વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
ભારતની વસ્તી એક અબજે પહોંચી
સંયુક્ત રાષ્ટ્રના વસ્તી ગણતરી વિભાગ મુજબ ઑગસ્ટ ૧૯૯૯માં ભારતની વસ્તી એક અબજથી વધી ગઈ. ફક્ત ૫૦ વર્ષ અગાઉ ભારતની વસ્તી એનો એક તૃત્યાંસ ભાગ હતી. આ રીતે વર્ષના ૧.૬ ટકાના દરે વસ્તી વધશે તો, બીજા ૪૦ વર્ષોમાં, ભારત ચીનથી આગળ નીકળી જઈને સૌથી વધારે વસ્તીવાળો દેશ બનશે. ન્યૂ યૉર્ક ટાઇમ્સનો એક અહેવાલ કહે છે કે, “દુનિયાના એક તૃત્યાંસ લોકો ભારત અને ચીનમાં રહે છે.” વળી, છેલ્લા ૫૦ વર્ષમાં ભારતમાં અપેક્ષિત જીવન ૩૯થી વધીને ૬૩ વર્ષ થયું છે.
જીભની સંભાળ
પ્રિન્સ જ્યોર્જ સિટીઝન નામનું છાપું કહે છે કે આપણી જીભમાં સંતાયેલા જીવાણું ગંધક ગૅસ પેદા કરે છે, જે મોઢામાંથી દુર્ગંધ લાવે છે. એ આગળ જણાવે છે કે, “સૂકી અને ઑક્સિજન વિનાની જગ્યાએ જીવાણું ફૂલેફાલે છે. તેથી આપણે ફેફસાંમાં જે હવા મોકલીએ છીએ, એનાથી તેઓ જીભ પરની ચીરા જેવી જગ્યામાં સંતાય જાય છે. દાંત ઘસવાથી અને ફ્લોસ કરીને બે દાંત વચ્ચેની જગ્યા સાફ કરવાથી લાભ થઈ શકે, પણ એનાથી ફક્ત ૨૫ ટકા જીવાણુ નાશ પામે છે. દાંતના ડૉક્ટર એલન ગ્રોવ મુજબ ઊલીયાથી જીભ સાફ કરવાની જૂની રીત જ “એકમાત્ર અને સૌથી અસરકારક રીત છે જેનાથી મોઢામાં દુર્ગંધ ઉત્પન્ન થતા રોકી શકે.” સિટીઝન છાપા મુજબ પ્લાસ્ટિકનું ઊલીયું “જીભને ચોખ્ખી રાખવા માટે બ્રશ કરતાં પણ ઉત્તમ છે.”
“શરીર માટે સૌથી મહત્ત્વનું પ્રવાહી”
ટોરન્ટો સ્ટાર છાપું કહે છે કે, “જીવતા રહેવા માટે પાણી સૌથી મહત્ત્વનું પ્રવાહી છે, કારણ કે આપણા શરીરમાં પ્રવાહીનું પ્રમાણ સૌથી વધારે છે. આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ૨૦ ટકા પણ ઓછું થાય તો એ જીવલેણ સાબિત થઈ શકે.” પાણી આપણા શરીરનું તાપમાન જાળવી રાખે છે. તેમ જ, “પોષક તત્ત્વોને લોહીની નળીઓ દ્વારા શરીરના સર્વ ભાગોમાં પહોંચાડે છે અને નકામી ચીજોને શરીરની બહાર કાઢે છે. પાણીને કારણે શરીરના સાંધા સરળતાથી વળી શકે છે. ઉપરાંત, પાણી મોટા આંતરડાને સારી રીતે કામ કરવા મદદ કરે છે, જેથી કબજિયાત ન થાય.” દરેક વ્યક્તિને લગભગ દિવસમાં બેથી ત્રણ લીટર પાણી પીવું જોઈએ. કૉફી, ઠંડા પીણાં કે આલ્કોહોલ પીવાથી વધારે પાણી પીવાની જરૂર પડશે, કારણ કે એ શરીરમાંનું પાણી શોષી લે છે. એક ડાઇટીશીયન મુજબ, તરસ લાગ્યા પછી જ પાણી પીવું ન જોઈએ, કારણ કે ત્યાં સુધીમાં તો શરીરમાં પાણી ઓછું થઈ ગયું હોય છે. એક છાપા પ્રમાણે, “દિવસે દર કલાકે એક ગ્લાસ પાણી પીવાથી, મોટા ભાગના લોકોની પાણીની જરૂર સંતોષાય શકે છે.”
