સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ દુનિયાને કોણ ઉગારશે?

આ દુનિયાને કોણ ઉગારશે?

આ દુનિયાને કોણ ઉગારશે?

૨૦૦૭ના ઑક્ટોબરના નેશનલ જીઓગ્રાફિક મૅગેઝિનમાં જણાવ્યું કે “માણસજાતના ઇતિહાસમાં ગ્લોબલ વૉર્મિંગ એ સૌથી મોટી સમસ્યા છે.” મૅગેઝિન આગળ જણાવે છે કે માણસજાતે પૃથ્વીનું વાતાવરણ સુધારવું હોય તો ‘જે રીતે લોકો આજે જીવે છે એમાં મોટો ફેરફાર કરવો પડશે. એ માટે અત્યારે જ પગલાં લેવા જોઈએ. આવી તકલીફમાં લોકો પોતાના હાથ ઊંચા કરી દે એ ન ચાલે.’

પણ તમને લાગે છે કે માણસજાત કોઈ પગલાં લેશે? આજની દુનિયામાં મોટે ભાગે લોકો સ્વાર્થી છે, બીજાઓની કંઈ પડી નથી. ખાસ કરીને ફૅક્ટરીના માલિકો આવા જ છે. સૌથી વધારે પ્રદૂષણ તો ફૅક્ટરીઓ ફેલાવે છે. શું તમને લાગે છે કે આવી સ્વાર્થી દુનિયામાં પ્રદૂષણ ઓછું કરવા ફૅક્ટરીના માલિકો પોતાના ખિસ્સાના પૈસા કાઢશે?

બાઇબલ જણાવે છે કે માણસજાત આ સમસ્યાને દૂર કરી શકતી નથી. એટલે બાઇબલમાં એક ઈશ્વરભક્તે કહ્યું કે “હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) ઇતિહાસ પુરાવો આપે છે કે માણસજાતે સમસ્યાને ઉકેલવાને બદલે મોટે ભાગે એમાં ઉમેરો જ કર્યો છે. પણ અમુકને લાગે છે કે વિજ્ઞાન અને ટેકનૉલૉજીમાં થયેલી પ્રગતિને લીધે આપણે ગ્લોબલ વૉર્મિંગ અટકાવી શકીશું. તેમ છતાં અમુક વૈજ્ઞાનિકો કબૂલે છે કે ગ્લોબલ વૉર્મિંગ એવી સમસ્યા છે જેનો માણસજાતે કદીયે સામનો કર્યો નથી. એટલે એનો ઉકેલ કેવી રીતે લાવવો એ વૈજ્ઞાનિકો જાણતા નથી. આ બધું જોતાં તમને લાગે છે કે આપણે પાણી પહેલાં પાળ બાંધી શકીશું?

વાતાવરણમાં સુધારો કરવા નેતાઓ અને વૈજ્ઞાનિકોએ ઘણી ચર્ચાઓ કરી છે. તેઓએ મોટી મોટી વાતો જ કરી છે, પણ કોઈ પગલાં લીધા નથી. એનો પુરાવો આર્કટિક મહાસાગરના દાખલામાં મળે છે. શિયાળામાં આ સાગર અમુક સમય માટે બરફ બની જાય છે. પણ ૨૦૦૭માં પહેલી વખત આ સાગર થીજી ગયો નહિ. એટલે એમાં બારેમાસ વહાણોની અવર-જવર રહી. એ જાણીને નેતાઓએ શું કર્યું? ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિને જણાવ્યું કે ‘બરફ જામ્યો નહિ એની ચિંતા કરવાને બદલે તેઓએ સાગર તળેથી ખનિજ કાઢવાનો પ્રયત્ન કર્યો.’

આશરે બે હજાર વર્ષ પહેલાં બાઇબલમાં જણાવ્યું હતું કે લોકો ‘પૃથ્વીને નાશ કરશે.’ (પ્રકટીકરણ ૧૧:૧૮) આ જાણીને આપણને થશે કે શું કોઈ એવી વ્યક્તિ છે, જે વાતાવરણમાં સુધારો કરી શકે? એ વ્યક્તિ પાસે પૃથ્વીના વાતાવરણનું પૂરેપૂરું જ્ઞાન અને શક્તિ છે, જેથી તે આ બધું સુધારી શકે? બાઇબલ જણાવે છે કે “રાજાઓ પર ભરોસો ન રાખ, તેમ જ માણસજાત પર પણ નહિ, કેમ કે તેની પાસે તારણ નથી.”—ગીતશાસ્ત્ર ૧૪૬:૩.

પૃથ્વીનું ભાવિ, કોના હાથમાં?

