સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુસ્સાને કાબૂમાં રાખવા હું શું કરું?

ગુસ્સાને કાબૂમાં રાખવા હું શું કરું?

યુવાનો પૂછે છે

ગુસ્સાને કાબૂમાં રાખવા હું શું કરું?

તમને ક્યારે ક્યારે ગુસ્સો આવે છે?

□ કદી નહિ

□ દર મહિને

□ દર અઠવાડિયે

□ દરરોજ

તમને મોટે ભાગે કોણ ગુસ્સે કરે છે?

□ કોઈ નહિ

□ સાથે ભણનારા

□ માબાપ

□ ભાઈ-બહેન

□ બીજાઓ

ખાસ કરીને કેવા સંજોગમાં તમારો પિત્તો જાય છે, એ નીચે લખો.

□ ․․․․․

જો તમે “કદી નહિ” અને “કોઈ નહિ” એની બાજુમાં ✔ મૂકી હોય અને છેલ્લે કંઈ ન લખ્યું હોય, તો તમને શાબાશી આપીએ છીએ. તમે તમારા ગુસ્સાને મુઠ્ઠીમાં રાખ્યો છે!

ગુસ્સો આવે ત્યારે, દરેક જણ જુદી જુદી રીતે વર્તે છે. એમાં વ્યક્તિની કોઈ પણ રીતે નબળાઈ દેખાઈ આવે છે. આ સત્ય ઈશ્વરભક્ત યાકૂબે બાઇબલમાં લખેલા શબ્દોમાં જોવા મળે છે: “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ.” (યાકૂબ ૩:૨) ગુસ્સાની વાત આવે ત્યારે, કદાચ તમને પણ ૧૭ વર્ષની શિરિના જેવું લાગતું હશે. * તે કહે છે: ‘મને ગમતું ન હોય એવું કોઈ કહે કે કરે ત્યારે, હું અંદરથી એટલી ઊકળી ઊઠું કે ઘણી વાર તાડૂકી ઊઠું. પછી ભલે એ મારાં મમ્મી-પપ્પા હોય, મારી બહેન હોય કે મારો કૂતરો હોય!’

ખોટી માન્યતા તજી દો, હકીકત સ્વીકારો

શું તમે નજીવી બાબતમાં પણ સહેલાઈથી ઊકળી ઊઠો છો? એમ હોય તો મગજ ઠંડું રાખવા તમને મદદ મળી શકે છે. પહેલા તો ચાલો આપણે અમુક ખોટી માન્યતા દૂર કરીએ.

ખોટી માન્યતા: “મારા કુટુંબમાં બધાનો સ્વભાવ તીખો છે. મારો પણ એવો જ છે!”

હકીકત: કદાચ તમે ‘ગુસ્સાવાળા’ હશો, કેમ કે તમારો ઉછેર એવા કુટુંબ કે વાતાવરણમાં થયો હોઈ શકે કે પછી બીજું કોઈ કારણ હોય. તોપણ, તમને ગુસ્સો આવે ત્યારે શું કરવું કે ન કરવું એ તમારા હાથમાં છે. (નીતિવચનો ૨૯:૨૨) આ સવાલનો વિચાર કરો: શું તમે ગુસ્સાને મુઠ્ઠીમાં રાખો છો કે પછી એ તમને મુઠ્ઠીમાં રાખે છે? ઘણા લોકો ગુસ્સાને કાબૂમાં રાખતા શીખ્યા છે, તમે પણ એમ કરી શકો છો!—કોલોસી ૩:૮-૧૦.

બાઇબલની સલાહ: “સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્‍નસ તમારામાંથી દૂર કરો.”—એફેસી ૪:૩૧.

ખોટી માન્યતા: “મને ગુસ્સો આવે ત્યારે, મનમાં દબાવી રાખવાને બદલે ઠાલવી દઉં એ વધારે સારું.”

હકીકત:બંને રીતો યોગ્ય નથી. એનાથી તો તમારી જ તંદુરસ્તી બગડશે. ખરું કે તમને કેવું લાગે છે એ વિષે ‘છૂટે મોઢે બોલવાનો’ સમય હોય છે. (અયૂબ ૧૦:૧) પરંતુ એનો એ અર્થ નથી કે તમે વાતવાતમાં ઊકળી પડો. તમે છંછેડાયા વગર શાંતિથી પેટછૂટી વાત કરી શકો છો.

બાઇબલની સલાહ: ‘પ્રભુના દાસે ઝઘડો કરવો નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ અને સહનશીલ હોવો જોઈએ.’—૨ તીમોથી ૨:૨૪.

ખોટી માન્યતા: “જો હું ‘બધા પ્રત્યે માયાળુ બનીશ’ તો કોઈ મને ગણકારશે નહિ, બધા મારા પર ચઢી બેસશે.”

હકીકત: લોકો જાણે છે કે ગુસ્સાને કાબૂમાં રાખવો ખૂબ મહેનત માગી લે છે. તમે એને કાબૂમાં રાખશો તો તમારા માટે લોકોનું માન વધશે.

