ગુણ ૫
મોટી વ્યક્તિ પાસેથી શીખો
મોટી વ્યક્તિ પાસેથી શીખવાનો શો અર્થ થાય?
બાળકોને મોટી વ્યક્તિની જરૂર હોય છે. એવી વ્યક્તિ તેને માર્ગદર્શન અને સલાહ આપશે. માતાપિતા, એ વ્યક્તિ તમે છો. એ તો તમારી ફરજ છે. માતાપિતા સિવાય બીજી વ્યક્તિ પણ બાળકોને એવી મદદ આપી શકે છે.
શા માટે જરૂરી છે?
અમુક દેશોમાં બાળકો મોટાઓ સાથે બહુ હળતા-મળતા નથી. ધ્યાન આપો:
-
બાળક મોટા ભાગનો સમય સ્કૂલમાં હોય છે. ત્યાં તેની ઉંમરના બાળકો વધારે હોય છે, મોટી ઉંમરના શિક્ષકો ઓછા હોય છે.
-
કેટલાંક બાળકો ઘરે જાય ત્યારે ઘરે કોઈ હોતું નથી, માબાપ કદાચ નોકરી પર હોય છે.
-
અમેરિકાનો એક અહેવાલ જણાવે છે, ૮થી ૧૨ વર્ષના બાળકો દિવસના આશરે છ કલાક ટીવી, મ્યુઝિક, વીડિયો ગેમ્સ પાછળ વેડફી નાખે છે. *
હોલ્ડ ઓન ટુ યોર કિડ્સ પુસ્તક કહે છે: ‘બાળકો માર્ગદર્શન માટે, શીખવા માટે અને દાખલો અનુસરવા માટે માતા, પિતા, શિક્ષકો કે બીજી મોટી વ્યક્તિ પર નહિ, પણ પોતાનાં જેવાં બાળકો પર આધાર રાખે છે.’
કઈ રીતે શીખવી શકાય?
બાળકો સાથે સમય વિતાવો.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.”—નીતિવચનો ૨૨:૬.
બાળકો માર્ગદર્શન માટે માબાપ તરફ મીટ માંડે છે. એ વિષયના નિષ્ણાતો જણાવે છે કે, તરુણ બાળકો ચાહે છે કે તેમને સલાહ મિત્રો તરફથી નહિ, પણ માબાપ તરફથી મળે. ડોક્ટર લોરેન્સ સ્ટીનબર્ગે એક પુસ્તક લખ્યું છે, યુ ઍન્ડ યોર અડોલ્સન્ટ. એ પુસ્તકમાં લેખક જણાવે છે: ‘બાળકનાં સ્વભાવ અને રીતભાત પર માબાપની ઘણી અસર પડે છે. બાળક મોટું થાય ત્યાં સુધી એ અસર રહે છે. તમે શું વિચારો છો, શું કહો છો, એ પણ બાળકો ધ્યાનમાં લે છે. ભલે તેઓ દરેક વાત સાથે સહમત થતા ન હોય, તોપણ તેઓ સાંભળે છે.’
બાળક સલાહ માટે તમારી તરફ જુએ છે. એટલે શીખવવું સહેલું થઈ પડશે. બાળકો સાથે સમય પસાર કરો. તમારા વિચારો, સંસ્કારો અને અનુભવ તેઓને જણાવો.
રોલ મોડલ શોધો.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે.”—નીતિવચનો ૧૩:૨૦.
તમારું નાનું બાળક કોના જેવું બની શકે, એનો વિચાર કરો. એ વ્યક્તિ સાથે બાળક સમય પસાર કરે એવી ગોઠવણ કરો. એનો અર્થ એ નથી કે માબાપ તરીકે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ. પણ, તમારી જેમ બાળકનું ભલું વિચારનારની મદદ તમે ચોક્કસ લઈ શકો છો. એનાથી તો બાળકને તમે જે તાલીમ આપો છો, એમાં મદદ મળશે. પવિત્ર શાસ્ત્રમાં તિમોથી વિશે જણાવ્યું હતું. તે યુવાન હતા ત્યારથી પાઊલ સાથે રહીને ઘણું શીખ્યા હતા. પાઊલને પણ તિમોથી પાસેથી શીખવા મળ્યું હતું.—ફિલિપીઓ ૨:૨૦, ૨૨.
ગઈ સદીથી જ કુટુંબો તૂટવાની શરૂઆત થઈ ગઈ. મોટા કુટુંબો તૂટીને નાના કુટુંબો બનવા લાગ્યા. બની શકે કે દાદાદાદી, કાકાકાકી જેવાં સગાં કદાચ દૂર બીજા દેશમાં રહેતાં હોય. કદાચ તમારા કુટુંબ વિશે પણ એવું હોય શકે. તમારા બાળકને એવા લોકો સાથે હળવા-મળવા દો, જેઓના ગુણો તમે પોતાના બાળકમાં જોવા માંગો છો.
^ ફકરો. 9 એમાં આગળ જણાવ્યું છે કે, તરુણો (ટીનેજર) એ બધા પાછળ દિવસના નવેક કલાક કાઢે છે. બાળકો અને તરુણો સ્કૂલમાં કે ઘરે હોમવર્ક કરવા ઇન્ટરનેટ વાપરે છે, એ સમયનો એમાં સમાવેશ થતો નથી.