શોકમાં ડૂબેલા લોકોને દિલાસો આપવા મદદ
શોકમાં ડૂબેલા લોકોને દિલાસો આપવા મદદ
“આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.
કોઈ પ્રિયજન ગુજરી જાય ત્યારે કદાચ શોકમાં ડૂબી જવાય. જેમ કે આઘાત લાગે, લાગણીશૂન્ય અને ઉદાસ કે ગુસ્સે થઈ જવાય. અરે, વ્યક્તિના મૃત્યુ માટે કદાચ પોતાને દોષ આપીએ. જોકે ગુજરી ગયેલી વ્યક્તિ માટે બધા જ જુદી જુદી રીતે શોક વ્યક્ત કરે છે. જો તમે કોઈ વહાલી વ્યક્તિને ગુમાવી હોય, તો જરૂરી નથી કે તમે પણ ઉપર જણાવ્યા પ્રમાણે શોકમાં ડૂબી જાઓ. કદાચ તમે સાવ અલગ રીતે શોક કરશો. તેમ છતાં, રડું આવે ત્યારે રડી લેવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી.
“દિલ ઠાલવીને રડી લો”
હિલોશીઆ પોતે ડૉક્ટર છે. તે કહે છે: “મારી મમ્મી ગુજરી ગઈ ત્યારે મેં મારી લાગણી દબાવી રાખી. શરૂઆતમાં હું રડી પડી. પણ પછી જાણે કોઈ દર્દી ગુજરી ગયું છે એમ માનીને મેં લાગણીઓ દબાવી દીધી. એના લીધે મારી તબિયત પર ખરાબ અસર થઈ. જેઓએ પ્રિયજન ગુમાવ્યું છે તેઓને મારે એટલું જ કહેવું છે કે મનમાં ને મનમાં દુઃખ ભરી ન રાખો પણ દિલ ઠાલવીને રડી લો. એમ કરવાથી દિલ હળવું થશે, સારું લાગશે.”
જોકે દિવસો અને અઠવાડિયાં વીતે તેમ તમને પણ કદાચ સિસિલ્યા જેવું લાગે. તેમના પતિ કૅન્સરમાં ગુજરી ગયા. સિસિલ્યા કહે છે: “બીજાઓને લાગે છે કે હવે તો મારે શોકમાંથી બહાર આવી જવું જોઈએ. પણ એમ થયું ન હોવાથી હું ઘણી વાર મારા પોતાથી હતાશ થઈ જાઉં છું.”
જો તમને પણ એવું લાગતું હોય તો નિરાશ ન થશો. ભૂલશો નહિ કે શોક વ્યક્ત કરવાની કોઈ એક રીત નથી. અમુક લોકો સહેલાઈથી પોતાના જીવનમાં પરોવાય જાય છે. જ્યારે કે બીજાઓને ઘણો સમય લાગે છે. શોકમાંથી બહાર આવવા ઉતાવળ ન કરશો. એવું ન વિચારશો કે ‘હવે તો’ શોકમાંથી બહાર આવી જ જવું જોઈએ. *
પણ તમે શોકમાંથી બહાર આવી શકતા ન હોવ અને હિંમત હારી જતા હોવ તો શું? કદાચ તમે પણ ઈશ્વરભક્ત યાકૂબ જેવું અનુભવો. તેમને જણાવવામાં આવ્યું કે તેમનો દીકરો યુસફ ગુજરી ગયો છે ત્યારે, તેમણે “દિલાસો પામવાને ના પાડી.” (ઉત્પત્તિ ૩૭:૩૫) તમે પણ એવું જ અનુભવતા હોવ તો, શોકમાંથી બહાર આવવા આ પગલાં ભરી શકો.
પોતાની સંભાળ રાખો. ‘અમુક વાર મને લાગે કે હું હદ ઉપરાંત થાકી ગઈ છું. હવે મારાથી કંઈ નહિ થાય.’ એવું સિસિલ્યા કહે છે. આ બતાવે છે કે શોકમાં હોઈએ ત્યારે એની શરીર અને લાગણીઓ પર ઊંડી અસર થાય છે. એ કારણે તમારે પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પૂરતો આરામ અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ.
ખરું કે, આવા સમયે તમને ખરીદી કરવાનું, રસોઈ બનાવવાનું અને ખાવાનું મન ન થાય. તેમ છતાં, પૌષ્ટિક ખોરાક નહિ ખાવ તો ચેપ લાગી શકે અને બીમાર પડી શકો. એમ થાય તો તમારું દુઃખ ઘટવાને બદલે વધી જશે. બીજું કઈ નહીં તો થોડું થોડું ખાવ જેથી તમારી તંદુરસ્તી જળવાઈ રહે.
