્રેશન આવી શકે. જીવન ટૂંકાવી દેવાના વિચારો પણ આવી શકે.

તણાવની અસર બધા પર એક જેવી હોતી નથી. પણ માનસિક તાણ સતત રહ્યા કરે તો, અનેક બીમારીઓનું મૂળ બની શકે. એની આડઅસર લગભગ આખા શરીર પર થઈ શકે.