દુનિયામાં સંસ્કારનો દુકાળ
દુનિયામાં સંસ્કારનો દુકાળ
‘જૂઠ, કપટ ક્યાં નથી?’ કપટી દુનિયા વિષય પર અંગ્રેજી પુસ્તક લખનાર ડેવિડ કોલ્હેન પૂછે છે. તે જણાવે છે કે અમેરિકાની ‘સ્કૂલ-કૉલેજમાં સ્ટુડન્ટ ચોરી કરે છે. સંગીત અને ફિલ્મોની નકલ કરાય છે. નોકરીધંધે ટાઇમ અને ચીજોની ચોરી થાય છે. બીમારીના બહાને મફતના પૈસા ખવાય છે.’ સ્પૉર્ટ્સમાં જીત મેળવવા ડ્રગ્સ લેવાય છે. છેલ્લે લેખક કહે છે કે ‘બધી બાજુ આવું કાળું-ધોળું ચાલતું હોય તો, સંસ્કારની કોને પડી હોય?’
૨૦૦પમાં અમેરિકામાં મોટું તોફાન આવ્યું હતું, જે કેટરિના નામે ઓળખાયું. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ પેપરે જણાવ્યું કે લોકોને મળેલી મદદના ‘કામમાં સરકારે એવા છળ-કપટ, ચોરી અને જૂઠ ચલાવી લીધા, જેવા આજના જમાનામાં કદી થયા નથી.’ અમેરિકાની સેનેટ કે ધારાસભાની એક મેમ્બરે કહ્યું કે ‘ધોળે દિવસે લૂંટ, કપટ કરવાની હિંમત તો જુઓ. એટલો બધો બગાડ કે વાત ન પૂછો.’
ખરું કે બધા જ એવા નથી. દુનિયામાં સારા લોકો પણ છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૩; ૨૮:૨) તોપણ આજની દુનિયામાં સૌ સ્વાર્થનાં સગાં છે. મોટે ભાગે લોકો કહેશે, ‘એમાં મારા કેટલા ટકા?’
ઇતિહાસ બતાવે છે કે રૂમી રાજનું થયું એમ, સ્વાર્થી અને બેશરમ રીતે જીવતા લોકોની દુનિયા લાંબું ટકતી નથી. શું આજના બનાવો એવા કોઈ મોટા બનાવની ચેતવણી આપે છે? શું દુનિયા આખીમાં પાપ કે ‘અન્યાય વધી ગયા’ છે? બાઇબલ જણાવે છે કે દુષ્ટ જગતનો અંત આવે એ પહેલાં આવું બનશે.—માત્થી ૨૪:૩-૮, ૧૨-૧૪; ૨ તીમોથી ૩:૧-૫.
આખી દુનિયામાં ફેલાતો સડો
જૂન ૨૨, ૨૦૦૬નું આફ્રિકા ન્યૂઝ યુગાંડાની એક ઝૂંપડપટ્ટીમાં ‘સેક્સ અને પોર્નોગ્રાફી’ વિષે થયેલી શોધ-ખોળનો રિપોર્ટ આપે છે. એના કહેવા પ્રમાણે “એ એરિયામાં વેશ્યાગીરી અને ડ્રગ્સ લેનારા વધી ગયા, એમાં દોષ માબાપનો છે.” એ ન્યૂઝપેપરે કહ્યું: “ક્વામ્પે પોલીસ સ્ટેશનમાં બાળ અને કુટુંબ રક્ષણખાતાના ઑફિસર, મિસ્ટર ધબાન્જી સોલોન્ગો છે. તેમના કહેવા પ્રમાણે બાળ-અત્યાચાર અને કુટુંબમાં થતા ઝઘડા એટલા વધી ગયા છે કે ન પૂછો વાત.”
ભારતમાં મગજના એક ડૉક્ટરના કહેવા પ્રમાણે, “આજે સમાજમાં સંસ્કાર પર પાણી ફરી વળ્યું છે.” એક ફિલ્મ ડિરેક્ટરે કહ્યું કે ‘દિવસે દિવસે ડ્રગ્સની આદત વધતી જાય છે. સેક્સની ભૂખ વધતી જાય છે. આ પણ બતાવે છે કે ઇન્ડિયાના લોકો “પરદેશને રંગે રંગાઈને” સારા સંસ્કાર ખોઈ બેઠા છે.’
