સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બરફમાં ખુશ રહેતાં પ્રાણીઓ

બરફમાં ખુશ રહેતાં પ્રાણીઓ

બરફમાં ખુશ રહેતાં પ્રાણીઓ

ફિનલૅન્ડના સજાગ બનો!ના લેખક તરફથી

પૃથ્વીના સૌથી ઉત્તરના ભાગમાં કડકડતી ઠંડી પડે છે. જો કોઈ પણ બરાબર ગરમ કપડાં અને બૂટ પહેર્યા વગર જાય તો થીજી જ જાય. તેમ છતાં અનેક પ્રાણીઓ થીજી જતાં નથી, કેમ કે તેઓના શરીર પર ગાઢી રુંવાટી કે પીંછાં હોય છે. તેમ જ તેઓ ઠંડીમાં રક્ષણ મેળવવા બરફનો સહારો લે છે.

બરફ કેવી રીતે બને છે? વરાળ થીજવાથી બરફના નાના કણ બને છે. એ કણોની વચ્ચે પુષ્કળ હવા હોય છે. એ કારણથી ૨૫ સેન્ટિમીટર જાડી ઈંટ જેટલો સ્નો ઓગાળવામાં આવે તો એનું પાણી ફક્ત અઢી સેન્ટિમીટર જ બને. આ બતાવે છે કે કડકડતી ઠંડીમાં પણ બરફ ગરમી પકડે છે. આ રીતે બરફને લીધે બિયાં કે છોડને રક્ષણ મળે છે અને વસંત ઋતુ સુધી સચવાઈ રહે છે. જ્યારે બરફ ઓગળે છે ત્યારે જમીનને પાણી મળે છે અને ઝરણાં વહેવા લાગે છે.

બરફમાં રહેતાં પ્રાણીઓ

બરફ નીચે મોટા ઉંદર જેવા અનેક પ્રાણીઓ દર બનાવે છે. એમાં લેમિંગ, વોલ, શ્રૂ અને મોલ જેવા ઉંદર આવી જાય છે. આવા પ્રાણીઓ અનેક જાતના જીવડાં મેળવવા રાતે આમથી તેમ દોડાદોડ કરતા હોય છે. ઉંદર (માઉસ) જેવા બીજા નાના પ્રાણીઓ ઘણી વખત બરફ ઉપર દોડાદોડ કરતા હોય છે. તેઓ નાના ફળ, બિયાંઓ, છોડ-પાન અને અનેક જાતના દાણાઓની શોધમાં ફરતા હોય છે.

આ પ્રાણીઓ શરીરનું તાપમાન જાળવવા શું કરે છે? તેઓના શરીર પર મોટા વાળ કે રુંવાટી હોવાથી તેઓ ગરમ રહી શકે છે. ઉપરાંત તેઓનું શરીર પણ પુષ્કળ ગરમી પેદા કરે છે. એ માટે તેમને પુષ્કળ ખોરાકની જરૂર પડે છે. એ ખોરાક પચાવીને તેઓ ગરમી પેદા કરે છે. દાખલા તરીકે છછુંદર (શ્રૂ) રોજ પોતાના વજન જેટલાં જ જીવડાં ખાય છે. એનાથી પણ નાના છછુંદર (પિગ્મિ શ્રૂ) પોતાના વજન કરતાં પણ વધારે ખોરાક ખાય છે. એટલે જ તેઓ મોટાભાગે ખોરાક માટે આમથી તેમ ફરતાં હોય છે.

નોળિયા જેવા શિકારી પ્રાણીઓ ઉંદર જેવા નાના પ્રાણીઓનો શિકાર છે. નોળિયો સહેલાઈથી આમ-તેમ વળી શકતો હોવાથી શિકાર માટે પ્રાણીઓના દરમાં ઘૂસી જાય છે. તે પોતાના કદ કરતાં મોટા સસલાંનો પણ શિકાર કરે છે.

ઘુવડ પ્રાણીઓનો શિકાર કરવા આમ-તેમ ઊડાઊડ કરતું હોય છે. દાખલા તરીકે એક ગ્રેટ ગ્રે જાતના ઘુવડની સાંભળવાની ક્ષમતા જોડદાર હોય છે. દરમાં કોઈ નાનું પ્રાણી હોય તો એ સહેલાઈથી એનો અવાજ પારખી શકે છે. જમીન પર બરફ બહુ ન હોય તો પોતાના શિકારને એના પંજામાં પકડી લે છે. પણ બરફ બહુ જ ઊંડો હોય તો આવા શિકારી પ્રાણીઓ ભૂખે મરે. એ જ સમયે નાના પ્રાણીઓ જેમ તેમ વધી જાય.

ગરમીની મોસમમાં પ્રાણીઓ પુષ્કળ ખાય છે અને ચરબી વધારે છે. કડકડતી ઠંડીમાં એ ચરબી તેઓનો ખોરાક બને છે. આમ તેઓ પોતાનું જીવન ટકાવી રાખે છે. જોકે ઠંડીમાં પણ તેઓને અમુક ખાવાનું મળી રહે છે. દાખલા તરીકે સાબર (મૂસ) જેવા પ્રાણીઓ દેવદાર જેવા વૃક્ષની કુમળી ડાળીઓ ખાય છે. ખિસકોલી ઉનાળામાં ફળો અને બિયાં ભેગાં કરી રાખે છે અને ઠંડીની મોસમમાં એના પર જીવે છે. તેમ જ સસલાં (હેઅર) ઝાડ-છોડની કુમળી ડાળીઓ અને છાલ પર જીવે છે. અમુક પક્ષીઓ બરફમાં થીજેલાં ફળો અને દેવદારના બી પર જીવે છે.