બની શકે તો અમુક કસરત કરો. જેમ કે, થોડું ચાલવા જઈ શકો. એનાથી તમે ઘરમાંથી બહાર નીકળી શકશો. એ ઉપરાંત, થોડી કસરત કરવાથી તમારા મગજમાં એન્ડ્રોફીન નામનું તત્ત્વ ઉત્પન્ન થશે, જેનાથી તમે સારું અનુભવશો.
બીજાઓની મદદ સ્વીકારો. ખાસ કરીને લગ્ન સાથી ગુજરી ગયું હોય ત્યારે બીજાની મદદ લેવી ખૂબ જ ઉપયોગી છે. ગુજરી ગએલા સાથી પહેલાં કદાચ અમુક કામ કરતા હશે. જેમ કે, તે પૈસાની લેવડ દેવડ કરતા હશે કે પછી ઘરકામ કરતા હોય શકે. હવે શરૂઆતમાં એ જવાબદારી ઉપાડવી તમને અઘરું લાગી શકે. એવા સંજોગમાં કોઈ પ્રેમાળ મિત્રની સલાહ લેવાથી મદદ મળશે.—નીતિવચનો ૨૫:૧૧.
નીતિવચનો ૧૭:૧૭, IBSI) તેથી તમે મિત્રોને બોજ રૂપ બનશો એવું વિચારીને તેઓથી દૂર રહેશો નહિ. હકીકતમાં તેઓની સંગતથી દુઃખ હળવું કરવા તમને મદદ મળશે. શાલીબહેનની મમ્મી ગુજરી ગયા પછી બીજાઓ સાથે સંગત રાખવાથી તેમને મદદ મળી. તે કહે છે: ‘મમ્મીના ગુજરી ગયા પછી હું એકલતા અનુભવતી. પણ મિત્રો મને તેઓની પ્રવૃત્તિઓમાં હંમેશા બોલાવતા. એનાથી હું દુઃખ સહી શકી. જ્યારે કોઈ મારા ખબર અંતર પૂછે ત્યારે, મને ઘણું સારું લાગતું. હું જોઈ શકી કે મમ્મી વિષે વાત કરવાથી મને દુઃખ સહેવા મદદ મળી.’
બાઇબલ જણાવે છે કે સાચો મિત્ર ‘જરૂરના સમયે મદદરૂપ થવા જન્મ્યો છે.’ (મીઠી યાદો તાજી કરો. ગુજરી ગયેલાની ખોટ સાલવા મદદ મળે માટે તમે મીઠી યાદો તાજી કરી શકો. એ માટે ફોટા જોઈ શકો. ખરું કે શરૂ શરૂમાં એમ કરવું અઘરું લાગે, પણ સમય જતા એ મીઠી યાદો તમને દુઃખ સહેવા મદદ કરશે.
તમે ડાયરી લખી શકો. એમાં તમે સાથે પસાર કરેલી મીઠી યાદો લખી શકો. તેમ જ, વ્યક્તિ હજી જીવતી હોત તો, તમે શું કહ્યું હોત એ પણ લખી લો. કાગળ પર જે લખ્યું છે એને વાંચવાથી તમે પોતાની લાગણીઓ વધારે સમજી શકશો. તેમ જ, એને શબ્દોમાં ઠાલવી શકશો.
ગુજરી ગયેલી વ્યક્તિની શું કોઈ વસ્તુઓ રાખવી જોઈએ? એ વિષે બધાના વિચારો એકસરખા નથી. દરેક વ્યક્તિ જુદી જુદી રીતે શોક પાળે છે. અમુક લોકોનું માનવું છે કે ચીજ વસ્તુઓ રાખવાથી શોકમાંથી બહાર નહિ આવી શકીએ. જ્યારે કે બીજાઓને એ રાખવાથી મદદ મળે છે. આપણે આગળ શાલી વિષે જોઈ ગયા તે કહે છે કે “મમ્મીની ઘણી વસ્તુઓ મેં સાચવી રાખી છે. એનાથી મને મદદ મળી.” *
‘સર્વ દિલાસાના ઈશ્વર’ પર આધાર રાખો. બાઇબલ કહે છે: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) નામ ખાતર ઈશ્વરને પ્રાર્થના કરવાથી લાભ થતો નથી. પણ ‘સર્વ દિલાસાના ઈશ્વર’ આગળ દિલ ઠાલવવાથી તે બધી ‘દુઃખ-તકલીફમાં આપણને દિલાસો આપે છે.’—૨ કોરીંથી ૧:૩, ૪.
