સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરે કેમ દુઃખોને રહેવા દીધાં છે?

ઈશ્વરે કેમ દુઃખોને રહેવા દીધાં છે?

ઈશ્વરે કેમ દુઃખોને રહેવા દીધાં છે?

જીવનમાં દુઃખનાં વાદળો ઘેરાઈ જાય ત્યારે, આપણે પોકારી ઊઠીએ છીએ, ‘હે ભગવાન, આવું કેમ થયું?’ આવા સવાલના જવાબની સાથે સાથે આપણે દિલાસો પણ શોધીએ છીએ. શું બાઇબલ એવો દિલાસો આપે છે? ચાલો આપણે બાઇબલના ત્રણ મહત્ત્વના સત્યનો વિચાર કરીએ.

પહેલું, ઈશ્વરે કેમ દુઃખોને રહેવા દીધાં છે, એમ પૂછવું કંઈ ગુનો નથી. અમુક લોકોને લાગે છે કે ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય એ આવો સવાલ પૂછે. એનાથી તો ઈશ્વરનું અપમાન થાય. પણ એવું નથી, કેમ કે અમુક ઈશ્વરભક્તોએ પણ એવા સવાલ પૂછ્યા હતા. હબાક્કૂકે ઈશ્વરને પૂછ્યું, “શા માટે તું અન્યાય મારી નજરે પાડે છે, ને ભ્રષ્ટાચાર બતાવે છે? કેમ કે મારી આગળ લૂંટફાટ ને જોરજુલમ થઈ રહ્યો છે; કજિયા થાય છે, ને ટંટા [તકરાર] ઊઠે છે.” (હબાક્કૂક ૧:૩) ઈશ્વર યહોવાહ, હબાક્કૂક પર ગુસ્સે થયા નહિ. તેમણે પોતાના ભક્તના એ સવાલો આપણા માટે બાઇબલમાં લખાવી લીધા.—રૂમી ૧૫:૪.

બીજું, આપણો પોકાર સાંભળીને ઈશ્વરની આંતરડી કકળે છે. ઈશ્વર આપણાથી દૂર પણ નથી. તે “ન્યાયને ચાહે છે.” દુષ્ટ કામોને ધિક્કારે છે. એનાથી માણસોને થતા દુઃખથી તેમનો જીવ બળે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૮; નીતિવચનો ૬:૧૬-૧૯) નુહના જમાનાનો વિચાર કરો. ધરતી પર થતી હિંસા જોઈને તેમના “હૃદયમાં” દુઃખ થયું. (ઉત્પત્તિ ૬:૫, ૬) આજની હાલત જોઈને પણ યહોવાહને એટલું જ દુઃખ થાય છે.—માલાખી ૩:૬.

ત્રીજું, દુષ્ટ કામોમાં ઈશ્વરનો હાથ નથી. બાઇબલ એ સાફ સાફ જણાવે છે. જેઓ ઈશ્વરને નામે ખૂન-ખરાબી કરે છે અને આતંક ફેલાવે છે, તેઓ ઈશ્વરને બદનામ કરે છે. યોબ ૩૪:૧૦ કહે છે કે “ઈશ્વર દુષ્ટતા કરે કે સર્વસમર્થ ખોટું કરે, એવું કહેવું તો અઘોર ઈશ્વરનિંદા કહેવાય.” (કોમન લેંગ્વેજ) યાકોબ ૧:૧૩ પણ જણાવે છે: “જો કોઈ ભૂંડું કરવા લલચાય તો યાદ રાખો કે તેને ભૂંડું કરવા લલચાવનાર તે ઈશ્વર નથી, કારણ કે ઈશ્વર ભૂંડું કરવા કોઈને લલચાવતા નથી.” ( IBSI) એટલે જો તમે કોઈ દુઃખ-તકલીફોનો ભોગ બન્યા હોવ, તો એક વાત ચોક્કસ છે કે એમાં ઈશ્વરનો હાથ નથી.

દુનિયા કોના હાથમાં છે?

