પોપટ ખતરામાં છે
પોપટ ખતરામાં છે
બ્રિટનના સજાગ બનો!ના લેખક તરફથી
“પૃથ્વી પર બીજા કોઈ પણ પક્ષીઓ કરતાં પોપટ વધારે ભયમાં છે,” આમ અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીના ડૉ. તીમોથી રાઈટે નોંધ્યું. પોપટ રંગબેરંગી પીંછાંવાળું અને આપણે કંઈ બોલીએ એના ચાળા પાડનારું એક સુંદર પક્ષી છે. એ કારણે તેઓની સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ રહી છે.
ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં એક ગ્રીક ડૉક્ટરે પૅરાકીટ (એક જાતનો નાનો પોપટ) વિષે લખ્યું હતું. ભારતનો એ પોપટ ભારતીય ભાષા ઉપરાંત ગ્રીક શબ્દો પણ બોલવા લાગ્યો ત્યારે, એ ડૉક્ટરને ખૂબ આશ્ચર્ય થયું હતું.
પોપટો અમુક રીતે આપણે કંઈ બોલીએ એની આબેહૂબ નકલ કરવામાં ખૂબ જ પ્રખ્યાત છે. એનાથી આકર્ષાઈને લોકો પોપટને પાળવા લાગ્યા છે. તેથી, પોપટને ગેરકાયદે પકડનારાઓ પણ વધી રહ્યા છે. છેલ્લા ૨૦ વર્ષમાં, ૧૪ દેશોમાં પોપટની ૨૧ જાતના કુલ ૩૦ ટકા માળાનો ગેરકાયદે વિનાશ કરવામાં આવ્યો છે. તેમ જ, ચાર જાતના પોપટોમાં આ આંકડો ૭૦ ટકા સુધી વધ્યો છે. પોપટ વર્ષમાં એક જ વાર માળામાં ઈંડા મૂકે છે. તેથી, તેઓની પ્રજોત્પત્તિ ખૂબ ઓછી છે. એ ઉપરાંત, પોપટના રહેઠાણનો પણ વિનાશ થઈ રહ્યો હોવાથી, તેઓમાં ઘટાડો થઈ રહ્યો છે. એ કારણે પોપટના ભાવો એકદમ ઊંચકાઈ ગયા છે.
પોપટની ઘટતી સંખ્યા બતાવે છે કે અમુક જાતના પોપટોનું અસ્તિત્વ સાચે જ ખતરામાં છે. અંદાજો બતાવે છે કે બ્રાઝિલમાં લીઅર્સ મેકો જાતના પોપટ ૨૦૦ કરતાં પણ ઓછા થઈ ગયા છે. એનાથી પણ ખરાબ હાલત જંગલમાં રહેતા પોર્ટો રિકન જાતના પોપટોની થઈ છે. તેઓની સંખ્યા ૫૦ કરતાં પણ ઓછી થઈ ગઈ છે. જંગલમાં રહેતા સ્પીક્સીસ મેકો જાતના પોપટની વસ્તી એક સમયે એકદમ ઓછી થઈ ગઈ હતી. પરંતુ, હવે તેઓને મોટા પીંજરાઓમાં સારી રીતે રાખીને રક્ષણ કરવામાં આવે છે જેથી, તેઓમાં વધારો થઈ શકે.
ખરેખર, આ સુંદર રંગબેરંગી પંખી સર્જનહારના હાથની કારીગરીનો પુરાવો આપે છે. અને સર્જનહારને પણ આ સુંદર અને અજાયબ પંખીથી કેટલી ખુશી થતી હશે! શું માનવીના લોભથી પોપટનો સદંતર વિનાશ થઈ જશે? એ તો સમય જ બતાવશે. પણ હમણાં તો પોપટની જાત ખતરામાં છે.
[પાન ૩૧ પર ચિત્ર]
પોર્ટો રિકન પોપટ
સ્પીક્સીસ મકો
લીઅર્સ મકો
[ક્રેડીટ લાઈન્સ]
પોર્ટો રિકન પોપટ: U.S. Geological Survey/Photo by James W. Wiley; લીઅર્સ મકો: © Kjell B. Sandved/Visuals Unlimited; સ્પીક્સીસ મકો: Progenies of and courtesy of Birds International, Inc.