શું મારું પોતાનું ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ?
યુવાનો પૂછે છે . . .
શું મારું પોતાનું ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ?
“હું ૧૬ વર્ષની હતી ત્યારે, મેં પહેલી વાર મારું પોતાનું ક્રેડિટ કાર્ડ મેળવ્યું. . . . હું ૧૮ વર્ષની થઈ ત્યારે, મારું દેવું લગભગ ૬૦,૦૦૦ ડૉલરનું થઈ ગયું હતું.”—ક્રિસ્ટીના.
શરૂઆતમાં, ક્રિસ્ટીના પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ફક્ત પૈસા ન હોય ત્યારે જ કરવાની હતી. તેમ જ તે કોઈક વાર અમુક વસ્તુઓ ખરીદવા ઇચ્છતી હતી કે જે તે ફક્ત હપ્તા પર જ લઈ શકે. થોડા સમય પછી તે ક્રેડિટ કાર્ડનો છૂટથી ઉપયોગ કરવા લાગી. ક્રિસ્ટીના કબૂલે છે, “મેં ગમે તેમ ખરીદી કરવાનું શરૂ કર્યું, અને ગાંડાની જેમ મનપસંદ વસ્તુઓ મંગાવતી રહી. મને ગમતી ન હતી એવી વસ્તુઓ પણ મેં ખરીદી.” હવે ક્રિસ્ટીના ક્રેડિટ કાર્ડને અલગ રીતે જુએ છે. તે કહે છે, “મેં એવું કદી વિચાર્યું જ ન હતું કે આ નાનું પ્લાસ્ટિકનું કાર્ડ મને મુશ્કેલીમાં મૂકશે.”—ટીન સામયિક.
આ અનુભવ એકલી ક્રિસ્ટીનાનો જ નથી. મોટી સંખ્યામાં યુવાન લોકો એ નાના પ્લાસ્ટિકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આર્થિક રીતે જોખમમાં આવી પડ્યા છે. કેટલાક કિસ્સાઓમાં, કંપનીઓનો ધ્યેય યુવાનોને પોતાની જાળમાં ફસાવવાનો હોય છે. મોટા ભાગે તેઓ જાણે છે કે, આ કાર્ડનો ખોટો ઉપયોગ કરનારાઓ માટે એ જોખમકારક બની શકે. નાણાકીય સલાહકાર, જાન બાયરન્ટ ક્વીન એને “નાણાકીય નશો” કહે છે. તે કહે છે, “તેઓ એનો જેટલો વધારે ઉપયોગ કરે છે એટલું જ તેઓ માટે ખરીદી બંધ કરવાનું અઘરું થઈ પડે છે.”
એ સાચું છે કે, ક્રેડિટ કાર્ડ હોવાના અનેક લાભો હોય છે. દાખલા તરીકે, એવી પરિસ્થિતિ ઊભી થાય કે રોકડ રકમ લઈ જવી સારી ન હોય ત્યારે ક્રેડિટ કાર્ડ ઉપયોગી છે. આ એક કારણ છે કે જેના લીધે ક્રેડિટ કાર્ડ યુનાઈટેડ સ્ટેટ્સમાં આટલું બધું લોકપ્રિય બન્યું છે. ધીમે ધીમે એ બીજા દેશોમાં પણ લોકપ્રિય બનતું જાય છે. તેમ છતાં, ક્રેડિટ કાર્ડનો સાચવીને ઉપયોગ કરવામાં ન આવે તો, એનો ઉપયોગ કરનારાઓ આર્થિક રીતે ઊંડા ખાડામાં પડી શકે. આમ, ટોરન્ટો ગ્લોબ ઍન્ડ મેલમાં પ્રકાશિત એક અહેવાલે નોંધ્યું કે, “દેવામાં પડી ગયેલા ૨૦થી ૨૩ વર્ષના યુવાનોમાં (ત્રણગણો) વધારો થયો છે. તેઓ ટોરન્ટોની સંસ્થા પાસેથી પૈસા ભરપાઈ કરવા માટે મદદ માંગે છે.” આ અહેવાલે બતાવ્યું કે ઘણા લોકોને ૨૫,૦૦૦ ડૉલર કરતાં પણ વધારે દેવું છે. તેઓના દેવાનું મુખ્ય કારણ ક્રેડિટ કાર્ડનું બિલ છે.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું તમને ક્રેડિટ કાર્ડની જરૂર છે? એના વિષે તમારા માબાપે નક્કી કરવું જોઈએ. જો તમારા માબાપને એવું લાગે કે તમારે રાહ જોવાની જરૂર છે તો, ધીરજ રાખો. તમે સાચવીને પૈસા વાપરતા હોવ તો, તમારા માબાપ તમને જલદી જ ક્રેડિટ કાર્ડ અપાવી શકે. (સરખાવો લુક ૧૬:૧૦.) તેમ છતાં, તમે ક્રેડિટ કાર્ડને એક વાહન ચલાવવા સાથે સરખાવી શકો, કે જેના લાભ અને ગેરલાભ બંને છે.