આપણા મનમાં હજુયે આ સવાલ તો રમે જ છે કે ઈશ્વર એટલે પ્રેમના સાગર, ઇન્સાફના દેવતા, સૌથી બળવાન. તો પછી કેમ આપણા પર દુઃખ-તકલીફો આવે છે? એનો જવાબ મેળવતા પહેલાં આપણે એક ગેરસમજ દૂર કરવી પડશે. એ જ કે, મોટે ભાગે લોકો માને છે કે ‘દુનિયા તો ઉપરવાળાના હાથમાં છે, તેની મરજી વગર પાંદડુંયે ન હલે.’ ધર્મગુરુઓને ટ્રેનિંગ આપતી એક સંસ્થાના પ્રેસિડેન્ટે કહ્યું કે “વિશ્વનો નાનો અણુ હોય કે પરમાણુ, ઈશ્વરની મરજી વગર ખસે નહિ.” શું બાઇબલ એવું શીખવે છે?

ના. દુનિયા કોના હાથમાં છે, એ વિષે બાઇબલ જે જણાવે છે એનાથી ઘણાને નવાઈ લાગે છે. એ કહે છે કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) તે દુષ્ટ કોણ છે? એ શેતાન છે. તેને ઈસુ ખ્રિસ્ત “આ જગતનો અધિકારી” કહે છે. (યોહાન ૧૪:૩૦) હવે જાણે કે આપણને આખી વાતનો ભેદ સમજાય છે. શેતાનમાં દયાનો છાંટોય નથી. તેની નસેનસમાં કપટ અને નફરત વહે છે. એના લીધે લોકો આજે કેટલા દુઃખી છે! પણ ઈશ્વરે કેમ દુનિયા શેતાનના હાથમાં રહેવા દીધી છે?

એદન બાગમાં ઊભા થયેલા સવાલો

કલ્પના કરો કે એક પિતા બાળકોને જીવની જેમ ચાહે છે. પણ કોઈ આવીને અડોશ-પડોશના દેખતા પિતા પર આરોપ મૂકે કે એ પોતાનાં બાળકો સામે જૂઠું બોલે છે. મન ફાવે તેમ વર્તે છે. બાળકોના ફાયદાની વાત સંતાડે છે. હવે પિતા શું કરશે? શું પોતાને નિર્દોષ સાબિત કરવા પેલાને મારપીટ કરશે? ના! એનાથી તો લોકો પિતા પર શંકા કરવા લાગશે કે ચોક્કસ દાળમાં કંઈ કાળું છે.

આ દાખલો શું શીખવે છે? માનવ ઇતિહાસની શરૂઆતમાં પણ યહોવાહ પરમેશ્વર પર શંકા કરવામાં આવી. યહોવાહે આદમ અને હવાને બનાવ્યા, એદન બાગમાં રાખ્યા. આશીર્વાદ આપ્યો કે તેઓને બાળકો થાય અને ધીમે ધીમે કુટુંબ આખી ધરતી પર ફેલાઈ જાય. ધરતીને સ્વર્ગ જેવી સુંદર બનાવે. (ઉત્પત્તિ ૧:૨૮) એ જોઈ રહેલા કરોડો સ્વર્ગદૂતો ખુશીથી ઝૂમી ઊઠ્યા.—અયૂબ ૩૮:૪, ૭; દાનીયેલ ૭:૧૦.

યહોવાહે ઉદાર હાથે આદમ અને હવાને સુંદર અને ફળ-ફૂલોથી ભરપૂર એદન બાગ આપ્યો, જેથી તેઓ ખાય-પીને મજા કરે. પણ ‘ભલુંભૂંડું જાણવાના વૃક્ષ’ પરથી તેઓને ખાવાની ના પાડી. શું આ અન્યાય કહેવાય? ના, ઈશ્વર તો આપણા પિતા છે. તેમને પોતાનાં બાળકો માટે ખરું-ખોટું નક્કી કરવાનો હક્ક છે. આદમ અને હવા પણ તેમનું કહેવું માનીને પોતાને બનાવનાર, ઈશ્વર પર પૂરો ભરોસો રાખી શક્યા હોત.—ઉત્પત્તિ ૨:૧૬, ૧૭.

