શું આપણાં દુઃખોની ઈશ્વરને કંઈ પડી છે?
શું આપણાં દુઃખોની ઈશ્વરને કંઈ પડી છે?
નવેમ્બર ૧, ૧૭૫૫ની સવારે, પોર્ટુગલના લીસબન શહેરમાં જબરજસ્ત ભૂકંપ થયો. સુનામીના રાક્ષસી મોજાં ત્રાટક્યાં અને આગ ફાટી નીકળી. મોટા ભાગના શહેરનો નાશ થયો અને હજારો લોકો મરણ પામ્યા.
૨૦૧૦ હૈતીમાં ધરતીકંપ થયો એના અમુક સમય પછી કૅનેડાના એક છાપાના તંત્રીએ લખ્યું: ‘બધી જ મોટી-મોટી આફતો લોકોની શ્રદ્ધાની કસોટી કરે છે. લીસબનની જેમ આજે હૈતીમાં થયેલા ભૂકંપથી લોકોની શ્રદ્ધાની કસોટી થઈ છે. જાણે ઈશ્વરે હૈતીને તજી દીધું હોય એવું લાગે છે.’—નૅશનલ પૉસ્ટ.
બાઇબલ કહે છે કે યહોવા ઈશ્વરમાં અપાર શક્તિ છે. તે સર્વ દુઃખ મિટાવી શકે છે. (ગીતશાસ્ત્ર ૯૧:૧) આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે ઈશ્વરને આપણી પડી છે. શાના આધારે એમ કહી શકીએ?
ઈશ્વર વિષે આપણે શું જાણીએ છીએ?
તેમને દુઃખી મનુષ્યો પર દયા આવે છે. ચાલો ઈસ્રાએલીઓનો દાખલો લઈએ. મિસરમાં (ઇજિપ્તમાં) તેઓ ગુલામ હતા. મિસરીઓ તેઓ પર જુલમ ગુજારતા હતા. એ જોઈને ઈશ્વરે મુસાને કહ્યું: “મેં મિસરમાંના મારા લોકનું દુઃખ નિશ્ચે જોયું છે, ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે; કેમ કે તેઓનો ખેદ હું જાણું છું.” (નિર્ગમન ૩:૭) એ બતાવે છે કે મનુષ્યનું દુઃખ જોઈને ઈશ્વરને દુઃખ થાય છે. ઈસ્રાએલીઓએ સહેલા જુલમ વિષે સદીઓ પછી ઈશ્વરભક્ત યશાયાએ લખ્યું: “તેમનાં સર્વ દુઃખમાં તે દુઃખી થયો.”—યશાયા ૬૩:૯.
‘તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે.’ (પુનર્નિયમ ૩૨:૪) ઈશ્વર કદી કોઈનો પક્ષ લેતા નથી. ‘તે પોતાના ભક્તોના માર્ગનું રક્ષણ કરશે.’ તેમ જ પોતાના ભક્તોને ‘જેઓ દુઃખ દે છે તેઓને દુઃખનો બદલો આપશે.’ (નીતિવચનો ૨:૮; ૨ થેસ્સાલોનીકી ૧:૬, ૭) બાઇબલ કહે છે: “તે સરદારોની શરમ નથી રાખતો, અને ગરીબ કરતાં ધનવાનને વધારે નથી ગણતો, તેઓ સર્વ તેના હાથનાં કૃત્યો છે.” (અયૂબ ૩૪:૧૯) મનુષ્યના સર્વ દુઃખ મિટાવવાનો સૌથી સારો ઇલાજ યહોવા ઈશ્વર પાસે છે. એની સરખામણીમાં મનુષ્ય પાસે કેવો ઇલાજ છે એ સમજવા એક દાખલો લઈએ. કોઈ વ્યક્તિને ગોળી વાગી હોય તો, એના ઘા પર બેન્ડેજ લગાવવાથી ઉપર ઉપરથી સારું લાગશે. પણ મૂળ તકલીફ અને દુખાવો તો રહેવાના જ છે.
યહોવા ઈશ્વર ‘દયાળુ, કૃપાળુ અને અનુગ્રહથી ભરપૂર’ છે. (નિર્ગમન ૩૪:૬) બાઇબલમાં “દયાળુ” શબ્દનો અર્થ હમદર્દી બતાવવી પણ થાય છે. દયાળુ વ્યક્તિ બીજાનું દુઃખ હળવું કરવા મદદ કરે છે. મૂળ હેબ્રીમાં ‘કૃપાળુ’ ભાષાંતર થયેલા શબ્દનો અર્થ થાય ‘લાચાર વ્યક્તિને પૂરા દિલથી કંઈ પણ મદદ કરવી.’ બાઇબલના એક શબ્દકોશ પ્રમાણે “અનુગ્રહ”નો અર્થ ‘અપાર પ્રેમ અને દયા થાય છે. એમાં બીજાના દુઃખમાં ભાગીદાર બનવાનો’ પણ સમાવેશ થાય છે. (થીઓલોજીકલ ડિક્શનરી ઑફ ધી ઓલ્ડ ટેસ્ટામેન્ટ.) મનુષ્ય પર દુઃખ આવે છે એ જોઈને યહોવાને ખૂબ દુઃખ થાય છે. એટલું જ નહિ, તેઓ પર તેમને દયા, કૃપા અને અપાર પ્રેમ હોવાથી મદદ કરવા પણ ચાહે છે. તેથી આપણે ભરોસો રાખી શકીએ કે તે જરૂર સર્વ દુઃખોને કાયમ માટે મિટાવી દેશે.
