સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જો મા તંદુરસ્ત, તો બાળક તંદુરસ્ત

જો મા તંદુરસ્ત, તો બાળક તંદુરસ્ત

જો મા તંદુરસ્ત, તો બાળક તંદુરસ્ત

બાળક જન્મે ત્યારે કુટુંબમાં બધાની ખુશીનો પાર રહેતો નથી. બાળક તેની માના ખોળામાં નિરાંતે પડ્યું રહે છે. બાળકના જન્મથી પિતા ખુશ ખુશ થઈ જાય છે. દુનિયા ફરતે દરરોજ લાખો બાળકો પેદા થાય છે, અને ઘણા લોકોના ઘરમાં ખુશીનો માહોલ પેદા થાય છે. બાળકને જન્મ આપવો એ એક ચમત્કાર છે, પણ ઘણા એને સામાન્ય ગણે છે. તેઓનું કહેવું છે કે ‘બાળકને જન્મ આપવો એ એક કુદરતી ક્રિયા છે, તેથી એના વિષે ચિંતા કરવાની બહુ જરૂર નથી.’

એ સાચું છે કે પ્રસૂતિ વખતે મોટાભાગની સ્ત્રીઓને કંઈ ગંભીર તકલીફ થતી નથી, પણ હંમેશાં એવું હોતું નથી. એટલા માટે સમજદાર યુગલો પહેલેથી બધી તપાસ કરાવી લે છે, જેથી ગંભીર સમસ્યા ઊભી થવાની શક્યતા ઘટાડી શકે. દાખલા તરીકે, બાળકના જન્મ વખતે કેવી કેવી મુશ્કેલીઓ આવી શકે એ વિષે જાણકારી મેળવે છે. ગર્ભાવસ્થા દરમિયાન તેઓ નિયમિત ચેક-અપ કરાવે છે. વળી પ્રસૂતિ વખતે ઊભા થતા જોખમોને ઓછા કરવા પહેલેથી અમુક પગલાં લે છે. ચાલો આપણે આ બાબતો વિષે વધુ માહિતી જોઈએ.

સુવાવડ વખતે થતી તકલીફો

ગર્ભ રહ્યો હોય ત્યારે જો મા બહુ કાળજી ન રાખે તો પ્રસૂતિ વખતે મા અને બાળકને તકલીફ ઊભી થાય છે. ડૉ. ચ્યુંગ કામ-લાઉ, હૉંગ કૉંગની પ્રિન્સ ઑફ વેલ્સ હૉસ્પિટલમાં કામ કરે છે. તે બાળ ચિકિત્સક છે. તે કહે છે: ‘જો મા ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત ચેક-અપ ન કરાવે તો બાળક કે તેને જોખમ ઊભા થવાના ચાન્સ વધી જાય છે.’ તેમણે એમ પણ કહ્યું: ‘મોટા ભાગની સ્ત્રીઓ ચાહે છે કે તેઓનું બાળક તંદુરસ્ત હોય, ગોળમટોળ હોય. પણ અમુક વાર એવું બનતું નથી.’

મા પર આવતી મુશ્કેલીઓ વિષે એક પ્રખ્યાત તબીબી મૅગેઝિન કહે છે: ‘પ્રસૂતિ વખતે અનેક સ્ત્રીઓ મૃત્યુ પામે એના અમુક મહત્ત્વના કારણો છે.’ જેમ કે, બહુ લોહી ગુમાવવામાં આવે. બાળક બહાર આવતું હોય ત્યારે કોઈ નડતર ઊભું થાય. માને કોઈ ચેપી રોગ લાગે કે તેનું બી.પી. એકદમ વધી જાય. આ બધી તકલીફોનો ઇલાજ સામાન્ય છે. મોટાભાગના કિસ્સામાં ‘સારવાર માટે ખાસ કે આધુનિક સાધનોની જરૂર પડતી નથી.’—જરનલ ઑફ ધ અમેરિકન મેડિકલ વિમેન્સ એસોસિયેશન.