પણ બન્યું એવું કે એક સ્વર્ગદૂતમાં લોભ જાગ્યો. તેને થયું કે લોકો ઈશ્વરને બદલે પોતાની ભક્તિ કરે તો કેવું સારું! તેણે હવાને ભોળવી કે ઈશ્વરે મના કરેલું ફળ ખાઈને પણ તેને કંઈ થશે નહિ. (ઉત્પત્તિ ૨:૧૭; ૩:૧-૫) એ દૂતે આરોપ મૂક્યો કે ઈશ્વર તો જૂઠું બોલે છે. તેણે એમ પણ કહ્યું કે આદમ અને હવાને ફાયદો થાય એવું જ્ઞાન ઈશ્વર છુપાવતા હતા. તે કહેવા માંગતો હતો કે મનુષ્યને મન ફાવે એમ જીવવા દો, ખરું-ખોટું નક્કી કરવા દો. તે એ જ સાબિત કરવા માગતો હતો કે ઈશ્વર મનુષ્યના યોગ્ય પિતા કે માલિક નથી. તે પોતે ઈશ્વરથી સારો છે.

એવી કપટી ચાલ ચાલીને અને જૂઠ ફેલાવીને, એ સ્વર્ગદૂત શેતાન તરીકે ઓળખાયો. એનો અર્થ થાય, “વિરોધ કરનાર” કે “નિંદા કરનાર.” આદમ અને હવાએ કોનું કહેવું માન્યું? શેતાનનું. તેઓ પોતાના પિતા, પોતાના ઈશ્વરને ભૂલીને શેતાનના દોસ્ત બની ગયા.—ઉત્પત્તિ ૩:૬.

યહોવાહે ધાર્યું હોત તો તેઓને તરત જ પતાવી દીધા હોત. પણ આપણે ઉપરના દાખલામાં જોઈ ગયા તેમ, આવી વાતનો ઉકેલ મારપીટ કે હિંસાથી લાવી શકાય નહિ. શેતાને યહોવાહ પર આરોપ મૂક્યો ત્યારે, કરોડો સ્વર્ગદૂતો પણ સાંભળતા હતા. એમાંના અમુક પછીથી શેતાનની ચાલે ચાલ્યા અને ખરાબ દૂતો કહેવાયા.—માર્ક ૧:૩૪; ૨ પીતર ૨:૪; યહુદા ૬.

ઈશ્વર કેમ હજુ સુધી કંઈ કરતા નથી?

શેતાને આદમ અને હવાને છેતર્યા કે તેઓ ઈશ્વરથી આઝાદ થઈને મન ફાવે તેમ જીવી શકશે. પણ તેઓ હવે શેતાનના હાથમાં આવ્યા, તે તેઓનો માલિક બની બેઠો. પછી જાણે-અજાણે તેઓના “બાપ” શેતાનની જેમ, તેઓ પણ ‘મારી મરજી’ પ્રમાણે જીવવા લાગ્યા. (યોહાન ૮:૪૪) શું તેઓ નીતિ-નિયમ કે સંસ્કાર વિનાનું જીવન જીવીને, સાચે જ આઝાદ કે સુખી બની શક્યા? ના. યહોવાહ જાણતા હતા કે એ શક્ય જ નથી. તોપણ તેમણે તેઓને મન ફાવે તેમ જીવવા દીધા. જેથી, શેતાને એદન બાગમાં જે આરોપ ઈશ્વર પર મૂક્યા હતા, એનો પૂરો જવાબ મળી જાય.

એ વાતને લગભગ ૬,૦૦૦ વર્ષો થયાં છે. માણસોએ દુનિયામાં બધી જાતની સરકારો, તેમના નીતિ-નિયમો અજમાવી જોયા છે. શું તમે દુનિયાની આવી હાલતથી રાજી છો? શું આજે કુટુંબો સુખ-શાંતિથી, હળી-મળીને રહી શકે છે? ના! યુદ્ધો, દુકાળ, અણધારી આફતો, બીમારીઓ અને મોત માણસનો પીછો છોડતા નથી. બાઇબલ જણાવે છે એમ, આપણે નકામા ફાંફાં મારીએ છીએ, દુઃખ-દર્દથી પળે-પળે રિબાઈએ છીએ.—રૂમી ૮:૧૯-૨૨; સભાશિક્ષક ૮:૯.