બાઇબલની સલાહ: “જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.”—રૂમી ૧૨:૧૮.

મગજ કંટ્રોલમાં રાખતા શીખો

જો અવારનવાર તમારું મગજ તપી જતું હોય તો તમે શું કરો છો? કદાચ તમે અત્યાર સુધી દોષનો ટોપલો બીજાને માથે ઢોળ્યો હશે. દાખલા તરીકે, શું તમે કદી આમ કહ્યું છે કે ‘પેલી છોકરીએ મને ચીડવી’ અથવા ‘પેલા છોકરાને લીધે મારો પિત્તો ગયો’? જો એમ કહ્યું હોય, તો એ બતાવે છે કે તમારા મગજનું રીમોટ કંટ્રોલ બીજાઓના હાથમાં છે. એ પાછું મેળવવા તમે શું કરી શકો? નીચે આપેલી સલાહ લાગુ પાડો.

તમારા વર્તન માટે તમે જ જવાબદાર છો એ યાદ રાખો. એ સ્વીકારો કે ગુસ્સે થવું કે નહિ, એ તમારા જ હાથમાં છે. તમારી કમાન છટકે ત્યારે બીજાઓ તરફ આંગળી ન ચીંધો. ‘પેલી છોકરીએ મને ચીડવી’ એમ કહેવાને બદલે કહો કે ‘હું પોતે તપી ગઈ.’ એમ પણ ન કહો કે ‘તેણે મને ગુસ્સે કર્યો.’ એના બદલે એમ કહો કે ‘હું ઉશ્કેરાઈ ગયો.’ તમે પોતાનો વાંક સ્વીકારવા લાગશો તેમ, પોતાના વાણી-વર્તનમાં સુધારો કરી શકશો.—ગલાતી ૬:૫.

કેવા સંજોગમાં ગુસ્સે થાવ છો એ પારખો. બાઇબલ કહે છે: ‘સમજુ માણસ સામે આવતી મુશ્કેલીઓ જોઈને સાવધ બને છે; જ્યારે મૂરખ આંખો મીંચીને આગળ ધસે છે અને પરિણામ ભોગવે છે.’ (નીતિવચનો ૨૨:૩, IBSI) એટલે કેવા સંજોગમાં ગુસ્સો આવે છે, એ અગાઉથી વિચારવું ખૂબ મહત્ત્વનું છે. આ સવાલનો વિચાર કરો: ‘મોટા ભાગે હું કેવા સંજોગમાં ઊકળી ઊઠું છું?’ દાખલા તરીકે, માગૅઇન નામની યુવતી કહે છે: “હું રાતપાળી કરું છું. મારી ડ્યૂટી પૂરી થાય ત્યારે હું થાકીને લોથપોથ થઈ જાઉં. આવા સમયે કંઈ પણ થાય તો હું ઊકળી ઊઠું.”

સવાલ: કેવા સંજોગોમાં તમારો પિત્તો જવાની વધારે શક્યતા રહેલી છે?

․․․․․

ઠંડા મગજે જવાબ આપતા શીખો. ગુસ્સે થયા હોવ ત્યારે ઊંડા શ્વાસ લો, ધીમા અવાજે અને આસ્તે આસ્તે બોલો. કોઈના પર દોષ મૂકવાને બદલે, (“ચોર, મને પૂછ્યા વગર તું મારું સ્વેટર લઈ ગયો!”) જે બન્યું એનાથી તમને કેવું લાગ્યું એ જણાવવાની કોશિશ કરો. (“જ્યારે સ્વેટર પહેરવું હોય ત્યારે મળે નહિ. મને પૂછ્યા વગર તું લઈ જાય એ જાણીને હું બહુ અપસેટ થઈ જઉં છું.”)

વિચાર કરો: છેલ્લે કયા સંજોગમાં તમે તપી ગયા હતા.

૧. શાના લીધે તમે ગરમ થઈ ગયા?

․․․․․

૨. ગુસ્સો આવ્યો ત્યારે તમે કેવી રીતે વર્ત્યા હતા? (તમે શું કહ્યું અથવા શું કર્યું?)

․․․․․

૩. તમે શું કરી શક્યા હોત?

․․․․․

પરિણામનો વિચાર કરો. એમ કરવા બાઇબલના અનેક સિદ્ધાંતો મદદ કરી શકે. દાખલા તરીકે:

નીતિવચનો ૧૨:૧૮: “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે.” આપણા શબ્દોથી સામેવાળાને ઘણું ખોટું લાગી શકે. એમાંય જ્યારે આપણે ગુસ્સે હોઈએ, ત્યારે એવું કંઈક બોલી જઈએ જે માટે પછી પસ્તાવું પડે.

નીતિવચનો ૨૯:૧૧: “મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બોલી બતાવે છે; પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે.” જીભાજોડી કર્યા પછી છેવટે તમે જ મૂર્ખ દેખાશો.