ઈશ્વરે બાઇબલ આપ્યું છે અને એમાંથી સૌથી સારો દિલાસો મળે છે. ઈશ્વર ભક્ત પાઊલે લખ્યું ‘ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે એવી હું પણ ઈશ્વરમાં આશા રાખું છું.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) બાઇબલ શીખવે છે કે ગુજરી ગયેલાઓને સજીવન કરવામાં આવશે. શોકમાં હોઈએ ત્યારે એ આશા વિષે વાંચવાથી ખૂબ જ દિલાસો મળે છે. * લોરેનનો નાનો ભાઈ અકસ્માતમાં ગુજરી ગયો. તેને બાઇબલમાંથી સજીવનની આશા વિષે વાંચવાથી મદદ મળતી. તે કહે છે: ‘ભલે હું ગમે તેટલી દુઃખી હોઉં તોપણ બાઇબલનો અમુક ભાગ વારંવાર વાંચતી. એનાથી મને દિલાસો મળતો. દાખલા તરીકે, લાજરસ ગુજરી ગયા પછી ઈસુએ તેમની બહેન મારથાને કહ્યું કે “તારો ભાઈ પાછો ઊઠશે.” એ શબ્દોમાંથી મને ઘણો દિલાસો મળતો.’—યોહાન ૧૧:૨૩.
‘શોકના ગુલામ બનશો નહિ’
ખરું કે પ્રિયજનને ગુમાવ્યા હોવાનું દુઃખ સહેવું અઘરું છે. પણ એ શોકમાંથી બહાર આવીશું તો જ જીવવું સહેલું બનશે. રોજિંદા કામમાં પાછા પરોવાઈ જવાથી પ્રિયજનને ભૂલી ગયા છો એમ ન માનો. હકીકતમાં, તમે તેમને કદી ભૂલી જ નહિ શકો. અમુક સમયે લાગણીઓ ઊભરાઈ આવશે, પણ સમય જતા શોકની લાગણીઓ હળવી થશે.
ખાટી-મીઠી યાદો આવવાથી તમે કદાચ મનમાં હરખાશો. દાખલા તરીકે, એશ્લી કહે છે: ‘મમ્મી ગુજરી ગયા એના આગલા દિવસે તેમને ઘણું સારું હતું. ઘણા દિવસો પછી તે પથારીમાંથી બહાર નીકળ્યા હતા. મારી મોટી બહેન તેમના વાળ ઓળવતી હતી ત્યારે, કોઈ વાતને લીધે અમે ત્રણેય હસી પડ્યા. ઘણા દિવસો પછી મે મમ્મીના ચહેરા પર સ્મિત જોયું. પોતાની બન્ને દીકરીઓ પાસે હોવાથી તે બહુ ખુશ હતા. એ ઘડી મને આજે પણ યાદ છે.’
પ્રિયજનો પાસેથી તમે જે અમૂલ્ય બાબતો શીખ્યા હતા એ પણ તમને યાદ આવશે. આગળ જે શાલીબહેન વિષે વાત કરી તે કહે છે: ‘મમ્મીની શીખવવાની રીત બહુ સારી હતી. તે એવી રીતે બોલતા કે ખબર પણ ન પડે સલાહ આપી રહ્યા છે. તેમણે શીખવ્યું કે મમ્મી-પપ્પા કહે છે એટલે નહિ, પણ જાતે સારા નિર્ણયો લેવા જોઈએ.’
જીવન જીવવા પ્રિયજનોની મીઠી યાદો ખૂબ જ ઉપયોગી બને છે. યુવાન એલેક્ષનો પણ એવો જ અનુભવ છે. તે કહે છે, ‘પપ્પાએ શીખવ્યું હતું કે જીવનનો આનંદ માણવો જોઈએ. તે ગુજરી ગયા પછી પણ હું એ જ રીતે જીવું છું. જો તમારા મમ્મી કે પપ્પા ગુજરી ગયા હોય, તો હું આટલું કહીશ: તમે તેઓને કદી ભૂલી શકશો નહિ. તેઓની ખોટ સાલે તોપણ શોકના ગુલામ બનશો નહિ. દુઃખ તો થશે પણ હિંમત ન હારશો. તમારે હજી જીવનનો આનંદ માણવાનો છે.’ (g11-E 04)
[ફુટનોટ્સ]
^ એવા સમયે આ બાબતો વિષે ઉતાવળે નિર્ણય ન લેવો જોઈએ. જેમ કે ઘર બદલવું કે બીજા જીવનસાથીની શોધ કરવી. જીવનમાં સ્થાયી થવા પૂરતો સમય આપ્યા પછી કદાચ એવા ફેરફાર કરવાનું વિચારી શકો.