જો સારવાર માટે સારી હૉસ્પિટલો હોય તો બાળકને પણ ઘણો ફાયદો થાય છે. યુ.એન. ક્રૉનિકલ નામનું મૅગેઝિન કહે છે: ‘નવા જન્મેલા બાળકમાંથી આશરે ૬૬ ટકા બચી શક્યા હોત, જો બાળકને અને માને જોઈતી સારવાર મળી હોત. આ સારવાર માટે કોઈ ખાસ કે આધુનિક સાધનોની જરૂર નથી.’ ફિલિપાઈન્સની ન્યૂઝ એજન્સી મુજબ ઘણા બાળકો મરી જાય છે, કેમ કે ઘણી માતાએ ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી સંભાળ રાખી ન હતી. અથવા તો નિયમિત રીતે ડૉક્ટર પાસે તપાસ કરાવી ન હતી.

મા અને બાળક માટેના ચેક-અપ

યુ.એન. ક્રૉનિકલ મૅગેઝિન કહે છે કે ‘જો મા તંદુરસ્ત, તો બાળક તંદુરસ્ત.’ આ મૅગેઝિન એ પણ જણાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન, પ્રસૂતિ વખતે અને ત્યાર પછીના સમયમાં જો માતાને જરૂરી સારવાર નહિ મળે, તો બાળકને પણ જરૂરી સારવાર નહિ મળે.

અમુક દેશોમાં ગર્ભવતી સ્ત્રીઓને સારી સારવાર મળવી અઘરું હોય શકે. કદાચ એ મેળવવા માટે તેને બહુ દૂર સુધી મુસાફરી કરવી પડે કે પછી એનો ખર્ચ ના પોસાય. એવું હોય તોપણ, થોડી મદદ કે સારવાર માટે કમ-સે-કમ કોઈ ડૉક્ટર કે નર્સને મળવું જોઈએ. આ સલાહ ખાસ કરીને એવી સ્ત્રીઓ માટે બહુ મહત્ત્વની છે જેઓ બાઇબલના સિદ્ધાંત મુજબ જીવવા કોશિશ કરે છે. એનું કારણ એ છે કે ઈશ્વરની નજરમાં નાના હોય કે મોટા સર્વનું જીવન કીમતી છે. અરે, ગર્ભમાંના બાળકનું જીવન પણ કીમતી છે.—નિર્ગમન ૨૧:૨૨, ૨૩; * પુનર્નિયમ ૨૨:૮.

શું સારી સારવાર લેવાનો અર્થ એ થાય કે દર અઠવાડિયે ડૉક્ટરને બતાવવું જ જોઈએ? ના, એવું જરૂરી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) સ્ત્રીઓ ગર્ભવતી હોય ત્યારે અને જન્મ આપતી વખતે ઊભી થતી સામાન્ય તકલીફોનો અભ્યાસ કર્યો. તેઓનું કહેવું હતું કે ‘ગર્ભાવસ્થા દરમિયાન અમુક સ્ત્રીઓ ૧૨ કે વધારે વખત ચેક-અપ કરાવવા ગઈ હતી. જ્યારે કે અમુક ફક્ત ચાર વખત જ ગઈ હતી. જોકે આ બંને ગ્રૂપની સ્ત્રીઓને સરખો જેવો જ ફાયદો થયો હતો.’

ડૉક્ટર શું કરી શકે?

ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મા અને બાળકનું જીવન બચાવવા, અનેક ડૉક્ટર અને નર્સ આવા પગલાં લે છે:

▪ તેઓ સ્ત્રીનો તબીબી રેકોર્ડ તપાસે છે. અનેક ટેસ્ટ કરે છે, જેથી પારખી શકે કે મા કે બાળક પર કેવા જોખમ આવી શકે. એને કઈ રીતે ટાળી શકાય એ પણ જુએ છે.