કોઈને સવાલ થાય કે ‘ઈશ્વર કેમ દુઃખોને રોકતા નથી?’ જો એમ કરે તો તે ખરો ઇન્સાફ નહિ કરી શકે. કેમ? જો યહોવાહ એમ કરે તો શેતાન સાચો ઠરે કે તેના હાથ નીચે લોકો ખુશ રહી શકે છે. પછી લોકોને લાગશે કે મન ફાવે તેમ જીવો, યહોવાહની આજ્ઞા તોડવાથી કંઈ નહિ થાય. એટલે યહોવાહ દુઃખોને રોકતા નથી. * જોકે એવું પણ નથી કે દુનિયામાં શું બને છે એની યહોવાહને કંઈ પડી નથી. ચાલો હવે આપણે જોઈએ કે યહોવાહ જલદી જ શું કરવાના છે.

‘મારા પિતા અત્યાર સુધી કામ કરે છે’

ઈસુના એ શબ્દો બતાવે છે કે યહોવાહ કંઈ હાથ પર હાથ મૂકીને દુનિયાનો તમાશો જોયા કરતા નથી. (યોહાન ૫:૧૭) એદન બાગમાં તેમનો વિરોધ થયો ત્યારથી, યહોવાહ હજુ વધારે કામમાં લાગ્યા છે. જેમ કે, તેમણે બાઇબલના લેખકો પાસે એ વિષે લખાવી લીધું કે એવું ‘સંતાન’ આવશે, જે શેતાન અને તેના ચેલાઓનો નાશ કરશે. (ઉત્પત્તિ ૩:૧૫) એ ‘સંતાન’ વડે યહોવાહ સ્વર્ગમાં એક સરકાર બનાવશે. એ સરકાર ઈશ્વરનું કહેવું માનનારા ભક્તો પર એક પછી એક આશીર્વાદો વરસાવશે. બધાં દુઃખ-દર્દ, અરે મરણનું પણ નામનિશાન મિટાવી દેશે!—ઉત્પત્તિ ૨૨:૧૮; ગીતશાસ્ત્ર ૪૬:૯; ૭૨:૧૬; યશાયાહ ૨૫:૮; ૩૩:૨૪; દાનીયેલ ૭:૧૩, ૧૪.

એ સોનેરી યુગનાં વચનો પૂરાં થાય એ માટે યહોવાહે કેવી બાબતો કરી છે? તેમણે સ્વર્ગના રાજ્યના થનાર રાજાને પૃથ્વી પર મોકલ્યા. એ ઈશ્વરના દીકરા, ઈસુ ખ્રિસ્ત હતા. (ગલાતી ૩:૧૬) યહોવાહની ઇચ્છા પૂરી કરવા, ઈસુ લોકોને તેમના રાજ્ય વિષે શીખવવાના કામમાં ડૂબી ગયા. (લુક ૪:૪૩) ઈસુએ જીવતી-જાગતી સાબિતી આપી કે પોતે ઈશ્વરના રાજના રાજા બનશે ત્યારે શું કરશે. ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે હજારો ભૂખ્યાને જમાડ્યા. બીમાર લોકોને સાજા કર્યા. ગુજરી ગયેલાને સજીવન કર્યા. અરે, તેમણે દરિયામાં આવેલા તોફાનને શાંત પાડીને પોતાની શક્તિનો પરચો દેખાડ્યો. (માત્થી ૧૪:૧૪-૨૧; માર્ક ૪:૩૭-૩૯; યોહાન ૧૧:૪૩, ૪૪) ઈસુ વિષે બાઇબલ જણાવે છે કે ‘ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનાં સર્વ વચનોને પ્રગટ કરી પૂર્ણ કરે છે.’—૨ કરિંથી ૧:૨૦, IBSI.

આ દુનિયા કે જગત શેતાનના ઇશારે ચાલે છે. એમાંના લોકો યહોવાહને ઓળખતા નથી. પણ જેઓ ઈસુનું માનીને આ “જગતમાંથી” નીકળી આવે છે, તેઓને યહોવાહના કુટુંબમાં આવીને સાચો પ્રેમ મળે છે. (યોહાન ૧૫:૧૯) યહોવાહના કુટુંબના લોકો આખી દુનિયામાં છે. તેઓમાં પ્રેમ છે. શાંતિ છે. તેઓએ મનમાં ગાંઠ વાળી છે કે પોતાનામાં નાત-જાતના કોઈ જ વાડા ન જોઈએ.—માલાખી ૩:૧૭, ૧૮; યોહાન ૧૩:૩૪, ૩૫.