^ દરેક વ્યક્તિ જુદી જુદી રીતે શોક પાળે છે. તેથી મિત્રો કે સગાં વહાલાંઓએ શોક કરનારને કોઈ દબાણ કરવું નહિ.—ગલાતી ૬:૨, ૫.
^ મરણ પછી વ્યક્તિનું શું થાય છે અને સજીવનની આશા વિષે વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પ્રકરણ ૬ અને ૭ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૩૦ પર ચિત્રનું મથાળું]
પોતાનો જ દોષ દેખાય તો શું?
[પાન ૩૦ પર ચિત્રનું મથાળું]
તમને એવું લાગી શકે કે ‘એ મારો જ વાંક હતો. મેં વધારે ધ્યાન રાખ્યું હોત તો, આમ ન થાત.’ ભલે તમારો દોષ હોય કે તમને ફક્ત એવું લાગતું હોય, છતાં પણ એ વિષે વાત કરવાથી મદદ મળી શકે. આવું દુઃખ મનમાં ભરી ન રાખો. તમારું હૈયું કોઈની આગળ ઠાલવો, એનાથી તમારું મન હળવું થશે.
જોકે, એક વાત સો ટકા સાચી છે: ભલે આપણે કોઈને દિલોજાનથી ચાહતા હોઈએ, આપણે તેઓને મોતના મોંમાંથી બચાવી શકતા નથી. આપણે કોઈ પણ એકબીજા પર આવી પડતી અણધારી આફત રોકી શકતા નથી. (સભાશિક્ષક ૯:૧૧) સંજોગો પ્રમાણે તમે જે કર્યું એ તેઓના ભલા માટે જ હતું. દાખલા તરીકે, શું તમે જાણી-જોઈને ડૉક્ટરને ન બોલાવ્યા, જેથી તે વ્યક્તિ વધારે બીમાર થઈને ગુજરી જાય? જરાય નહિ! તમે બને તેમ ડૉક્ટરને જલદી બોલાવ્યા હશે. તો પછી, જો તમારું કોઈ સગું-વહાલું મોતની નીંદરમાં ઊંઘી જાય, તો શું એ ખરેખર તમારો વાંક છે? ના.
એક માની લાડલી દીકરી કાર ઍક્સિડન્ટમાં મરણ પામી. તે કહે છે: “મેં તેને બજારમાં શોપીંગ કરવા મોકલી હતી, એટલે મને લાગ્યું કે એ મારો જ વાંક હતો. પરંતુ . . . તે તો તેના પપ્પા સાથે બજારમાં ગઈ હતી. હા, એ સંજોગો જ એવા બન્યા કે ભયંકર અકસ્માત તેને ઝૂંટવી ગયો.”
તમે કહેશો કે ‘કાશ, મેં આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો સારું થાત.’ પરંતુ, આપણામાંનું કોણ ભૂલ નથી કરતું? બાઇબલ જણાવે છે: “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે.” (યાકૂબ ૩:૨; રૂમી ૫:૧૨) તેથી, આપણે સર્વ ભૂલ તો કરવાના જ. તમે પોતાને માથે જ દોષ મૂક્યા કરશો તો, તમે શોકમાંથી બહાર આવવાને બદલે એમાં ડૂબતા જ જશો.*
* ગુજરી ગયેલાનું દુઃખ સહેવું પુસ્તિકામાંથી આ બૉક્સ લીધું છે. એ પુસ્તિકા યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.
[પાન ૩૧ પર ચિત્રનું મથાળું]
‘ભલે હું ગમે તેટલી દુઃખી હોઉં તોપણ બાઇબલનો અમુક ભાગ વારંવાર વાંચતી’—લોરેન
[પાન ૨૯ પર ચિત્રનું મથાળું]
કદાચ અમુક વખતે શોકાતુર પિતાએ પણ દીકરાને દિલાસો આપવો પડે
[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]
ડાયરી લખવાથી, ફોટા જોવાથી અને બીજાઓની મદદ લેવાથી પ્રિયજન ગુમાવ્યાનું દુઃખ સહેવા મદદ મળશે