ભોજન વિષે સાચી માહિતી
સામાન્ય રીતે, દસથી ચૌદ વર્ષની છોકરીઓની લંબાઈ દસ ઇંચ વધે છે અને તેઓનું વજન ૧૮-૨૨ કિલોગ્રામ વધે છે. જ્યારે કે ૧૨થી ૧૬ વર્ષના છોકરાઓની લંબાઈ ૧૨ ઇંચ વધે છે અને તેઓનું વજન ૨૨-૨૭ કિલોગ્રામ વધે છે. ઝડપથી થતા આ ફેરફારમાં વજનની ચિંતા થાય એ કંઈ નવી વાત નથી. અનેક યુવાનો આ ચિંતામાં વજન ઘટાડવા લાગે છે. ધ ટોરંટો સ્ટાર છાપામાં ડાઇટીશીયન લિન રોબ્લીન લખે છે, “ફક્ત અમુક જ વસ્તુઓ ખાવી અને એ પણ ઓછી ખાવી, તબિયત માટે સારું નથી અને એની ભલામણ પણ કરવામાં આવી નથી.” રોબ્લીને કહ્યું કે ખોરાક નહિ લેવાથી શરીરને જરૂરી પૌષ્ટિક આહાર મળતો નથી. ડાઇટીંગ માટે કોઈ ખાસ પ્રકારનો ખોરાક ખાવાથી “ભૂખ મરી શકે અને ખોરાક સંબંધી વિકાર પણ ઉત્પન્ન થઈ શકે.” તે કહે છે કે ખાસ કરીને તરુણોએ પોતાના વજન સંબંધી સમતુલા રાખવાની જરૂર છે અને યોગ્ય વજન રાખવા તેઓએ “પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ, આખો દિવસ એક જગ્યાએ બેસીને કામ કરવું ન જોઈએ અને પોતાને વિષે સારું વિચારવું જોઈએ.”
બાળકો માટે જોખમી તમાકુ
લંડનના ગાર્ડિયન નામના છાપા પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ના અંદાજે, જગતમાં ૫૦ ટકા બાળકોએ તમાકુના ધુમાડામાં જીવવું પડે છે, અને એ તેઓની તંદુરસ્તી બગાડે છે. તમાકુના ધુમાડાથી દમ, શ્વાસની તકલીફ, કાનની વચ્ચેના ભાગનો રોગ અને કૅન્સર જેવા રોગ થાય છે. એક વર્ષથી ઓછી ઉંમરના શિશુઓનું અચાનક મોત પણ થઈ શકે છે. સંશોધન પ્રમાણે, સિગારેટ પીનારના બાળકોના ભણતર અને તેઓના વર્તન પર પણ ખરાબ અસર પડે છે. બંને માબાપ સિગારેટ પીતા હોય તો, બાળકો પર ૭૦ ટકા જેટલી અસર થઈ શકે, અને બેમાંથી એક જ પીતું હોય તોપણ ૩૦ ટકા જેટલું જોખમ વધી જઈ શકે. આરોગ્ય શિક્ષણ આપનારાઓને હુ વિનંતી કરે છે કે, તેઓ માબાપને એ બતાવે કે કોઈ પણ રીતે તમાકુના ઉપયોગની તેઓની ટેવ કુટુંબ માટે કેટલું જોખમ ઊભું કરે છે. તેમ જ, એ આરોગ્ય સંસ્થા આગળ વિનંતી કરે છે કે, શાળાઓમાં અને બાળકો જ્યાં વધારે રહેતા હોય, ત્યાં ધૂમ્રપાન પર પ્રતિબંધ હોવો જોઈએ.