બરફમાં ભરાઈ રહેતાં પક્ષીઓ

ઘણા પક્ષીઓ સૂવા કે આરામ માટે બરફમાં માળો બનાવે છે, જેથી તેઓ ગરમ રહી શકે. જેમ કે મરઘી જેવા પક્ષીઓ (હેઝલ હેન, કાળું ગ્રાઉસ, ટારમિગન) અને અનેક જાતની ચકલીઓ (લિનિટ, બુલફિચ ને સ્પેરો) પણ હોય છે. જો બરફ ઊંડો અને પોચો હોય તો અમુક પક્ષીઓ જેમ દરિયામાં ડાઈ મારવામાં આવે છે એમ બરફમાં ડાઈ મારે છે અને એમાં રહે છે. આમ, શિકારીઓ તેમને શોધી નથી શકતા.

તેઓ બરફમાં ભરાઈ ગયા પછી ત્રણ ફૂટ જેટલું લાંબું બખોલ બનાવે છે. એને ફિનિશ ભાષામાં કીએપી કહે છે. ફૂંકાતા પવનથી બખોલનું મોઢું બરફથી ઢંકાઈ જાય છે અને પ્રાણીઓ બખોલમાં સંતાઈ રહે છે. જ્યારે લોકો એની પાસે હરતા-ફરતા હોય છે, ત્યારે એનો અવાજ સાંભળીને પક્ષી પાંખો ફફડાવીને ઓચિંતું બહાર નીકળે છે. એનાથી બરફ આમ-તેમ ઊડે છે. એનો ઓચિંતો અવાજ અને એ દ્રશ્યથી લોકો ગભરાઈ જાય છે!

મોસમ પ્રમાણે કપડાં બદલતાં પ્રાણીઓ

મોસમ બદલાય છે તેમ અમુક પ્રાણીઓ પોતાના વાળ કે રુંવાટી તેમ જ પીંછાંનો રંગ બદલે છે. આ રીતે તેઓ બરફમાં સહેલાઈથી સંતાઈ શકે છે. ફિનલૅન્ડમાં રહેતાં શિયાળ (આર્ટિક ફૉક્સ), સસલાં (બ્લુ હેઅર) અને નોળિયા જેવા પ્રાણીઓ પાનખરમાં પોતાના વાળ કે રુંવાટીને સફેદ જેવા કરી દે છે.

ત્યાંની એક જાતની મરઘી (ટારમિગન) ઉનાળામાં કાબરચીતરાં રંગની હોય છે. તેના પગ પર પીંછાં હોતા નથી. પણ શિયાળામાં તેના પીંછાં બરફ જેવા સફેદ થઈ જાય છે. અને તેના પગમાં પુષ્કળ પીંછાં આવી જાય છે. તેના પીંછાંનો રંગ બદલાય છે ત્યારે એની આસપાસના વાતાવરણમાં એ મળી જાય છે. આમ, મોસમ બદલાવા છતાં તેઓ શિકારી પ્રાણીઓથી સંતાઈ શકે છે.

બરફ ઉપર ચાલતા પક્ષીઓના પગ કેમ થીજી નથી જતાં એ તમે કદી વિચાર્યું છે? તેઓની રચના એવી કરવામાં આવી છે, જેથી આવા વાતાવરણમાં પણ તેઓના પગ થીજે નહિ. તેઓના હૃદયમાંથી ગરમ લોહી પગમાં જાય છે. એ પગના લોહીને ગરમ કરીને પાછું હૃદયમાં જાય છે.

ભલે પ્રાણીઓ એકદમ ઠંડા કે ગરમ દેશમાં રહેતા હોય, તેઓ એ વાતાવરણથી હેરાન થતાં નથી. તેઓ મજાથી ત્યાં રહે છે. જ્યારે લોકો આવા પ્રાણીઓ વિષે સંશોધન કરે, ફિલ્મો ઉતારે ત્યારે લોકો તેઓની પ્રશંસા કરે છે. હકીકતમાં તેઓ કરતાં પણ વધારે જશ ઈશ્વરને મળવો જોઈએ. પ્રકટીકરણ ૪:૧૧ કહે છે કે “ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમ કે તેં સર્વેને ઉત્પન્‍ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.” (g08 02)

[Box/​Picture on page 14]

ઠંડીમાં પણ ભક્તિમાં ઉત્સાહી

ફિનલૅન્ડમાં શિયાળામાં પણ યહોવાહના સાક્ષીઓ ગરમ કપડાં પહેરીને ભક્તિમાં લાગુ જ રહે છે. તેઓમાંના ઘણા દૂર દૂર મુસાફરી કરીને તેઓની સભાઓમાં જાય છે. ગામડાંમાં રહેતા યહોવાહના સાક્ષીઓ કડકડતી ઠંડીમાં પણ સભાઓ ચૂકતા નથી. ત્યાંના બધાં જ યહોવાહના સાક્ષીઓ તન-મનથી પ્રચાર કરતા જ રહે છે. તેઓ ઠંડીમાં પણ ઘરના ગરમ વાતાવરણમાં બેસી રહેવાને બદલે કેમ પ્રચારમાં બહાર જાય છે? કેમ કે તેઓ માને છે કે યહોવાહની ભક્તિ કરવી એ એક મોટો આશીર્વાદ છે.—માત્થી ૨૪:૧૪.

[Picture on page 12, 13]

બખોલમાં રહેતું પક્ષી (પેટ્રલ)

[Credit Line]

By courtesy of John R. Peiniger

[Picture on page 13]

રાજહંસ

સસલું

ઉંદર (અર્મિન)

શિયાળ (આર્ટિક ફૉક્સ)

[Credit Line]

Mikko Pöllänen/Kuvaliiteri