યહોવાહના ભક્તો આ દુનિયાને સાથ આપવાને બદલે, ઈશ્વરના રાજને પૂરો ટેકો આપે છે. માત્થી ૨૪:૧૪માં ઈસુએ આપેલી આજ્ઞા પ્રમાણે “સુવાર્તા” કે ખુશખબર બધે ફેલાવે છે. વિચાર કરો કે આખી દુનિયામાં કોણ એવી ખુશખબર ફેલાવે છે? દુનિયામાં ઈશ્વરના એક મોટા કુટુંબ તરીકે કોણ લડાઈ-ઝઘડા કે યુદ્ધમાં જરાય ભાગ લેતા નથી? કોણ યહોવાહના કહેવા પ્રમાણે નીતિ-નિયમો પાળે છે, પછી ભલેને લોકોને ગમે કે ન ગમે? (૧ યોહાન ૫:૩) ઘણાનું કહેવું છે કે એ તો યહોવાહના સાક્ષીઓ જ છે. કેમ નહિ કે તમે પોતે જ એની તપાસ કરો!

તમે કેવી પસંદગી કરશો?

શેતાનની દુનિયાને સાથ આપીને માણસો યહોવાહને ઓળખવાનો ઇન્કાર કરે છે. એ માટે એમના પર દુઃખો અને નિરાશાના વાદળ ઘેરાયેલાં છે. આ ધરતીને પણ તેઓ ઉજ્જડ બનાવી રહ્યા છે! જ્યારે કે યહોવાહે સ્વર્ગમાં જે સરકાર રચી છે, એણે લાખો લોકોના જીવન ખુશીઓથી ભરી દીધા છે. એ લોકોને લાખો નિરાશામાં એક આશા મળી છે. (૧ તીમોથી ૪:૧૦) તમે શું પસંદ કરશો?

હમણાં જ નક્કી કરો કેમ કે શેતાન અને તેની દુષ્ટ દુનિયાને યહોવાહ કાયમ ચાલવા દેશે નહિ. શરૂઆતથી જ યહોવાહની દિલની તમન્‍ના છે કે આ પૃથ્વી સ્વર્ગ જેવી સુંદર બને. એ ચોક્કસ બનશે જ! એ માટે યહોવાહનું રાજ કાયમ ટકશે અને એની પ્રજા વધતી જ જશે. જ્યારે કે શેતાન અને તેની દુનિયાનાં ‘દુઃખો’ વધતા ને વધતા જશે. આખરે યહોવાહ દુનિયાના દુષ્ટ લોકોનો અંત લાવશે. (માત્થી ૨૪:૩, ૭, ૮) શું તમે ઈશ્વરને પોકાર કર્યો છે કે ‘હે ઈશ્વર, આવું કેમ થયું?’ તો પછી બાઇબલમાંથી તેમનો જવાબ સાંભળો, દિલાસો અને આશા આપતો તેમનો સંદેશો દિલમાં ઉતારો. એનાથી હમણાં પણ તમારા ગમના આંસુ ખુશીમાં બદલાઈ જશે!—માત્થી ૫:૪; પ્રકટીકરણ ૨૧:૩, ૪. (g 11/06)

[ફુટનોટ]

^ ખરું કે અમુક બનાવોમાં યહોવાહે પગલાં લીધાં છે, પણ એ શેતાનની દુનિયાને સાથ આપવા નહિ. એ તો યહોવાહે પોતાની ઇચ્છા પ્રમાણે બાબતો થાય એટલા માટે પગલાં લીધાં હતાં.—લુક ૧૭:૨૬-૩૦; રૂમી ૯:૧૭-૨૪.

[પાન ૭ પર ચિત્ર]

મનુષ્યના રાજથી તમે ખુશ છો?

[ક્રેડીટ લાઈન]

બાળક: © J. B. Russell/Panos Pictures; રડતી સ્ત્રી: © Paul Lowe/Panos Pictures

[પાન ૮, ૯ પર ચિત્ર]

ઈસુ ધરતીને સ્વર્ગ જેવી સુંદર બનાવશે, અરે ગુજરી ગયેલાને પણ સજીવન કરશે