હું કેવી રીતે રૂમમેટ સાથે હળીમળીને રહી શકું?
યુવાનો પૂછે છે . . .
હું કેવી રીતે રૂમમેટ સાથે હળીમળીને રહી શકું?
“મને મારું રસોડું એકદમ ચોખ્ખું જોઈએ. પણ મારી સાથે રહેતી બીજી છોકરીઓને કંઈ જ પડી ન હતી. રસોડામાં એઠીં થાળીઓ આમતેમ પડેલી રહેતી, સ્ટવ પર વાસણો એમના એમ જ પડ્યા રહેતા.”—લીન. *
રૂમમેટ. “તેઓ સૌથી સારા મિત્રો કે એકદમ કટ્ટર દુશ્મનો હોય શકે,” લેખક કીવૅન સ્કોલરી કહે છે. ભલે તમે એમ વિચારતા ન હોવ, પણ એ હકીકત છે કે કોઈની સાથે એક ઘરમાં કે રૂમમાં રહેવું સહેલું નથી. * રૂમમાં સાથે રહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ઝઘડા કે બોલાચાલી થવી સામાન્ય થઈ ગયું છે. યુ.એસ.ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રીપોર્ટ જણાવે છે કે, વિદ્યાર્થીઓ રૂમમાં હળીમળીને રહી શકે એ માટે મોટા ભાગની સ્કૂલોમાં “ઘણા પ્રયત્નો” કરવામાં આવે છે. એ માટે તેઓ ઝઘડા કે ખટરાગને કઈ રીતે થાળે પાડવા એના કાર્યક્રમો અને સેમિનારો પણ યોજે છે.
ઘર છોડીને પૂરો સમય પ્રચારક તરીકે સેવા આપતા ખ્રિસ્તી યુવાનો માટે પણ એક ઘરમાં સાથે રહેવું મુશ્કેલ બની શકે. પરંતુ, એ યાદ રાખવું કેટલું ઉત્તેજન આપનારું છે કે બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડવાથી અને “ડહાપણ” બતાવવાથી ઝઘડા હલ કરી શકાય છે.—નીતિવચનો ૨:૭, IBSI.
એકબીજાને ઓળખો
એક વાર ઘરથી દૂર બીજે રહેવાનો ઊભરો શમી જાય પછી, આપણામાંના મોટા ભાગનાને ઘર યાદ આવી જાય છે. (ગણના ૧૧:૪, ૫) તેમ છતાં, જો તમે ભૂતકાળના દિવસો યાદ કરશો તો, તમારા માટે નવી જગ્યાએ રહેવું વધારે અઘરું બનશે. સભાશિક્ષક ૭:૧૦ સલાહ આપે છે: “આગલો સમય આ સમય કરતાં સારો હતો તેનું કારણ શું છે એવું તું ન પૂછ; કેમકે આ વિષે તારે પૂછવું ડહાપણ ભરેલું નથી.” જેમ બને તેમ, તમારા સંજોગોને વધારે આનંદી બનાવવાની કોશિશ કરો.
શરૂઆતમાં તમે તમારી સાથે રહેતા રૂમમેટને સારી રીતે ઓળખો. એ ખરું છે કે બધા રૂમમેટ તમારા નજીકના મિત્ર નહિ બને. કદાચ એ વ્યક્તિ તમને ન પણ ગમતી હોય. તોપણ, જો તમારે તેની જ સાથે રહેવાનું હોય તો, બની શકે એટલા હળીમળીને રહેવું કેટલું સારું થશે.
ફિલિપી ૨:૪ આપણને “પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ” રાખવાનું જણાવે છે. પૂછપરછ કરતા હોય એ રીતે વાત કરવાને બદલે, આપણે દિલથી તેનામાં રસ લેવો જોઈએ. તેના કુટુંબમાં કોણ છે, તેને કઈ બાબતોમાં રસ છે, તેના ધ્યેયો શું છે અને તેને શું વધારે ગમે છે જેવા પ્રશ્નો આપણે પૂછી શકીએ. તમારા વિષે પણ જણાવો. તમે એકબીજા વિષે જેટલું વધારે જાણશો, એટલા એકબીજાને વધારે સમજી શકશો.