હ્યુ પૈચેંગ બેઇજિંગ, ચીનના સેક્સોલોજી એસોસિયેશનના સેક્રેટરી જનરલ કહે છે: “પહેલાં અમારા લોકો ખરું-ખોટું પારખી શકતાʼતા. હવે તો બધુંય ‘મેરી મરજી.’” ચાઈના ટુડે મૅગેઝિનમાં એક લેખ આમ જણાવે છે: ‘આજ-કાલ સમાજમાં બધું ચલાવી લેવાય છે. પરણેલી વ્યક્તિ પણ મન ફાવે તેની સાથે લફરાં કરે તો ચાલે!’
ઇંગ્લૅંડનું યોર્કશર પોસ્ટ ન્યૂઝપેપર જણાવે છે: ‘એવું લાગે છે કે કંઈ પણ વેચવા, લોકો કપડાં ઉતારી, સેક્સનો મરી-મસાલો ઉમેરવા તૈયાર છે. લગભગ એક પેઢી પહેલાંના લોકો આવું જોઈને ઊકળી ઊઠ્યા હોત. આજે સમાજમાં બધું ચાલે. જ્યાં જુઓ ત્યાં શરીરનું પ્રદર્શન અને સેક્સના પોસ્ટરો જોવા મળે. સમાજે મોટા ભાગે પોર્નોગ્રાફીનો પણ સ્વીકાર કરી લીધો છે. એક જમાનામાં જે વાંચન, ટીવી પ્રોગ્રામો ૧૮થી મોટી ઉંમરના માટે હતા, એ આજે આખું કુટુંબ જુએ છે. પોર્નોગ્રાફીનો વિરોધ કરનારાના કહેવા પ્રમાણે, એવું વાંચન, પ્રોગ્રામો ખાસ તો બાળકો માટે આપવામાં આવે છે.’
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ મૅગેઝિન કહે છે: ‘અમુક યુવાનિયા સેક્સના અનુભવોની એવી રીતે વાત કરે
છે, જાણે લંચમાં શું ખાવાના છે એની વાતો કરતા હોય.’ ટ્વીન્સ ન્યૂઝ મૅગેઝિન “૮-૧૨ વર્ષનાં બાળકોનાં માબાપ માટે સલાહ” આપે છે. એ કહે છે કે “એક છોકરીએ પત્ર લખ્યો, જે વાંચીને કાળજું કપાઈ જાય: ‘મારી મમ્મી મને છોકરાઓ સાથે દોસ્તી બાંધીને સેક્સ માણવા ધકેલે છે. હજુ તો મને ૧૨ વર્ષ થયા. પ્લીઝ કોઈક મદદ કરો!’”જમાનો કેટલો બગડી ગયો છે! કૅનેડાનું ન્યૂઝપેપર ટોરંટો સ્ટાર કહે છે કે થોડા ટાઇમ પહેલાં જ, “સ્ત્રી સ્ત્રીની સાથે ને પુરુષ પુરુષની સાથે સેક્સ સંબંધો રાખે, એની સામે સખત વિરોધ થયો હતો.” આજે શું? કાર્લટન યુનિવર્સિટી, ઓટાવામાં સમાજશાસ્ત્રની ટીચર બાર્બરા ફ્રિમેન જણાવે છે: “આજે લોકો કહે છે કે ‘એ મારી પ્રાઇવેટ લાઇફ છે. હું જે કરું મારી મરજી. બીજા એમાં શું કામ માથું મારે?’”
છેલ્લાં થોડાં વર્ષોમાં દુનિયા બહુ બદલાઈ ગઈ છે. આજે સંસ્કાર જેવું કંઈ રહ્યું જ નથી. એનું શું કારણ? તમને શું લાગે છે? આપણી આવતી કાલ કેવી હશે? (g 4/07)