તમારા યુવાનોને નિયમો પાળતા શીખવવું
કુટુંબ માટે મદદ | બાળકોનો ઉછેર
તમારા યુવાનોને નિયમો પાળતા શીખવવું
મુશ્કેલી
તમે તમારા કુટુંબ માટે નિયમ બનાવ્યો હોય કે રાત્રે ૯ વાગ્યા પછી કોઈએ મોબાઇલ વાપરવો નહિ. પણ આ અઠવાડિયે તમારી દીકરીને અડધી રાત વીતી ગયા પછી પણ તમે બે વાર એસએમએસ કરતા જોઈ. તમારા દીકરાને રાત્રે દસ વાગ્યા સુધીમાં ઘરે આવી જવા તમે કહ્યું હોય. પણ ગઈ કાલે રાત્રે તે ફરીથી ૧૧ વાગ્યે ઘરે આવ્યો.
ખરું કે તમારા તરુણે ભૂલ કરી છે. પણ તમારે સમજવાની જરૂર છે કે તે કેમ નિયમ તોડતો હોય શકે. તમને લાગે કે તે બંડખોર છે, પણ ખુશીની વાત છે કે કદાચ એ બાબત તમે ધારો છો એટલી ગંભીર નથી.
એવું શા માટે બને છે?
ચોક્કસ હદ ન ઠરાવી હોય. અમુક તરુણો એ જોવા નિયમો તોડે છે કે પોતાને કેટલી હદ સુધી છૂટ મળી શકે છે. દાખલા તરીકે, માબાપે કહ્યું હોય કે આ નિયમ તોડશો તો આમ થશે. તરુણો કદાચ એ જોવા માટે નિયમો તોડશે કે માબાપ જે કહે એ કરે છે કે નહિ. શું આવા તરુણો બંડખોર બની રહ્યા છે? ના. હકીકતમાં, જો માબાપે ચોક્કસ હદ ઠરાવી ન હોય અથવા નક્કી કરેલી શિસ્ત આપવામાં ન આવે, તો મોટા ભાગે તરુણો નિયમો પાળવા બેદરકારી બતાવે છે.
કડક નિયમો. અમુક માબાપ પોતાના તરુણને કાબૂમાં રાખવા એક પછી એક નિયમો બનાવતા જાય છે. તરુણ એ પાળે નહિ ત્યારે, માબાપ ગુસ્સે થઈ જાય છે અને હજુ વધારે નિયમો બનાવે છે. જોકે, મોટા ભાગે એનાથી વાત વધારે બગડે છે. એક પુસ્તક કહે છે: ‘તમે તમારા યુવાનને જેટલો કાબૂમાં રાખવા ચાહશો, એટલો જ એ વિરોધ કરશે. કાબૂમાં રાખવાની બાબત એવી છે કે જાણે ઠંડા બટરને બ્રેડ પર લગાવવાનો પ્રયત્ન કરવો. એનાથી તો બ્રેડ તૂટી જશે. એનો ઉકેલ એ નથી કે વધારે જોરથી બટર લગાવવું.’—પેરન્ટ/ટીન બ્રેકથ્રૂ.
યોગ્ય શિસ્ત મદદ કરી શકે. “સજા” કરવાનો અર્થ થાય કે વ્યક્તિને દુઃખી કરવી. જ્યારે કે “શિસ્ત” આપવાનો અર્થ થાય શીખવવું. તમારા તરુણને કુટુંબના નિયમો પાળવાનું કઈ રીતે શીખવી શકો?
તમે શું કરી શકો?
સ્પષ્ટ કહો. યુવાનોએ સ્પષ્ટ જાણવાની જરૂર છે કે તમે તેઓ પાસેથી શું ચાહો છો અને એમ નહિ કરવાનાં કેવાં પરિણામો આવશે.—બાઇબલ સિદ્ધાંત: ગલાતી ૬:૭.
સૂચન: કુટુંબના નિયમોનું લિસ્ટ બનાવો. પછી પોતાને પૂછો, ‘શું મેં વધારે પડતા બનાવ્યા છે? કે પછી બહુ ઓછા બનાવ્યા છે? શું અમુક નિયમોની હવે કોઈ જરૂર નથી? મારો દીકરો કેટલો જવાબદાર છે, એના આધારે શું મારે આ નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે?’
