સુંદર ભાવિનું વચન
ઈશ્વરે સુંદર ભાવિનું વચન આપ્યું છે. તેમણે કહ્યું છે બહુ જલદી બધા દુઃખોનો અંત લાવશે, પછી સુખ જ સુખ હશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) ઈશ્વર પોતાનું વચન જરૂર પૂરું કરશે, કારણ કે તે “કોઈ માણસ નથી કે જૂઠું બોલે.” (ગણના ૨૩:૧૯) ચાલો જોઈએ કે ઈશ્વર કેવા આશીર્વાદો લાવશે.
ઈશ્વર દુષ્ટ લોકોનો નાશ કરશે
“ભલે દુષ્ટો ઘાસની જેમ ફૂટી નીકળે અને બધા અપરાધીઓ ફૂલે-ફાલે, પણ તેઓનો કાયમ માટે વિનાશ થશે.”—ગીતશાસ્ત્ર ૯૨:૭.
શાસ્ત્રમાં પહેલેથી જ જણાવ્યું છે કે દુનિયાના “છેલ્લા દિવસોમાં” લોકો કેવા હશે. (૨ તિમોથી ૩:૧-૫) ગયા લેખમાં જોઈ ગયા તેમ આજે એવું જ થઈ રહ્યું છે. દુષ્ટતા તો વધતી ને વધતી જાય છે. પણ જલદી જ ઈશ્વર આ દુનિયામાંથી બધા દુષ્ટ લોકોનો નાશ કરશે. ફક્ત એવા લોકો ધરતી પર રહેશે જે સારા હોય ને ઈશ્વરની વાત માનતા હોય. શાસ્ત્રમાં લખ્યું છે, “સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે અને એમાં તેઓ સદા જીવશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
ઈશ્વર શેતાનનો નાશ કરશે
“શાંતિ આપનાર ઈશ્વર જલદી જ શેતાનને કચડી નાખશે.”—રોમનો ૧૬:૨૦.
ઈશ્વર જલદી જ શેતાન, તેના દુષ્ટ દૂતો અને ખરાબ લોકોનો નાશ કરશે. ધરતી પર બધે જ શાંતિ હશે. ઈશ્વરે વચન આપ્યું છે, બહુ જલદી એવો સમય આવશે જ્યારે કોઈ આપણને “ડરાવશે નહિ.”—મીખાહ ૪:૪.
ઈશ્વર બીમારી અને મરણને કાઢી નાખશે
‘ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. તે તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!’—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
શેતાન અને આદમ-હવાના લીધે આપણે દુઃખો વેઠવા પડે છે. ઈશ્વર બહુ જલદી એ બધા દુઃખો એટલે કે બીમારીઓ અને ‘મરણને હંમેશ માટે કાઢી નાખશે.’ અરે, એ દુઃખો આપણને કદી યાદ પણ નહિ આવે! જે લોકો ઈશ્વરનું કહેવું માને છે અને તેમની ભક્તિ કરે છે તેઓ હંમેશ માટે જીવશે. પણ સવાલ થાય, એ લોકો ક્યાં રહેશે?
ઈશ્વર આ ધરતીને બાગ જેવી સુંદર બનાવી દેશે
“વેરાન પ્રદેશ અને સૂકી ભૂમિ આનંદ કરશે. ઉજ્જડ પ્રદેશ ખુશી મનાવશે અને કેસરની જેમ ખીલી ઊઠશે.”—યશાયા ૩૫:૧.
ઈશ્વર દુષ્ટ લોકોનો નાશ કરશે ત્યારે, ધરતી સુંદર બાગ જેવી બની જશે. ભૂખમરો કે ગરીબીનું નામોનિશાન નહિ હોય, કેમ કે પુષ્કળ અનાજ પાકશે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) નદી અને સમુદ્રનું પાણી કાચ જેવું ચોખ્ખું હશે. એમાં દરિયાઈ જીવો ફૂલશે-ફાલશે. ક્યાંય પ્રદૂષણ નહિ હોય અને હવા-પાણી તાજગી આપે એવાં ચોખ્ખાં હશે. દરેક લોકો પોતાના ઘર બાંધશે અને એમાં રહેશે. તેઓ જીવનનો આનંદ માણશે.—યશાયા ૬૫:૨૧, ૨૨.
ઈશ્વર ગુજરી ગયેલાઓને જીવતા કરશે
“લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” —પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫.
શું તમે કોઈ સગાં-વહાલાં કે મિત્રને મરણમાં ગુમાવ્યાં છે? શું તમારે તેઓને ફરી મળવું છે? ઈશ્વરે વચન આપ્યું છે કે બહુ જલદી તેઓને આ જ ધરતી પર જીવતા કરવામાં આવશે. તમે એકબીજાને જોઈને ઓળખી જશો. એનાથી તમને કેટલી ખુશી મળશે એનો વિચાર કરો! તમે ઝૂમી ઊઠશો. પ્રાચીન સમયમાં પણ અમુક ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવ્યા હતા. ઈસુએ પણ ગુજરી ગયેલાઓને લોકોના દેખતા જીવતા કર્યા હતા. પછી તેઓ પોતાના કુટુંબ સાથે ફરી રહેવા લાગ્યા હતા. એ કોઈ વાર્તા નથી, પણ હકીકતમાં એમ બન્યું હતું.—લૂક ૮:૪૯-૫૬; યોહાન ૧૧:૧૧-૧૪, ૩૮-૪૪.