પોષાશે કે નહિ!
ક્રેડિટ કાર્ડથી વસ્તુ ખરીદવી એ કોઈની પાસેથી ઉધાર પૈસા લેવા બરાબર છે. તેથી તમે દેવાદારની પાસેથી ઉછીનું લીધું હોય, એ તેમને પાછું આપવું જ જોઈએ. (નીતિવચન ) પરંતુ, તમે ક્રેડિટ કાર્ડથી જે ખરીદી કરી હોય એના પૈસા કેવી રીતે પાછા ચૂકવવા જોઈએ? ૨૨:૭
ઉદાહરણ તરીકે, દર મહિને તમને સ્ટેટમેન્ટ મોકલવામાં આવે છે. એમાં તમે ક્રેડિટ કાર્ડથી કરેલી ખરીદી તેમ જ તમારા દેવાની રકમ કેટલી છે એ બતાવવામાં આવ્યું હોય છે. સ્ટેટમેન્ટમાં એ પણ બતાવવામાં આવે છે કે, તમારે તાત્કાલિક કેટલી રકમ ભરવાની છે. મોટા ભાગે આ રકમ ઘણી ઓછી હોય છે. તેથી, તમને થશે કે, ‘એ કંઈ ખરાબ નથી. દર મહિને અમુક જ રકમ ચૂકવવાની હોય તો, સમય જતાં હું મારું દેવું ચૂકવી દઈશ.’ તેમ છતાં, દેવાની રકમ પર ચઢાવવામાં આવેલ વ્યાજની રકમ પછી મુશ્કેલી ઊભી કરે છે. શા માટે? કેમ કે ક્રેડિટ કાર્ડ પર ખરીદવામાં આવેલી વસ્તુ પર વધારે પ્રમાણમાં વ્યાજ ચઢાવવામાં આવે છે. *
જોસફનો વિચાર કરો કે જેનું મહિનાનું સ્ટેટમેન્ટ લગભગ ૧,૦૦૦ ડૉલર હતું. જોકે, જોસફને ફક્ત ૨૦ ડૉલર ચૂકવવાના હતા. પરંતુ, પોતાના સ્ટેટમેન્ટને ધ્યાનથી જોયું ત્યારે, જોસફને જોવા મળ્યું કે એ મહિનાની ઉધાર રકમ પર લગભગ ૧૭ ડૉલરનું વ્યાજ લેવામાં આવ્યું હતું! એનો અર્થ એવો થતો હતો કે જોસફ ઓછામાં ઓછા ૨૦ ડૉલર ચૂકવે તો પણ, તેના ૧,૦૦૦ ડૉલરના દેવામાંથી ફક્ત ૩ ડૉલર જ ઓછા થશે!
તમારે ફક્ત ઓછામાં ઓછી રકમ ચૂકવવાની હોય તો ક્રેડિટ કાર્ડની બધી રકમ ચૂકવવામાં કેટલો સમય લાગે? સરકારી લેવડદેવડ અને અમેરિકન એક્સપ્રેસની સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી પુસ્તિકા કહે છે: “તમારું ૨,૦૦૦ ડૉલરનું દેવું હોય તો, એના ૧૮.૫ ટકા વ્યાજ હોય છે અને તમારે દર મહિને ઓછામાં ઓછી રકમ ચૂકવવાની હોય છે. એ દેવું ભરપાઈ કરતાં તમારે લગભગ ૧૧ કરતાં વધારે વર્ષ લાગશે. તમે વ્યાજના ફક્ત ૧,૯૩૪ ડૉલર વધારાના ભરો છો. જે લગભગ ખરીદ કિંમત કરતાં બમણા હોય છે.”
આમ, તમે જોઈ શકો છો કે કાળજી નહિ રાખો તો, તમે પોતે ક્રેડિટ કાર્ડથી ઊંડા દેવામાં ફસાઈ જઈ શકો. ક્રિસ્ટીના કહે છે, “હું બધી જ વસ્તુઓ માટે લગભગ બમણી રકમ ચૂકવતી હતી. મને હપ્તા ચૂકવવામાં મુશ્કેલી પડતી ત્યારે, લેણદાર મોડા હપ્તા ચૂકવવા બદલ વધારાનું વ્યાજ લેતા હતા. મને કંઈ ખબર પડતી ન હતી કે મારે શું કરવું.”
ક્રેડિટ કાર્ડનો સાચવીને ઉપયોગ
ક્રિસ્ટીના પોતાના આ કડવા અનુભવ પરથી શીખી કે, “હમણાં ખરીદો, પછી ચૂકવો” એમ કરવું જોખમકારક હોય શકે. તમારે દેવાની રકમમાંથી દર મહિને ફક્ત થોડી રકમ ચૂકવવાની હોય છે. તેથી, તમને એની ખબર પડે એ પહેલાં, તમે દેવામાં ડૂબી જઈ શકો. આ કાર્ડનો સાચવીને ઉપયોગ કરનાર કઈ રીતે નાણાકીય ફાંદામાં પડવાનું નિવારી શકે?