જે કહો એ કરો. ગયા અઠવાડિયે કંઈ ખોટું કરવા બદલ તમે તરુણોને જવા દીધા હોય. પણ, આ અઠવાડિયે તમે એવી જ કોઈ ભૂલની સજા કરો તો તેઓ ગૂંચવાઈ જઈ શકે.—બાઇબલ સિદ્ધાંત: માથ્થી ૫:૩૭.
સૂચન: “ગુના” પ્રમાણે સજા આપવાનો પ્રયત્ન કરો. દાખલા તરીકે, જો તમારો દીકરો મોડો આવ્યો હોય, તો સજા તરીકે એથી વહેલા આવવા કહો.
વાજબી બનો. તમારો તરુણ જવાબદાર વ્યક્તિ તરીકે વર્ત્યો હોય તો, એ પ્રમાણે તેને વધારે છૂટ આપીને વાજબી માબાપ બનો.—બાઇબલ સિદ્ધાંત: ફિલિપી ૪:૫.
સૂચન: તમારા તરુણ સાથે બેસીને નિયમોની વાતચીત કરો. જો તેઓ અમુક નિયમો તોડે, તો શું કરવું જોઈએ એ તેઓને પૂછી શકો. જે નિયમો બનાવવામાં તરુણોએ પોતે ભાગ લીધો હોય, એ તેઓ મોટા ભાગે સહેલાઈથી પાળે છે.
તેઓને સારી વ્યક્તિ બનાવો. તમારો ધ્યેય ફક્ત એ જ નથી કે તરુણ તમારા નિયમો પાળે. તમે તો તેને શુદ્ધ અંતઃકરણ કેળવવા મદદ કરવા માગો છો, જેનાથી તે ખરું-ખોટું પારખી શકશે. (“તરુણોમાં સારા ગુણો કેળવો” બૉક્સ જુઓ.)—બાઇબલ સિદ્ધાંત: ૧ પીતર ૩:૧૬.
સૂચન: બાઇબલની મદદ લો. ‘ડહાપણભરી રીતે વર્તવા’ એ સૌથી સારી મદદ છે. એનું જ્ઞાન “ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને [અથવા સ્ત્રીને] વિદ્યા તથા વિવેકબુદ્ધિ” આપી શકે છે.—નીતિવચનો ૧:૧-૪. ◼ (g13-E 05)
[પાન ૧૪ પર ચિત્ર]
[પાન ૧૪ પર ચિત્ર]
[પાન ૧૪ પર બોક્સ]
મહત્ત્વની કલમો
“કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે.”—ગલાતી ૬:૭.
“તમારું બોલવું તે હાનું હા, ને નાનું ના હોય.”—માથ્થી ૫:૩૭.
‘તમારી સહનશીલતા જાણવામાં આવે.’—ફિલિપી ૪:૫.
“શુદ્ધ અંતઃકરણ રાખો.”—૧ પીતર ૩:૧૬.
[પાન ૧૪ પર બોક્સ]
તરુણોમાં સારા ગુણો કેળવો
તમારા બાળકને એ વિચારવા મદદ કરો કે પોતે કેવી વ્યક્તિ તરીકે ઓળખાવા માગે છે. મુશ્કેલીમાં સારા નિર્ણયો લેતા શીખવા યુવાનોને નીચે આપેલા સવાલો મદદ કરી શકે છે:
▪ હું કેવી વ્યક્તિ બનવા ચાહું છું?—કોલોસી ૩:૧૦.
▪ ઈસુ જેવા સ્વભાવવાળી વ્યક્તિ આવી મુશ્કેલીમાં શું કરશે?—નીતિવચનો ૧૦:૧.
બાઇબલમાં એવી ઘણી વ્યક્તિઓના અનુભવો છે, જેઓનાં કાર્યો બતાવે છે કે તેઓ સારા હતા કે ખરાબ. (૧ કોરીંથી ૧૦:૧૧; યાકૂબ ૫:૧૦, ૧૧) આ દાખલાઓ વાપરીને તમારા દીકરા-દીકરીને સારા ગુણો કેળવવા મદદ કરો.
(સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૧, પાન ૧૬-૨૮ જુઓ)
કુટુંબને લગતી મદદ માટે આ વેબસાઇટ જુઓ: www.dan124.com