સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રંગબેરંગી પીંછાવાળું પક્ષી

રંગબેરંગી પીંછાવાળું પક્ષી

રંગબેરંગી પીંછાવાળું પક્ષી

ભારતના સજાગ બનો!ના લેખક તરફથી

તમને વિષય જોઈને જ ખબર પડી ગઈ હશે કે આપણે મોરની વાત કરી રહ્યા છીએ. મોરના પીંછાં આખા જગતમાં જાણીતા છે. * પરંતુ, શું તમે કદી વિચાર્યું છે કે મોરને શા માટે લાંબા પીંછાં હોય છે? વળી, મોર શું ફક્ત એક સુંદર પક્ષી જ છે, કે પછી એનામાં કોઈ સારા ગુણો પણ છે?

મોર ત્રણ જાતના હોય છે. અહીં આપણે ભારતના મોર વિષે જોઈશું, જે લીલા-ભૂરા રંગના હોય છે. એના પીંછાં ૧૫૦ સેન્ટિમિટર લાંબા હોય છે. તેમ જ, પીંછાં સાથે એની લંબાઈ ૨૦૦થી ૨૩૫ સેન્ટિમિટર જેટલી થાય છે. મોરના પીંછાં લીલા અને સોનેરી રંગના હોય છે. એમાં ભૂરા અને કથ્થાઈ રંગના આંખો જેવા ટપકાં હોય છે. જ્યારે કે, શરીર પરના પીંછાં મોટા ભાગે ચળકતા ભૂરા અને લીલા રંગના હોય છે.

મોરનો દેખાવ એકદમ શાનદાર હોય છે. તેથી, એને ભારતના રાષ્ટ્રિય પક્ષી તરીકે પસંદ કરવામાં આવ્યું છે. એના આવા દેખાવને લીધે, અમુક દેશોમાં અભિમાની લોકોને, એને “મોર જેવું અભિમાન છે” એમ કહેવામાં આવે છે. પરંતુ, હકીકતમાં મોર તદ્દન અલગ જ છે, એને સહેલાઈથી પાળી શકાય છે. અમુક લોકો માને છે કે મોર પવિત્ર પક્ષી છે. એના લીધે, ભારતના ગામડાંમાં જો મોર ખેતરોને નુકસાન કરે, તોપણ ખેડૂતો એને ત્યાંથી ભગાવતા નથી.

મોરનો ભવ્ય નાચ

મોર કળા કરીને નાચવા માટે ઘણા જ જાણીતા છે. પરંતુ, મોર શા માટે એમ કરે છે? તે ઢેલને પોતાની તરફ આકર્ષવા માટે એમ કરે છે.

જો કે, ઢેલને આકર્ષવી એટલી સહેલી નથી, કારણ કે એ મોરમાં ઘણી જ ખૂબીઓ જોતી હોય છે. તેથી ઢેલને આકર્ષવા માટે, મોર કળા કરીને ખોટો દેખાડો કરતો હોય છે. મોર જ્યારે કળા કરે ત્યારે એના પીંછાં એકદમ રંગીન ટપકાંથી સરસ ચમકતાં હોય છે. આમ, ઢેલ સૌથી સરસ કળા કરી જાણનાર મોરને જ પસંદ કરે છે.

મોર ઢેલને આકર્ષવા માટે ફક્ત કળા જ નહિ, પણ બીજો ઘણો દેખાડો કરતો હોય છે. જેમ કે, સૌ પ્રથમ એ પોતાની પાંખોને ફેલાવે છે. પછી એ પાંખોને થોડી નમાવી, નાચવાનું શરૂ કરે છે. આમ એ એની રંગબેરંગી પાંખોને પોતાની બાજુ નમતી રાખીને, શરીર હલાવે ત્યારે એના પીંછાંમાંથી ખડખડ અવાજ આવતો હોય છે. મોર ટહુકો પણ કરી જાણે છે. જોકે, મોરનો ટહુકો એટલો મધુર નથી હોતો, પણ એમ એ ઢેલને જણાવે છે કે ‘તું મને ખૂબ ગમે છે.’