આપણે આગલા લેખમાં જોઈ ગયા કે ઈશ્વર દુઃખ લાવતા નથી. પણ ત્રણ કારણોને લીધે મનુષ્ય પર દુઃખ આવે છે. ચાલો જોઈએ કે એ ત્રણ કારણો પાછળ કોનો હાથ છે. (g11-E 07)
પોતાની પસંદગી
શરૂઆતમાં આદમ રાજી-ખુશીથી યહોવા ઈશ્વરના કહેવા પ્રમાણે ચાલતો હતો. પરંતુ તેની આગળ પસંદગી મૂકવામાં આવી ત્યારે તેણે ઈશ્વરથી મોં ફેરવી લીધું. એનાથી આવતા અંજામ તેણે ભોગવ્યા. ઉત્પત્તિ ૨:૧૭માં યહોવાએ આપેલી ચેતવણી તેણે નકારી: “તું મરશે જ મરશે.” યહોવાના ન્યાયી નિયમ તોડવાથી મનુષ્યમાં પાપ અને મરણ આવ્યા. બાઇબલ કહે છે: “એક માણસથી [આદમથી] જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” (રોમનો ૫:૧૨) પરંતુ, યહોવા બહુ જ જલદી પાપ અને મરણને મૂળમાંથી કાઢી નાખશે.
અણધાર્યા બનાવો
આપણે ઉપર જોયું તેમ પ્રથમ માણસ આદમે, યહોવા ઈશ્વરના માર્ગદર્શનો નકાર કર્યો. ઈશ્વરના માર્ગે તે ચાલ્યો હોત તો, કોઈ દુઃખ ન આવત. અરે, કુદરતી આફતો પણ ન આવત. આદમે લીધેલા નિર્ણયની સરખામણી એવા દર્દી સાથે કરી શકાય, જે અનુભવી ડૉક્ટર પાસેથી સારવાર લેવાનો ઇનકાર કરે છે. ડૉક્ટર જાણે છે કે દર્દી પોતાના પગ પર કુહાડી મારી રહ્યો છે. પણ દર્દી જાણતો નથી કે ડૉક્ટરનો ઇનકાર કરવાથી તેને અને બીજાઓએ પણ સહેવું પડશે. એવી જ રીતે મનુષ્યે પણ ઈશ્વરના માર્ગદર્શનો નકાર કર્યો છે. તેઓ પૃથ્વીની બરાબર સંભાળ રાખી શકતા નથી. તેમ જ, પૃથ્વીના કુદરતી બળની અવગણના કરીને અસલામત ઘરો બાંધે છે. એના લીધે કુદરતી આફતો આવે ત્યારે ભારે નુકશાન થાય છે. જોકે યહોવા ઈશ્વર આવી પરિસ્થિતિ હંમેશા ચાલવા નહિ દે.
‘આ જગતનો અધિકારી’
ઘણા લોકો કહેશે કે ‘શેતાને બળવો પોકાર્યો તોય યહોવાએ કેમ તેને ધરતી પર રાજ કરવા દીધું?’ એક પુસ્તક પ્રમાણે, “કોઈ પણ નવી સરકાર સત્તામાં આવે પછી મુશ્કેલીઓ ઊભી થાય તો, એ જૂની સરકારનો વાંક કાઢશે.” હવે વિચારો કે યહોવાએ ‘આ જગતના અધિકારી,’ શેતાનનો સમય પહેલાં નાશ કર્યો હોત તો શું થાત? યહોવાનો વાંક કાઢવામાં આવત કે આગળની સરકાર સારી ન હતી. (યોહાન ૧૨:૩૧) જોકે ધરતી પર શેતાનને રાજ કરવા પૂરતો સમય આપ્યો હોવાથી, સાબિત થાય છે કે તેનું રાજ નિષ્ફળ ગયું છે. તોપણ સવાલ રહેલો છે: ‘યહોવા ઈશ્વર સર્વ દુઃખ દૂર કરશે એનો આપણી પાસે શું પુરાવો છે?’
[પાન ૬ પર ચિત્ર]
શું ડૉક્ટર ગોળી વાગેલા ઘા પર ફક્ત બેન્ડેજ લગાવીને લોહી બંધ કરશે?