અમુક સમયે, તમે ભેગા મળીને સમય પસાર કરવાનું નક્કી કરો. લી કહે છે: “હું અને મારી રૂમમેટ કોઈ વાર બહાર
જમવા જઈએ છીએ, કે અમુક આર્ટ ગેલેરીની મુલાકાત લઈએ છીએ.” ખ્રિસ્તીઓ સાથે રહેતા હોય તો, તેઓ પરમેશ્વરની સેવામાં ભેગા મળીને સભાની તૈયારી કરી શકે. અથવા સાથે પ્રચારમાં જઈ શકે. આવી બાબતો સાથે કરવાથી, તેઓ વધારે સારા મિત્રો બની શકશે.ડેવિડ કહે છે: “મારો રૂમમેટ જાહેર ભાષણ આપવાનો હોય ત્યારે, તેને ઉત્તેજન મળે એ માટે હું તેના મંડળમાં જતો.” જોકે, રમતગમત કે સંગીત જેવી બાબતોમાં તેની અને તેના રૂમમેટની પસંદગી અલગ પડે છે. તોપણ, પરમેશ્વરની સેવા માટેના પ્રેમને લીધે તેઓ સારા મિત્રો રહી શક્યા છે. ડેવિડ કહે છે: “અમે ઘણી વાર આધ્યાત્મિક બાબતોની ચર્ચા કરીએ છીએ. અમે કલાકો સુધી એના પર વાત કરી શકીએ છીએ.”
સાવચેતી રાખો: તમારા રૂમમેટ સાથે હદથી વધારે બંધાશો નહિ. એનાથી તમારા સંબંધમાં ઓટ આવી શકે છે. જો તમે એવું ઇચ્છતા હો કે, તમે જ્યાં પણ જાવ ત્યાં તમારો કે તમારી રૂમમેટ પણ આવે તો, એક સમયે તે અકળાઈ ઊઠશે. બાઇબલ સલાહ આપે છે કે, તમારી દોસ્તીમાં “પ્રફુલ્લિત હૃદયવાળા” થાઓ.—૨ કોરીંથી ૬:૧૩.
સોનેરી નિયમને લાગુ પાડો
તમે એકબીજાને ઓળખશો તેમ, તમારી ટેવો, પસંદગી અને વિચારોમાં ઘણો ફરક જોવા મળશે. યુવાન માર્ક ચેતવે છે, “તમારે એકબીજાની ખામીઓની આશા રાખવી જ જોઈએ.” જો તમે જીદ્દી રહેશો કે પોતાને જ મહત્ત્વ આપશો તો, તણાવ પેદા થશે. એ જ રીતે, તમે એવું ઇચ્છતા હો કે, તમને ખુશ રાખવા રૂમમેટ તેનામાં મોટા ફેરફારો કરે તો, એનાથી પણ વાતાવરણ તંગ બનશે.
ફરનાન્ડો પોતે રૂમમેટ રહી ચૂક્યો હોવાથી આ બાબત શીખ્યો: “તમારે સ્વાર્થી નહિ પણ બીજાનું ભલું ઇચ્છવું જોઈએ.” તેણે એક જાણીતા સોનેરી નિયમને ધ્યાનમાં રાખીને આમ કહ્યું હતું. એ સોનેરી નિયમ કહે છે: “માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માત્થી ૭:૧૨) દાખલા તરીકે, ફરનાન્ડોને ખબર પડી કે તેના રૂમમેટને રાત્રે ગરમી લાગે છે. જ્યારે ફરનાન્ડો ઠંડીમાં રહી શકતો ન હતો. એનો શું ઉપાય નીકળ્યો? ફરનાન્ડો કહે છે: “પછી હું રાત્રે ધાબળો લઈને સૂવા લાગ્યો.” હા, માર્ક કહે છે તેમ, “જીદ્દી ન બનો. તમારે બધી રીતે ફેરફાર કરવાની જરૂર નથી, પણ અમુક પસંદગીમાં તમારે ફેરફાર કરવા પડી શકે.”
