વૈજ્ઞાનિકો શું જણાવી શકતા નથી?
વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડ વિશે ઊંડો અભ્યાસ કર્યો છે, છતાં ઘણા મહત્ત્વના સવાલોના જવાબ તેઓ જાણતા નથી.
શું વૈજ્ઞાનિકો જણાવી શકે છે કે વિશ્વ અને જીવનની શરૂઆત કઈ રીતે થઈ? ના, તેઓ જણાવી શકતા નથી. અમુક લોકો કહે છે કે જે વૈજ્ઞાનિકો બ્રહ્માંડનો અભ્યાસ કરે છે, તેઓ જણાવી શકે છે કે વિશ્વની શરૂઆત કઈ રીતે થઈ. પણ નોંધ કરો કે મારસેલૂ ગ્લેઝીરનું શું કહેવું છે. તે ડાર્ટમાઉથ કોલેજમાં ખગોળ વિજ્ઞાનના પ્રોફેસર છે અને તેમને ઈશ્વરના અસ્તિત્વ પર શંકા છે. તે કહે છે, “અમે હજી સુધી સમજાવી શક્યા નથી કે બ્રહ્માંડની શરૂઆત કઈ રીતે થઈ?”
સાયન્સ ન્યૂઝ નામના મૅગેઝિનમાં જીવનની શરૂઆત વિશે એક લેખમાં આવું જણાવ્યું: “પૃથ્વી પર જીવનની શરૂઆત કઈ રીતે થઈ, એ જણાવવું બહુ જ અઘરું છે. કેમ કે જ્યારે પૃથ્વી બની હતી એ સમયના ખડકો હવે રહ્યા નથી. એ સમયના અશ્મિઓ (ફૉસિલ) પણ રહ્યા નથી. એટલે હકીકતમાં શું બન્યું હતું એ આપણે જાણતા નથી.” આ માહિતીથી ખબર પડે છે કે વિશ્વ અને જીવનની શરૂઆત કઈ રીતે થઈ, એ સવાલનો જવાબ વૈજ્ઞાનિકો હજી આપી શક્યા નથી.
કદાચ તમને થશે, ‘પૃથ્વી પર ઝાડપાન, પશુ-પક્ષીઓ, માણસો આવ્યા કઈ રીતે? આખરે, એનો રચનાર છે કોણ?’ બની શકે કે તમારા મનમાં આવા સવાલો થાય: ‘જો ઈશ્વર હોય જે બુદ્ધિશાળી છે અને આપણને પ્રેમ કરે છે, તો આજે દુનિયામાં આટલી દુઃખ-તકલીફો કેમ છે? આટલા બધા ધર્મો કેમ છે? અને જે લોકો ઈશ્વરમાં માને છે, તેઓ ખરાબ કામો કેમ કરે છે?’
ભલે વૈજ્ઞાનિકો એ સવાલોના જવાબ આપી શકતા નથી, પણ એનો અર્થ એ નથી કે એના જવાબો નથી. ઘણા લોકોને બાઇબલમાંથી એના જવાબો મળ્યા છે, જેનાથી તેઓને મનની શાંતિ મળી છે.
અમુક વૈજ્ઞાનિકોએ બાઇબલ વાંચ્યું અને હવે તેઓ માને છે કે એક ઈશ્વર છે. એ વિશે જાણવા jw.org/gu પર જાઓ અને આ વીડિયો સીરિઝ શોધો: જીવનની શરૂઆત વિશે લોકોના વિચારો.