ઈશ્વરની ભક્તિ કરવા શું શરીરને પીડા આપવી જોઈએ?
બાઇબલ શું કહે છે?
ઈશ્વરની ભક્તિ કરવા શું શરીરને પીડા આપવી જોઈએ?
આજે પોતાને પીડા આપવાના વિચારથી મોટા ભાગના લોકોના રુવાંટાં ઊભા થઈ જાય છે. પણ ઈશ્વરને રીઝવવા લોકો પોતાને પીડા આપવા અલગ અલગ રીતો વાપરે છે. જેમ કે પોતાને કોરડા મારવા, આકરાં ઉપવાસ કરવા, શરીરને પીડા આપે એવા વસ્ત્રો પહેરવા. આમ કરીને તેઓ બતાવે છે કે પોતે ઈશ્વરભક્ત છે. આ કંઈ જૂના જમાનાની વાત નથી, પણ આજે લોકો એવું કરે છે. તાજેતરના એક ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે ધર્મગુરુઓ પણ ઈશ્વરને ભજવા અલગ અલગ રીતોએ પોતાને પીડા આપે છે.
લોકો કેમ આવી રીતે ઈશ્વરની ભક્તિ કરવા પ્રેરાય છે? ખ્રિસ્તી પંથના એક પ્રવક્તાએ એના વિષે કહ્યું, ‘ઈસુ ખ્રિસ્તે આપણને પાપ અને મરણમાંથી છોડાવવા સ્વેચ્છાએ દુઃખ સહ્યું. એ જ રીતે આપણે પણ તેમના પગલે ચાલવા સ્વેચ્છાએ દુઃખ વહોરી લેવું જોઈએ. આમ આપણે ઈસુના દુઃખના ભાગીદાર બનીએ છીએ.’ પોતાને દુઃખ આપવા વિષે ભલેને ધર્મગુરુઓ ગમે તે કહે, પણ એના વિષે બાઇબલ શું કહે છે? ચાલો જોઈએ.
શરીરની સારી સંભાળ રાખો
ઈશ્વરને ભજવા દેહદમન વિષે બાઇબલ ઉત્તેજન નથી આપતું કે એને ચલાવી નથી લેતું. પણ એ જણાવે છે કે ઈશ્વરભક્તોએ પોતાના શરીરની સંભાળ રાખવી જોઈએ. નોંધ કરો કે બાઇબલમાં પતિ-પત્નીના પ્રેમ વિષે શું જણાવ્યું છે. પતિ જેમ પોતાના શરીરની સંભાળ રાખે છે એનો ઉલ્લેખ કરતા બાઇબલ જણાવે છે: ‘પતિએ જેમ પોતાનાં શરીર પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો જોઈએ. કોઈ માણસ પોતાના દેહને કદી ધિક્કારતો નથી; પણ તે એનું પાલનપોષણ કરે છે, જેમ ઈસુ પણ મંડળીનું કરે છે તેમ.’—એફેસી ૫:૨૮, ૨૯.
એ આજ્ઞા પરથી શું એવું લાગે છે કે બાઇબલ પોતાને પીડા આપવાનું ઉત્તેજન આપે? દેખીતું છે કે બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવવા ઇચ્છનારે પોતાના શરીરની સારી રીતે સંભાળ રાખવી જોઈએ. તેમ જ, પોતાના જીવનસાથીની પણ સંભાળ રાખવી જોઈએ, પ્રેમ બતાવવો જોઈએ.
પોતાના શરીરની સંભાળ રાખવા વિષે બાઇબલમાં ઘણા સિદ્ધાંતો આપ્યા છે. જેમ કે, થોડી કસરત કરવાથી લાભ થાય છે. (૧ તીમોથી ૪:૮) તેમ જ, દવા તરીકે અમુક ખોરાક લેવાથી કેવા ફાયદા છે અને અપૌષ્ટિક ખોરાકની કેવી માઠી અસર પડે છે. (નીતિવચનો ૨૩:૨૦, ૨૧; ૧ તીમોથી ૫:૨૩) બાઇબલ ઉત્તેજન આપે છે કે લોકોએ તંદુરસ્ત રહેવું જોઈએ. એનાથી તેઓ સારી રીતે કામ કરી શકશે. (સભાશિક્ષક ૯:૪) જો બાઇબલ તંદુરસ્તીની સંભાળ રાખવા જણાવતું હોય, તો શું એ પોતાના શરીરને ઇજા પહોંચાડવા કહી શકે?—૨ કોરીંથી ૭:૧.
ઈસુનું દુઃખ અનુભવવા શું દેહદમન કરવું જોઈએ?
ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યોએ દુઃખ સહ્યું હતું. એનો આજે ઘણી સંસ્થાઓ ખોટો અર્થ કાઢે છે કે આપણે પણ પોતાના શરીરને ઈજા પહોંચાડવી જોઈએ. પરંતુ, બાઇબલ જણાવે છે કે ઈસુના શિષ્યોએ પોતાની જાતને પીડા નહોતી આપી. ઈસુએ કેવું દુઃખ સહ્યું એ વિષે તેમના શિષ્યોએ બાઇબલમાં જણાવ્યું છે. એ દ્વારા તેઓ ઉત્તેજન આપતા હતા કે સતાવણી આવે ત્યારે એને સહેવી જોઈએ, નહિ કે સામે ચાલીને પોતાને પીડા આપવી જોઈએ. એટલે જેઓ જાણી જોઈને પોતાને દુઃખ પહોંચાડે છે તેઓ ઈસુના પગલે ચાલતા નથી.