ફરવા જનારા વધશે
ધ યુનેસ્કો કુરિયરના અહેવાલ પ્રમાણે વિશ્વ પર્યટન સંગઠનના અંદાજે “દુનિયાભરમાં
ફરવા જનારાની વાર્ષિક સંખ્યા હાલમાં ૬૨.૫ કરોડ છે, જે ૨૦૨૦ સુધીમાં વધીને ૧.૬ અબજ થશે.” અંદાજ મુજબ, આ ફરવા જનારા કરોડોના કરોડો ડૉલર ખર્ચે છે, જેનાથી “ટૂરીસ્ટોનો ધંધો વિશ્વમાં પહેલા નંબરે છે.” અત્યારે ફરવા જનારા લોકોને યુરોપમાં જવાનું ખૂબ ગમે છે, અને ખાસ કરીને ફ્રાંસ! વર્ષ ૧૯૯૮માં ૭ કરોડ લોકો ફ્રાંસ ફરવા માટે આવ્યા. છતાં, કહેવાય છે કે, ૨૦૨૦ સુધી ચીન ટૂરીસ્ટોનું મનગમતું સ્થળ બનશે. પરંતુ, ફક્ત અમુક લોકોમાં જ પરદેશ ફરવા જઈ શકે છે. વર્ષ ૧૯૯૬માં વિશ્વની વસ્તીના ફક્ત ૩.૫ ટકા લોકો જ પરદેશ ફરવા ગયા હતા. જોકે, અનુમાન છે કે, ૨૦૨૦માં એ સંખ્યા વધીને ૭ ટકા થશે.ઘૂઘરીવાળો સાપ બદલો લે છે
ન્યૂ સાયંટિસ્ટ મેગેઝીનના અહેવાલ પ્રમાણે, “આ ઘૂઘરીવાળો સાપ મરી ગયા પછી પણ ડંખ મારી શકે છે. વળી, નવાઈ તો એ છે કે આ કંઈ નવી વાત નથી.” એના પર સંશોધન કરી રહેલા બે ડૉક્ટરો કહે છે કે, ૧૧ મહિનામાં ૩૪ દરદીઓની સારવાર થઈ, જેઓને એરિઝોના, અમેરિકામાં ઘૂંઘરીવાળા સાપે ડંખ માર્યો હતો. તેઓમાંથી પાંચે જણાવ્યું કે, સાપને મારી નાખ્યા પછી એ તેઓને કરડ્યો. એક દરદીએ જણાવ્યું કે તેણે એ સાપને ગોળી મારી. પછી એના માથાથી ધડ છૂટું પાડીને ટુકડા કરી નાખ્યા. થોડી વાર પછી સાપ ટાઢો પડી ગયો ત્યારે, તેણે એનું માથું ઉઠાવ્યું. અચાનક સાપના માથાએ ઉછળીને તેના બંને હાથ પર ડંખ માર્યા. આ મેગેઝીન કહે છે કે, અગાઉનું સંશોધન જણાવે છે કે, એ સાપનું માથું કપાયા છતાં, “મર્યા પછી એક કલાક સુધી માથાની સામે હલતી કોઈ પણ વસ્તુ પર એ હુમલો કરશે.” સર્પો અને જમીન-પાણીમાં રહેતા જીવજંતુઓના વૈજ્ઞાનિકો માને છે કે, એ હુમલો “આપોઆપ થાય છે. એ સાપની નાક અને આંખની વચ્ચે ઈંફ્રારેડ ઈન્દ્રિયોને કારણે થાય છે જે કોઈ શરીરની ગરમી પારખે છે.” ડૉ. જેફ્રી સૂશાર્ડ ચેતવણી આપે છે કે, એ સાપનું કપાયેલું માથું જાણે ‘નાનકડો સાપ જ ગણવું.’ તેમણે કહ્યું કે, “તમારે એને અડકવું પડે તોપણ, એક લાંબા ડંડાનો ઉપયોગ કરો.”
વીજળીના ઉત્પાદનની નવી રીત
◼ ફ્રેંચ મેગેઝીન સાયંસ એ આવનીરે અહેવાલ આપ્યો કે, ન્યૂ કેલિડોનિયાના ઉવેઆ ટાપુમાં પેટ્રોલ મળતું નથી. તેથી, વીજળી ઉત્પન્ન કરવા કોપરેલનો ઉપયોગ થાય છે. એલન લિયાનાર નામના ફ્રાંસના એક એંજીનિયરને કોપરેલથી ચાલતું એન્જિન બનાવવામાં ૧૮ વર્ષ લાગ્યા. એ એન્જિનથી એક જનરેટર ચાલે છે જેનાથી પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટને વીજળી મળે છે. આ પ્લાન્ટથી ટાપુમાંના લગભગ ૨૩૫ કુટુંબોને પીવાનું પાણી મળે છે. લિયાનાર કહે છે કે ઉર્જા ઉત્પાદન અને ઇંધણનો ઉપયોગ કરવામાં એનું ૧૬૫ કિલોવોટનું એન્જિન, ડિઝલથી ચાલતા કોઈ પણ એન્જિનથી ઊતરે એવું નથી.