પરંતુ મોટા ભાગે ઢેલ, મોર તરફ બહુ ધ્યાન આપતી નથી. તેમ છતાં, સૌથી સરસ કળા કરનાર મોર જ, એને પોતાની તરફ આકર્ષી શકે છે. જો ઢેલને પણ મોર પસંદ પડી જાય તો, એ મોરની જેમ જ દેખાડો કરવાની કોશિશ કરે છે. મોર લગભગ પાંચેક ઢેલ રાખતો હોય છે, જેનાથી એ એક વર્ષમાં વધારેમાં વધારે ૨૫ બચ્ચાંનો બાપ બની શકે છે.

મોરનું કૌટુંબિક જીવન

બચ્ચાંના બાપ બન્યા પછી, મોરના પીંછાં ખરી પડતા હોય છે. મોરને સરેરાશ ૨૦૦ કરતાં વધારે પીંછાંઓ હોય છે. ભારતમાં ગામડાંના લોકો પીંછાં ભેગા કરીને, પશ્ચિમના દેશો સાથે વેપાર કરતા હતા. પરંતુ, મોરની વસ્તી ઘટવા માંડી ત્યારે, આ વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જોકે હજુ પણ ભારતમાં, એ પીંછાંમાંથી પંખાઓ અને બીજી સુંદર વસ્તુઓ બનાવવામાં આવે છે.

મોર સાંજ પડે એટલે ધીમે ધીમે ઊંચા ઝાડ પર ચઢી જાય છે અને ત્યાં આરામ કરે છે. સવારે પાછા એ ધીરે ધીરે નીચે ઊતરે છે. મોર જેટલો સુંદર દેખાય છે એટલો એનો ટહુકો મધુર હોતો નથી. જેમ કે, સાંજના સમયે પોતાનો ખોરાક શોધી ન લે, ત્યાં સુધી મોર ટહુક્યા જ કરે છે. એનાથી સાંજની શાંતિમાં ભંગ પડે છે.

મોરનો ખોરાક, શાકાહારી અને માંસાહારી પણ હોય છે. એ જીવડાં અને ગરોળી ખાય છે. અરે, અમુક વાર તો એ નાના નાના સાપ પણ ખાય છે. તેમ જ મોર દાણાં, બી અને પાકના કુમળાં મૂળ પણ ખાય છે.

મોર પોતાના દેખાવને લીધે, જાણે અભિમાન કરતો હોય એમ લાગી શકે. વળી, જોખમ આવે ત્યારે એ પોતાનું રક્ષણ પણ કરી જાણે છે. જેમ કે, જો કોઈ બિલાડી શિકાર કરવા આવે, તો મોરને તરત જ ખબર પડી જાય છે. એ તરત જ જંગલમાં દોડી જઈને જોર જોરથી કિકિયારી કરવા માંડે છે. એનાથી બીજા મોરોને પણ ખ્યાલ આવી જાય છે. આમ, બધા ભેગા થઈ નાસી છૂટે છે. આપણા માનવામાં નહિ આવે, પણ મોર એકબીજાની પાછળ ખૂબ ઝડપથી દોડી શકે છે. પરંતુ, ઢેલ ગમે તેવું જોખમ આવી પડે છતાં, પોતાનાં બચ્ચાંને છોડીને કદી જતી રહેતી નથી.

તમને થશે કે મોરના પીંછાં આટલા લાંબા હોય છે, તો શું એને ઊડવામાં તકલીફ નહિ પડતી હોય? પરંતુ હકીકતમાં, જો મોરને ઊડવું હોય તો, એને પોતાના પીંછાં જરાય નડતા નથી. તેમ જ, એ એક વાર ઊડવાનું શરૂ કરે તો, ઝડપથી પાંખો ફફડાવીને ઊડી શકે છે.