બીજી એક બાબતમાં પણ તમે સોનેરી નિયમને અમલમાં મૂકી શકો: તમારા રૂમમેટની પસંદગીને સહન કરતા શીખો. દાખલા તરીકે, તમારા રૂમમેટને જે સંગીત પસંદ છે એ તમને ન ગમતું હોય તો શું? દેખીતી રીતે જ તેને પણ તમારી પસંદગી નહિ ગમતી હોય. તેથી, જો તમારા રૂમમેટની સંગીતની પસંદગી ખરાબ ન હોય તો, તમે એને સહન કરવાની આદત પાડી શકો. ફરનાન્ડો કહે છે: “હું ઇચ્છું છું કે મારા રૂમમેટની સંગીતની પસંદગી અલગ હોય. હું એનાથી ટેવાઈ જઉં છું.” બીજી બાજુ, તમે હેડફોનથી સંગીતની મજા લઈ શકો જેથી, અભ્યાસ કરતા તમારા રૂમમેટને દખલ ન થાય.
બીજાની વસ્તુઓ વાપરવામાં પણ સોનેરી નિયમ લાગુ પાડીએ તો, બિનજરૂરી તકરાર થતા અટકાવી શકાય. દાખલા તરીકે, તમે ફ્રિજમાંથી કોઈ વસ્તુ લેતા હોવ, અને દર વખતે એને પાછી ન મૂકતા હોવ તો, તમારા સંબંધમાં કડવાશ આવી શકે. અથવા, તમારો કે તમારી રૂમમેટ પૂછ્યા વગર તમારી કોઈ વસ્તુ વાપરતા હોય તો, એનાથી તમારા સંબંધો બગડી શકે. બાઇબલ આપણને “ઉદાર તથા પરોપકારી” થવાનું ઉત્તેજન આપે છે. (૧ તીમોથી ૬:૧૮) જો તમને એમ લાગે કે તમારો ખોટો લાભ ઉઠાવવામાં આવે છે તો, ખામોશ ન રહો. શાંતિથી અને પ્રેમથી એ વિષે વાત કરો.
નીતિવચનો ૧૧:૨) તમારા રૂમમેટને એકાંત જોઈતું હોય તો, એનું પણ ધ્યાન રાખો. રૂમમાં જતા પહેલાં દરવાજો નોક કરવા જેવી સામાન્ય રીતભાત બતાવો. તમે આ રીતે આદર બતાવો છો ત્યારે, દેખીતી રીતે જ તમારા રૂમમેટ પણ એ રીતે વર્તશે. ડેવિડ કહે છે, “અમારામાંથી બંનેને રૂમમાં અભ્યાસ કરવામાં કંઈ વાંધો નથી. આ બાબતમાં અમે એકબીજાની પૂરી કાળજી રાખીએ છીએ અને શાંતિ જાળવીએ છીએ. પરંતુ મારા રૂમમેટને કંઈક કરવું હોય ત્યારે, હું અમુક સમયે અભ્યાસ કરવા લાઇબ્રેરીમાં જઉં છું.”
એકબીજાની વસ્તુઓની સારી કાળજી રાખો. પૂછ્યા વગર કોઈની વસ્તુ વાપરવી “અહંકાર” છે. (સમયસર તમારા ભાગનું ભાડું ચૂકવવામાં કે રોજના ઘરકામમાં હાથ બટાવવા જેવી બાબતોમાં પણ સોનેરી નિયમ લાગુ પડે છે.