◼ એ દરમિયાન, ભારતના ગુજરાત રાજ્યમાં કલાલી ગામે એક સંશોધન થયું. એમાં બળદની શક્તિથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું. નવી દિલ્હીનું ડાઉન ટુ અર્થ મેગેઝીન કહે છે કે એક વૈજ્ઞાનિક અને તેની ભત્રીજીએ વીજળી ઉત્પન્ન કરવા એક નવી તરકીબ શોધી. ચાર બળદ એક ડંડાને ગોળ ગોળ ફેરવતા હતા જે એક ગીયર બૉક્સ સાથે જોડેલો હતો. એનાથી એક જનરેટર ચાલતું હતું. જનરેટર સાથે બેટરી જોડેલી હતી જે પાણીના પંપ અને બી પીસવાના મશીનને વીજળી આપતી હતી. ડાઉન ટુ અર્થ કહે છે કે આ વીજળી ઘણી સસ્તી છે, કારણ કે પવનચક્કીના એક યુનિટની કીમત લગભગ ૪૦ રૂપિયા, સોલર પેનલના એક યુનિટની કીમત લગભગ ૯૬૦ રૂપિયા છે. પરંતુ, આ વીજળીના એક યુનિટની કીમત ફક્ત ૪ રૂપિયા છે. જો કે ગામના લોકોને વર્ષના ત્રણ મહિના ખેતી કરવા બળદની જરૂર પડે છે. તેથી સંશોધકો વિચારે છે કે પૂરતી વીજળી ભેગી કરવામાં આવે તો, બળદ ન હોય ત્યારે પણ કામ ચાલુ જ રહી શકે.
ચાલવાથી તબિયત સુધરે છે
ટોરન્ટોના ધ ગ્લોબ ઍન્ડ મેઈલ મુજબ, વજન ઘટાડવા અને તણાવ ઓછો કરવા ઉપરાંત, ચાલવાથી “બ્લડ પ્રેશર અને હૃદયરોગના હુમલાનો ભય” ઓછો થાય છે. તંદુરસ્ત રહેવા માટે ચાલવા સમય કાઢવો જરૂરી છે. કેટલો સમય? “કેનેડામાં તંદુરસ્ત જીવનનું માર્ગદર્શન (અંગ્રેજી) અનુસાર, તમે ધીમે ધીમે ચાલો તોપણ, તમારે આખા દિવસમાં ૬૦ મિનિટ જેટલું ચાલવું જોઈએ. તમારે આખા દિવસમાં છ વાર દસ દસ મિનિટ ચાલવું જોઈએ.” દરરોજ ત્રીસથી ૬૦ મિનિટ ઝડપથી ચાલો કે સાયકલ ચલાવો, કે પછી વીસથી ૩૦ મિનિટ સુધી દોડો તો, શરીર તંદુરસ્ત રહી શકે. ગ્લોબ અનુસાર એવા જોડા પહેરો જે હલકા અને માપસરના હોય, તળિયા પગના આકારના હોય, અંદરથી નરમ અને પગની આંગળીઓ જકડી ન દે એવા હોય.
માતાનું દૂધ—બાળકોનું વજન
સંશોધકોએ માતાના દૂધનો બીજો એક ફાયદો શોધી કાઢ્યો છે: માતાનું દૂધ પીનાર બાળકો પછીથી એકદમ જાડા થઈ જતા નથી. જર્મનના સામયિક ફોકસ પ્રમાણે મ્યુનિક યુનિવર્સિટીમાં સંશોધન કરવામાં આવ્યું. લગભગ પાંચથી ૬ની ઉંમરના ૯,૩૫૭ બાળકોનું વજન કર્યું અને પૂછવામાં આવ્યું કે તેઓને નાનપણમાં કયો ખોરાક આપવામાં આવતો હતો. એનાથી ખબર પડી કે માતાનું દૂધ ન પીનાર બાળકો સાથે સરખાવતા ત્રણથી પાંચ મહિના સુધી દૂધ પીનાર બાળકોમાં જાડા થઈ જવાની શક્યતા ૩૫ ટકા ઓછી છે. જેટલા લાંબા સમય સુધી બાળકને માનું દૂધ પીવડાવવામાં આવે, એટલી જ તેની જાડા થવાની શક્યતા ઓછી થાય છે. એક સંશોધક મુજબ એ માતાના દૂધમાં મળી આવતા તત્ત્વોને આભારી છે!