● તમારે પોતાની ખરીદી વિષે સજાગ બનવું જોઈએ. તેમ જ તમે જે ખરીદી કરી છે એના પર જ રકમ ગણવામાં આવી છે કે નહિ એની માસિક સ્ટેટમેન્ટથી તપાસ કરવી જોઈએ.
● તમે તમારું બિલ સમયસર ભરી દેશો તો ક્રેડિટ કાર્ડ તમારી કદર કરશે. તેથી, તમને જરૂર હોય ત્યારે, એ નોકરી કે ઇન્સ્યોરન્સ માટે અથવા ઘર કે ગાડી માટે લોન લેવા મદદ કરી શકે.
● શક્ય હોય તો, તેઓ પોતાના દેવાની પૂરેપૂરી રકમ ચૂકવે છે, જેથી તેઓ બાકીની રકમ પર વધારે પડતું વ્યાજ આપવાનું ટાળી શકે.
● પોતાના ક્રેડિટ કાર્ડનો નંબર અને કાર્ડ પૂરું થવાની તારીખ, અજાણી વ્યક્તિ કે કંપનીની કોઈ પણ અજાણી વ્યક્તિને ફોન પર આપશે નહિ.
● તેઓ કોઈને કદી પણ પોતાનું ક્રેડિટ કાર્ડ ઉધાર નહિ આપે, પોતાના મિત્રને પણ નહિ. છેવટે તો, માલિકના પોતાના કાર્ડ પર જ ઉધાર પૈસાની નોંધ રહે છે, જેથી કાર્ડનો ખોટી રીતે ઉપયોગ કરવામાં ન આવે અને એનું નામ ન બગડે.
● તમે બેન્ક કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો. યાદ રાખો કે, ઉછીના નાણાં પર સામાન્ય રીતે ખરીદ કિંમત કરતાં વધારે વ્યાજ લેવામાં આવે છે.
● ક્રેડિટ કાર્ડ માટે જેટલી અરજી મેળવે છે એને તેઓ ભરીને મોકલાવતા નથી. મોટા ભાગના યુવાનો માટે, એક કાર્ડ પૂરતું છે.
● તેઓ પોતાના ક્રેડિટ કાર્ડનો સાચવીને ઉપયોગ કરે છે. તેઓને એની પૂરેપૂરી ખબર છે કે તેઓ ખરીદી કરે છે ત્યારે નાણાં ચૂકવતા નથી તેમ છતાં, તેઓ વાસ્તવમાં પૈસા ખર્ચી રહ્યાં છે.
એનો આનંદ માણો
તમારી પાસે હમણાં ક્રેડિટ કાર્ડ હોય કે પછી ન હોય, પરંતુ તમે ભાવિમાં એ મેળવવાના હોવ તો, એના લાભો અને ગેરલાભો વિષે સારી રીતે વિચાર કરો, તમે પોતાને નીચેના પ્રશ્નો પૂછો. મને એવું શા માટે લાગે છે કે, મારે ક્રેડિટ કાર્ડની જરૂર છે? શું હું એનો ઉપયોગ ભૌતિક વસ્તુઓ મેળવવા, આધુનિક ફૅશનવાળી ચીજવસ્તુઓ મેળવવા કે મારા મિત્રોની પ્રશંસા મેળવવા માટે કરું છું? શું મારે એનો ઉપયોગ જીવનની જરૂરિયાતો સંતોષવા માટે જ કરવો જોઈએ? અથવા જેને પ્રેરિત પાઊલ “અન્નવસ્ત્ર” કહે છે એ સંતોષવા કરવો જોઈએ? (૧ તીમોથી ૬:૮) શું હું ક્રેડિટ કાર્ડના કારણે ઊંડા દેવામાં પડી જઈશ? કે જેના લીધે મારા જીવનની સૌથી મહત્ત્વની બાબતો પણ ભૂલી જાઉં?—માત્થી ૬:૩૩; ફિલિપી ૧:૮-૧૧.
આ પ્રશ્નો પર મનન કરો અને ત્યાર પછી એના વિષે તમારા માબાપ સાથે ચર્ચા કરો. તમે એમ કરશો તો, ભલે તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય કે ન હોય, જેમ ઘણા લોકો દેવામાં પડી જવાથી દુઃખ અનુભવે છે એવું દુઃખ તમને નહિ થાય.—નીતિવચન ૨૨:૩.
[ફુટનોટ]
^ મોકલવામાં આવેલી અરજી કે માસિક સ્ટેટમેન્ટ પર વાર્ષિક વ્યાજના દર (annual percentage rate, APR) તપાસીને જે તે ક્રેડિટ કાર્ડની કંપનીએ તમારા પર કેટલું વ્યાજ ચઢાવ્યું છે એ તમે શોધી શકો છો.
[પાન ૨૩ પર ચિત્ર]
ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરવાથી તમે દેવામાં પડી શકો