તકરાર હલ કરવી
પહેલી સદીમાં, સારી પ્રતિષ્ઠાવાળા બે ખ્રિસ્તીઓ વચ્ચે “તકરાર થઈ” હતી. તેઓ પાઊલ અને બાર્નાબાસ હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૯) જો તમને પણ તમારા રૂમમેટ સાથે એવી કોઈ તકરાર થઈ હોય તો શું? તમારા બંનેના સ્વભાવ જુદા પડતા હોય, કે તેની કોઈ આદતથી તમને ચીડ ચઢતી હોય તો, કોઈ વાર તમે ધીરજ ગુમાવી બેસતા હશો. તમે કોઈ બાબતે સહમત ન હો, કે ગરમાગરમ દલીલો થતી હોય તો, શું એનો અર્થ એમ થાય કે તમારે હવે ભેગા ન રહેવું જોઈએ? ના, એ જરૂરી નથી. દેખીતી રીતે જ પાઊલ અને બાર્નાબાસ તેઓના મતભેદોને હલ કરી શક્યા હતા. તમે પણ પાઊલની જેમ તમારા મતભેદો હલ કરી શકો છો. ઉતાવળિયા બનીને તમારા રૂમમેટને છોડી ન દો. અહીં આપેલા કેટલાક બાઇબલ સિદ્ધાંતો ધ્યાનમાં લો, જે તમને મદદ કરી શકે છે.
• “પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.”—ફિલિપી ૨:૩.
• “સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.”—એફેસી ૪:૩૧, ૩૨.
• “એ માટે જો તું તારૂં અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરૂદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારૂં અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારૂં અર્પણ ચઢાવ.”—માત્થી ૫:૨૩, ૨૪; એફેસી ૪:૨૬.
એનાથી થતા લાભો
રૂમમેટ સાથે રહેતા ઘણા યુવાન અને કિશોર વયના ખ્રિસ્તીઓ, શાણા રાજા સુલેમાને જે કહ્યું હતું એ પોતાના અનુભવથી શીખ્યા છે: “એક કરતાં બે ભલા.” (સભાશિક્ષક ૪:૯) ઘણા લોકોને બીજાઓ સાથે રૂમમાં રહેવાથી લાભ થયો છે. માર્ક કહે છે, “હું બીજાઓ સાથે સારી રીતે વર્તતા શીખ્યો છું.” રીની કહે છે: “તમે તમારા પોતાના વિષે ઘણું શીખો છો. અને રૂમમેટની પણ તમારા પર સારી અસર પડી શકે છે.” લીન કબૂલે છે: “હું મારી રૂમમેટ જોડે રહેવા આવી ત્યારે બહુ જીદ્દી હતી. પરંતુ હવે હું નમ્ર બનતા શીખી છું. હું જોઈ શકી કે બીજાઓ મારા કરતાં કંઈક અલગ કરે તો, એનો અર્થ એમ નથી કે તે ખોટી છે.”
ખરેખર, રૂમમેટ સાથે સંપીને રહેવું હંમેશાં સહેલું નથી. એ માટે તમારે ઘણું જતું કરવું પડી શકે. પણ જો તમે બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે હળીમળીને રહેશો તો, તમારો આનંદ ઓર ખીલી ઊઠશે; પછી તમને સાચે જ રૂમમેટ સાથે રહેવાની ખૂબ મજા આવશે.
[ફુટનોટ્સ]
^ કેટલાક નામો બદલવામાં આવ્યા છે.
^ જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૨ના અમારા અંકમાં “શા માટે મારા રૂમમેટ સાથે રહેવું બહું અઘરું છે?” લેખ જુઓ.
[પાન ૨૬ પર ચિત્ર]
રૂમમેટને પૂછ્યા વગર તેની વસ્તુ વાપરવાથી ટેન્શન ઊભું થઈ શકે
[પાન ૨૭ પર ચિત્ર]
એકબીજાની કાળજી રાખો