ધૂમ્રપાન છોડવાના લાભ
ધૂમ્રપાન છોડવાના લાભ
‘ધૂમ્રપાન છોડવાનો સૌથી સારો ઉપાય એ છે કે વ્યક્તિ મનમાં ગાંઠ વાળે કે ધૂમ્રપાન છોડશે એટલે છોડશે જ. જેઓએ આવો નિર્ણય લીધો છે તેઓ આ આદત છોડી શક્યા છે.’—“ધૂમ્રપાન છોડો!” (અંગ્રેજી પુસ્તક)
જો તમે ધૂમ્રપાનથી છુટકારો ચાહતા હોવ, તો તમારે તમારા નિર્ણયને વળગી રહેવું પડશે. તમે એ નિર્ણયને કઈ રીતે વળગી રહી શકો? ધૂમ્રપાન છોડવાથી તમને કેટલા બધા ફાયદા થશે એનો વિચાર કરીને.
તમારા પૈસા બચશે. જો તમે રોજનું એક બીડી-સિગારેટનું પૅકેટ પૂરું કરતા હોવ, તો તમે વર્ષે હજારો રૂપિયા વેડફી દો છો. ગ્યાનુ નામની નેપાળી સ્ત્રી કહે છે: “મેં કદી વિચાર્યું જ નહિ કે હું તમાકુ પાછળ આટલા બધા રૂપિયા વેડફી નાખું છું.”
તમારી જિંદગી ખુશીથી છલકાઈ જશે. “ધૂમ્રપાન છોડ્યા પછી મેં નવી જિંદગી શરૂ કરી હોય એવું લાગ્યું. દિવસે-દિવસે મારી ખુશી વધતી જાય છે.” (રેજિના, દક્ષિણ આફ્રિકા) જ્યારે લોકો આ કુટેવ છોડી દે છે ત્યારે તેઓ પોતાનામાં ભારે ફરક જોઈ શકે છે. જેમ કે, સ્વાદ પારખવાની અને સૂંઘવાની ક્ષમતા વધે છે. વધારે તાકાત આવે છે. દેખાવમાં સુધારો થાય છે.
તમારી તંદુરસ્તી સુધરી શકે. “ધૂમ્રપાન છોડવાથી દરેક ઉંમરના સ્ત્રી-પુરુષની તબિયતમાં મોટા અને તાત્કાલિક ફેરફારો થાય છે.”—અમેરિકાનું રોગ નિયંત્રણ અને બચાવ ખાતું.
તમારો આત્મવિશ્વાસ વધશે. “મેં ધૂમ્રપાન કરવાનું બંધ કર્યું, કારણ કે હું તમાકુનો ગુલામ બનવા ચાહતો ન હતો. હું પોતાના શરીરનો માલિક બનવા ચાહતો હતો.”—હેનિંગ, ડેનમાર્ક.
તમારા કુટુંબ અને મિત્રોને લાભ થશે. ‘ધૂમ્રપાનની ખરાબ અસર તમારી આસપાસના લોકોની તબિયત પર પડે છે. સંશોધનો બતાવે છે કે લોકોએ પીધેલી બીડી-સિગારેટનો ધુમાડો બીજાઓને હાનિ કરે છે. એના લીધે દર વર્ષે હજારો લોકો ફેફસાંના કૅન્સર અને હૃદય રોગથી મરણ પામે છે.’—અમેરિકન કૅન્સર સોસાયટી.
તમારા સરજનહારને ખુશ કરશો. ‘પ્રિય મિત્રો, આપણા શરીરને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ.’ (૨ કોરીંથી ૭:૧, પ્રેમસંદેશ) ‘તમારાં શરીરોનું પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો.’—રૂમી ૧૨:૧.
“આપણા શરીરને અશુદ્ધ બનાવે એવી વસ્તુઓ ઈશ્વરને પસંદ નથી. આ બાબતની મને ખબર પડી ત્યારે મેં ધૂમ્રપાન છોડવાનું નક્કી કર્યું.”—સિલ્વીયા, સ્પેન.
જો તમે ધૂમ્રપાન છોડવાનો મક્કમ નિર્ણય લીધો હોય તો એ સારું કહેવાય. પણ અમુક વાર એ છોડવા માટે કુટુંબીજનો, મિત્રો કે બીજાઓની મદદ જરૂર પડે છે. તેઓ તમને કઈ રીતે મદદ કરી શકે? (g10-E 05)