▪ લોહી અને પેશાબના ટેસ્ટ કરવાથી આવી બીમારીઓ પારખી શકાય: આયર્નની કમી, કશાનો ચેપ, બાળક અને માના લોહીમાં મોટો તફાવત હોય, (આર.એચ. ઇન્કમ્પેટિબિલિટિ) ડાયાબિટીસ, ઓરી કે અછબડા જેવા ચેપી રોગ, જાતીયતાથી થતાં ચેપી રોગ અને કિડનીને લગતી બીમારી. આવી બીમારીઓ સ્ત્રીનું બી.પી. ખૂબ વધારી શકે છે.

▪ જરૂર પડે અને સ્ત્રી સહમત હોય તો ફ્લુ, ધનુર (ટેટ્‌નસ) કે આર.એચ. ઇન્કમ્પેટિબિલિટિ માટેની રસી આપી શકાય.

▪ તેઓ સ્ત્રીને અમુક વિટામિન અને ખાસ કરીને ફોલિક ઍસિડ લેવાનું કહેશે.

માતા કે બાળક માટે જોખમી બની શકે એવી અનેક બાબતો ડૉક્ટરો પારખી શકે છે. તેઓ એ ટાળવા સારવાર પણ આપશે. તેઓની મદદથી મા અને બાળકની સલામતીની તક વધી જશે.

જન્મ આપતી વખતે થતા ખતરા ટાળો

જોઈ ફૂમાફી નામના બહેન વિશ્વ આરોગ્ય સંસ્થામાં પહેલાં કામ કરતા હતા. તે કુટુંબ અને સમાજની તંદુરસ્તી સાચવી રાખતા વિભાગના આસિસ્ટંટ ડાઈરેક્ટર જનરલ હતા. તે કહે છે: ‘ગર્ભાવસ્થામાં સૌથી ખતરનાક સમય પ્રસૂતિનો સમય છે.’ આ સમયે શું કરી શકાય જેથી ગંભીર ને જીવલેણ મુશ્કેલીઓ ટાળી શકાય? પ્રસૂતિ થાય એ પહેલાં અમુક સામાન્ય પગલાં લેવા જરૂરી છે. * ખાસ કરીને એવી સ્ત્રીઓ માટે જે બાઇબલના માર્ગદર્શન મુજબ લોહી લેતી નથી. અથવા એવી સ્ત્રીઓ જે અમુક બીમારીને લીધે લોહી લેવા માંગતી નથી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૦, ૨૮, ૨૯.

જો વ્યક્તિ લોહી લેવા માગતી ન હોય તો તેણે લોહી વગરની સારવાર આપવામાં અનુભવી હોય એવા ડૉક્ટર કે નર્સ શોધવા જોઈએ. વળી, તેણે એ પણ તપાસ કરવી જોઈએ કે કોઈ હૉસ્પિટલ લોહી વગરની સારવાર આપવા તૈયાર છે કે કેમ. * આ જાણવા માટે ડૉક્ટરને આ બે પ્રશ્નો પૂછી શકો: ૧. પ્રસૂતિ વખતે જો મા કે બાળક ઓચિંતા ઘણું લોહી ગુમાવવા લાગે કે બીજી કઈ મોટી મુશ્કેલ ઊભી થાય તો તમે શું કરશો? ૨. જન્મ આપતી વખતે જો તમે હાજર ન હોવ તો મારી સારવાર માટે તમે કેવી ગોઠવણ કરશો?

સુવાવડના અમુક અઠવાડિયા પહેલા માતાએ રક્ત કણોની સંખ્યા નૉર્મલથી થોડી વધારે છે કે કેમ એ ચેક કરાવવું જોઈએ. જો ન હોય તો એની સંખ્યા વધારવા ડૉક્ટર કદાચ ફોલિક ઍસિડ, વિટામિન બી-ગ્રૂપ અને આયર્નની ગોળીઓ આપી શકે.