નીતિવચનો ૧૪:૩૦: “હૃદયની શાંતિ શરીરનું જીવન છે.” મગજ વારે વારે તપી જતું હોય તો, તમારી તંદુરસ્તી પર બૂરી અસર પડશે. અનીતા નામની યુવતી કહે છે: “મારા કુટુંબમાં બધાને હાઈ બ્લડ પ્રેશર છે અને હું પણ ઘડીકમાં ટેન્શનમાં આવી જાઉં. એટલે ગુસ્સે થાઉં એ પહેલાં બે વાર વિચાર કરું છું.”

એમાંથી તમે શું શીખી શકો? તમારાં વાણી-વર્તનથી બીજાઓ પર કેવી અસર પડી શકે એનો વિચાર કરો. અઢાર વર્ષની હૅધર કહે છે: “હું મનમાં વિચારું કે ‘જો આ વ્યક્તિ પર તપી જઈશ તો તે મારા વિષે શું વિચારશે? એની અમારા સંબંધ પર કેવી અસર પડશે? જો કોઈ મારા પર એ જ રીતે તપી જાય તો મને કેવું લાગે?’” તમે પણ કોઈના પર ગુસ્સે થાવ ત્યારે કંઈ બોલતા પહેલાં આવા સવાલો પર વિચાર કરી શકો. પછી ભલેને કોઈની સાથે મોઢામોઢ વાત કરો, ફોન કરો, પત્ર, ઈમેઈલ કે એસએમએસથી કંઈક જણાવો.

સવાલ: જો કોઈ વ્યક્તિએ તમને અપસેટ કર્યા હોય અને તમે જવાબમાં તેમને ખખડાવી નાખતો સંદેશો મોકલો, તો શું થઈ શકે?

․․․․․

મદદ લો. નીતિવચનો ૨૭:૧૭ કહે છે: “લોઢું લોઢાને તેજ બનાવે છે, તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.” કદાચ તમારાં મમ્મી-પપ્પા કે અનુભવી મિત્રને પૂછો કે તેઓ કેવી રીતે મગજ શાંત રાખે છે.

તમારી પ્રગતિ પર નજર રાખો. ડાયરી કે નોટબુકમાં તમારી પ્રગતિની નોંધ રાખો. જ્યારે પણ તમે ગુસ્સે થઈ જાવ ત્યારે લખો કે (૧) શું બન્યું, (૨) તમે કેવી રીતે વર્ત્યા, અને (૩) એવા સંજોગમાં સારી રીતે વર્તવા બીજી વાર તમે શું કરશો? સમય જતાં તમને જોવા મળશે કે કોઈ ગમે એ કરે, તોપણ તમે સારી રીતે વર્તો છો! તમે ગુસ્સાને કાબૂમાં રાખી શકો છો! (g09-E 09)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં અમુક નામો બદલ્યાં છે.

આના વિષે વિચાર કરો

અમુક સમયે આપણે ધાર્યું પણ ન હોય એવા લોકો થોડી વાર ગુસ્સે થઈ ગયા હતા. આ દાખલાઓમાંથી આપણે શું શીખી શકીએ?

▪ મુસા.ગણના ૨૦:૧-૧૨; ગીતશાસ્ત્ર ૧૦૬:૩૨, ૩૩.

▪ પાઊલ અને બાર્નાબાસ.પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૬-૪૦.

[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]

બીજા યુવાનો શું કહે છે

“મને ગુસ્સો આવે ત્યારે હું એ વિષે ડાયરીમાં લખી લઉં અથવા મમ્મી સાથે વાત કરું છું. એનાથી મગજ ઠંડું રાખવા મને મદદ મળે છે.”એલૅક્સ, અમેરિકા.

“હું બહુ જ ટેન્શનમાં આવી જઉં ત્યારે ઝડપથી ચાલવા નીકળી પડું છું. એનાથી મને ઠંડા મગજે વિચાર કરવા મદદ મળે છે.”એલીઝાબેથ, આયર્લૅન્ડ.

“ગુસ્સો આવે ત્યારે, હું વિચાર કરું કે ‘જોરથી તાડુકીશ તો શું થશે?’ એમ વિચારવાથી મને ભાન થાય છે કે એનાથી તો કોઈનું ભલું નહિ થાય!”ગ્રેમ, ઑસ્ટ્રેલિયા.

[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]

શું તમે જાણો છો?

અમુક સમયે ઈશ્વરને પણ ગુસ્સો આવે છે. જોકે એ માટે યોગ્ય કારણ હોય છે. તે હંમેશા ગુસ્સાને કાબૂમાં રાખે છે. કદી ઉશ્કેરાતા નથી.—નિર્ગમન ૩૪:૬; પુનર્નિયમ ૩૨:૪ અને યશાયાહ ૪૮:૯ જુઓ.

[પાન ૨૮ પર ચિત્રનું મથાળું]

તમારા ગુસ્સાને ઊકળવા દેશો કે નહિ, એ તમારા જ હાથમાં છે