એ સમજવા ચાલો એક દાખલો લઈએ. ધારો કે એક ટોળું તમારા મિત્ર સાથે ખરાબ રીતે વર્તે છે અને તેને એલફેલ બોલે છે. તમે જુઓ છો કે તમારો મિત્ર શાંત છે, તેમ જ તે કાબૂ નથી ગુમાવતો. હવે તમે તમારા મિત્ર જેવા બનવા માંગતા હોવ તો, શું પોતાને મારશો, પોતાને એલફેલ બોલશો? ના! એમ કરીને તો તમે ટોળા જેવા બનશો. પણ ખરેખર મિત્ર જેવા બનવા માંગતા હોય તો, એવા સંજોગોમાં તમે શાંત રહેશો. ઈંટનો જવાબ પથ્થરથી નહિ આપો.
ઈસુના દુશ્મનોએ તેમને હેરાન કર્યા અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. એટલે ઈસુનું દુઃખ અનુભવવા આપણે પોતાને પીડા આપવી જરૂરી નથી. (યોહાન ૫:૧૮; ૭:૧, ૨૫; ૮:૪૦; ૧૧:૫૩) એના બદલે સતાવણી આવે ત્યારે આપણે ઈસુની જેમ શાંતિથી એ સહેવી જોઈએ.—યોહાન ૧૫:૨૦.
બાઇબલની વિરુદ્ધ
ઈશ્વરે પ્રથમ સદી પહેલાંના યહુદીઓને શાસ્ત્રમાં જણાવ્યું હતું કે કેવી રીતે જીવવું અને તેમની ભક્તિ કરવી. તેઓને પોતાને હાનિ પહોંચે એવી બાબતોથી દૂર રહેવાની સાફ આજ્ઞા આપી હતી. જેમ કે, ઈશ્વરે મુસા દ્વારા યહુદીઓને નિયમો આપ્યા હતા. એમાં જણાવ્યું હતું કે પોતાના અંગ પર જાણી જોઈને ઈજા કરવી નહિ, જે એ સમયના બીજા ધર્મના લોકો કરતા હતા. (લેવીય ૧૯:૨૮; પુનર્નિયમ ૧૪:૧) પોતાના અંગ પર ઘા કરવાની કે ચાબુકથી ઈજા પહોંચાડવાની ઈશ્વર મનાઈ કરે છે. બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે જાણી જોઈને પોતાને હાનિ પહોંચાડીએ એ ઈશ્વરને જરાય પસંદ નથી.
દરેક કલાકાર ઇચ્છે છે કે તેની કલાની કદર કરવામાં આવે. એ જ રીતે, ઉત્પન્નકર્તા યહોવાહ ઇચ્છે છે કે તેમણે બનાવેલા માનવ શરીરની કદર કરીએ. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪-૧૬) જાણી જોઈને પોતાના શરીરને નુકસાન પહોંચાડવાથી ઈશ્વર સાથેનો નાતો મજબૂત થતો નથી, પણ નબળો થાય છે. એમ કરવું ઈસુના શિક્ષણની વિરુદ્ધ છે.
ઈશ્વર પ્રેરણાથી પાઊલે માણસોની ક્રૂર માન્યતા વિષે લખ્યું. તેઓના ‘નિયમો તો બસ માનવ-નિર્મિત ધર્મના ભાગરૂપ છે કે જે માણસોને નમ્રતાનો ઢોંગ અને દેહદમન કરવા પ્રેરે છે. પરંતુ આ નિયમો લોકોને તેઓના પાપી સ્વભાવ જે દુષ્કર્મો ઇચ્છે છે તે કરાવે છે, તેને અટકાવવામાં મદદ કરતા નથી.’ (કોલોસી ૨:૨૦-૨૩, ઈઝી ટુ રીડ વર્ઝન) ઈશ્વરની સમીપ જવા પોતાને પીડા આપવાથી કંઈ ફાયદો થતો નથી. ખરું કહીએ તો, ઈશ્વરના કહેવા પ્રમાણે ભક્તિ કરવાથી તાજગી અને પ્રેમ-ભાવ મળે છે. એવી ભક્તિ બોજરૂપ નથી.—માત્થી ૧૧:૨૮-૩૦. (g11-E 03)
શું તમે કદી વિચાર્યું છે?
● માનવ શરીર વિષે ઈશ્વરને કેવું લાગે છે?—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૩-૧૬.
● દેહદમન કરવાથી શું તમે ખોટી ઇચ્છાઓ સામે લડી શકશો?—કોલોસી ૨:૨૦-૨૩.
● શું ઈશ્વરની ભક્તિ બોજરૂપ હોવી જોઈએ?—માત્થી ૧૧:૨૮-૩૦.
[પાન ૧૧ પર બ્લર્બ]
ઈશ્વરે બાઇબલમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જાણી જોઈને પોતાને હાનિ પહોંચાડીએ એ તેમને જરાય પસંદ નથી
[પાન ૧૦ પર ચિત્રનું મથાળું]
એક શ્રદ્ધાળુ ઘૂંટણિયા ભરીને દર્દ સહેતા ચર્ચ તરફ જાય છે
[ક્રેડીટ લાઈન]
© 2010 photolibrary.com