ડૉક્ટર અનેક બીજી બાબતોનો પણ વિચાર કરશે. જેમ કે ચેક-અપ દરમિયાન એવી કોઈ નિશાની જોવા મળી જે પાછળથી મુશ્કેલી ઊભી કરી શકે છે? શું ગર્ભવતી સ્ત્રીએ બહુ વખત ઊભા પગે રહેવાનું ટાળવાની જરૂર છે? શું તેને વધારે આરામની જરૂર છે? શું તેણે વજન વધારવા કે ઓછું કરવાની જરૂર છે? શું તેને વધારે કસરત કરવાની જરૂર છે? શું તેને શરીર અને દાંત સાફ રાખવા વધારે ધ્યાન આપવાની જરૂર છે?

સંશોધન બતાવે છે કે જો ગર્ભવતી સ્ત્રીને દાંતના રોગો હોય તો તેને પ્રિએક્લામ્પસીયા નામની બીમારી થવાની વધારે શક્યતા છે. એ ગંભીર બીમારીમાંથી આવી જાતની તકલીફો ઊભી થઈ શકે: ઓચિંતું વ્યક્તિનું બી.પી. વધી જાય. માથાનો બહુ દુખાવો. એડિમા એટલે કે શરીરમાં સોજો આવી જાય. * પ્રિએક્લામ્પસીયાને લીધે કસુવાવડ થઈ શકે. ખાસ કરીને આ બીમારીને લીધે ઘણી માતાઓ અને બાળકો વિકાસશીલ દેશોમાં મૃત્યુ પામે છે.

સારા ડૉક્ટર કોઈ પણ શરૂ થતા રોગની નિશાનીઓ પારખવા કોશિશ કરશે. જો સ્ત્રીને નવ મહિના પહેલા દુખાવો ઉપડે તો તરત જ તેને હૉસ્પિટલમાં દાખલ કરશે. એમ કરવાથી મા અને બાળકનો જીવ બચી શકે છે.

ડૉ. ક્વાઝી મોનિરુલ ઇઝલામ વિશ્વ આરોગ્ય સંસ્થામાં છે. ગર્ભાવસ્થા દરમિયાન સલામતી કેવી રીતે જાળવવી એ વિભાગના વડા છે. તે કહે છે: ‘સ્ત્રીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને બાળકને જન્મ આપે છે.’ જો ગર્ભાવસ્થા દરમિયાન, પ્રસૂતિ વખતે અને એના પછી પણ સારી સારવાર મળે, તો મા અને બાળકની ઘણી તકલીફો ઓછી થઈ શકે છે. અરે, મોતને પણ ટાળી શકે છે. સ્ત્રીને ભલે ઓછી સારવાર મળે, પણ તેણે પોતે પોતાની સંભાળ રાખવી જરૂરી છે. જો સ્ત્રીએ સારા, તંદુરસ્ત અને ગોળમટોળ બાળકને જન્મ આપવો હોય તો તેને પોતાની સંભાળ રાખવી જોઈએ. (g09-E 11)

[ફુટનોટ્‌સ]

^ મૂળ હેબ્રી ભાષામાં આ કલમ એવી કોઈ ઘટનાની વાત કરે છે જેમાં મા કે બાળકનું મોત થાય.

^ “સુવાવડ પહેલા તૈયારી કરો” બૉક્સ જુઓ.

^ જે યુગલ યહોવાહના સાક્ષી છે, તેઓ બાળકના જન્મ પહેલા નજીકની હૉસ્પિટલ લિએઝન કમિટીનો (એચ.એલ.સી.) સંપર્ક કરી શકે છે. આ કમિટીના સભ્યો હૉસ્પિટલ અને ડૉક્ટરની મુલાકાત કરે છે. તેઓ એવી વ્યક્તિઓ અને સંસ્થાને તબીબી માહિતી આપે છે, જેથી તેઓ યહોવાહના સાક્ષીઓને લોહી વગરની સારવાર આપી શકે. એ કમિટી એવા ડૉક્ટરોને શોધવા મદદ કરશે જે લોહી વગરની સારવાર આપવામાં અનુભવી છે.

^ ડૉક્ટરોને હજુ વધારે સંશોધન કરવાની જરૂર છે કે દાંતના રોગને લીધે પ્રિએક્લામ્પસીયા થવાની શક્યતા વધે છે કે કેમ. પણ જવાબ ભલે ગમે તે હોય, દાંત સાફ રાખવા જોઈએ.