મોરના બચ્ચાં આઠ મહિનાના થઈ જાય, એટલે જાતે જ પોતાની સંભાળ રાખતા શીખી જાય છે. તેથી, એ પોતાના માબાપને છોડીને જતા રહે છે. એનાથી ઢેલને બીજા બાળકો કરવા માટે સમય મળે છે. નાના મોર લગભગ આઠ મહિનાના થાય કે પીંછાં ઊગવાનું શરૂ થઈ જાય છે. પછી ધીમે ધીમે ચાર વર્ષ સુધીમાં તો, એને પૂરેપૂરાં પીંછાં આવી જાય છે. ત્યાર પછી એ પોતાનું કુટુંબ બનાવવા માટે તૈયાર થઈ જાય છે.

રાજાઓના સમયમાં પણ મોર

પ્રાચીન ગ્રીસ, રોમ અને ભારતના બાગોમાં મોર છૂટથી ફરતા હતા. એનાથી બાગોની રોનક વધી જતી. હજારો વર્ષ સુધી ભારતના રાજમહેલોમાં, મોરના ચિત્રો દોરેલાં અને કોતરેલા જોવા મળતા હતા. તેમ જ, ભારતમાં એક સિંહાસન ખૂબ જ કીમતી હતું અને અમૂલ્ય વસ્તુઓમાંનું એક ગણવામાં આવતું હતું. એના પર અસંખ્ય નંગો જડેલા હતા. જેમ કે, ૧૦૮ માણેક અને ૧૧૬ લીલમ એના પર જડવામાં આવ્યા હતા. સિંહાસનની ટોચ પર સોનાનો મોર પણ બનાવેલો હતો. એના પરથી એ સિંહાસનને મયૂરાસન નામ આપવામાં આવ્યું. આ સિંહાસનનો ફક્ત મહત્ત્વના પ્રસંગોએ જ ઉપયોગ કરવામાં આવતો હતો.

બાઇબલનો ઇતિહાસ બતાવે છે કે રાજા સુલેમાન પાસે પણ મોર હતા. કલ્પના કરો કે, તેના ભવ્ય બગીચાઓમાં, મોરને આમતેમ ફરતા જોવાની કેટલી મજા આવતી હશે! (૧ રાજાઓ ૧૦:૨૨, ૨૩) આ પક્ષીઓ બતાવે છે કે, પરમેશ્વરે એને ઘણી જ સમજદારીથી બનાવ્યા છે. જ્યારે મોર પોતાના રંગબેરંગી પીંછાંથી કળા કરીને નાચે છે ત્યારે, એ આપણું ધ્યાન યહોવાહ પરમેશ્વર તરફ ખેંચે છે, જેમણે ‘બધું જ ઉત્પન્‍ન’ કર્યું છે. ખરેખર, એનાથી આપણે યહોવાહની કારીગરીની કદર કરીએ છીએ.—પ્રકટીકરણ ૪:૧૧. (g 03 6/22)

[ફુટનોટ]

^ મોરના પીંછાં પૂંછડીથી નહિ, પરંતુ કમરેથી શરૂ થાય છે. વળી, મોર કળા કરવા માટે પૂંછડીનો ઉપયોગ કરે છે.

[પાન ૧૮ પર ચિત્ર]

ઢેલ કંઈ હંમેશાં મોરના નાચથી આકર્ષાતી નથી

[ક્રેડીટ લાઈન]

© D. Cavagnaro/Visuals Unlimited

[પાન ૧૯ પર ચિત્ર]

ઢેલ એક સારી મા પણ હોય છે

[ક્રેડીટ લાઈન]

© 2001 Steven Holt/stockpix.com

[પાન ૧૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પાન ૨ અને ૧૭ પર મોર: Lela Jane Tinstman/Index Stock Photography

[પાન ૧૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

John Warden/Index Stock Photography