જો કોઈ રાજા કે વિજ્ઞાની પૃથ્વીનું વાતાવરણ સુધારી નહિ શકે તો કોણ સુધારશે? બાઇબલ જણાવે છે કે ઈશ્વર યહોવાહે એ માટે એક વ્યક્તિને જવાબદારી સોંપી છે. યહોવાહ તેમને ‘સુબુદ્ધિ તથા સમજ, વિવેકબુદ્ધિ તથા પરાક્રમ, જ્ઞાન તથા સમજણ આપશે. તે યહોવાહના ભયમાં હરખાશે; ન્યાયીપણાથી તે નિરાધારનો ઇન્સાફ કરશે, ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે.’—યશાયાહ ૧૧:૨-૫.

આ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ ઈસુ ખ્રિસ્ત છે. તેમણે પોતાની જિંદગી કુરબાન કરી, જેથી આપણને અમર જીવન મળી શકે. (યોહાન ૩:૧૬) સ્વર્ગમાં યહોવાહે ઈસુને રાજગાદી પર બેસાડ્યા છે અને તેમને માણસજાત પર રાજ કરવાની જવાબદારી સોંપી છે.—દાનીયેલ ૭:૧૩, ૧૪; પ્રકટીકરણ ૧૧:૧૫.

ઈસુ ખ્રિસ્ત હજારો વર્ષોથી પરમેશ્વર યહોવાહ સાથે સ્વર્ગમાં છે. તેમણે સૃષ્ટિની રચનામાં યહોવાહને બધી રીતે મદદ કરી હતી. એટલે જ યહોવાહે તેમને “કુશળ કારીગર” તરીકે ઓળખાવ્યા. (નીતિવચનો ૮:૨૨-૩૧) હવે વિચારો કે ઈસુએ પૃથ્વીની દરેક વસ્તુની રચનામાં મદદ કરી છે, તો ચોક્કસ તેમની પાસે પૃથ્વીનું વાતાવરણ સુધારવાનું જ્ઞાન હશે જ.

જ્યારે ઈસુ પૃથ્વીનું વાતાવરણ સુધારશે ત્યારે તે કેવા લોકોને પૃથ્વી પર રહેવા દેશે? એવા લોકો જે નમ્ર બનીને ઈશ્વર યહોવાહ અને તેમને આધીન રહેશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯; ૨ થેસ્સાલોનીકી ૧:૭, ૮) ઈસુએ કહ્યું કે એવા લોકો “પૃથ્વીનું વતન પામશે.” અને એ સમયે પૃથ્વી પર કોઈ પ્રદૂષણ નહિ હોય. આખી પૃથ્વી સુંદર બગીચા જેવી હશે.—માત્થી ૫:૫; યશાયાહ ૧૧:૬-૯; લુક ૨૩:૪૩.

હંમેશ માટેના જીવનનો આશીર્વાદ જોઈતો હોય તો આપણે ‘ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને’ ઓળખવાની જરૂર છે.—યોહાન ૧૭:૩.

ખરું કે આજે ગ્લોબલ વૉર્મિંગને લીધે પૃથ્વીના વાતાવરણમાં નુકસાન થઈ રહ્યું છે. પણ બહુ જ જલદી ઈસુ વાતાવરણમાં સુધારો કરશે. ખાસ કરીને જેઓ જાણીજોઈને પૃથ્વીને બગાડે છે એવા લોકોનો તે નાશ કરશે. એટલે યહોવાહના સાક્ષીઓ તમને ઉત્તેજન આપે છે કે બાઇબલમાંથી વધારે શીખો. એનાથી તમે અમર જીવનનો આશીર્વાદ મેળવી શકશો. (g 8/08)

[Box on page 8]

પૃથ્વીને વિજ્ઞાન નહિ સુધારી શકે

લાખો લોકો જીવનને ઈશ્વરની ભેટ નથી ગણતા, એટલે મન ફાવે એમ જીવે છે. તેઓ દારૂ, ડ્રગ્સ, સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરીને પોતાના શરીરને નુકસાન કરે છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯; ૨ કોરીંથી ૭:૧) દુઃખની વાત એ છે કે લોકો પૃથ્વીને પણ ઈશ્વરની ભેટ નથી ગણતાં. એટલે પૃથ્વીને નુકસાન થાય એ રીતે જીવન જીવે છે.

શું એનો ઉકેલ વિજ્ઞાન કે આજના શિક્ષણ પાસે છે? થોડું ઘણું તેઓ સુધારી શકે છે, પણ પૂરેપૂરું નહિ. ફક્ત આપણા રચનાર પરમેશ્વર યહોવાહ જ એનો ઉકેલ લાવશે. એટલે જરૂરી છે કે ઈશ્વર યહોવાહ વિષે જ્ઞાન લઈએ. એ જ્ઞાન આપણને બાઇબલમાંથી મળશે. બાઇબલમાં વચન આપ્યું છે કે એક સમય આવશે જ્યારે ‘માણસો કોઈ પણ નુકસાન કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમ કે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.’—યશાયાહ ૧૧:૯.

[Picture on page 9]

ઈસુના રાજ હેઠળ આપણે પૃથ્વીને સુંદર બગીચા જેવી બનાવીશું