[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]

ઑક્ટોબર ૨૦૦૭ના રિપોર્ટ મુજબ ગર્ભાવસ્થા દરમિયાન થતી મુશ્કેલીઓને લીધે દર મિનિટે એક સ્ત્રી મૃત્યુ પામે છે. એક વર્ષમાં ૫,૩૬,૦૦૦ સ્ત્રીઓ મૃત્યુ પામે છે.—યુનાઈટેડ નેશન્સ પૉપ્યુલેશન ફંડ

[પાન ૨૮ પર ચિત્રનું મથાળું]

‘દર વર્ષે ૩૩ લાખ બાળકો જન્મ વખતે મૃત્યુ પામતા હોય છે અને બીજા ૪૦ લાખથી વધારે જન્મના ૨૮ દિવસની અંદર જ મોતને ભેટે છે.’—યુ.એન. ક્રૉનિકલ મૅગેઝિન

[પાન ૨૯ પર ચિત્રનું મથાળું]

સુવાવડ પહેલા તૈયારી કરો

૧. સુવાવડ કરાવવા કઈ હૉસ્પિટલ કે ડૉક્ટર પાસે જશો, એ પહેલેથી નક્કી કરી લો.

૨. ડૉક્ટર કે નર્સને નિયમિત મળો અને તેઓ સાથે દોસ્તી બનાવવા પ્રયત્ન કરો.

૩. પોતાની તબિયતની સારી સંભાળ રાખો. જો શક્ય હોય તો જરૂરી વિટામિનની ગોળીઓ લઈ શકો. તમારા ડૉક્ટરને પૂછ્યા વગર કોઈ દવા (દુકાનમાંથી વેચાતી દવા પણ) ન લો. સારું કે તમે શરાબ ન પીવો. એક સંસ્થા કહે છે: ‘જે સ્ત્રી ઘણો દારૂ પીતી હોય, તેના બાળકને નુકસાન થવાની શક્યતા બહુ હોય છે. પણ એવું લાગે છે કે થોડા પ્રમાણમાં દારૂ પીવાથી બાળકને આડઅસર થઈ શકે છે.’—નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આલ્કોહોલ અબ્યૂઝ ઍન્ડ આલ્કોહોલિઝમ.

૪. જો નવમા મહિના પહેલા દુખાવો ઉપડે, તો તરત જ ડૉક્ટર પાસે કે હૉસ્પિટલમાં જાવ. એમ કરવાથી તમે કદાચ કસુવાવડ અને એનાથી થતી તકલીફો ટાળી શકો છો. *

૫. સારવારને લઈને જે પણ નિર્ણય લીધા હોય એ કાગળ પર બરાબર લખી લો. દાખલા તરીકે, બને એમ જલદી ડ્યુરેબલ પાવર ઑફ ઍટર્ની (ડી.પી.એ.) કાર્ડ ભરી શકો છો. ઘણા લોકોને એવું કાર્ડ રાખવાથી ફાયદો થયો છે. તપાસ કરો કે તમારા દેશમાં કેવા કાર્ડ કે ફોર્મ વપરાય છે જે કાયદેસર લોકો સ્વીકારશે.

૬. સુવાવડ પછી પણ તમારી અને બાળકની તબિયતની સંભાળ રાખજો. ખાસ કરીને જો તમારું બાળક અધૂરા મહિને જન્મ્યું હોય તો. જો બાળકમાં કંઈ પણ તકલીફ જુઓ તો તરત જ ડૉક્ટર પાસે લઈ જાવ.

[ફુટનોટ્‌સ]

^ જે બાળક અધૂરા મહિને જન્મે છે તેના અંગ બરાબર વિકસ્યા હોતા નથી. એથી તે પૂરતા પ્રમાણમાં રક્ત કણો બનાવી શકતું નથી. એવા એનીમિયાથી પીડાતા બાળકને સામાન્ય રીતે લોહી આપવામાં આવે છે.